મહિને 20,000 રૂ. ભારતમાં પરિવારને મોકલી શકે એ માટે હરજિત ઇરાક ગયા હતા

પંજાબના હરજિત સિંહ મસિહ
ફોટો લાઈન હરજિત મસિહ

મોસુલમાં થયેલી દૂર્ઘટનામાંથી બચી ગયા હોય તેવી એકમાત્ર વ્યક્તિ હરજિત મસિહ છે. તેઓ ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સીરિયા(આઈએસઆઈએસ)ની પકડમાંથી નાસી છૂટવામાં સફળ થયા હતા.

ઇરાકના મોસૂલ શહેરમાંથી 2014માં 39 ભારતીયોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને એ લોકોનાં શબ મળી આવ્યાં હોવાનું વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે તાજેતરમાં સંસદમાં જણાવ્યું હતું.

હરજિત બેરોજગાર હતા અને તેમના ગરીબ પરિવાર માટે બે ટંકના ભોજનની વ્યવસ્થા કરવા ઇચ્છતા હતા.

તેથી તેમણે આઈએસઆઈએસના ઉગ્રવાદીઓના ઉપદ્રવથી ખદબદતા અશાંત દેશમાં નોકરી કરવાનું સ્વીકાર્યું હતું.

હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પામેલા હરજિતે કહ્યું હતું કે ભારતમાં પોતે ઇચ્છે છે તેવી નોકરી નહીં મળે એ તેઓ જાણતા હતા.

ટ્રાવેલ એજન્ટોએ તેમને જણાવ્યું હતું કે ઓછું ભણેલા લોકોથી માંડીને કૌશલ્ય ધરાવતા લોકોને પરદેશમાં નોકરી મળી શકે છે.


દુબઈને બદલે પહોંચ્યા રાક

Image copyright RAVINDER SINGH/BBC
ફોટો લાઈન મોસુલમાં માર્યા ગયેલા લોકોના કલ્પાંત કરતા પરિવારજનો

હરજિતને ખાતરી આપવામાં આવી હતી કે પરદેશમાં નોકરી કરીને તેઓ દર મહિને કમસેકમ 20 હજાર રૂપિયા ભારતમાંના તેમના પરિવારને મોકલી શકશે.

લાંબી ચર્ચા પછી હરજિતના માતા-પિતા તેમને પરદેશ નોકરીઅર્થે મોકલવા સહમત થયાં હતાં.

ઇરાક જવા માટે પોતે 1.3 લાખ રૂપિયા ઉધાર લીધા હોવાનો દાવો હરજિત સિંહે કર્યો હતો.

હરજિત તો દુબઈ નોકરી કરવા જવા ઇચ્છતા હતા. તેમને ખબર ન હતી કે તેમણે ઇરાક જવું પડશે.

તેઓ દુબઈ પહોંચ્યા પછી તેમના એક પરિચિત ટ્રાવેલ એજન્ટ ગુપ્તાએ તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને ઇરાક નોકરી કરવા જવા સમજાવ્યા હતા.

હરજિતના કેટલાક દોસ્તોએ અગાઉ ઇરાકમાં કામ કર્યું હતું.

ઇરાકમાં નોકરી કરવા જવાનો હરજિતનો ઉત્સાહ બમણો થઈ ગયો હતો, કારણ કે તેમના દોસ્તોએ ઇરાકમાંની કામ કરવાની શરતો તથા પગાર વિશે તેમને જણાવ્યું હતું.

ઇરાકમાં નોકરીના પ્રારંભિક સમયગાળામાં બધું યોગ્ય રીતે ચાલતું રહ્યું હતું.

માસિક પગાર સમયસર મળતો હતો, પણ પછી પગાર ચૂકવવાનું મોડું થવા લાગ્યું હતું.

અશાંત વાતાવરણ

Image copyright RAVINDER SINGH/BBC

હરજિતે જણાવ્યું હતું કે તેઓ એક કન્સ્ટ્રક્શન કંપનીમાં સ્ટીલ ફિક્સચર તરીકે કામ કરતા હતા.

તેમના જેવા તમામ કર્મચારીઓને ફેક્ટરી પરિસરની બહાર જવાની છૂટ ન હતી.

હરજિતના જણાવ્યા અનુસાર, ઘરે નાણાં મોકલવા માટે કોઈએ ફેક્ટરી પરિસરની બહાર જવું પડે તેમ હોય તો એક ખાસ ઓળખપત્ર આપવામાં આવતું હતું.

એક સ્થાનિક વ્યક્તિ તેમને વેસ્ટર્ન યુનિયનની ઓફિસ સુધી લઈ જતો હતો.

હરજિતે ઉમેર્યું હતું કે ઇરાકમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો કોઈ સ્રોત તેમની પાસે ન હતો.

તેઓ એટલું જ જાણતા હતા કે શહેરમાં ઘણી વખત કર્ફ્યુ લાદવામાં આવતો હતો. ગોળીબારના અવાજ સાંભળવા મળતા હતા.

લાંબા સમય પછી ઘરે પાછા ફરેલા હરજિત સિંહ માને છે કે પંજાબમાં પરિસ્થિતિ બદલાઈ નથી. બધું લગભગ યથાવત છે.

હરજિતે જણાવ્યું હતું કે તેઓ પોતે તો ફરી ઇરાક નહીં જાય, પણ પંજાબના ઘણા યુવાનો આજીવિકા માટે જોખમ લેવા તૈયાર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ