રૂઢીઓ અને લિંગની સીમાઓ તોડતી અનોખી લવસ્ટોરી

  • વિગ્નેશ અય્યાસામી
  • બીબીસી તમિલ સંવાદદાતા

જ્યારે લગ્નની વાત આવે છે તો મોટાભાગના લોકો ધૂમધામથી કરવા માગે છે પણ ચેન્નઈમાં થયેલા એક લગ્ન કોઈ તૈયારી કે કોઈ પ્રકારના બાહ્ય પ્રદર્શન વગર થયા હતા. બીજી ખાસ વાત એ હતી કે આ લગ્ન રીત-રિવાજ વગર થયા હતા.

આ લગ્ન હતા પ્રીતિશા અને પ્રેમ કુમારનના. પ્રીતિશાએ એક છોકરા તરીકે જન્મ લીધો હતો, જ્યારે પ્રેમ કુમારને છોકરીના રૂપમાં જન્મ લીધો હતો.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના દિવસે ચેન્નઈમાં બન્ને 'આત્મસન્માન વિવાહ કેન્દ્ર'માં લગ્નના બંધનમાં બંધાઈ ગયા.

પ્રીતિશાએ બીબીસીને જણાવ્યું, "મારો જન્મ એક છોકરાના રૂપમાં થયો હતો, પરંતુ જ્યારે હું 14 વર્ષની થઈ તો મને લાગ્યું કે મારી અંદર છોકરી જેવું પણ કંઈક છે."

તમને આ પણ વાંચવું ગમશે

'આત્મસન્માન વિવાહ', કોઈ રીત-રિવાજ વગર થતા લગ્નને આ જ નામ આપવામાં આવે છે. આ પરંપરા તર્કવાદી પેરિયારે શરૂ કરી હતી.

આ પ્રથા એ લોકો માટે છે કે જેઓ કોઈ જાતિ કે ધાર્મિક રીત-રિવાજ સાથે લગ્ન કરવા માગતા નથી.

પ્રીતિશાની કહાણી શું છે?

છ વર્ષ પહેલા પ્રીતિશા અને પ્રેમ ફેસબુક પર મિત્ર બન્યાં હતા. તેમની મિત્રતા ધીરેધીરે પ્રેમમાં પરિવર્તિત થઈ હતી.

તમિલનાડુના તિરુનેલવેલીના કલ્યાણીપુરમ ગામમાં 1988માં જન્મેલાં પ્રીતિશા પોતાનાં માતા-પિતાની ત્રીજું સંતાન હતાં.

સ્કૂલ દરમિયાન પ્રીતિશાને સ્ટેજ નાટકમાં ભાગ લેવામાં ખૂબ રસ હતો અને આજે તેઓ એક પ્રોફેશનલ સ્ટેજ આર્ટિસ્ટ અને એક્ટિંગ ટ્રેઇનર છે.

પ્રીતિશા કહે છે, "આ 2004 કે 2005ની વાત છે, જ્યારે હું મારા સંબંધીઓને મળવા પુડ્ડુચેરી ગઈ હતી. ત્યાં મને સુધા નામના એક કિન્નરને મળવાની તક મળી હતી.

"તેમના માધ્યમથી મને કડ્ડલૂરની પૂંગોડી વિશે જાણકારી મળી."

પૂંગોડીઅમ્મા (પૂંગોડીને પ્રીતિશા માની જેમ સંબોધિત કરે છે એ માટે તેમને તેઓ પૂંગોડીઅમ્મા કહે છે.) અને તમિલનાડુના બીજા કેટલાક કિન્નર પૂણેમાં એક ભાડાંના મકાનમાં રહેતાં હતાં.

તેમને ખબર પડી કે તે મકાનમાં રહેતા મોટાભાગના કિન્નર પોતાની જીવિકા માટે ભીખ માગતા અથવા તો વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલા હતા.

પ્રીતિશા એવું કંઈ કરવા માગતા ન હતા. સુધાની સલાહથી તેમણે ટ્રેનમાં કી-ચેઇન અને મોબાઇલ ફોન વેચવાનું કામ શરૂ કર્યું.

"ઘણાં કિન્નરોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો કે તેઓ ભીખ માગવાનું કામ કરે છે અને જો હું ચીજ વસ્તુઓ વેચું તો લોકો તેમને સવાલ કરશે."

લિંગ પરિવર્તનની સર્જરી

લોકલ ટ્રેનમાં ચીજ વસ્તુઓ વેચવા પર પ્રતિબંધ હોવા છતાં તેઓ નાના એવા વેપારને શરૂ કરવામાં સફળ રહ્યાં.

"તેમાં દરરોજ 300-400 રૂપિયા કમાવવામાં મદદ મળી રહેતી."

17 વર્ષની વયે તેમણે પોતાની કમાણીના પૈસાથી લિંગ પરિવર્તનની સર્જરી કરાવી હતી.

પ્રીતિશાએ કહ્યું કે, તેમના પરિવારે એ સર્જરી બાદ તેમને સ્વીકારી લીધાં હતાં. હવે તેઓ પોતાનાં પરિવારના સંપર્કમાં છે.

ત્યારબાદ તેઓ દિલ્હીમાં એક ટ્રાન્સજેન્ડર આર્ટ ક્લબ સાથે જોડાઈ ગયા અને રાષ્ટ્રીય રાજધાની તેમજ તેની આસપાસ અભિનય કરવાનું કામ શરૂ કરી દીધું હતું.

ત્રણ-ચાર વર્ષ બાદ તેઓ ચેન્નઈ પરત ફર્યાં હતાં.

પ્રીતિશા કહે છે, "જ્યારે મેં ચેન્નઈમાં અભિનય શરૂ કર્યો, મારી મુલાકાત મણિકુટ્ટી અને જેયારમણ સાથે થઈ. તેમની મિત્રતાથી મારો અભિનય વધારે નીખરી ગયો.

"તેમની મદદથી જ આજે હું ફુલ ટાઇમ પર્ફૉર્મર છું અને અભિનય શીખવું પણ છું."

પ્રેમની કહાણી શું છે?

પ્રેમ કુમારનનો જન્મ તમિલનાડુના ઇરોડ જિલ્લામાં 1991માં એક છોકરીના રૂપમાં થયો હતો.

જોકે, તેમનું નાનપણ સામાન્ય હતું, પરંતુ જ્યારે તેઓ કિશોરાવસ્થામાં પહોંચ્યા તો તેમને લાગ્યું કે તેમના મહિલા શરીરમાં એક પુરુષની ભાવના છે.

તેમણે જ્યારે આ વાત તેમના માને જણાવી, તો તેમણે પ્રેમની વાત માનવાથી ઇન્કાર કરી દીધો.

તેમના માતાપિતાને લાગ્યું કે તેમના આ વિચાર સમય સાથે બદલાઈ જશે. પ્રેમે એક છોકરીના રૂપમાં કૉલેજમાં દાખલો મેળવ્યો.

કૉલેજના દિવસો દરમિયાન તેઓ એક દુર્ઘટનામાં ઘાયલ થતા તેમણે ભણતર છોડવું પડ્યું હતું.

2012માં પ્રેમ લિંગ પરિવર્તનના ઑપરેશનની જાણકારી મેળવવા ચેન્નઈ આવ્યા. તેઓ પ્રીતિશા અને તેમની મિત્રોની સાથે રોકાયા હતા.

અહીં આ બન્નેની પહેલી મુલાકાત થઈ હતી અને ધીરેધીરે બન્ને સારા મિત્રો બની ગયા હતા. તે દરમિયાન તેઓ પ્રીતિશા પાસે બે-ત્રણ દિવસો માટે રોકાયાં હતાં.

તે દરમિયાન તેમણે નિર્ણય કર્યો કે તેઓ પુરુષ બનવા માગે છે અને પ્રીતિશા સમક્ષ તેમણે પોતાની ઇચ્છા વ્યક્ત કરી.

તેમણે પ્રેમને એ જેન્ડર અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા જેમાં તેઓ સહજ અનુભવ કરતા હતા.

બન્ને સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા રહ્યા અને ક્યારેક ક્યારેક મળતા હતા.

પ્રેમે પોતાના કિન્નર મિત્રોને લિંગ પરિવર્તનની સર્જરી અંગે પૂછ્યું.

પ્રેમે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે 2016માં તેમણે પોતાના એક શુભચિંતકની મદદથી ચેન્નઈમાં લિંગ પરિવર્તનની સર્જરી કરાવી હતી. તેમના પરિવારને આ અંગે જાણકારી ન હતી.

ચેન્નઈમાં કામ માટે રોકાણ કર્યા દરમિયાન પ્રેમ અને પ્રીતિશાએ એકબીજાને પ્રેમમાં મળેલી નિષ્ફળતા અંગે વાત જણાવી.

એક દિવસ પ્રીતિશાએ પ્રેમને અપ્રત્યાશિત પ્રશ્ન કર્યો, "આપણે બન્ને એક જ કારણથી પ્રેમમાં નિષ્ફળ રહ્યા છીએ. શું આપણે બન્ને સાથે રહી શકીએ છીએ?"

પ્રેમને પહેલા તો આશ્ચર્ય થયો, પરંતુ તુરંત જ તેમણે આ પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો અને તેમની મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ.

પ્રેમે આશંકા વ્યક્ત કરી કે જાતિ બહાર લગ્ન કરવા પર તેમના પરિવારજનો કે સંબંધીઓ તેમનો બહિષ્કાર કરી શકે છે.

સમસ્યા એ હતી કે તેઓ એ જ શહેરમાંથી આવતા હતા જ્યાં જાતિવાદના વિરોધી ઈવી રામાસ્વામીનો જન્મ થયો હતો.

જ્યારે પ્રેમ અને પ્રીતિકાએ લગ્ન કર્યા...

પ્રેમ કુમારન અને પ્રીતિશા 'પેરિયાર આત્મસન્માન લગ્ન કેન્દ્ર' પહોંચ્યા હતા.

આ કેન્દ્ર પેરિયારના રીત-રિવાજ સાથે લોકોને લગ્ન કરવામાં મદદ કરે છે.

વિશ્વ મહિલા દિવસના અવસર પર બન્નેએ કેટલાક સાક્ષીઓની હાજરીમાં લગ્ન કરી લીધા.

બન્નેએ આખા જીવન દરમિયાન એક-બીજા સાથે રહેવાના પ્રણ લીધા હતા.

તેમણે કોઈ રિવાજનું અનુસરણ કર્યું નથી. જેમ કે, પ્રીતિશાને પ્રેમે મંગલસૂત્ર પણ પહેરાવ્યું નથી.

પ્રીતિશા કહે છે, "કેટલાક લોકો અમને હેરાન કરે છે. મારા પાડોશી અમને અહીંથી જતા રહેવા કહે છે.

"જોકે, અમારા મકાન માલિક અમને સમજે છે અને અમને સમર્થન પણ આપે છે. એ જ કારણ છે કે અમે આ ઘરમાં રહીએ છીએ."

બન્નેએ આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. પ્રેમ એક શો રૂમ સાથે જોડાયા હતા, જ્યાં તેમણે કલાકો સુધી ઊભા રહેવું પડતું હતું.

થોડાં સમય બાદ તેઓ ત્યાં કામ કરી શક્યા નહીં. થોડા મહિનાથી તેમની પાસે રોજગાર નથી અને બીજી નોકરી શોધી રહ્યા છે.

પ્રીતિશાએ બીબીસીને જણાવ્યું, "હું પ્રેમની શિક્ષા પૂરી કરવામાં મદદ કરીશ. ભલે તેનું માધ્યમ ડિસ્ટન્સ એજ્યુકેશન હોય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો