પ્રેસ રિવ્યૂ : ફ્રાન્સના હૅકરે ખોલી આધાર સિસ્ટમ સિક્યુરિટીની પોલ

ઉર્જિત પટેલ Image copyright PUNIT PARANJPE/Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, રિઝર્વ બેન્ક ઑફ ઇંડિયાના ગવર્નર ઉર્જિત પટેલે પીએનબી તથા અન્ય બેન્કોનાં કૌભાંડોના સંદર્ભમાં પ્રથમવખત જાહેરમાં વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે રિઝર્વ બૅન્ક ઓફ ઇન્ડિયા પણ બેન્કિંગ સેક્ટરમાં થતા કૌભાંડો અને ગોટાળાથી રોષ, વ્યથા અને દુઃખ અનુભવી રહી છે.

તેમણે એનપીએનો સફાયો કરવાનાં આરબીઆઈના અભિયાનને `સમુદ્ર મંથન' સાથે સરખાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે તેમાંથી નીકળતું વિષ પીને 'નીલકંઠ' બનવાની જરૂર પડશે તો એ પણ બનીશું.

ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી ખાતે સંબોધનમાં તેમણે આ વાત કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે


આધાર ડેટા સુરક્ષિત ન હોવાનો દાવો

Image copyright NOAH SEELAM/Getty Images

નવગુજરાત સમયના અહેવાલ મુજબ, અજાણ્યા હૅકર એલિયટ એલ્ડર્સને ટ્વિટર પર કેટલાક સ્ક્રિનશોટ્સ દ્વારા સરકારી વેબસાઇટ પર આધારને લઈને રહેલી ખામીઓને ખુલ્લી પાડવાનો દાવો કર્યો છે.

પોતાને ફ્રેન્ચ સુરક્ષા શોધકર્તા ગણાવતા એલિયટે આંધ્ર પ્રદેશ સરકારની વેબસાઇટનું યુઆરએલ અને બાયોમેટ્રિક નિશાનનાં સ્ક્રીનશોટ મૂક્યા હતા.

એલિયટે આધાર કાર્ડ સ્કૅન અને બાયોમેટ્રિક ડેટાને કેવી રીતે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે તે પણ જણાવ્યું હતું.

જોકે, હેકરના ટ્વીટ બાદ વેબસાઇટની યુઆરએલને બ્લોક કરી દેવામાં આવી હતી.

આ પહેલાં પણ એલિયટે 'પેટીએમ' દ્વારા ઍન્ડ્રૉઇડ યુઝર્સના રૂટ એક્સેસ માંગ્યા હોવા તરફ ધ્યાન દોર્યું હતું.

કંપનીએ હવે રૂટ એક્સેસ માંગવાનું બંધ કરી દીધું છે.


'જેમ્સ બોન્ડ' પણ છેતરાયાં

Image copyright John Sciulli/Getty Images

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, ભારતીય પાન મસાલાના વિજ્ઞાપનમાં ચમકી ગયેલા હોલિવૂડના અભિનેતા પિઅર્સ બ્રોસનને કહ્યું હતું કે તેમને છેતરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું "મેં જે ઉત્પાદનની જાહેરખબરમાં ભાગ લીધો હતો, તેના ઉત્પાદકોએ મને તેની ઝેરી અસર અંગે અંધારામાં રાખી છેતરપીંડી કરી હતી."

અધિક નિર્દેશક (આરોગ્ય) એસ.કે. અરોરાએ કહ્યું હતું કે અભિનેતાએ દિલ્હી રાજ્ય તમાકુ નિયંત્રણ સેલને એક પત્ર લખી લેખિતમાં આ જવાબ આપ્યો છે.

અભિનેતાએ લખ્યું હતું કે ઉત્પાદનની ઝેરી અસર અને કરારની અન્ય શરતો અંગે કંપનીએ મને સાચી જાણકારી નહીં આપીને મને છેતર્યો છે.

દિલ્હી સરકારે તાજેતરમાં તમાકુ બનાવતી કંપનીના ડાયરેકટર્સ, અન્ય પદાધિકારીઓ તેમજ અભિનેતા બ્રોસનનને તેમની સામે શા માટે પગલાં લેવામાં ના આવે? તેવા મતલબની શો-કોઝ નોટીસ મોકલી હતી.

આ નોટીસના જવાબમાં અભિનેતાએ કહ્યું હતું, "કંપની સાથેનો તેમનો કરાર પુરો થયો છે. તેઓ આવી ઝુંબેશને મદદ કરવા તેમજ દરેક પ્રકારનો સહયોગ આપવા તૈયાર છે."

આવા ઉત્પાદનો તેમજ અન્ય હાનિકારક ઉત્પાદનોને પ્રોત્સાહન આપતી કંપનીઓનાં વિજ્ઞાપનોમાં તેઓ ક્યારેય પણ કામ નહીં કરે એવી તેમણે લેખિતમાં ખાતરી આપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો