કેપ્ટન રોહિત શર્માએ કેમ ન જોઈ કાર્તિકની 'વિનિંગ સિક્સ'?

રોહિત શર્મા Image copyright Getty Images

ભારતે કોલમ્બોમાં બાંગ્લાદેશને ચાર વિકેટથી હરાવી ટી-20ની નિદહાસ ક્રિકેટ ટ્રૉફી જીતી લીધી છે.

શ્વાસ રોકી દેનારી આ મેચમાં જીતનો નિર્ણય છેલ્લા બૉલ પર થયો. ભારતને જીત માટે છેલ્લા બૉલ પર પાંચ રનની જરૂર હતી.

કાર્તિકે છગ્ગો માર્યો અને ભારતીય રમત પ્રેમીઓ ઉજવણી કરવા લાગ્યા હતા.

ટી-20ની આ ફાઇનલ મેચમાં ભારતને બાંગ્લાદેશ પાસેથી જીત માટે 167 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.

કાર્તિકે કુલ આઠ બૉલમાં બે ચોગા અને ત્રણ છગ્ગાની મદદથી 29 રનની ઇનિંગ રમીને લગભગ હારેલી બાજી જીતાડી દીધી.

તમને આ પણ વાંચવું ગમશે

દિનેશ કાર્તિક હવે જાવેદ મિયાંદાદ, મેક્લારેન, નાથન મૈકુલમ, લાન્સ ક્લુઝનર અને શિવનારાયણ ચંદ્રપૉલ જેવા ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયા છે.

આ ખેલાડીઓએ છેલ્લા બૉલે છગ્ગો મારી આંતરરાષ્ટ્રીય મેચોમાં પોતાની ટીમોને જીત અપાવી હતી.

જ્યારે આખી દુનિયા મીટ માંડીને સૌમ્ય સરકારના છેલ્લા બૉલ માટેના રનઅપને જોઈ રહી હતી.

એ સમયે રોહિત શર્મા ડ્રેસિંગ રૂમમાં જ હતા, પરંતુ તેમના મગજમાં બીજું કંઈક ચાલી રહ્યું હતું અને તેઓ તેની રણનીતિ બનાવવામાં વ્યસ્ત હતા.


રોહિત ન જોઈ શક્યા છેલ્લો બૉલ

Image copyright AFP

મેચ બાદ પ્રેસ કૉન્ફરન્સમાં રોહિતે કહ્યું કે તેઓ છેલ્લો બૉલ જોઈ શક્યા નહીં.

રોહિત શર્માએ કહ્યું, "જ્યાં સુધી છેલ્લા બૉલની વાત છે, હું તો સુપર ઓવરની તૈયારી કરવા જતો રહ્યો હતો. હું પેડ બાંધવા જતો રહ્યો હતો.

"મને લાગ્યું હતું કે જો બાઉન્ડ્રી પડી તો સુપર ઓવર થવાના ચાન્સ છે.

"મેં છેલ્લો બૉલ જોયો ન હતો, પરંતુ ડ્રેસિંગ રૂમમાં ઉજવણી થવા લાગી હતી.

"એટલે મને ખબર પડી ગઈ કે દિનેશ કાર્તિકે છગ્ગો મારી દીધો છે અને આપણે જીતી ગયા છીએ."

રોહિતે કહ્યું કે તેમને ખબર હતી કે, છેલ્લી ઓવરમાં ભલે 12-15 રન બનાવવા હોય, તેનું દબાણ મોટામાં મોટા બૅટ્સમૅન પર પણ ખૂબ વધારે હોય છે.

રોહિતે કહ્યું, "અમને ખબર હતી કે એક અનુભવી બેટ્સમેન છે અને બીજા બૅટ્સમૅન (વિજય શંકર) પાસે લાંબા શૉટ મારવાની આવડત છે. જોકે, શંકર આજે એ રીતે રમી ન શક્યા.

"હું સમજું છું કે આજની મેચમાંથી શંકરે એ શીખ્યું હશે કે આ પ્રકારના મેચમાં કેવી રીતે બેટિંગ કરવાની હોય છે.

"દિનેશ કાર્તિક જે રીતે શોટ લગાવી રહ્યા હતા, તેનાથી અમે ખૂબ પૉઝિટિવ હતા."

Image copyright AFP

જ્યારે મેચની 18મી ઓવર પૂર્ણ થઈ તો ડ્રેસિંગ રૂમમાં કેવો માહોલ હતો, તેના પર રોહિતે કહ્યું, "મારા મગજમાં તો કંઈ ચાલી રહ્યું ન હતું.

"જે કંઈ ચાલી રહ્યું હશે તે દિનેશ કાર્તિક અને વિજય શંકર વચ્ચે જ ચાલી રહ્યું હશે. હું તો અંદર બેઠો હતો, પરંતુ અમે સકારાત્મક હતા."

દિનેશ કાર્તિકને સાતમા નંબર પર બેટિંગ માટે મોકલવાના નિર્ણયનો પણ રોહિતે બચાવ કર્યો.

રોહિતે કહ્યું, "મેચ પૂરી કરવામાં તેમની આવડત અને અનુભવને ધ્યાનમાં રાખીને અમે તેમને રોકીને રાખ્યા હતા અને આ નિર્ણય સાચો સાબિત થયો.

"મને હંમેશાંથી મારા બૅટ્સમૅન પર ભરોસો રહ્યો છે. તેમને (બાંગ્લાદેશ) નાના સ્કોર પર રોક્યા બાદ અમે જીત અંગે આશ્વસ્ત હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ