પ્રેસ રિવ્યૂ : દ્રવિડ, સાઇના સહિતની હસ્તીઓને કરોડોનો ચૂનો લાગ્યો

રાહુલ દ્રવિડ Image copyright Getty Images

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ બેંગલુરુની એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મે ટીમ ઇન્ડિયાના પૂર્વ સુકાની રાહુલ દ્રવિડ સહિત સેંકડો લોકોને મોટા નફાની લાલચ આપીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે.

સિટી પોલીસને ટાંકીને લખાયું છે કે બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ અને પૂર્વ સ્ટાર ખેલાડી પ્રકાશ પાદુકોણ પણ આ છેતરપિંડીના ભોગ બન્યા છે.

પોલીસે કંપનીના માલિક રાઘવેન્દ્ર શ્રીનાથ અને એજન્ટ સુતરામ સુરેશ સહિતના અન્યોની ધરપકડ કરી લીધી છે.

વિક્રમ ઇન્વેસ્ટમેન્ટે પોન્ઝી સ્કીમ ચલાવીને લગભગ 800થી વધુ રોકાણકારોના નાણાં ડુબાડ્યાં છે.

તમને આ પણ વાંચવું ગમશે

સુતરામ સુરેશ બેંગલુરુના જાણીતા સ્પોર્ટસ પત્રકાર છે. પોલીસના મતે સુતરામ સુરેશ જ ખેલાડીઓ અને મોટા દિગ્ગજોને આ સ્કીમમાં નાણાં લગાવવા માટે ફસાવતા હતા.


રાષ્ટ્રપતિ અને પીએમ પાસે હશે પોતાના વિમાન

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને તદ્દન નવા વિમાનો વર્ષ 2020ની શરૂઆત સુધીમાં મળી જશે.

કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે એર ઇન્ડિયાએ તાજેતરમાં ખરીદેલા બે બોઇંગ 777માં મહાનુભાવો માટે અનેક સુવિધાઓ ઊભી કરાશે.

જેમાં પ્રેસ કૉન્ફરન્સ રૂમ અને તબીબી સારવાર માટે દર્દીને તાત્કાલિક ખસેડી શકાય એવા એકમ પણ સમાવિષ્ટ હશે.

આ વિમાન વાઈ-ફાઈથી સજ્જ હશે અને તેમાં મિસાઇલ વિરોધી રક્ષણ મળશે.

જ્યારે પણ દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન વિદેશની મુલાકાતે જાય છે ત્યારે એર ઇન્ડિયા પાસેથી વિમાન લેવામાં આવે છે.

પરંતુ હવે સરકાર એર ઇન્ડિયા પાસેથી ત્રણ નવા બોઇંગ 777 વિમાનો ખરીદી લેશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

બજેટ વખતે જ સરકારે એર ઇન્ડિયા પાસેથી વિમાનો ખરીદવા 4469.50 કરોડ રૂપિયા અલગથી રાખવાની જાહેરાત કરી હતી.


DGCAની ઇન્ડિગો અને ગો એરને સૂચના

Image copyright Getty Images

ડીએનએમાં પ્રકાશિત અહેવાલ મુજબ ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન(DGCA)એ 11 એરબસ A-320 ન્યૂ એન્જિન ઓપ્શન(નીઓ) એરક્રાફ્ટને નહીં ઉડાવવા માટે સૂચના આપી છે.

આ પ્લેનમાં પ્રાટ્ટ એન્ડ વ્હીટની નામના જે એન્જિન લગાવાયાં છે જે ખામીગ્રસ્ત છે. ઇન્ડિગો એરલાઇન કંપની પાસે આવા 11 અને ગો એર પાસે આવા ત્રણ વિમાનો છે.

જોકે ઇન્ડિગોએ પહેલેથી જ ત્રણ પ્લેનને ઉતારી લીધા છે.

DGCAએ આ બંને એરલાઇન કંપનીઓને આ એન્જિન વિમાનમાં ફરીથી ફિટ નહીં કરવા માટે કહી દીધું છે.

સોમવારે અમદાવાદથી લખનૌ જતી ઇન્ડિગોની ફ્લાઇટનાં એન્જિનમાં ખરાબી થતાં તેને પાછું અમદાવાદ લઈ જવું પડ્યું. તે પછી DGCAએ આવો આદેશ જારી કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો