#BBCShe રેપના રિપોર્ટિંગમાં 'રસ'

મગધ મહિલા વિદ્યાલય

"રેપના સમાચાર સતત ચલાવવામાં આવે છે. પીડિતાને વારંવાર સવાલ પૂછવામાં આવે છે. એના પર ખૂબ માનસિક દબાણ લાવવામાં આવે છે."

"પરિવારના લોકો ફરિયાદ કરતાં જ ગભરાય છે કે જો પોલીસ પાસે ગયા તો સમાચાર મીડિયામાં ના આવી જાય. દીકરીની બદનામી થશે."

"મીડિયાવાળા અડોશી-પડોશીને જઈને મળે છે. તેમની સાથે પૂછપરછ કરે છે. વાત ઉઘાડી પડી જાય છે અને છોકરીની ઓળખાણ છતી થઈ જાય છે."

પટનાની મગધ મહિલા કૉલેજની છોકરીઓએ જ્યારે તેમના મનની વાત કહી તો લાગ્યું કે જાણે આજે નક્કી કરીને આવી હતી કે તેમના મનનું સમાધાન કરીને જ અહીંથી જશે.

ખૂબ જ સ્પષ્ટ રીતે એક પછી એક વાત નીકળતી ગઈ. બળાત્કાર પર મીડિયાના રિપોર્ટિંગ પર તેઓ આટલી હદે નારાજ હશે એનો અંદાજ નહોતો.


#BBCShe પ્રોજેક્ટ થકી અમે દેશના છ શહેરોમાં કૉલેજની યુવતીઓને મળવા નીકળ્યા છીએ.

મેં માઇક એમની સામે મુક્યું તો ફટાફટ હાથ ઊંચા થવા લાગ્યા.

એમની વાતો સાંભળીને ગયા વર્ષે બિહારના વૈશાલીમાં સ્કૂલ પાસે હૉસ્ટેલમાં મૃત મળેલી યુવતીનો કિસ્સો યાદ આવી ગયો.

એનો મૃતદેહ શંકાસ્પદ સ્થિતિમાં મળ્યો હતો. તેનાં કપડાં પણ ફાટેલા હતાં.

તમને આ પણ વાંચવું ગમશે

રેપ-પીડિતાની ઓળખ છૂપાવવાનો કાયદો હોવા છતાં બધા મીડિયામાં તેનું નામ છપાયું હતું.

મગધ મહિલા કૉલેજમાં બોલનારી છોકરીઓમાં સૌથી આગળ ત્રણ-ચાર સખીઓ હતી જેમણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે કૉલેજના વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.


એ કાર્યક્રમના શરૂ થતાં પહેલાં જ એમની ઉંમરની એક છોકરી પર પટનામાં એસિડથી હુમલો થયો હતો.

એ દિવસે એ છોકરી સાથે તેમના મામા પણ હતા. એ છોકરીના મામા તેનાથી ઉંમરમાં થોડાક જ મોટા હતાં.

એ દિવસે પણ મીડિયામાં એસિડ હુમલો કરનારા આરોપીથી વધારે એ છોકરીના તેના મામા સાથેના કથિત સંબંધોની ચર્ચા હતી.

કૉલેજની છોકરીઓમાં નારાજગી આવા મામલાઓની રિપોર્ટિંગથી જ આવી રહી હતી.

"સમાચારોમાં મોટાભાગે છોકરીઓ પર જ આંગળી ચિંધવામાં આવે છે. શું પહેર્યું હતું, કેટલા વાગે બહાર નીકળી હતી, કોની સાથે હતી..."


"એવામાં કોઈ છોકરી કેવી રીતે બહાર આવવાનું પસંદ કરશે, ચુપ રહેવું વધારે પસંદ ના કરે? ડ્રેસ પહેરતી છોકરીઓ સાથે પણ તો દરેક પ્રકારની હિંસા થાય છે. કપડાંથી કોઈ જ ફર્ક નથી પડતો."

આ છોકરીઓમાં કોઈએ પંજાબી ડ્રેસ પહેર્યો હતો, કેટલાકે જિન્સ-ટૉપ પહેર્યા હતા. મોટાભાગની છોકરીઓ પટનામાં જ મોટી થઈ હતી.

બિહાર સરકારની યોજનાઓ અને સ્કૉલરશિપની મદદના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં યુનિવર્સિટીમાં છોકરીઓની સંખ્યા વધી છે.

મગધ મહિલા કૉલેજ માત્ર છોકરીઓ માટે છે.

ત્યાં મનોવિજ્ઞાન વિભાગનાં પ્રમુખ કહે છે કે અહીંનું વાતાવરણ છોકરીઓના વિચારોને દિશા, અધિકારોની સમજ અને ખુલીને બોલવાનું બળ પ્રદાન કરે છે.

પરંતુ આવો ફેરફાર છોકરાઓની દુનિયામાં નથી આવી રહ્યો.

બિહારની વરિષ્ઠ મહિલા પત્રકારોમાંનાં એક રજની શંકરના કહેવા મુજબ ક્રાઇમ રિપોર્ટિંગ મોટાભાગે પુરુષો જ કરતાં હોય છે. એટલે તેમની સંવેદનશીલતા થોડી ઓછી હોય છે.


રજની આગળ કહે છે કે કેટલાક પુરુષો રિપોર્ટ બનાવતી વખતે હિંસાની જરૂરિયાત કરતાં વધારે જાણકારી શોધતા હોય છે. માનો કે એમને જાણે એમાં 'રસ' પડી રહ્યો હોય, 'રોમાંચ' થઈ રહ્યો હોય.

રજની શંકર 'હિન્દુસ્તાન' સમાચાર એજન્સીનાં બિહાર પ્રમુખ છે.

તેમની એજન્સીમાં તેમણે પુરુષ પત્રકારો સાથે વર્કશૉપ કરી આ મામલે વાતચીત કરી હતી.

એવું નથી કે બદલાવ નથી આવી રહ્યો. બિહારમાં 'દૈનિક ભાસ્કર'ના તંત્રી પ્રમોદ મુકેશના જણાવ્યા મુજબ એમણે ઘણું સમજી વિચારીને તેમની ટીમમાં મહિલાઓની નિયુક્તિ કરી છે.

એમની ત્રીસ પત્રકારોની ટીમમાં ત્રણ મહિલાઓ છે.

જો કે આ મહિલાઓ ક્રાઇમ કે બીજી 'બીટ' પર રિપોર્ટિંગ નથી કરતી. તેઓ મહિલાઓ સાથે જોડાયેલા મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરે છે.

હું તેમને કૉલેજમાં થયેલી વાતચીતનો અંશ સંભળાવું છું.

પૂછુ છું કે શું સમાચાર દેખાડવાનો મીડિયાનો અંદાજ એટલો અસંવેદનશીલ છે કે છોકરીઓ પોતાની ફરિયાદ કરતા પણ ખચકાય?


એ કહે છે કે મીડિયાની આવી છબી છેલ્લાં કેટલાક વર્ષોમાં બની છે. એને બદલાતા સમય લાગશે.

પત્રકારોમાં મહિલાઓની સંખ્યા વધારવી આ દિશામાં એક સારું પગલું છે અને પુરુષોની સમજમાં સુધારો લાવવો તે બીજું પગલું છે.

કૉલેજની છોકરીઓ પાસે પણ કેટલાક સૂચન હતા.

"રેપ પર રિપોર્ટિંગ થાય પણ છોકરીઓ ઉપર નહીં. છોકરાઓ વિશે સમાચાર આવવા જોઇએ. સવાલ એમના કપડાં, ચાલ-ચલણ પર ઊઠવા જોઇએ."

"રેપના કેસ લાંબા ચાલતા હોય છે. સમયાંતરે તેમના માતા-પિતાના સમાચાર દેખાડવા જોઇએ. કોઈ રેપના આરોપીને સજા થાય તો તેને ઉદાહરણ તરીકે સમાચારમાં બતાવવા જોઇએ"

પટનાની એ છોકરીઓનો એક મત મારા મનમાં વસી ગયો.

"સમાચાર એવા દેખાડો જે બળ આપે, ના કે ડર પેદા કરે"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ