ગ્રાઉન્ડ રિપોર્ટ: ખેડૂત પાક ઉગાડી લે છે, પરંતુ માર્કેટિંગમાં હવા નીકળી જાય છે

આંદલન કરનાર ખેડૂત Image copyright AFP

'ખેડૂતો સંગઠિત થશે એટલે કોઈપણની સરકાર હોય, પગમાં પડી જશે.'

ગત સોમવારે દેશભરમાં મહારાષ્ટ્રના ખેડૂતોના પગની ઈજાઓની ચર્ચા થઈ રહી હતી, ત્યારે ભારતીય કિસાન સંઘના મહાસચિવ બદ્રીનારાયણ ચૌધરીએ આ વાત કહી હતી.

મહારાષ્ટ્રમાં નાસિકના ખેડૂતો પદયાત્રા કરીને મુંબઈ પહોંચ્યા હતા. ખેડૂતોમાં આદિવાસીઓ તથા ખેડૂતોનો મોટી સંખ્યામાં સમાવેશ થતો હતો.

આ ખેડૂતોની માગોમાં કૃષિલક્ષી જમીનની ફાળવણીનો પણ સમાવેશ થતો હતો, પરંતુ જેમની પાસે જમીન છે, એમનું શું?


દેશની રાજધાની દિલ્હીથી માત્ર 35 કિલોમીટર દૂર નોઇડાના દયાનતપુર ગામની તસવીર આપની સમક્ષ ચિત્ર રજૂ કરે છે.

યમુના એક્સપ્રે-વેની બાજુએ આવેલું ગામ સુંદર જણાયું. મોટાભાગના ખેતરોમાં ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું હતું, જ્યારે અન્ય ખેતરોમાં સરસવનાં ફૂલ નજરે પડે છે.

ગ્રામીણ યુવાનોના ચહેરા પર ચમક ઊડીને આંખે વળગે છે, કેટલાંકે બ્રાન્ડેડ કપડાં પહેર્યા હતા, પરંતુ ખેતીની વાત શરૂ થતાં જ યુવાનો અને વૃદ્ધો ફરિયાદ કરવા માંડ્યા.

તમને આ પણ વાંચવું ગમશે

એક્સપ્રેસ-વેની પાસેથી જ પસાર થતાં રસ્તા પર ધર્મવીર ચૌધરી તેમના બળદગાડામાં ખેતરે જઈ રહ્યા હતા.


ફરિયાદ

તેમના સંયુક્ત પરિવાર પાસે સાઠ વીઘા જમીન છે. જમીનની કિંમતમાં જંગી વધારો થયો છે, પરંતુ ખેતીની આવક વિશે ચર્ચા કરતા ધર્મવીર કહે છે, "જ્યાં જૂઓ ત્યાં તકલીફ જ તકલીફ છે."

ધર્મવીરના કહેવા પ્રમાણે, ઘઉંને પાંચ વખત પાણી આપવું પડે. પરંતુ ખેતરો સુધી વીજળી પહોંચી નથી એટલે જનરેટર દ્વારા પિયત કરવું પડે છે.

ધર્મવીર ભારતી ઇચ્છે છે કે સરકાર તેમનું રૂ. પાંચ લાખ જેટલું દેવું છે, જે માફ થઈ જાય અથવા તેમાં રાહત મળે. તેઓ ત્રણ બાળકો માટે ખેતી સિવાયનો રોજગાર ઇચ્છે છે.

ગામ તરફ જતાં સરપંચ બીના દેવી મળ્યાં. તેઓ દીકરા મનોજ સાથે ભેંસગાડી પર બેસીને ઘરે જઈ રહ્યાં હતાં.


ખેડૂતોની સમસ્યા

ખેતી વિશે તેઓ કંઈક કહેવા માંગતાં હતાં, પરંતુ બોલ્યા નહીં. બીના દેવીનાં કહેવા પ્રમાણે, તેમને બહારની દુનિયા વિશે ખાસ જાણકારી નથી.

તેમણે કહ્યું, "હું ક્યાં બહાર જાઉં છું. છોકારવને ખબર. સઘળો વહીવટ મારા છોકરાઓ અને પતિએ જ કર્યો છે."

જોકે,તેમની દીકરા મનોજે સ્પષ્ટ રીતે અભિપ્રાય રજૂ કર્યા.

તેમના કહેવા પ્રમાણે, પશ્ચિમ ઉત્તર પ્રદેશના ખેડૂતોને સમૃદ્ધ માનવામાં આવે છે, પરંતુ મોટાભાગના ખેડૂતો સમસ્યાઓથી ઘેરાયેલા છે.


વીમો નકામો?

મનોજના કહેવા પ્રમાણે, ક્યારેક વરસાદ તો ક્યારેક કરા પડે છે. જેનાં કારણે મૂળ કિંમત પણ નથી મળતી

'ખેડૂતો પાક વીમો કેમ નથી લેતાં?' તેવા સવાલના જવાબમાં મનોજ કહે છે કે ગામમાંથી કોઈને પણ આ વિશે પૂરતી જાણકારી નથી.

થોડું વિચાર્યા બાદ બોલ્યા, "એક વખત સાંભળ્યું હતું કે ક્યાંક એક તો ક્યાંક દોઢ રૂપિયાનું વળતર મળ્યું છે. તો પછી ફાયદો શું?"


'ખેડૂતોની સ્થિતિ સુધરશે'

લગભગ સો કિલોમીટર દૂર મથુરાના માંટ તાલુકાના અલ્હેપુર ગામના કેટલાક પરિવારો ખેતરમાંથી બટાટા કાઢી રહ્યાં હતાં.

જે કોઈ ખેતરમાં નજર પડી, દૃશ્ય સમાન જ હતું. પુરુષો, મહિલાઓ અને બાળકો ખેતરમાંથી બટાટા કાઢી રહ્યાં હતાં.

લગભગ બે મહિના પહેલા આ વિસ્તારના ખેડૂતોએ રસ્તા ઉપર બટાટા ફેંકી દીધાં હતાં.

હવે સ્થિતિ થોડી બદલાઈ છે, ખેડૂતોને આશા છે કે આ સિઝનનો પાક સારી એવી આવક રળી આપશે.

અર્જુનસિંહ નામના ખેડૂતના કહેવા પ્રમાણે, "હાલ બટાટાના ભાવો ખૂબ જ સારા ભાવો મળી રહ્યા છે. લાગે છે કે સરકાર ખેડૂતોના પક્ષે છે. જો બે વર્ષ સુધી આવી જ સ્થિતિ રહી, તો ખેડૂતોની દશા સુધરી જશે."


ખેતી સિવાય શું કરીએ?

પરંતુ બધાય ખેડૂતો અર્જુનસિંહ જેટલા આશાસ્પદ નથી. બાજુના ખેતરના ખેડૂત વૃંદાવનસિંહના કહેવા પ્રમાણે, ઉત્તર પ્રદેશ સરકારની દેવા માફીની યોજનામાં અન્ય ખેડૂતોની જેમ તેમનું દેવું માફ નથી થયું.

તેમના પુત્ર જિતેન્દ્ર બેરોજગાર છે. તેમનો આરોપ છે કે પૈસા આપ્યા વિના સરકારી નોકરી મેળવવી મુશ્કેલ છે. આ વાતે અર્જુનસિંહ પણ સહમત છે.

સ્થાનિકોનું કહેવું છે કે તેમની પાસે ખેતી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જો બહાર જઈને મહેનત કરીએ તો ખેતર નહીં ખેડી શકાય તથા જો ખેતી કરીએ તો નુકસાન વેઠવું પડે છે.


દેવાનો ઉકેલ

જિલ્લાના અડીંગ વિસ્તારમાં ખેતરમાં સારો એવો પાક જોવા મળે છે. પરંતુ ખેતી અંગે વાત કરતા જ ખેડૂતોના ચહેરા પરથી નૂર ઊડી જાય છે.

પાસે જ છિદ્દી નામના ખેડૂત રહે છે. ઉત્તર પ્રદેશ સરકારે તેમનું '0.01' રૂપિયા એટલે કે એક પૈસાનું દેવું માફ કર્યું હતું.

આ અંગે મળેલું પ્રમાણપત્ર દેખાડતા છિદ્દીએ જણાવ્યું કે દેશભરના મીડિયાએ આ અંગે સમાચાર પ્રકાશિત કર્યા છે. આમ છતાંય વહીવટી તંત્ર કે સરકારે આ અંગે કોઈ કાર્યવાહી નથી.

છિદ્દી કહે છે, "મારું એક પૈસાનું દેવું માફ કર્યું કે મારી મજાક ઉડાવી, મને ખબર નથી પડતી."


2011માં છિદ્દીએ લગભગ રૂ. એક લાખની લોન લીધી હતી. તેમનું કહેવું છે કે ખેતીમાં સતત નુકસાન થઈ રહ્યું હોવાથી તેમણે ખેતમજૂરી કરવી પડી રહી છે.

છિદ્દીના પુત્ર બનવારીના કહેવા પ્રમાણે, "કેટલાકના મતે બૅન્કની ચૂક છે તો અન્ય કેટલાકના મતે વહીવટીતંત્રની ચૂક છે. ડીએમે આ અંગે આશ્વાસન આપ્યું, પણ હજુ સુધી કોઈ રકમ મળી નથી."

અનેક ખેડૂતોનું કહેવું છે કે સમયસર વ્યાજ ચૂકવવાને કારણે તેમને લોન માફીની યોજનાનો લાભ ન મળ્યો.

બિરજન નામના ખેડૂતના કહ્યા પ્રમાણે, બૅન્કે લોનની તારીખ ફેબ્રુઆરી 2016ના બદલે એપ્રિલ 2017 નોંધી, જેના કારણે તેમને લોન માફીની યોજનાનો લાભ ન મળ્યો.


વીઘે રૂ. એક હજારની કમાણી

કૃષિ બાબતો અંગે રિપોર્ટિંગ કરતા પત્રકાર દિલીપ કુમાર યાદવના કહેવા પ્રમાણે, ઓછી આવકને કારણે ખેડૂતો દેવામાં ડૂબી જાય છે. આથી જે ખેડૂતોને લોન માફી યોજનાનો લાભ ન મળ્યો, તેઓ નિરાશ થઈ ગયા છે.

ઉત્પાદન અને ખર્ચનું ગણિત સમજાવતા દિલીપ કહે છે કે દરેક ખેડૂતને વીઘાદીઠ મહિને રૂ. એક હજાર જેટલી આવક માંડ થાય છે. નવાબસિંહ નામના સંપન્ન ખેડૂત પણ આ ગણતરીની પુષ્ટિ કરે છે.

નવાબસિંહના કહેવા પ્રમાણે, "મારી પાસે 23-24 એકર જમીન છે. હું ઘઉં અને ધાનની ખેતી કરું છું. ગત વર્ષે મને રૂ. એક લાખ 85 હજારનો ચોખ્ખો નફો થયો હતો. હું સંપન્ન ખેડૂત છું, છતાંય મારી આવી સ્થિતિ છે."


ખરીદના નામે લૂંટ?

નવાબસિંહ હરિયાણાની ડિગ્રી કોલેજમાં ફિઝિક્સના પ્રોફેસર હતા. નિવૃત્તિ બાદ તેમણે ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

તેમના કહેવા પ્રમાણે જ્યાર સુધી સિંચાઈ તથા ખરીદ વ્યવસ્થામાં સુધારા નહીં થાય, ત્યાર સુધી ખેડૂતોની સ્થિતિ નહીં સુધરે.

નવાબસિંહ કહે છે, "ખેડૂતો જંગી અન્ન ઉત્પાદન તો કરી લે છે, પરંતુ બજારમાં વેચાણ માટે જાય, ત્યારે તેની હવા નીકળી જાય છે.

ત્યાં લૂંટારા ઊભા હોય છે. યાર્ડમાં ખેડૂતોને લૂંટી લેવાય છે. આ મુદ્દે બે વખત હાઈ વે જામ કરાવ્યા છે, પરંતુ કોઈ ફેર નથી પડ્યો."


દિલીપ યાદવના કહેવા પ્રમાણે, સરકારની ઇચ્છાશક્તિ નથી. સરકારને તમામ બાબતો વિશે જાણકારી હોવા છતાંય સ્થિતિને સુધારવા માટે કોઈ પ્રયાસ નથી થતા.

ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈત તાજેતરમાં દિલ્હી આવ્યા હતા. જંતર મંતર ખાતે ખેડૂતોના એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું:

"તમામ ખેડૂતોની લોન માફ થવી જોઈએ. જે ખેડૂતોએ લોનના હપ્તા ભર્યા હતા, તેમનું દેવું માફ નથી થયું.

(સરકારે સમજવું જોઈએ) ખેડૂતોનો કોઈ વાંક ન હતો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ