હવે ઇચ્છામૃત્યુ માટે વસિયતનામું કરી શકશે ભારતીયો

સુપ્રીમ કોર્ટ Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટે ઇચ્છામૃત્યુ સંબંધે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. અદાલતે લિવિંગ વિલ અને પેસિવ યૂથનેઝિયાને કેટલીક શરતો સાથે મંજૂરી આપી દીધી છે.

કોમન કોઝ નામની બિન-સરકારી સંસ્થાની અરજી સંબંધે કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

કોમન કોઝનાં સીનિઅર રિસર્ચ એનલિસ્ટ અનુમેહા ઝાએ પોતાની માગણીઓ વિશે જણાવતાં કહ્યું હતું, "કોઈ પણ વ્યક્તિને સંપૂર્ણ સભાન અવસ્થામાં પોતાનું લિવિંગ વિલ એટલે કે ઇચ્છામૃત્યુ માટે વસિયતનામું લખવાનો અધિકાર મળે એવું અમે ઇચ્છતાં હતાં."

તમને આ વાંચવું પણ ગમશે:

"ભવિષ્યમાં એ વ્યક્તિ લાંબા સમય માટે કોમામાં ચાલી જાય કે તેને ગંભીર બીમારી થાય તો તેમને કૃત્રિમ લાઇફ સપોર્ટ સિસ્ટમ પર જીવંત રાખવામાં ન આવે, પણ તેને કુદરતી રીતે અને સન્માન સાથે મૃત્યુ પામવાનો અધિકાર મળે."

અરજીકર્તા વકીલ પ્રશાંત ભૂષણે નીચે મુજબ જણાવ્યું હતું

  • પોતાને સાજા થવાની આશા ન હોય તો લાઈફ સપોર્ટ સિસ્ટમની મદદથી જીવંત ન રાખવામાં આવે એવો નિર્ણય લેવાનો દરેક વ્યક્તિને અધિકાર છે એવું કોર્ટે જણાવ્યું છે. એ વ્યક્તિના નિર્ણયનો તેના પરિવાર તથા ડૉક્ટરે આદર કરવો પડશે.
  • પેસિવ યૂથનેઝિયા અને ઇચ્છામૃત્યુ માટે લખાયેલું કોઈ પણ વસિયતનામું કાયદેસર ગણાશે. તેનો અર્થ એવો થયો કે કોઈ વ્યક્તિ અવચેતન અવસ્થામાં સરી પડે અને તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ વડે જ જીવંત રાખી શકાય એમ હોય એવી પરિસ્થિતિમાં તેના વસિયતનામાનો આદર કરવામાં આવે એવું લિવિંગ વિલ કોઈ પણ વ્યક્તિ કરે શકે છે.
  • કોઈ વ્યક્તિ અવચેતન અવસ્થામાં હોય, પણ તેણે વસિયતનામું ન કર્યું હોય અને તેને લાઇફ સપોર્ટ સિસ્ટમ વડે જ જીવંત રાખી શકાય એમ હોય તો તેના પરિવારજનો અને તેનો ઈલાજ કરતા ડૉક્ટર સાથે મળીને નિર્ણય કરી શકે છે.

સુપ્રીમ કોર્ટે એક મેડિકલ બોર્ડ રચવાની વાત પણ કરી છે. એ બોર્ડ ઇચ્છામૃત્યુ સંબંધી અરજીઓ બાબતે વિચારણા કરશે.

ઇન્ડિયન મેડિકલ અસોસિએશનના પ્રમુખ કે. કે. અગ્રવાલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.

તેમણે કહ્યું હતું, "દરેક વ્યક્તિને પોતાનો ઈલાજ કરાવવાનો કે ન કરાવવાનો અધિકાર છે. કયા સ્તર સુધી સારવાર કરાવવી અને પોતાનું મૃત્યુ થોડા સમય માટે ટાળવું જરૂરી છે કે નહીં તેનો નિર્ણય દરેક વ્યક્તિ કરી શકે છે."

કે. કે. અગ્રવાલે ઉમેર્યું હતું, "ડૉક્ટરો છેલ્લા દસ વર્ષથી લિવિંગ વિલની માગણી કરી રહ્યા હતા. પોતાને વેન્ટિલેટર પર રહેવું છે કે નહીં એ નક્કી કરવાનો દરેક વ્યક્તિને અધિકાર છે."

દિલ્હીના એક અન્ય ડૉક્ટર કૌશલકાંત મિશ્રાએ કહ્યું હતું, "અકસ્માત, ન્યૂરોલોજિકલ અને ચોથા તબક્કાના કેન્સર જેવી બીમારીઓમાં દર્દીના બચવાની આશા નથી હોતી."

"ડૉક્ટર જાણતા હોય છે કે દર્દી બચવાનો નથી, પણ દર્દીનું બ્રેઇન ડેડ જાય અને હ્રદય કામ કરતું હોય ત્યારે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવે છે."


પેસિવ યૂથનેઝિયાની પરવાનગી અગાઉ મળી છે

Image copyright SPL

42 વર્ષ સુધી લાઇફ સપોર્ટ સિસ્ટમના સહારે જીવંત રહેલાં મુંબઈનાં નર્સ અરુણા શાનભાગના કેસમાં સુપ્રીમ કોર્ટે 2011ના 7 માર્ચે પેસિવ યૂથનેઝિયાની પરવાનગી આપી હતી.

કેન્દ્ર સરકારે પણ 'મેડિકલ ટ્રીટમેન્ટ ઓફ ટર્મિનલી ઈલ પેશંટ (પ્રોટેક્શન ઓફ પેશંટ એન્ડ મેડિકલ પ્રેક્ટિશનર બિલ-2016' નામે ખરડાનો એક મુસદ્દો તૈયાર કર્યો હતો.

એ મુસદ્દામાં પેસિવ યૂથનેઝિયાની વાત હતી, પણ 'લિવિંગ વિલ' શબ્દનો ક્યાંય ઉલ્લેખ ન હતો.

ગત 12 ઓક્ટોબરે થયેલી છેલ્લી સુનાવણીમાં પણ કેન્દ્ર સરકારે લિવિંગ વિલનો વિરોધ કર્યો હતો. કેન્દ્ર સરકારે લિવિંગ વિલનો દુરુપયોગ થવાની શંકા વ્યક્ત કરી હતી.


પેસિવ યૂથનેઝિયા એટલે શું?

ઇચ્છામૃત્યુના કેસ બે પ્રકારના હોય છેઃ નિષ્ક્રિય ઇચ્છામૃત્યુ અને સક્રીય ઇચ્છામૃત્યુ.

કોઈ દર્દી વેન્ટિલેટર પર હોય મતલબ કે તેનું શરીર ખુદને જીવંત રાખવા સક્ષમ ન હોય અને મશીનોની મદદથી તેનું હાર્ટ કામ કરતું હોય તો પેસિવ યૂથનેઝિયામાં તેનો લાઇફ સપોર્ટ ધીમે-ધીમે ઓછો કરવામાં આવે છે.

વેન્ટિલેટર બંધ કરવામાં આવે છે. તેથી દર્દી પ્રાકૃતિક રીતે મૃત્યુ પામે છે.


એક્ટિવ યૂથનેઝિયા એટલે શું?

આ પ્રકારના કિસ્સામાં દર્દીની બીમારી જીવલેણ હોય છે. તેનાથી દર્દી અને તેમના ઘરના લોકો ચિંતિત હોય છે.

દર્દી પોતે મૃત્યુ પામવા ઇચ્છતો હોય છે. તેથી એ ડૉક્ટરને વિનંતી કરે છે કે તેને ઝેરીલા ઇન્જેક્શનથી મૃત્યુ આપવામાં આવે.

પ્રશાંત ભૂષણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પણ એક્ટિવ યૂથનેઝિયાને ગેરકાયદે ઠરાવ્યું છે.

કોર્ટે જણાવ્યું હતું કે કોઈ દર્દી પીડા સહન કરી શકતો ન હોય કે આર્થિક પરિસ્થિતિને લીધે ઈલાજ ન કરાવી શકતો હોય એ કારણસર તેને ઝેરીલું ઈન્જેક્શન આપી શકાય નહીં.

એ તો આત્મહત્યા સમાન ગણાય.


વૃદ્ધ દંપતી કરી રહ્યું છે એક્ટિવ યૂથનેઝિયાની માગ

મહારાષ્ટ્રનાં ઇરાવતી અને તેમના પતિ નારાયણ લવાતેએ તાજેતરમાં જ રાષ્ટ્રપતિને પત્ર લખીને એક્ટિવ યૂથનેઝિયાની પરવાનગી માગી હતી.

લાવાતે દંપતી સ્વસ્થ છે, પણ તેમને કોઈ સંતાન નથી. તેમનું કહેવું છે કે તેઓ સન્માનપૂર્વક મૃત્યુ પામવા ઈચ્છે છે. લવાતે દંપતીએ 31 માર્ચ સુધીની સમયમર્યાદા આપી છે.

નારાયણ લવાતેએ બીબીસી મરાઠીનાં સંવાદદાતા જાન્હવી મૂલેને કહ્યું હતું, "એક્ટિવ યૂથનેઝિયાની પરવાનગી મળવી જોઈએ, કારણ કે અમે મૃત્યુ ઇચ્છતાં હોઈએ તો અમને એ માટે રોકવાં ન જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો