શિવાજીનું આક્રમણ અને સુરતની લૂંટનું સત્ય: એ વખતે ખરેખર શું બન્યું હતું?

શિવાજી

એક બાજુ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે ગુજરાતીઓ વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતીઓની ગેરસમજ દૂર કરવા મરાઠાઓના ઇતિહાસ પર પુસ્તક લખી રહ્યા છે.

આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર છત્રપતિ શિવાજીની 'સૂરત લૂંટ' ચર્ચા શરૂ થઈ છે.

અમિત શાહનાં પુસ્તક લખવાનાં કારણ પર વાત કરતા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સહસ્ત્રાબુદ્ધેએ અગાઉ જણાવ્યું હતું,''શાહનું માનવું છે કે ગુજરાતીઓમાં છત્રપતિ શિવાજી અને મરાઠા વિશેનું જ્ઞાન 'સુરતની લૂંટ' સુધી જ મર્યાદિત છે.''

ત્યારે શિવાજીએ જ્યારે સુરત પર આક્રમણ કર્યું હતું ત્યારે ખરેખર શું થયું હતું?


સુરત પર આક્રમણ

Image copyright Getty Images

સુરત પર 5 જાન્યુઆરી, 1664ના રોજ શિવાજીએ આક્રમણ કર્યું હતું. શિવાજી અને મુઘલ સરદાર ઇનાયત ખાન વચ્ચે લડાયેલી આ લડાઈમાં મરાઠાઓનો વિજય થયો હતો અને એ બાદ સુરત લૂંટાયું હતું.

ત્રણ દિવસ સુધી ચાલેલા આ આક્રમણમાં સુરતના મુઘલ અને પૉર્ટુગીઝ વેપારીની સંપત્તિ લૂંટવામાં આવી હતી.

જોકે, આ દરમિયાન સામાન્ય લોકોને કોઇ નુકસાન ના પહોંચ્યું હોવાના દાવાઓ કેટલાય ઇતિહાસકાર કરે છે.


શિવાજી અને સુરતની લૂંટ

મરાઠા અને મુઘલો વચ્ચે અણબનાવ હતો એ વાત કોઈથી અજાણી નથી. આ અણબનાવના ભાગરૂપે જ શિવાજીએ સુરત પર 17મી સદીમાં આક્રમણ કર્યું હતું.

એમ.એસ. યુનિવર્સિટીના પ્રૉ. મૈત્રી વૈદ્ય આ અંગે વાત કરતા જણાવે છે, ''સુરત એ મુઘલ સલ્તનતનું બહુ મોટું શહેર અને બંદર હતું.

સુરતની સંપત્તિ એ આક્રમણનુ સૌથી મોટું કારણ હતું.''

પ્રૉ. વૈદ્યના મતે ઇતિહાસમાં કોઈ પણ યુદ્ધ કે આક્રમણ પાછળ મુખ્ય ચાર કારણ હોય છે, આર્થિક, રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક.

પ્રો.વૈદ્ય ઉમેરે છે, ''શિવાજીના આક્રમણનો ઉદ્દેશ પણ આર્થિક જ હતો.''

'શિવાજીને ઔરંગઝેબ સાથે વેર, ગુજરાતીઓ સાથે નહીં'

Image copyright Getty Images

આ જ મુદ્દે વાત કરતા મહારાષ્ટ્રના જાણીતા ઇતિહાસકાર અને લેખક વિશ્વાસ પાટીલ જણાવે છે,

''શિવાજીને ગુજરાતીઓ સાથે નહીં પણ ઔરંગઝેબ સાથે વેર હતું અને એ જ વેર સુરતની લૂંટનું કારણ બન્યું હતું."

પાટીલ એવું પણ ઉમેરે છે કે, ''સુરતની લૂંટ વખતે શિવાજીએ સામાન્ય લોકોને લૂંટ્યા હોય કે રંજાડ્યાં હોય એવો કોઈ જ બનાવ ઇતિહાસમાં નોંધાયો નથી."

જાણિતા ઇતિહાસકાર હરબંસ મુખીયા આ અંગે વાત કરતા જણાવે છે, ''કોઈ રાજા કે બાદશાહનું વર્તન ક્યારેય કોઈના વિરુદ્ધ નથી હોતું કે ક્યારેય કોઈના તરફ નથી હોતું. એમણે લીધેલા તમામ પગલાં સંપૂર્ણ રીતે રાજકીય હોય છે."

"સુરતની વાત કરીએ શિવાજીના આક્રમણનો ઉદ્દેશ સુરતના લોકોને નુકસાન પહોંચાડવાનો નહોતો પણ સુરતમાં મુઘલોની સંપત્તિ લૂંટવાનો હતો. ''

શિવાજીના આક્રમણ પાછળ હિંદુ-મુસ્લિમની થિયરીને પણ ફગાવી દેતા મુખીયા કહે છે, ''શિવાજીના સૈન્યમાં મુસ્લિમ સૈનિકો પણ હતા. શિવાજી મુસલમાનોને લૂંટતા પણ હતા તો મસ્જિદો પણ બંધાવતા હતા.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો