'પાંડવ' બનેલા રાહુલ ગાંધી મહાભારતમાંથી શું શીખી શકે છે?

કાર્ટૂન

"હજારો વર્ષો પહેલાં કુરુક્ષેત્રની લડાઈ લડવામાં આવી હતી. કૌરવો શક્તિશાળી અને અહંકારી હતા. પાંડવો નમ્ર હતા. સત્ય માટે લડ્યા હતા."

"કૌરવોની જેમ ભાજપ અને આરએસએસનું કામ પણ સત્તા માટે લડવાનું છે, પાંડવોની જેમ કોંગ્રેસ સત્ય માટે લડી રહી છે."

કોંગ્રેસનાં 84માં મહાઅઘિવેશનમાં રાહુલ ગાંધીએ રાજનૈતિક જંગને મહાભારત કાળ સાથે કંઈક આ રીતે જોડ્યો હતો.

પછી શું, ભાજપ તરફથી પલટવાર થવાનો જ હતો. નિર્મલા સીતારમણે વળતો પ્રહાર કરતાં કહ્યું કે જે લોકો રામનું અસ્તિત્વ સ્વીકાર નથી કરતા, તેઓ ખુદને પાંડવોનાં રૂપમાં રજૂ કરી રહ્યા છે.


રાહુલને કેમ મહાભારત યાદ આવ્યું?

પરંતુ સવાલ એ છે કે રાહુલ ગાંધીએ મહાભારતનો ઉલ્લેખ કેમ કર્યો? શું તેનું કોઈ ખાસ કારણ છે કે પછી તે પોતાના માટે સકારાત્મક અને ભાજપ માટે નકારાત્મક જુમલો શોધતા હતા.

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ બીબીસીને કહ્યું કે રાહુલ ગાંધીએ જે ઉદાહરણ આપ્યું તે પણ હિંદુ પૌરાણિક કથાનું જ છે. તેમણે મંદિરનો ઉલ્લેખ પણ કર્યો. એમ પણ કહ્યું કે તેમને કહેવામાં આવ્યું હતું કે ભગવાન દરેક જગ્યાએ છે.

તેમણે કહ્યું, "સોનિયા ગાંધીએ પણ કહ્યું કે અમને મુસ્લિમ પાર્ટીના રૂપમાં રજૂ કરવામાં આવે છે. મને લાગે છે કે કૌરવો-પાંડવોવાળો કિસ્સો પણ આ રણનીતિનો જ એક ભાગ છે."

બંને રાજકીય પક્ષોની પોતપોતાની દલીલો છે. પરંતુ મહાભારતનો ઉલ્લેખ થતાંની સાથે જ બધાના મનમાં એક સવાલ આવ્યો કે રાહુલ ગાંધી વર્તમાન રાજકીય મહાભારતમાં પાંડવ દેખાવા માગે છે તો શું તે શક્ય છે ખરું?

એવી કઈ ચીજ છે જે રાહુલ ગાંધીને પાંડવો, કૌરવો કે મહાભારત કાળનાં બીજાં પાત્રો શીખવી શકે છે.


સકારાત્મક રાજનીતિ

મહાભારતે શીખવાડ્યું છે કે કોઈને જળમૂળથી ઉખેડી નાખવાની ઇચ્છા જ પોતાના માટે ખતરો બની શકે છે. કૌરવોએ આવું જ ઇચ્છ્યું અને તેમના હાલ શું થયા. રાહુલ ગાંધી અને કોંગ્રેસે જલદી જ આમાંથી શીખી લેવું જોઈએ. ભૂતકાળમાં પણ તેઓ આનું નુકસાન ઉઠાવી ચૂક્યા છે.

પહેલાં ગુજરાત અને પછી લોકસભાની ચૂંટણીમાં સોનિયા ગાંધી અને કોંગ્રેસના બીજા નેતાઓએ નરેન્દ્ર મોદી પર વ્યક્તિગત હુમલાઓ કર્યા હતા. તેનો ફાયદો થવાને બદલે તેમને નુકસાન થયું.

એવામાં વ્યક્તિ આધારિત નકારાત્મક રાજનીતિથી વધારે સારું એ હશે કે રાહુલ ગાંધી ભાજપ સરકારની નિષ્ફળતાઓને રેખાંકિત કરે, પરંતુ સાથે એ પણ બતાવે કે તેમની પાસે પરિસ્થિતિ બદલવા માટે અન્ય કયા વિકલ્પો છે.


યે દોસ્તી હમ નહીં તોડેંગે

મહાભારતમાં કૃષ્ણ-અર્જુન હોય કે પછી દુર્યોધન-કર્ણ, મિત્રતાનાં ઉત્તમ ઉદાહરણો મળતાં રહ્યાં છે.

આવી જ રીતે કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ પણ મિત્રતાનું મહત્ત્વ સમજવું જોઈએ. સમય આવ્યે તેમણે તેમના મિત્રોની વાત માનવાની પણ નોબત આવી શકે છે.

ગોરખપુર અને ફૂલપુરમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ હાલમાં જ બતાવી દીધું કે સાથે મળીને શું કરી શકાય છે.

2019 દૂર નથી અને કોંગ્રેસે આવા સંબંધો જોડવા માટે કોશિશ કરવી પડશે.

સાથે સાથે એ પણ જોવું પડશે કે જે રાજ્યોમાં તે મોટી પાર્ટી નથી રહી, ત્યાં પોતાના અહમને દૂર રાખીને સ્થાનિક પક્ષો સાથે ઊભું રહેવું પડશે. ક્યાંક સીનિયર બનાવાની તક મળશે તો ક્યાંક જૂનિયર પાર્ટનર તરીકે પણ જોડાવું પડશે.


અડધી માહિતી ખતરનાક

મહાભારતમાં અભિમન્યુનો પ્રસંગ સાહસનો પરચો પણ આપે છે અને શીખ પણ આપે છે. અડધી-પડધી માહિતીના આધારે ચક્રવ્યૂહમાં દાખલ તો થઈ શકાય છે, પરંતુ સુરક્ષિત રીતે બહાર નીકળી શકાતું નથી.

યૂટ્યૂબ પર રાહુલ ગાંધીના ઘણા વીડિયો છે, જેમાં તેઓ ભાષણ આપતી વખતે કોઈને કોઈ ભૂલ કરી રહ્યા છે. એવું નથી કે તેઓ પોતાની ભૂલ સ્વીકારતા નથી. તેઓ એમ પણ કહે છે કે તેઓ ભૂલ કરે છે કારણ કે તેઓ સામાન્ય માણસ છે.

તેમ છતાં તેમણે એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે જ્યારે તેઓ વાત કરે કે ભાષણ આપે તો તેમની છબી ગંભીર ના હોય તેવા નેતાની ના બને. કેન્દ્ર સરકારને ઘેરે તો તથ્યોમાં કોઈ ગડબડના હોય.

નીરજા ચૌધરીનું માનવું છે કે પહેલાંના રાહુલ કરતાં આજના રાહુલ ઘણા સારા છે. તેમાં કોઈ બેમત નથી. પરંતુ જ્યારે તમે તેની તુલના નરેન્દ્ર મોદી સાથે કરો, તો બન્ને વચ્ચે હજી ઘણું અંતર છે.


પડવું અને ફરી ઊભાં થવું

મહાભારતમાં કર્ણનું પાત્ર ખૂબ જ રસપ્રદ છે. જન્મથી લઈને જીવનનાં ઘણાં વર્ષો સુધી 'સૂત-પુત્ર'ના ભેદભાવ અને અપમાનને લઈને અનેક ઘટનાઓનો સામનો કર્યો.

પાંડવોએ તેમના અજ્ઞાતવાસ દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો. પ્રાણ પણ દાવ પર લગાવ્યા. પરંતુ તેમ છતાં કોઈપણ અવરોધ તેમનો રસ્તો રોકી શક્યો નહીં.

આ રીતે એ શીખવા મળે છે કે રાજનૈતિક માર્ગમાં વિવિધ અવરોધો હોવા છતાં જો સતત મહેનત કરવામાં આવે તો લક્ષ્ય પાર પાડી શકાય છે.

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તો રસ્તામાં અનેક અવરોધો હતા પરંતુ તેઓ વડા પ્રધાનના પદ સુધી પહોંચી જ ગયા.

આવી રીતે રાહુલ ગાંધી સામે પણ સંભાવનાઓ છે. તેઓ એવા વખતમાં કોંગ્રેસની આગેવાની કરી રહ્યા છે, જ્યારે મુશ્કેલીઓ વધારે છે. જોકે, આ મુશ્કેલીઓમાં જ સંભાવનાઓ છુપાયેલી છે.


સમયની સાથે બદલવું

મહાભારતમાં એક સમય એવો આવે છે જ્યારે પાંડવોને રાજકાજ છોડીને વર્ષો સુધી સંતાઈને રહેવું પડે છે. એ સમયે તેઓ ખુદને સમયના હિસાબે બદલે છે અને અલગ અલગ ભૂમિકાઓ નિભાવે છે.

રાજકારણમાં પણ પરિસ્થિતિ આવી રીતે જ બદલાય છે અને તેના બદલાયાની સાથે નેતાઓએ પણ ફેરફાર માટે તૈયાર રહેવું પડે છે. રાહુલ ગાંધીના ખભા પર એ કોંગ્રેસને આગળ લઈ જવાની જવાબદારી છે જે પહેલાં જેવી તાકાતવર નથી રહી.

તેમની એકબાજુ ભાજપ જેવું ચૂંટણીનું મશીન ઊભું છે તો બીજી તરફ સ્થાનિક પક્ષો છે. તેને ક્યાંક દોસ્ત બનાવવાના છે તો ક્યાંય મુકાબલો કરવાનો છે. આ સમય ભૂમિકાઓ બદલવાનો છે.


પરંતુ કોંગ્રેસ પાંડવ બનશે કેવી રીતે?

પરંતુ આ જેટલું દેખાય છે તેટલું સરળ નથી. વરિષ્ઠ પત્રકાર મધુકર ઉપાધ્યાય કહે છે, "મેં રાહુલ ગાંધીનું આ નિવેદન સાંભળ્યું ન હતું પરંતુ વાંચ્યું હતું. વાંચતાની સાથે જ મગજમાં આવ્યું કે કોંગ્રેસમાં પાંડવ કોણ છે."

"કોંગ્રેસમાં સત્ય માટે ઊભા રહેનાર યુધિષ્ઠિર કોણ છે, દરેક લક્ષ્યને ભેદનાર અર્જુન કોણ છે. પ્રહાર કરનાર ભીમ કોણ છે અને નકુલ-સહદેવ ક્યાં છે? આ પાંચ પાત્રો છે તેની ખૂબીઓ છે તે ક્યાં છે."

તો પાંડવોનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ કેમ કર્યો, મધુકર ઉપાધ્યાયે કહ્યું, "વાસ્તવમાં મારું માનવું છે કે તેઓ એક કોર ટીમ બનાવવા માગે છે. મારા મત પ્રમાણે રાહુલ પાંડવના રૂપમાં આ ટીમનો જ ઉલ્લેખ કરી રહ્યા હતા."

કોંગ્રેસના અધ્યક્ષ જો મહાભારતને યાદ કરી રહ્યા છે તો તેમણે એ પણ જાણી લેવું જોઈએ કે પાંડવ બનાવવાની જરૂરિયાત હશે. આ તો પાર્ટટાઇમની પાર્ટી હશે અને પાર્ટટાઇમર્સ ક્યારેય પણ ફુલટાઇમર્સની જગ્યા લઈ શકતા નથી.


જંગ સરળ નથી

તેમણે કહ્યું, "કોંગ્રેસ સામે જે તાકત ઊભેલી દેખાય છે તે દિવસ-રાત, સૂતાં-ઊઠતાં રાજનીતિ જ કરે છે. તેમના મગજમાં બીજું કંઈ ચાલતું નથી."

બીજી તરફ નીરજા ચૌધરી હાલમાં કંઈપણ કહેવા માગતાં નથી કે રાહુલ ગાંધી ખુદને અર્જૂનની ભૂમિકામાં જોઈ રહ્યા છે કે બીજી કોઈ.

તેમણે કહ્યું, "વર્તમાન રાજનીતિને જો મહાભારત સાથે સરખાવવામાં આવે તો કોંગ્રેસને કૃષ્ણની જરૂર છે. તે કોણ બનશે? મને લાગે છે કે સોનિયા કૃષ્ણ બની શકે છે. રણનીતિકાર બની શકે છે. યૂપીએના હેડ તેઓ જ બની રહેશે."

પરંતુ શું તે રિટાયર થવાં માંગતાં નથી, તેમણે કહ્યું, "હતું તો એવું જ, પરંતુ હવે એવું લાગતું નથી. ઘણા લોકો ઇચ્છે છે કે માયાવતી યૂપીએની કમાન સંભાળે. મમતા પણ ઇચ્છે છે કે આ મામલે વાત થાય. કારણ કે અત્યારે પીએમની વાત તો થશે નહીં માત્ર યૂપીએ ચેરપર્સનની વાત જ થશે."


તમામ મદાર મોદી પર

તેમણે કહ્યું, "સોનિયાએ હાલમાં જ ડિનરનું આયોજન કર્યું હતું. પરંતુ વિપક્ષ એક થશે તો પણ સફળતાની કોઈ ગેરંટી નથી. આ બધું જ એ વાત પર આધાર રાખશે કે વ્યક્તિગત રીતે મોદી કેટલું મેદાન ખોઈ ચૂક્યા છે."

નીરજાએ કહ્યું, "જ્યાં પણ ભાજપ પેટાચૂંટણીઓ હાર્યો છે ત્યાં મોદીએ કોઈ કામ નહોતું કર્યું. સ્થાનિક દિગ્ગજો હાર્યા છે."

પરંતુ શું વિપક્ષ એક થઈ જાય તો નરેન્દ્ર મોદીને વધારે ફાયદો થઈ શકે છે? નીરજાએ જવાબ આપ્યો, "હા એવું થઈ શકે છે, તેઓ ઇમોશનલ કાર્ડ ફેંકી શકે છે કે બધા જ તેમને ઘેરવાની કોશિશ કરી રહ્યા છે."

તમામ ગ્રાફિક્સ : પુનિત બરનાલા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ