કેરળ: ટોળાએ 'ચોર' કહીં મધુને માર્યો પરંતુ ખરેખર તો માનવતા મરી ગઈ

મલ્લી મધુની માતા Image copyright Sonu AV

દક્ષિણના કેરળ રાજ્યના જંગલમાં બે અઠવાડિયા પહેલાં ટોળાએ આદિવાસી યુવક મધુને મારી નાખ્યો હતો.

મધુ હંમેશાં જંગલમાં એક ગુફામાં રહેતા હતા. જેની તેમની માતાને ચિંતા રહેતી હતી.

''તમે મારી ચિંતા ના કરશો. હું પ્રાણીઓ સાથે ત્યાં સુરક્ષિત છું તેઓ મારા પર હુમલો કરતા નથી,'' મધુએ આ શબ્દો તેમની માતાને કહ્યા હતા.

પરંતુ તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે માણસો ભેગા થઈને તેમને મારી નાખશે.

સાથે લઈ જતા નાસ્તાના પેકેટો ચોરીનો માલ હોઈ શકે છે એવી શંકા માત્ર રાખીને ટોળાંએ તેમના પર જીવલેણ હુમલો કર્યો.

જ્યારે મધુ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે ટોળામાં સામેલ કેટલાક લોકોએ સેલ્ફી પણ લીધી હતી.

23મી ફેબ્રુઆરીએ મધુને ટોળાને એટલો માર માર્યો હતો કે તેમનું મોત નીપજ્યું હતું.


મધુ પર ખોરાક ચોરવાનો આરોપ

Image copyright Sonu AV

મધુના 56 વર્ષનાં માતા, મલ્લી, જ્યારે મધુની સલામતી અંગેની વાતચીત યાદ કરે છે તો ભાંગી પડે છે.

વેલી નેશનલ પાર્કમાં તેમનું એક નાનકડું ઘર છે. આમ છતાં મધુ ગુફામાં રહેતા એ તેમની માતાને ક્યારેય પસંદ નહોતું.

તમને આ પણ વાંચવું ગમશે

મધુના માતા મલ્લીએ બીબીસીને કહ્યું ''હું મધુની વાત માની લેતી કે તે જંગલમાં સલામત છે. મને સૌથી વધુ દુઃખ એ વાતનું થયું છે કે તેને લોકો ચોર કહે છે.''

''તે ચોર નથી. તે એવો હતો જ નહીં કે જે ચોરી કરે. ચોરી કરવી અમારી સંસ્કૃતિ વિરુદ્ધનું કામ છે. તે કોઈની પરવાનગી વગર બીજાનો ખોરાક ખાય જ નહીં. પૂછ્યા વગર કોઈની વસ્તુને અડવું તેના સ્વભાવમાં જ ન હતું.'' બોલતાં બોલતાં મલ્લી ચોધાર આંસુએ રડી પડે છે.''


સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ

Image copyright Sonu AV

મધુ ખાદ્ય સામગ્રીનાં કેટલાક પેકેટો એક બેગમાં લઈને જતા હતા ત્યારે માણસોના એક ટોળાએ તેમને અટકાવ્યા હતા.

પછી ટોળાએ તેમની બેગ ચેક કરી હતી. એ પછી મધુને સવાલ પૂછવામાં આવ્યો કે તેમણે આ પેકેટ ક્યાંથી ચોરી કર્યા છે?

ત્યારબાદ મધુને એટલો માર મારવામાં આવ્યો જ્યાં સુધી ઘટનાસ્થળ પર પોલીસ ના આવી.

પોલીસની જીપમાં તે સારવાર માટે હૉસ્પિટલ પહોચે તે પહેલાં જ મધુનું મૃત્યુ થયું હતું.


આદિવાસી વિસ્તાર

Image copyright Sonu AV

મલ્લીના ઘર સુધી પહોંચવું એ એક લાંબો પ્રવાસ ખેડવા જેવું છે.

પલક્કડ જિલ્લાના મનક્કડમાં મુક્કલી સુધી પહોંચ્યા પછી, કારને પાછળ છોડી શટલ જીપના સહારે આગળની મુસાફરી શક્ય બને છે.

શટલ સેવા દ્વારા ચારથી પાંચ કિમીની મુસાફરી કરી આદિવાસી દવાખાનાની હોસ્પિટલ સુધી પહોંચી શકાય છે. અહીં રોડનું અસ્તિત્વ જ નથી.

હોસ્પિટલથી 100 મીટર પહેલાં એક રસ્તો છે જે મધુના ઘર સુધી લઈ જાય છે. ચિંડકિપાઝયુર ગામ મધુના પરદાદાઓનું ગામ છે.


પતિનું મૃત્યુ પણ અચાનક થયું હતું

Image copyright Sonu AV

ત્રણ દાયકા પહેલાં મધુના માતા આ ગામમાં જ લગ્ન કરીને આવ્યાં હતાં.

તેમના પતિના અચાનક મૃત્યુ પછી તેઓ બાળકોને ઉછેરવા માટે પોતાના પીયર જતાં રહ્યાં હતાં.

29 વર્ષની સારાસુ (29) અને 28 વર્ષની ચંદ્રિકા તેમની બન્ને દીકરીઓ આદિવાસી શાળામાં બારમાં ધોરણ સુધી ભણી છે.

મધુ બન્ને બહેનો કરતા મોટા હતા. તેમણે સરકારી સ્કૂલમાંથી છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો.

ત્યારબાદ તેમણે ઘર ચલાવવા અને માતાને મદદ કરવા જંગલમાંથી મધ એકઠું કરવાનું અને જડીબુટ્ટીઓ તોડીને લાવવાનું કામ શરૂ કર્યું.


માનસિક સ્વાસ્થ્ય બગડ્યું

Image copyright Sonu AV

આ દરમિયાન મલ્લી આંગણવાડીમાં જોડાયાં હતાં. જ્યાં તેમને મહિને 196 રૂપિયા મળતા હતા.

બાળકોનું ભણતર પુરું થયા બાદ તેઓ પરત પતિના ઘરે આવી ગયાં હતાં.

16 વર્ષની ઉંમરે મધુનું વર્તન વિચિત્ર થવા લાગ્યું, તે કોઈવાર શાંત રહેતા તો કોઈવાર એકદમ હિંસક બની જતા હતા.

પરિવાર તેમને માનસિક સ્વાસ્થ્યની સંસ્થામાં લઈ ગયો. ત્યાં થોડો સમય તેમની દવા ચાલી હતી.


ઘર છોડી ગુફામાં રહેવાનું શરૂ કર્યું

Image copyright Sonu AV

એ પછીના ગાળામાં મધુએ ઘર છોડી જંગલમાં ગુફામાં રહેવાનું શરૂ કરી દીધું.

મલ્લીએ કહ્યું, ''એકવાર મધુ ગુમ થઈ ગયા હતા, અમે પોલીસને ફરિયાદ કરી. તેમણે તે ગુફામાંથી મધુને તેમને શોધી કાઢ્યા પરંતુ તેમણે ઘરે પાછા આવવાની ના પાડી. ''

મધુ ગુફામાં રહેતા હતા ત્યારે પણ તેમની માતા મલ્લી તેમનું ધ્યાન રાખતાં હતાં. તેમણે કહ્યું "હું હંમેશાં દિવસમાં બે વાર તેમને જમવાનું પહોંચાડતી હતી."


માનસિક રીતે બીમાર વ્યક્તિ પ્રત્યે સમાજની ઉદાસીનતા

Image copyright Sonu AV

તો શું ભૂખમરાએ મધુને માર્યો હતો? કે પછી એક માનસિક રીતે બીમાર વ્યક્તિ પ્રત્યે સમાજની ઉદાસીનતાએ તેમનો જીવ લીધો?

ડિસ્ટ્રીક્ટ મેડિકલ ઓફિસર ડૉ. પ્રભુ દાસે કહ્યું, ''મધુ એકલા રહેતા હતા અને એટલે જ તે ભૂખમરાની સ્થિતિમાં હતા. પરંતુ તેઓ બીજા કોઈને નુકસાન પહોંચાડતા ન હતા.''

''આદિવાસી સંસ્કૃતિમાં, ખોરાકનો અર્થ અલગ છે. તેઓ નથી માનતા કે ખોરાક ફક્ત એક જ વ્યક્તિનો છે. લોકો તમને એક સાથે ઘણા દિવસો સુધી ખવડાવે છે. એટલે એમને એવું નહીં લાગ્યું હોય કે તેઓ ચોરી કરી રહ્યા છે.''

રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશનના પ્રોજેક્ટ ડિરેક્ટર સીમા ભાસ્કર કહે છે કે મધુ તે પ્રદેશમાં એકલા માનસિક રીતે બીમાર વ્યક્તિ ન હતા. ''જીલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ હેઠળ અમારી પાસે રજિસ્ટર્ડ થયેલાં 350 દર્દીઓ છે. પરંતુ, માત્ર 50 દર્દીઓ નિયમિત સારવાર માટે આવે છે. ''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો