સુપ્રીમ કોર્ટ: સંસદે SC/ST એક્ટ બ્લૅકમેલિંગ માટે નથી ઘડયો

સુપ્રીમ કોર્ટની તસવીર Image copyright SAJJAD HUSSAIN/AFP/GETTY IMAGES

સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં એસસી/એસટી એક્ટના દુરુપયોગ વિશે ચિંતા પ્રગટ કરી છે. સર્વોચ્ચ અદાલતે આવા કેસોમાં તત્કાળ ધરપકડ કરવાના બદલે પ્રારંભિક તપાસ બાદ ધરપકડ કરવા નિર્દેશ આપ્યા છે.

જસ્ટિસ એ.કે. ગોયલ તથા યૂ. યૂત લલિતની બેન્ચના કહેવા પ્રમાણે, સાત દિવસની અંદર પ્રારંભિક તપાસ પૂર્ણ થઈ જવી જોઈએ.

ટીકાકારોના કહેવા પ્રમાણે, આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે.

જ્યારે સમર્થકોનાં કહેવા પ્રમાણે, આ કાયદાને કારણે હજારો વર્ષોથી દલિતો સામે વપરાતા જાતિસૂચક શબ્દોને અટકાવવામાં મદદ મળે છે.


સુપ્રીમ કોર્ટના આદેશની મુખ્ય વાતો

Image copyright Getty Images

1. કોર્ટે તેના આદેશમાં ઠેરવ્યું કે જો કોઈ શખ્સ સામે આ કાયદા હેઠળ કેસ દાખલ થાય તો સાત દિવસની અંદર શરૂઆતી તપાસ પૂર્ણ કરી લેવી.

2. કોર્ટે ઠેરવ્યું કે પ્રારંભિક તપાસ હોય કે હોય કે કેસ નોંધાઈ ચૂક્યો હોય, આરોપીની ધરપકડ કરવી જરૂરી નથી.

3. જો આરોપી સરકારી કર્મચારી હોય તો તેની ધરપકડ કરવા માટે તેને નિયુક્ત કરનારા અધિકારીની સહમતિ લેવાની રહેશે.

4. જો આરોપી સરકારી અધિકારી ન હોય તો તેની ધરપકડ કરવા માટે એસએસપીની સહમતિ લેવી રહેશે.

5. એસસી/એસટી એક્ટની સેક્શન પ્રમાણે, આગોતરા જામીન મળી ન શકે, પરંતુ સર્વોચ્ચ અદાલતે આગોતરા જામીન માગવાની છૂટ આપી છે.

અદલાતના કહેવા પ્રમાણે, પ્રથમ દૃષ્ટિએ એવું લાગે કે કોઈ લાગે કે કેસ દાખલ કરી શકાય તેમ નથી.અથવા તો ન્યાયિક સમીક્ષા બાદ એવું લાગે કે મલિન ઇરાદા સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તો આગોતરા જામીન પર સંપૂર્ણ પણ મનાઈ નહીં રહે.

Image copyright Getty Images

6. સુપ્રીમ કોર્ટે ઉમેર્યું હતું કે, એસસી/એસટી કાયદાનો એવો મતલબ નથી કે જાતિ વ્યવસ્થા યથાવત રહે.

કારણ કે, આમ કરવાથી સમાજના તમામ વર્ગોને એકસાથે લાવવામાં અને બંધારણીય મુલ્યો પર પણ અસર પડે તેવી શક્યતા રહે છે.

કોર્ટે ઉમેર્યું કે બંધારણ કોઈપણ જાતિ કે ધર્મના ભેદભાવ વગર સમાનતાની હિમાયત કરે છે.

7. સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં નોંધ્યું કે કાયદો ઘડતી વખતે સંસદનો ઇરાદો કોઈને બ્લૅકમેલ કરવાનો કે વેરભાવ માટે ઉપયોગ કરવાનો ન હતો.

આ કાયદાનો મતલબ એવો નથી કે કોઈ સરકારી કર્મચારીની ફરજમાં અડચણ ઊભી કરવામાં આવે.

ખરાં કે ખોટાં કેસમાં જો આગોતરા જામીનની મનાઈ કરી દેવામાં આવે તો નિર્દોષ લોકોને રાહત માટે કોઈ રસ્તો નહીં રહે.

8. સર્વોચ્ચ અદાલતે નોંધ્યું કે જો કોઈના મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય તો તે નિષ્ક્રિય રીતે બેસી ન રહી શકે.

મૂળભૂત અધિકારોનો ભંગ અટકાવવામાં આવે અને અન્યાય અટકાવવા માટે નવતર સાધનો તથા રણનીતિનો ઉપયોગ કરવો જોઈએ.

9. 2015માં એનસીઆરબી (નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો) ના ડેટા પ્રમાણે, 15-16 ટકા કેસોમાં પોલીસે પ્રાથમિક તપાસ બાદ 'ક્લોઝર રિપોર્ટ' દાખલ કરી દેવામાં આવ્યા હતા.

75 ટકા કેસોમાં કાં તો કોર્ટે કાઢી નાખ્યા અથવા તો કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા અથવા આરોપીઓ છૂટી ગયા હતા.

આ કેસમાં 'અદાલત મિત્ર' (અમિકસ કુરી)એ અમરેન્દ્ર શરને બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું:

"આ પ્રકારના કેસોમાં ડીએસપી સ્તરના અધિકારી તપાસ કરે છે. 'એટલે એવી અપેક્ષા રાખવામા આવે છે કે તપાસ યોગ્ય અને નિષ્પક્ષ હશે.'

10. આદેશમાં ઉલ્લેખ છે કે આ કાયદા હેઠળ ખોટી ફરિયાદો અંગે સંસદમાં સવાલ ઉઠાવવામાં આવ્યો, ત્યારે એવો જવાબ મળ્યો કે જો ખોટા કેસોમાં એસસી કે એસટી સમુદાયના લોકોને દંડ કરવામાં આવે તો તે કાયદાની વિભાવનાની વિરુદ્ધ હશે.


શું છે કેસની વિગતો?

Image copyright iStock

સુપ્રીમ કોર્ટે ડૉ. સુભાષ કાશીનાથ મહાજન વિ. મહારાષ્ટ્ર રાજ્ય અને એએનઆર કેસમાં આ ચુકાદો આપ્યો હતો.

જેમાં અનુસૂચિત જાતિના એક શખ્સે તેના વરિષ્ઠ અધિકારીઓ સામે એસસી/એસટી એક્ટ હેઠળ કેસ દાખલ કરાવ્યો હતો.

બિન-અનામત શ્રેણીના અધિકારીઓએ તેમના વાર્ષિક ગુપ્ત રિપોર્ટમાં ફરિયાદી સામે ટિપ્પણી કરી હતી.

પોલીસ અધિકારીઓએ ઉપરોક્ત અધિકારીઓ સામે ફરિયાદ કરવા માટે તેમના ઉચ્ચ અધિકારીઓની મંજૂરી માગી હતી, પરંતુ તેમને મંજૂરી મળી ન હતી.

આથી, ઉચ્ચ અધિકારીઓ સેમે પણ કેસ દાખલ કરવામાં આવ્યા હતા.

બચાવ પક્ષની દલીલ હતી કે, જો અનુસૂચિત જાતિની વ્યક્તિ સામે વ્યાજબી ટિપ્પણી કરવી પણ મુશ્કેલ બની જાય તો કામ કરવું મુશ્કેલ બની જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ