પ્રતિમાં ખંડનની ઘટનાઓને વડા પ્રધાન મોદીએ વખોડી, ગૃહ વિભાગ કડક

શ્યામા પ્રસાદ મુખરજીની પ્રતિમા

હાલ દેશભરમાં વિવિધ જગ્યાએ પ્રતિમાઓ તૂટી રહી છે, ત્રિપુરા અને તામિલનાડુ બાદ હવે કોલકતામાં આવી ઘટના બની છે.

ગઈકાલે લેનિનની પ્રતિમાને ત્રિપુરામાં જેસીબી મશીન દ્વારા પાડી દેવાયા બાદ હાલ કોલકત્તામાં શ્યામા પ્રસાદ મુખરજીના પૂતળાને નુકસાન પહોંચાડવાની ઘટના સામે આવી છે.

આ મામલે પોલીસે જાદવપુર યુનિવર્સિટીના છ જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.

બીબીસી બાંગ્લા સર્વિસના અમિતાભ ભટ્ટાસાલીના કહેવા પ્રમાણે શ્યામા પ્રસાદ મુખરજીની પ્રતિમા પર કાળી શાહી ફેંકવામાં આવી હતી. પ્રતિમાને નુકસાન પહોંચ્યું હોવાના પણ અહેવાલ છે.

આ ઘટના દક્ષિણ કોલકત્તાના તરાતલા વિસ્તારમાં બની હોવાના અહેવાલ છે.


પ્રતિમા ખંડન મામલે મોદી નારાજ

Image copyright Getty Images

પ્રતિમાઓને નુકસાન પહોંચાડવાની બની રહેલી ઘટનાઓ મામલે વડા પ્રધાને સખત નારાજગી વ્યક્ત કરી છે.

અહેવાલ મુજબ વડા પ્રધાન મોદી આવી ઘટનાઓથી દુ:ખી છે અને તેમણે આ મામલે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે પણ તેમણે વાત કરી છે.

ઉપરાંત કેન્દ્રના ગૃહ વિભાગે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ગૃહ વિભાગ દ્વારા દરેક રાજ્યોને આ પ્રકારના મામલામાં કડકાઈથી કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે.

ગૃહ વિભાગે આવા તમામ મામલાઓમાં રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.


મંગળવારે શું બન્યું હતું?

Image copyright TWITTER

ત્રિપુરાના બેલોનિયા શહેરના 'સેન્ટર ઑફ કૉલેજ સ્ક્વેર' ખાતે લેનિનની પ્રતિમાને જેસીબી મશીનની મદદથી તોડી પાડી હતી.

જે બાદ સોશિયલ મીડિયા પર પ્રતિમા તોડતો વીડિયો વાયરલ થયો હતો. ત્યારબાદ રાજકીય પક્ષો તરફથી તેના પર પ્રતિક્રિયાઓ શરૂ થઈ હતી.

લેનિનની પ્રતિમા સિવાય તામિલનાડુના વેલ્લોરમાં દ્રવિડિયન નેતા પેરિયાર રામાસ્વામીની પ્રતિમાને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

આ મામલે પોલીસે કાર્યવાહી કરતાં બે વ્યક્તિની ધરપકડ કરી હતી. ભાજપના નેતા એચ.રાજા દ્વારા ફેસબુક પર લખાયેલી એક પોસ્ટ બાદ આ ઘટના બની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો