જ્યારે નરેશ અગ્રવાલે મોદી મોદી પર કરી હતી આવી ટિપ્પણી!

નરેશ અગ્રવાલ Image copyright RSTV

સમાજવાદી પાર્ટીના મોટા નેતા નરેશ અગ્રવાલે પોતાની રાજ્યસભાની ટિકિટ કપાઈ ગયા બાદ ભગવો ધારણ કરી લીધો છે. તેમણે સંન્યાસ નથી લીધો, પણ ભાજપમાં જોડાઈ ગયા છે.

નરેશ અગ્રવાલે ભાજપમાં સામેલ થતા કહ્યું, "હું વડાપ્રધાન મોદી અને યોગીજીથી પ્રભાવિત છું. હું મુલાયમ સિંહ અને રામગોપાલજીની સાથે છું."

સમાજવાદી પાર્ટીએ રાજ્યસભામાં નરેશ અગ્રવાલની જગ્યાએ જયા બચ્ચનને ટિકિટ આપી છે.

ભાજપ કાર્યાલયમાં પાર્ટીનું સભ્યપદ ધારણ કરવા પહોંચેલા નરેશ અગ્રવાલે જયા બચ્ચનનું નામ લીધા વગર તેમનાં પર વિવાદીત ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું કે ફિલ્મમાં કામ કરતા લોકો સાથે તેમની સરખામણી કરવામાં આવી રહી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

ફિલ્મોમાં ડાન્સ કરતાં લોકોનાં નામ પર તેમની ટિકિટ કાપવામાં આવી છે.

જોકે, એ જ મંચ પરથી ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ સ્પષ્ટ કર્યું કે પાર્ટી કોઈ પણ કલાકારની વિરુદ્ધ નથી.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ ટ્વીટ કરી નરેશ અગ્રવાલના નિવેદનની નિંદા કરી છે.

એક તરફ જ્યાં નરેશ અગ્રવાલે રાજ્યસભામાં ટિકિટ કપાઈ જવા પર ભાજપનો હાથ પકડી લીધો છે, ત્યાં બીજી તરફ જ્યારે તેઓ સમાજવાદી પાર્ટીમાં હતા ત્યારે ઘણાં એવા અવસર પણ આવ્યા છે કે જ્યારે તેમણે ભાજપ વિરુદ્ધ નિવેદનો આપ્યા છે.

એક વખત તો રાજ્યસભામાં હિંદુ દેવી-દેવતાઓ પર તેમના નિવેદનને લઇને ઘણો હોબાળો થયો હતો.

તેમણે વડાપ્રધાન મોદીની જ્ઞાતિ પર ટિપ્પણી કરી હતી અને કુલભૂષણ જાધવ પર પણ વિવાદીત નિવેદન આપ્યું હતું.

નરેશ અગ્રવાલના ઘણાં નિવેદન પર ભાજપે આપત્તિ વ્યક્ત કરી છે અને તેમની પાસે માફીની માગ પણ કરી છે.

હવે ભાજપના બની ચૂકેલા નરેશ અગ્રવાલના એ જ નિવેદનો પર એક નજર, જ્યારે ભાજપ ગુસ્સાથી લાલ થઈ ગયો હતો.


હિંદુ ભગવાનોનું દારૂ સાથે કનેક્શન

Image copyright RSTV

નરેશ અગ્રવાલે રાજ્યસભામાં ગૌરક્ષાના મુદ્દા પર ચર્ચા કરતા રામ જન્મભૂમિ આંદોલનના એક જમાનાનો કિસ્સો સંભળાવ્યો હતો.

આ દરમિયાન તેમણે એક દોહાનો ઉલ્લેખ કર્યો જેમાં હિંદુ દેવી-દેવતાઓ અને દારૂ સાથે જોડાયેલા શબ્દો સામેલ હતા.

અગ્રવાલના આ નિવેદન બાદ અરૂણ જેટલી સહિત ઘણાં ભાજપના નેતાઓએ રાજ્યસભામાં હોબાળો મચાવ્યો હતો.

ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવે આ મામલે માફીની માગ કરી હતી. ત્યારબાદ તેમનું નિવેદન રાજ્યસભાની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવ્યું હતું.


વડાપ્રધાન મોદી પર ટિપ્પણી

Image copyright Getty Images

નરેશ અગ્રવાલ એ નેતાઓમાં પણ સામેલ રહ્યા છે કે જેઓ વડાપ્રધાન મોદી પર ટિપ્પણી કરે છે.

હાલ જ નરેશ અગ્રવાલે વડાપ્રધાન મોદી પર જ્ઞાતિ બાબતે ટિપ્પણી કરી હતી.

આ પહેલા વર્ષ 2013માં નરેશ અગ્રવાલે એક સામાન્ય સભામાં કહ્યું હતું કે મોદી વડાપ્રધાન બનવા માગે છે પરંતુ ચાની દુકાનથી નીકળીને આવેલા વ્યક્તિના વિચાર રાષ્ટ્રવ્યાપી હોઈ શકતા નથી.

ત્યારબાદ મોદીએ કહ્યું હતું, "આ માત્ર મોદીનો મામલો નથી, તેનાથી ખબર પડે છે કે શ્રીમંત પરિવારમાં કેવા લોકો જન્મે છે, જેઓ શાહી જીવન વિતાવે છે અને ગરીબોની મજાક ઉડાવે છે. આ જ કારણ છે કે લોકો આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે છે."


કુલભૂષણ જાધવ પર શું બોલ્યા હતા નરેશ અગ્રવાલ?

Image copyright TWITTER

પાકિસ્તાનમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ પર નરેશ અગ્રવાલના એક નિવેદનને લઇને ઘણો હોબાળો થયો હતો.

અગ્રવાલે કુલભૂષણ જાધવ પર કહ્યું હતું, "કોઈ દેશની શું નીતિ છે તે દેશ જાણે છે. જો તેમણે કુલભૂષણ જાધવને પોતાના દેશમાં આતંકવાદી માન્યા છે તો તેઓ તેમની સાથે એ રીતે વ્યવ્હાર કરશે."

"આપણા દેશમાં પણ આતંકવાદીઓ સાથે આ જ રીતે વ્યવ્હાર કરવો જોઈએ. કડક વ્યવ્હાર કરવો જોઈએ. હું નથી જાણતો કે માત્ર કુલભૂષણ જાધવની વાત જ કેમ થઈ રહી છે. પાકિસ્તાનની જેલોમાં ઘણાં ભારતીયો કેદ છે, એ બધાની વાત કેમ કરવામાં આવતી નથી?"

ત્યારબાદ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ નરેશ અગ્રવાલ પાસે માફીની માગ કરી હતી.


ભારતીય સેનાની ક્ષમતા પર નિવેદન

Image copyright FACEBOOK/NARESHAGARWALMP

જમ્મુ કશ્મીરમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે સંઘર્ષ પર પણ નરેશ અગ્રવાલના નિવેદનની સોશિયલ મીડિયા પર ખૂબ નિંદા થઈ હતી.

નરેશ અગ્રવાલે કહ્યું હતું, "ગૃહમંત્રી કહે છે કે શહાદત ખાલી જશે નહીં. કોઈ અમારી તરફ આંખ ઉઠાવીને જોઈ શકતું નથી. સંરક્ષણ મંત્રી પણ નિવેદન આપે છે, આંખ તો રોજ ઉઠી રહી છે. જો આતંકવાદી આ હાલ કરી રહ્યા છે, તો પાકિસ્તાનની સેના આવશે તો એ શું હાલ કરશે?"

અગ્રવાલના આ નિવેદન પર પણ સોશિયલ મીડિયા પર ભાજપ સમર્થકોએ તેમની ભારે નિંદા કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો