સતત 14મા દિવસે સંસદની કાર્યવાહી ખોરવાઈ

સંસદની તસવીર Image copyright Getty Images

બજેટ સત્રના બીજા તબક્કામાં સતત 14મા દિવસે વિરોધ પક્ષના રાજકીય દળો અને દક્ષિણ ભારતના રાજ્યોના પ્રતિનિધિઓને કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ હતી.

આજે રાજ્યસભાની કાર્યવાહી દિવસ માટે મુલતવી રાખવામાં આવી એ પહેલાં જ એ એક મહત્ત્વનાં ગ્રેચ્યુઇટીના કાયદામાં સુધારો સૂચવતા વિધેયકને કોઈ પણ ચર્ચા વિના પસાર કરી દેવામાં આવ્યું હતું.

ત્યારબાદ કોંગ્રેસ, ટીડીપી અને એઆઈએડીએમકેના સંસદ સભ્યોએ વિવિધ મુદ્દા આગળ કરીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

લોકસભાની બેઠક પણ ગૃહમાં સુવ્યવસ્થાના અભાવે શરૂઆતમાં બપોર સુધી અને ત્યારબાદ સમગ્ર દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યું હતું.

લોકસભાનાં અધ્યક્ષ સુમિત્રા મહાજને જણાવ્યું હતું કે, તેઓ ગૃહમાં સુવ્યવસ્થાના અભાવે અવિશ્વાસના પ્રસ્તાવને કાર્યવાહી માટે લઈ નથી શક્યા.

પાંચમી માર્ચથી શરૂ થયેલા બજેટ સત્રના બીજા તબક્કામાં આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો, કાવેરી જળ વિવાદ, બૅન્કિંગ કૌભાંડ જેવા વિવિધ મુદ્દે સંસદના બન્ને ગૃહોની કાર્યવાહીમાં વિક્ષેપ પડી રહ્યો છે.


રાહુલગાંધીનું ટ્વીટ

Image copyright Getty Images

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ ઍનાલિટિકા મુદ્દે પ્રતિક્રિયા આપી છે. ગાંધીના કહેવા પ્રમાણે, ઇરાકમાં ભારતીયોના મૃત્યુના મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા આ મામલો ચગાવામાં આવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, "સમસ્યા: 39 ભારતીયોના મૃત્યુ, સરકાર જુઠ્ઠાણું પકડાઈ ગયું, એટલે લોકોમાં આક્રોશ હતો.

"ઉકેલ: કોંગ્રેસ અને ડેટા ચોરી વિશે એક સ્ટોરી ઊભી કરો.

તમને આ વાંચવું પણ ગમશે:

"પરિણામ : મીડિયા નેટવર્ક્સ તેમાં ફસાઈ ગયા; 39 ભારતીયોના મુદ્દા પરથી ધ્યાન હટી ગયું.

"સમસ્યા ઉકેલાઈ ગઈ."

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના મૌસુલમાં 39 ભારતીયોના મૃત્યુ થયા હોવાનું વિદેશપ્રધાન સુષમા સ્વરાજે સંસદમાં સ્વીકાર્યું હતું. અગાઉ સરકાર તેમના મૃત્યુ પૃષ્ટિ નહોતી કરી રહી.

કેમ્બ્રિજ ઍનાલિટિકાએ તેની ભારતની વેબસાઇટ પર દાવો કર્યો હતો કે, ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અનેક રાજકીય પક્ષોએ તેની સેવાઓ લીધી હતી.


વધુ એક જ્વેલરે બૅન્કો સાથે ઠગાઈ કરી?

Image copyright Getty Images

દૈનિક જાગરણમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, પીએનબી કૌભાંડ બાદ વધુ એક જ્વેલરે સરકારી બૅન્કો સાથે રૂ. 824.15 કરોડની ઠગાઈ કરી છે.

અખબારના અહેવાલ પ્રમાણે, કનિષ્ક ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડે 14 સરકારી અને બિન-સરકારી બૅન્કો પાસેથી લોનો લીધી હતી.

આ માટે નક્લી દસ્તાવેજો તથા બૅન્ક સ્ટેટમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સ્ટેટ બૅન્ક ઑફ ઇંડિયાની ફરિયાદના આધારે આ કેસમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

અખબારના અહેવાલ પ્રમાણે, હીરા વેપારી નીરવ મોદી તથા મુકુલ ચોક્સીની જેમ જ કંપનીના માલિક ભૂપેશ કુમાર જૈન તથા તેમના પત્ની નીતા જૈન વિદેશ જતાં રહ્યાં છે.

એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે હાલમાં તેઓ મૉરિશિયસમાં છે.

Image copyright Getty Images

'નવગુજરાત સમય'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, ગુજરાત વિધાનસભામાં છેલ્લા બે વર્ષના ગુનાખોરીના આંકડા રજૂ થયા હતા.

જે મુજબ ગુજરાતમાં સરેરાશ દરરોજ ત્રણ ખૂન, ત્રણથી વધુ ખૂનના પ્રયાસ તથા સરેરાશ 18 જેટલા આત્મહત્યાના કિસ્સા નોંધાય છે.

આંકડાઓ મુજબ સુરતમાં સૌથી વધુ 267 ખૂન થયા હતા, જ્યારે અમદાવાદમાં 241 ખૂન થયા હતા.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવેલા સવાલના લેખિત જવાબમાં ગૃહ વિભાગે ઉપરોક્ત માહિતી આપી હતી.


આધાર અંગે સુપ્રીમે ઉઠાવ્યા સવાલ

Image copyright Getty Images

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, આધાર કાર્ડ માટે નાગરિકોનો જે ડેટા એકઠો કરવામાં આવ્યો છે, તે સુરક્ષિત છે અને તે 'પાંચ-મજબૂત દિવાલ'ની પાછળ સંગ્રહાયેલો છે.

એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે અદાલતને વિનંતી કરી હતી કે તે થોડો સમય આપીને કોર્ટમાં UIDAI (યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇંડિયા)ના સીઈઓનું પાવર-પોઇંટ પ્રેઝન્ટેશન જુએ.

અંગ્રેજી અખબાર 'ધ હિંદુ' ના અહેવાલ પ્રમાણે, વેણુગોપાલે રજૂઆત કરી હતી કે ખુલ્લી કોર્ટમાં આ પ્રેઝન્ટેશનથી આધાર અંગે પ્રવર્તમાન અનેક શંકાઓ દૂર થઈ જશે.

જોકે, આ અંગે સર્વોચ્ચ અદાલતે કોઈ ખાતરી આપી ન હતી.

મુખ્ય ન્યાયાધીશ પૂછ્યું હતું, 'જે લોકો સેવાઓ મેળવવા માટે પોતાની ઓળખ છતી નથી કરવા માંગતા તેવા લોકોનું શું?'

જ્યારે જસ્ટિસ અશોક ભૂષણે કહ્યું હતું કે કોઈ વ્યક્તિને 'રાઇટ ટુ પ્રાઇવસી' તથા 'રાઇટ ટુ લાઇફ' એકસાથે એક જ સમયે મળવા જોઈએ.

એક અધિકારને માટે બીજા અધિકારને જતો કરવો પડે તે જરૂરી નથી.


બીજી એપ્રિલથી H-1B વિઝા પ્રક્રિયા

Image copyright Getty Images

અમેરિકાન સિટીઝનશિપ ઍન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝને નાણાકીય વર્ષ 2019ના H-1B વિઝા માટે તારીખોની જાહેરાત કરી છે.

ગુજરાતી અખબાર 'સંદેશ'ના અહેવાલ પ્રમાણે, આ પ્રક્રિયા બીજી એપ્રિલથી શરૂ થશે.

તા. પહેલી ઓક્ટોબર, 2018થી શરૂ થતાં અમેરિકાના નવા નાણાંકીય વર્ષ (2019) માટે આ અરજીઓ કરી શકાશે.

H-1B વિઝા માટે વાર્ષિક 65 હજારની ટોચ મર્યાદા છે.

બીજી બાજુ, આ શ્રેણી માટેની પ્રીમિયમ પ્રોસેસિંગ સેવાઓ તા. 10મી સપ્ટેમ્બર સુધી મોકૂફ કરી દેવામાં આવી છે.

H-1B એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે અને ભારતના આઈટી વર્ગમાં તે ખાસ્સી લોકપ્રિય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો