સ્કૂલ ફી મુદ્દે અંધાધૂંધી માટે જવાબદાર કોણ?

વિરોધ પ્રદર્શન કરી રહેલા વાલીઓની તસવીર Image copyright Kalpit Bhachech

અમદાવાદના મનુ ચાવડા ગુજરાત સરકાર પર રોષે ભરાયા છે. બે બાળકોના પિતા મનુ ઇચ્છે છે કે રાજ્ય સરકારે ખાનગી સ્કૂલો દ્વારા લેવાતી ફીનું નિયમન કરવું જોઈએ.

જોકે, ગુજરાત સરકાર વાલીઓની માગણી સંતોષતી ન હોવાનો આક્ષેપ કરતા હોય તેવા મનુ ચાવડા એકલા નથી.

પાટીદારો, દલિતો અને અન્ય પછાત વર્ગ (ઓબીસી) સમુદાય પછી હવે સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોનાં વાલીઓ વિજય રૂપાણી સરકાર સામે સંઘર્ષના માર્ગે છે.

ત્યારે સવાલ એ છે કે ગુજરાતમાં સ્કૂલ ફીનો મુદ્દો જટીલ સમસ્યા શા માટે બન્યો છે?


સ્કૂલ ફીમાં તોતિંગ વધારો થયો છે?

Image copyright Kalpit Bhachech

મનુ ચાવડાનાં બાળકો સાતમા અને દસમા ધોરણમાં અભ્યાસ કરે છે.

મનુ ચાવડા કહે છે, "સ્કૂલ ફી છેલ્લા ત્રણ વર્ષમાં બમણી થઈ ગઈ છે. 2015માં હું સ્કૂલ ફી પેટે 32,000 રૂપિયા ચૂકવતો હતો, પણ હવે 65,000 રૂપિયા ચૂકવું છું."

બીજા એક વાલી જગદીશ સિંહ આ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં સરકારી સ્કૂલોની નિષ્ફળતાને જવાબદાર ઠરાવે છે.

જગદીશ સિંહે કહ્યું હતું, "હું મારા સંતાન માટે આખા વર્ષમાં 55,000 રૂપિયા ફી ચૂકવું છું. સરકારી સ્કૂલમાં મેં આટલા ખર્ચે મારો સમગ્ર અભ્યાસ પૂરો કર્યો હતો."

બીબીસી ગુજરાતીએ ગુજરાત પેરન્ટ્સ ફેડરેશનના પ્રમુખ આશિષ કણજારિયા સાથે વાત કરી હતી.

આશિષ કણજારિયાએ જણાવ્યું હતું કે ફી પર મર્યાદા લાદતી કાયદાની જોગવાઈનું પાલન સ્કૂલો કરતી નથી, પણ એવી સ્કૂલોને રાજ્ય સરકાર કોઈ સજા કરતી નથી.

વાલીઓનું વલણ

Image copyright Kalpit Bhachech

• પેરન્ટ્સ અસોસિયેસનનો આક્ષેપ છે કે કાયદો પસાર થયા પછી તેનું પાલન ન કરતી સ્કૂલોને રાજ્ય સરકારે સજા કરવી જોઇએ.

• સરકારે સ્કૂલ ફીનું નિયમન કરવું જોઈએ.

• વર્તમાન શૈક્ષણિક વર્ષમાં જ સરકારે આ સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ.

ચોંકાવનારા આંકડા

Image copyright Kalpit Bhachech

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ (એનએસએસઓ)ના એક અહેવાલ અનુસાર, 2008થી 2014 દરમ્યાન ખાનગી સ્કૂલોમાં જનરલ એજ્યુકેશનનો સરેરાશ વાર્ષિક ખર્ચ 175 ટકા વધીને વિદ્યાર્થીદીઠ 6,788 રૂપિયા થયો છે.

જનરલ એજ્યુકેશનમાં પ્રાથમિકથી પોસ્ટ ગ્રેજ્યુએશન અને તેથી ઉપરના શિક્ષણનો સમાવેશ થાય છે.

એનએસએસઓના અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સરકારી સ્કૂલોની સરખામણીએ ખાનગી સ્કૂલોમાં ફીનું પ્રમાણ 22 ગણું વધારે છે.

આ અહેવાલ અનુસાર, ગુજરાતમાં ખાનગી સ્કૂલોમાં સેકન્ડરી તથા હાયર સેકન્ડરીમાં વિદ્યાર્થીદીઠ ફીનું પ્રમાણ અનુક્રમે 20,204 અને 36,654 રૂપિયા છે.

બીબીસી ગુજરાતીએ વાલીઓની આ લડતને ટેકો આપી રહેલા 'જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિ'ના પ્રમુખ પ્રકાશ કાપડિયા સાથે વાત કરી હતી.

પ્રકાશ કાપડિયાએ કહ્યું હતું, "સરકારી સ્કૂલમાં અંગ્રેજી માધ્યમમાં પોતાનાં સંતાનોને શિક્ષણ અપાવવા ઇચ્છતા વાલીઓ શું કરે?

"સરકાર અને સ્કૂલોએ ફી વધારતાં પહેલાં વાલીઓ સાથે સહમતી સાધવી જોઈએ."

બધું ક્યાંથી શરૂ થયું?

Image copyright Getty Images
ફોટો લાઈન એસ.એસ.સી ની પરીક્ષામાં સતત કથળતું ગુજરાતી ભાષાનું પરિણામ

ગુજરાત સેલ્ફ-ફાઇનાન્સ્ડ સ્કૂલ્સ (રેગ્યુલેશન ઓફ ફીઝ) એક્ટ - 2017ને ગયા વર્ષે મંજુરી આપવામાં આવી હતી.

આ કાયદા અનુસાર પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી ક્લાસ માટે અનુક્રમે, 15,000, 25,000 અને 27,000 રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી.

હાયર સેકન્ડરી ક્લાસીસની ફી તાજેતરમાં વધારીને 30,000 રૂપિયા કરવામાં આવી હતી.

આ નિર્ણય સામે સ્કૂલ મેનેજમેન્ટે પહેલાં ગુજરાત હાઈ કોર્ટમાં અને પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું?

Image copyright Getty Images

• ફીની મહત્તમ મર્યાદા વધારવા માટે જે સ્કૂલોએ ફી નિયમન સમિતિ સમક્ષ સ્વૈચ્છિક દરખાસ્ત રજૂ કરી છે તેમની સામે આકરાં પગલાં લેવાં ન જોઈએ.

• વાલીઓએ વર્તમાન શૈક્ષણિક વર્ષ માટે ચૂકવેલી ફીને હંગામી ફી ગણવી જોઈએ અને બાદમાં એડજસ્ટ કરવી જોઈએ.

• આ અરજી વિશેની આગામી સુનાવણી ત્રીજી મેએ થશે.

સ્કૂલો તોતિંગ ફી વસૂલતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ શેરીઓમાં ઊતરી પડ્યા છે.

આ મુદ્દો ન ઉકેલાય ત્યાં સુધી કોઈ ફી ચૂકવવાનો ઘણા કિસ્સામાં વાલીઓએ ઇન્કાર કર્યો છે.

બીજી તરફ, જે સ્ટુડન્ટ્સ ફી નહીં ચૂકવે તેમને બોર્ડ એક્ઝામ્સ માટે એડમિટ કાર્ડ્ઝ નહીં આપવાની ધમકી સ્કૂલોએ આપી છે.

શિક્ષણ સલાહકાર આદિત્ય શાહ કહે છે, "આ ખેંચતાણમાં શિક્ષણની ગાડી પાટા પરથી ખડી પડી છે.

"સ્કૂલો અને સરકાર વચ્ચેની દોષારોપણની રમતનો ભોગ વિદ્યાર્થીઓ અને શિક્ષકો બન્યા છે."

આદિત્ય શાહના જણાવ્યા અનુસાર, ખાનગી સ્કૂલોના શિક્ષકોને અપૂરતો પગાર આપવામાં આવે છે અને સરકાર ફીનું નિયમન કરશે કે નહીં એ બાબતે તેઓ ચિંતિત છે.


સરકાર શું કરી રહી છે?

Image copyright www.gujaratassembly.gov.in

ફી નિયમન સમિતિએ ફીની મહત્તમ મર્યાદા નક્કી કરતાં પહેલાં સ્કૂલ અને પેરન્ટ્સ અસોસિયેશનના પ્રતિનિધિઓની રજૂઆતને ધ્યાનમાં લેવી પડશે.

બીબીસી ગુજરાતીએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નાયબ સચિવ એ. એસ. ભટ્ટ સાથે વાત કરી હતી.

એ. એસ. ભટ્ટે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ગાઇડલાઇન્સ અનુસાર, ફીની મહત્તમ મર્યાદા સંબંધી દરખાસ્ત સુપ્રત કરવા સ્કૂલોને જણાવવામાં આવ્યું છે.

એ. એસ. ભટ્ટે એમ પણ જણાવ્યું હતું કે વાલીઓએ ચૂકવેલી હંગામી ફીને એડજસ્ટ કરવામાં આવે એ રાજ્ય સરકાર સુનિશ્ચિત કરશે.

ફીની મહત્તમ મર્યાદામાં વધારાની દરખાસ્ત રાજ્ય સરકારને કરતી દરખાસ્તો સ્કૂલો હાલ તૈયાર કરી રહી છે.

સ્કૂલોએ તેમનો વધારાનો ખર્ચ દર્શાવતી એ દરખાસ્તો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં કાર્યરત ફી નિયમન સમિતિને સુપ્રત કરવાની રહેશે.

ફી નિયમન સમિતિનું વડપણ હવે હાઈ કોર્ટના એક નિવૃત્ત ન્યાયમૂર્તિ સંભાળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ