'42 વર્ષે મને વ્હિલચૅર મળી પછી હું ઘરમાં રહેતો જ નહોતો'

જિગ્નેશભાઈનો ફોટો Image copyright jignesh shah/FB

વિશ્વના મહાન વૈજ્ઞાનિકો જેમની ગણના થાય છે તેવા સ્ટીફન હૉકિંગ મજ્જાતંત્રની ભાગ્યે જ થતી બીમારીથી પીડાતા હતા.

પોતાની જિંદગીનાં અનેક વર્ષો તેમણે એક વ્હિલચેરના સહારે વિતાવ્યાં હતાં. તેમના માટે ખાસ પ્રકારની વ્હિલચેર બનાવવામાં આવી હતી.

અમદાવાદમાં રહેતા જિગ્નેશ શાહ પણ આવા જ પ્રકારની ચેર બનાવે છે. ભલે તે સ્ટીફન હૉકિંગની ચેર જેવી જ નથી, પરંતુ આ ચેરે ઘણા વિકલાંગો જીવનને સરળ બનાવી દીધું છે.

જિગ્નેશ શાહ વિકલાંગ છે અને તેમણે એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. નવ વર્ષની વયે પોલીયોના શિકાર બનેલા જિગ્નેશભાઈ કસ્ટમાઇઝેશનમાં માહેર છે.

પોતાની આ સ્કિલનો જ ઉપયોગ કરીને જિગ્નેશભાઈ વિકલાંગોના જીવનને સરળ બનાવી રહ્યા છે.

તેમના શરીરનો નીચેનો ભાગ કામ કરતો બંધ થઈ ગયો હતો પરંતુ તેઓ હિંમત ના હાર્યા અને લોકોના જીવનનમાં મધુરતા લાવવા પ્રયત્નો કર્યા.


'જરૂરિયાત બધું શીખવાડે છે'

Image copyright jignesh shah/FB

પોતાના આ કાર્ય અંગે જિગ્નેશભાઈ કહે છે કે જરૂરિયાત બધું જ શીખવાડે છે.

તેઓ બીબીસી સાથે વાત કરતા કહે છે, "હાલ હું એડિંટીંગ અને વીડિયો જોબવર્કનું કામ કરું છું. કામની સાથે હું નેટ પરથી મોટરાઇઝ વ્હિલ ચેરના સપનાં જોતો હતો."

યૂરોપના દેશો કે અમેરિકામાં આ પ્રકારની મોટરાઇઝ વ્હિલચેર મળે છે પરંતુ તેની ભારતીય રૂપિયામાં કિંમત આશરે બેથી ચાર લાખ રૂપિયા જેટલી હોય છે.

જિગ્નેશભાઈ કહે છે, "આવી ચેર એક તો દરેક લોકોને પરવડે નહીં અને ભારતમાં લાવવામાં પણ મુશ્કેલીઓ પડે છે."

"પરંતુ મારા સંબંધીઓ અમેરિકામાં રહેતા હતાં. એક વખત મારા માતા સંબંધીઓને મળવા માટે અમેરિકા ગયા ત્યારે આવી જ મોટરાઇઝ ચેર મારા માટે લાવ્યાં હતાં."


નિરાશામાંથી મળી પ્રેરણા

Image copyright jignesh shah/fb

આમ, 42 વર્ષની વયે પહેલીવાર જિગ્નેશભાઈને વિકલાંગોને ઉપયોગી થાય એવી મોટરાઇઝ ચેર મળી.

વ્હિલચેર મળ્યાની ખુશી વ્યક્ત કરતાં તેઓ કહે છે, "આ ચેર મળ્યા બાદ હું ઘરમાં રહેતો જ ન હતો. આ વ્હિલચેર એકવાર ચાર્જ કર્યા બાદ 20 કિલોમીટર સુધી ચાલતી હતી."

તેઓ કહે છે, "મારી વ્હિલચેર જોઈ અનેક લોકો તેના અંગે પૂછપરછ કરતાં તો કેટલાંક લોકોએ પોતાના મિત્રો કે પરિવારના વિકલાંગ સભ્યો માટે પણ આવી ચેર કેવી રીતે મેળવવી તેની પૂછપરછ કરી."

જિગ્નેશભાઈના જણાવ્યા પ્રમાણે આ વ્હિલચેર વિદેશથી આવી છે અને મોંઘી છે એવું સાંભળીને અનેક લોકોને એમણે નિરાશ થતાં જોયાં હતાં.

લોકોની નિરાશાને જોઈ આવી વ્હિલચેર મારા સિવાયના અન્ય લોકોને મળે તેવું કંઈક કરવાની તેમને પ્રેરણા થઈ.

તેમણે વિદેશથી લાવેલી ચેરની બનાવટ જોવા માટે આખી ચેર ખોલી નાખી અને તેમના સ્પેર પાર્ટ્સ વિશે માહિતી મેળવી, જે ચાઇનામાં બનેલા હતા.


માત્ર 45 હજારમાં ચેર બનાવી

Image copyright jignesh shah/FB

જિગ્નેશભાઈ કહે છે, "ત્યારબાદ સસ્તી વ્હિલચેર કેવી રીતે બનાવી શકાય તેની માહિતી મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા. અંતે મેં ચાઇના જવાનો નિર્ધાર કર્યો."

"ચીનમાં જઈ મેં અનેક ફેક્ટરીઓની મુલાકાત લીધી અને અંતે મેં મારા પિતાની મૂડી મોર્ગેજ કરીને 117 વ્હિલચેરનો ઓર્ડર આપ્યો."

ચીનથી અમદાવાદ લાવેલી વ્હિલચેર તેમણે રૂપિયા 45,000માં આપવાનું નક્કી કર્યું અને સાથે એક વર્ષની વૉરંટી પણ આપી.

કોઈ ડિલર, ડિસ્ટ્રીબ્યૂટર કે શો રૂમ વિના હાલ તેમની ચેરનો ભારતનાં 22 રાજ્યોમાં લોકો ઉપયોગ કરે છે.

જિગ્નેશભાઈ જણાવે છે કે આવી ચેર મળ્યા બાદ લોકોનાં જીવન સરળ બન્યા.

તેઓ કહે છે, "એક ભાઈએ આ વ્હિલચેર મળ્યા બાદ ઘરે ઘરે જઈને મતદાન જાગૃતિનું કાર્ય શરૂ કર્યું. બીજાં એક બહેન એલઆઇસીનું પ્રીમિયમ એકઠું કરી પોતાના પગ પર ઊભા રહેવાં સક્ષમ બન્યાં."


વ્હિલચેર દ્વારા સ્કૂટર ચલાવવાનો આઇડિયા

Image copyright jignesh shah/fb

તેઓ હાલ વિકલાંગના શરીરની મુજબ વ્હિલચેર કસ્ટમાઇઝ કરી આપે છે. જેથી વ્યક્તિ તેમાં આસાનીથી બેસી શકે અને હરીફરી શકે.

એક વ્યક્તિ માટે તો તેમણે સૂતાં સૂતાં ચલાવી શકાય તેવી ચેર બનાવી આપી હતી.

તેમણે માત્ર બે વર્ષની અંદર આવી 287 વ્હિલચેર તૈયારી કરી છે. માત્ર ભારત જ નહીં કાઠમંડુ, નેપાળ, કેન્યા તેમજ દક્ષિણ આફ્રિકામાં પણ તેમની ચેર પહોંચી છે.

પોતાના ભવિષ્યના પ્લાન અંગે વાત કરતાં તેઓ કહે છે કે હવે તેઓ વ્હિલચેર પર બેસીને સ્કૂટર કે ગાડી ચલાવી શકાય તેવું સંશોધન કરવા માગે છે.

તેમણે હાલ તેમના માટે આવું સ્કૂટર બનાવ્યું છે પરંતુ હજી તેમાં વધારે સંશોધનની જરૂર હોવાથી તેના પર કામ કરી રહ્યા છે.

તેઓ કહે છે, "મારો ઉદ્દેશ વિકલાંગોએ ઢસડાઈને ચાલવું ન પડે અને મુશ્કેલી વિના તેઓ હરીફરી શકે અને આત્મનિર્ભર બને તે જ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો