2022 સુધીમાં ખેડૂતોની આવક ખરેખર બમણી થઈ જશે? શું છે વાસ્તવિકતા?

પ્રતિકાત્મક તસ્વીર Image copyright Getty Images

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી વખતે 2016ની 28 ફેબ્રુઆરીએ વડાપ્રધાને તમામ રાજ્યોને હાકલ કરી હતી કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થાય તેવા પ્રયાસો રાજ્યોએ કરવા જોઈએ. એ પછી કૃષિ વિશેની સમગ્ર ચર્ચા આ વચન પૂરતી મર્યાદિત થઈ ગઈ છે.

વડાપ્રધાનની જાહેરાત પરત્વેની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ કેન્દ્રીય નાણા પ્રધાને બીજા દિવસે રજૂ કરેલા આગામી વર્ષના બજેટમાં જોવા મળ્યું હતું.

નાણા પ્રધાને તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે ખેડૂતોની આવક આગામી પાંચ વર્ષમાં બમણી કરવામાં આવશે.

એ પછી સરકારે કૃષિ મંત્રાલયના અધિક સચિવ ડૉ. અશોક દલવાઈના વડપણ હેઠળ એક સમિતિની રચના કરી હતી.

એ સમિતિએ અત્યાર સુધીમાં નવ વોલ્યૂમ્સ બહાર પાડ્યાં છે. એ ગ્રંથોમાં કૃષિ નીતિઓની વ્યાપક સમીક્ષા કરવામાં આવી છે અને ભાવિની કદાચ અમલી ન બનાવી શકાય તેવી યોજના દર્શાવી છે.

વડાપ્રધાનની જાહેરાતને કારણે ખેડૂતોની આવક ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

હવે સરકાર તેને અન્ય મુદ્દાઓની હેઠળ સંતાડવા ઇચ્છતી હશે તો પણ એવું કદાચ કરી શકે તેમ નથી, કારણ કે સરકાર પાસેથી ખેડૂતોની અપેક્ષા મોટા પ્રમાણમાં વધી ગઈ છે.


સંભાવના કેટલી વાસ્તવિક?

Image copyright Getty Images

આ પરિસ્થિતિમાં 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની સંભાવના કેટલી વાસ્તવિક છે?

ખેડૂતોની આવકના આંકડા પરિસ્થિતિ મૂલ્યાંકન સર્વેક્ષણમાંથી મેળવવામાં આવે છે અને તેના આધારે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે (એનએસએસઓ) 2002-03 અને 2012-13ના ડેટા બહાર પાડ્યા હતા.

35 હજાર ઘરોને આવરી લેતા 2012-13ના સર્વેનું તારણ જણાવે છે કે અખિલ ભારતીય સ્તરે ખેડૂતોની નોમિનલ આવક 11.8 ટકા વધી હતી. તેનો અર્થ આશરે છ વર્ષમાં ખેડૂતોની આવક બમણી થશે એવો કરાયો હશે.

સરકાર કદાચ એવો દાવો કરી શકે કે તેણે ખેડૂતોની વાસ્તવિક આવક નહીં, પણ નોમિનલ આવક બમણી કરવાનું કહ્યું હતું.

જોકે, મીડિયા, ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓની ચાંપતી નજર હોવાથી સરકારના હાથ બંધાયેલા છે.

કૃષિ અર્થશાસ્ત્રીઓ સતત સવાલ કરતા હતા કે સરકાર ખેડૂતોની નોમિનલ આવકમાં વધારો કરવા ઈચ્છે છે કે વાસ્તવિક આવકમાં?

આખરે દલવાઈ કમિટીએ આ સવાલનો જવાબ આપ્યો હતો. દલવાઈ કમિટીએ જણાવ્યું હતું કે સરકાર ફુગાવાને ધ્યાનમાં લઈને ખેડૂતોની વાસ્તવિક આવક 2022 સુધીમાં બમણી કરવા ધારે છે.


દરેક રાજ્યમાં અલગ-અલગ પ્રમાણ

Image copyright Getty Images

દરેક રાજ્યમાં ખેડૂતોની આવકનું પ્રમાણ અલગ-અલગ છે.

અખિલ ભારતીય સ્તરે ખેડૂતના ઘરની સરેરાશ માસિક આવક માત્ર 6,426 રૂપિયા છે, જ્યારે બિહાર અને પશ્ચિમ બંગાળમાં એ પ્રમાણ અનુક્રમે માત્ર 3,558 તથા 3,980 રૂપિયાનું છે.

પંજાબમાં પ્રત્યેક ખેડૂત પરિવારની માસિક આવક 18,059 રૂપિયા છે.

તેથી કેરળ, પંજાબ કે હરિયાણા જેવા ઊંચી આવક ધરાવતા રાજ્યોને બદલે બિહાર, ઝારખંડ અને ઓડિશા જેવાં ઓછી આવક ધરાવતા રાજ્યોના ખેડૂતોની આવક વધારવાનું નિશ્ચિત રીતે આસાન છે.

દાખલા તરીકે, બિહારના મોટા ભાગના વિસ્તારોમાં ખેડૂતોને ચોખા અને ઘઉં માટે પણ ટેકાના લઘુતમ ભાવ (એમએસપી)નો લાભ મળતો નથી.

2015-16માં બિહારમાં 65 લાખ ટન ચોખાનું ઉત્પાદન થયું હતું, પણ માત્ર 12.24 લાખ ટન ચોખાની ખરીદી કરવામાં આવી હતી.

ઝારખંડમાં 29 લાખ ટનના ઉત્પાદન સામે માત્ર 2.06 લાખ ટન ચોખાની ખરીદી કરવામાં આવી હતી.

તેથી ચોખાની ખરીદીની વ્યવસ્થાને દુરસ્ત કરવાથી બિહાર અને ઝારખંડમાં ચોખા તથા ઘઉંના ખેડૂતોની આવક પંદરથી વીસ ટકા વધારી શકાય.


નફાકારક શેરડી

Image copyright Getty Images

શેરડી સમગ્ર ભારતના ખેડૂતો માટે સૌથી વધુ નફાકારક હોય છે. એનએસએસઓના આંકડા અનુસાર, શેરડીના ખેડૂત પરિવારની સરેરાશ આવક 89,430 રૂપિયા હતી.

બીજી તરફ મકાઈના ઉત્પાદક ખેડૂત પરિવારની આવક માત્ર 9,391 રૂપિયા હતી.

ભારતમાં શેરડીનો તમામ પાક સિંચાઈની સુવિધા ધરાવતા વિસ્તારમાં લેવામાં આવે છે, જ્યારે મકાઈનો પાક વરસાદ પર આધારિત હોય એવા વિસ્તારોમાં લેવામાં આવે છે.

શેરડીના ખેડૂતોને સારી કિંમત મળવાની ખાતરી હોય છે. તેથી શેરડીના ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાનું લગભગ અશક્ય છે.

બીજી તરફ સિંચાઈની સુવિધાના વિસ્તારથી મકાઈ, કઠોળ, કપાસ અને અન્ય પાકો લેતા ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય.


એકસમાન વ્યૂહરચના અશક્ય

Image copyright Getty Images

ભારતમાં દરેક પ્રદેશની આગવી શક્તિ અને નબળાઈ છે.

ખેડૂતોની આવક બમણી કરવાની વડાપ્રધાનની હાકલ સાંભળવામાં ઘણી સારી લાગે છે, પણ સમગ્ર દેશ માટે એકસમાન વ્યૂહરચના શક્ય નથી.

દાખલા તરીકે, બિહાર અને ઝારખંડમાં ખેડૂતો માટે મંડી એટલે કે બજારની વ્યવસ્થા જ નથી અને ખેડૂતો નાના વેપારીઓની દયા પર નિર્ભર છે.

એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટીઓ (એપીએમસી)ની મર્યાદા વારંવાર જણાવવામાં આવી છે અને માર્કેટિંગ સંબંધી નિયમોનો સંપૂર્ણ અભાવ પણ ઉપકારક સાબિત થયો નથી.

વાસ્તવમાં બિહારના મકાઈના ઉત્પાદક ખેડૂતોને હંમેશા ઓછું મૂલ્ય મળે છે, કારણ કે તેમની પાસે તેમનું ઉત્પાદન અસંગઠીત મંડીઓમાં વેચવા સિવાયનો બીજો કોઈ વિકલ્પ નથી.

Image copyright Getty Images

એ પૈકીની કેટલીક મંડીઓ તો રેલવે યાર્ડ્ઝમાં ચાલે છે.

ખેતરના કદનો પ્રભાવ પણ ખેડૂત પરિવારની આવક પર પડતો હોય છે.

એક હેક્ટરથી ઓછી જમીનમાં ખેતી કરતા ખેડૂત પરિવારોને વૈકલ્પિક રોજગાર ન મળે તો તેમની આવક બમણી કરવાનું બહુ મુશ્કેલ હશે.

બાંધકામ ક્ષેત્રે અસ્થિરતા છે ત્યારે મજૂર તરીકે કામ કરીને વધારાની આવક મેળવવાનું એવા ખેડૂત પરિવારો માટે આસાન નહીં હોય.


અન્ય ક્ષેત્રોની વૃદ્ધિ જરૂરી

Image copyright Getty Images

તેથી આવકમાં વધારા માટે માત્ર કૃષિ ક્ષેત્ર નહીં, અર્થતંત્રનાં અન્ય ક્ષેત્રો પણ સમાન ગતિએ વૃદ્ધિ પામે તે જરૂરી છે.

ખેડૂતો ડેરી, મરઘાં ઉછેર, માછીમારી અને બાગાયત વગેરેમાંથી પણ કમાણી કરી શકે.

મધ્યાહ્ન ભોજન યોજનામાં (મધ્ય પ્રદેશમાં છે તેમ) ઈંડાંનું વિતરણ કરવા પરના પ્રતિબંધથી મરઘાં ઉછેરનું કામ કરતા ગરીબ ખેડૂતોને કેટલું નુકસાન થાય છે એ કોઈ સમજતું નથી.

એવી જ રીતે પશુઓની આંતરરાજ્ય હેરફેર પરના નિયંત્રણોને કારણે પણ ખેડૂતોની આવક બમણી કરવાના હેતુ પર માઠી અસર થશે.

ખેડૂતોની બમણી આવકનું લક્ષ્યાંક હાંસલ કરવાનું બહુ મુશ્કેલ છે, પણ વડાપ્રધાનના સપનાને સાકાર કરવા માટે કમસેકમ દેશના સૌથી ગરીબ રાજ્યો પ્રયાસ કરે તો એ હેતુ બર આવી શકે તેમ છે.

(લેખક ભારત સરકારના ભૂતપૂર્વ કૃષિ સચિવ છે. હાલ તેઓ ઈન્ટરનેશનલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન્શમાં વિઝિટિંગ સીનિઅર ફેલો તરીકે કાર્યરત છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ