શ્રીલંકાની કટોકટીની અસર ગુજરાતી પ્રવાસીઓને કેવી થશે?

શ્રીલંકન આર્મીની તસવીર Image copyright Getty Images

શ્રીલંકાના કેન્ડી જિલ્લામાં બૌદ્ધો અને લઘુમતી મુસ્લિમ સમુદાય વચ્ચે હિંસક અથડામણ અને મસ્જિદો પર હુમલા બાદ છ માર્ચે દસ દિવસ માટે કટોકટી જાહેર કરી દેવાઈ છે.

આ સમયે શ્રીલંકા ફરવા માટે જનારા ગુજરાતી પ્રવાસીઓની શું સ્થિતિ છે? નોંધપાત્ર બાબત એ છે કે, ગુજરાતમાંથી ઘણી ટ્રાવેલ કંપનીઓ મારફતે રાજ્યમાંથી શ્રીલંકા ફરવા જવાનું ચલણ છે.

શ્રીલંકામાં 2011માં કટોકટી હટાવી લેવાઈ હતી. જે બાદ પ્રથમ વખત કટોકટી જાહેર કરવામાં આવી છે.

4 માર્ચે અહીંના કેન્ડી જિલ્લામાં બનેલા હિંસક બનાવને પગલે કેટલીય મસ્જિદોને આગ લગાડવામાં આવી હતી.

એ પછી રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સીરીસેનાએ છ માર્ચે દસ દિવસ માટે કટોકટીની જાહેરાત કરી હતી.

સિંહાલી બૌદ્ધો અને મુસ્લિમ સમુદાય વચ્ચે હિંસક અથડામણ બાદ મધ્ય શ્રીલંકાના આ જિલ્લામાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો.

એમ છતાં સ્થિતિ નિયંત્રણમાં ના આવતાં સાત માર્ચે ફરીથી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કેટલીય સોશિયલ વૅબસાઇટ્સ અને ફોન મેસેજિંગ સેવાઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.


ગુજરાતી પ્રવાસીઓને અસર?

Image copyright Getty Images

ચારેય બાજુ દરિયાથી ઘેરાયેલા અને ભારત સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલા શ્રીલંકામાં પ્રવાસન એક મોટો ઉદ્યોગ છે.

'અફૉર્ડેબલ બજેટ'માં વિદેશ ફરવા જવા માગતા ગુજરાતીઓમાં શ્રીલંકાનું ખાસ્સું એવું આકર્ષણ છે ત્યારે જાહેર કરાયેલી આ કટોકટીની ફરવા જનારા ગુજરાતીઓ શું અસર થશે?

તે વિશે વાત કરતા અમદાવાદની અક્ષર ટ્રાવૅલ્સ સાથે જોડાયેલા સુહાગ મોદી જણાવે છે, ''શ્રીલંકા ફરવા જનારા ગુજરાતીઓમાં કટોકટીની ખાસ અસર નથી નોંધાઈ.''

''એક તો આ કટોકટી દસ દિવસ પૂરતી જ છે. બીજું સમગ્ર શ્રીલંકામાં તેની અસર નથી.''

ફ્લેમિંગો ટ્રાવૅલ્સ સાથે જોડાયેલાં રત્નાંએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે શ્રીલંકાની કટોકટી પ્રવાસીઓ માટે જોખમી ના જણાતી હોવા છતાં આવી ઘટનાઓની માનસિક અસર થતી હોય છે.

આ અઠવાડિયે જ તેમની ઍજન્સી દ્વારા શ્રીલંકા ફરવા ગયેલા 8થી 10 પરિવારો સહીસલામત પરત આવી ગયા છે. તેમને શ્રીલંકામાં કોઈ ખાસ મુશ્કેલી નહોતી નડી.

સુહાગ મોદી કહે છે, ''આ સીઝન દરમિયાન એક ટ્રાવૅલ ઍજન્સી ચારેક હજાર જેટલા ગુજરાતી પ્રવાસીઓને શ્રીલંકા મોકલે છે. ગુજરાતમાં આવી કેટલીય ટ્રાવૅલ એજન્સીઝ કાર્યરત છે.''


કટોકટી પાછળ જવાબદાર પરિબળ

Image copyright Getty Images

ગત સપ્તાહે મુસ્લિમ ટોળાના હુમલામાં એક બૌદ્ધ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. એ પછી કેન્ડી જિલ્લામાં હિંસા ફાટી નીકળી હતી.

આ ઘટનાને પગલે સિંહાલી બૌદ્ધ સમુદાયે મુસ્લિમોના ઘરો અને દુકાનો પર હુમલા કયા હતા.

તેને પગલે જિલ્લાના કેટલાક વિસ્તારમાં સ્થિતિની ગંભીરતા જોતાં સરકારી સ્કૂલ બંધ કરી દેવાઈ છે અને અધિક સૈનિકોની તહેનાત કરવાની ફરજ પડી છે.

મહત્વપૂર્ણ છે કે શ્રીલંકાની બે કરોડ દસ લાખની વસ્તીમાં 10 ટકા મુસલમાનો છે.


હિંસાનું મૂળ કારણ

દક્ષિણ એશિયાની બાબતોના જાણકાર પ્રૉફેસર એસડી મુની જણાવે છે, ''શ્રીલંકામાં મુસ્લિમો માત્ર મુસ્લિમ નથી પણ તેઓ તામિલ બોલનારા મુસ્લિમ છે અને તામિલો સાથે સિંહાલીઓનો વિવાદ જગજાહેર છે.

હકીકત એ છે કે તામિલ બોલનારા મુસ્લિમો ક્યારેય અલગ તામિલરાષ્ટ્ર માટે લડનારા એલટીટીઈના સાથે નથી રહ્યા.''

છતાં અહીં મુસ્લિમોને તામિલો સાથે જોવામાં આવે છે. આ ઉપરાંત રોહિંગ્યા મુસ્લિમોની શ્રીલંકામાં હાજરી પણ વિવાદનું કારણ બની છે. કેટલાક બૌદ્ધ રાષ્ટ્રવાદીઓ તેમને અપાયેલા શરણનો વિરોધ કરી રહ્યા છે.

આ બધા વચ્ચે ક્રિકેટર માહેલા જયાવર્ધને ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, ''હું હિંસાની ભારે નિંદા કરું છું. પીડિતોને જાતિ, ધર્મ અને માન્યતાને ધ્યાનમાં લીધા વગર ન્યાય મળવો જોઈએ.

25 વર્ષ સુધી ચાલેલા ગૃહયુદ્ધ દરમિયાન મારો ઉછેર થયો છે. હું નથી ઇચ્છતો કે આગામી પેઢી આવો માહોલ જુએ.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો