માયાવતી એવું કેમ બોલ્યાં કે ભાજપની હાલત ફરી ખરાબ થશે

માયાવતી Image copyright Getty Images

બહુજન સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ શનિવારે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામોને લઈને બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના સંબંધો પર કોઈ અસર નહીં પડે.

રાજ્યસભાની ચૂંટણીઓમાં બહુજન સમાજવાદી પાર્ટીના ભીમરાવ આંબેડકરને હારનો સામનો કરવો પડ્યો હતો. તેની સામે ભાજપના ઉમેદવાર અનિલ અગ્રવાલ સેકન્ડ પ્રેફરન્સિઅલ મતોના આધારે જીત મેળવવામાં સફળ રહ્યા હતા.

ચૂંટણીના પરિણામો બાદ માયાવતીએ પોતાની પ્રથમ પત્રકાર પરિષદમાં કહ્યું, "કાલે જે પણ રાજ્યસભાના પરિણામો આવ્યાં છે, તેનાથી સપા અને બસપાના સંબંધોમાં તલભાર જેટલો પણ ફરક પડવાનો નથી."

ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું, "તેઓ રાતભર વિચારી રહ્યા હશે, લાડુ પણ ખાધા હશે, માયાવતી બહુ જ તીખા સ્વભાવનાં છે, આ ગઠબંધન તૂટી જશે. તેમનો જે તાલમેળ બની રહ્યો છે તે ખરાબ થઈ જશે."

"ફરી 2019માં લોકસભાની ચૂંટણી થશે, તેમાં અમારી બલ્લે-બલ્લે થઈ જશે. મારા માનવા પ્રમાણે આજની મારી પત્રકાર પરિષદ બાદ ફરીથી તેમની હાલત ખરાબ થઈ જશે."


'હવે જોવા મળશે જીદ'

Image copyright GETTY IMAGES/SP

માયાવતીએ એમ પણ કહ્યું કે હવે બીએસપી અને સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપને હરાવવા માટે વધારે જીદથી સાથે મળીને કામ કરશે.

તેમણે કહ્યું, "તેમણે અમને હરાવી તો દીધા, પરંતુ હવે મને લાગે છે કે અમારી પાર્ટીના લોકો અને સપાના લોકો વધારે મહેનતની સાથે અને વધારે જીદથી ભાજપને કેન્દ્રમાં સત્તામાં આવતો રોકવા માટે પૂરી તાકાતથી કામ કરશે."


'દાગ નહીં ધોઈ શકાય'

માયાવતીએ ભારતીય જનતા પાર્ટી પર ચૂંટણી જીતવા માટે કાવતરું કરવાનો અને સરકારી સંશાધનોનો દુરુપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

માયાવતીએ એમ પણ કહ્યું કે રાજ્યસભાની જીતથી ભાજપને ગોરખપુર અને ફૂલપુર પેટાચૂંટણીમાં જે ઝટકો લાગ્યો છે તેની ભરપાઈ થઈ શકે તેમ નથી.

તેમણે કહ્યું, "મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પરંપરાગત સીટ પર લગભગ અઠ્ઠાવીસ વર્ષ બાદ અને ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યની ફૂલપરુ સીટ પર થયેલી જોરદાર હારનો જે દાગ ભાજપ પર પડ્યો છે તે રાજ્યસભાની અનૈતિક જીતથી ધોવાશે નહીં."

ગોરખપુર અને ફૂલપુરની પેટાચૂંટણીમાં બીએસપીએ સમાજવાદી પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું.

સમાજવાદી પાર્ટી બન્ને સીટો જીતવામાં સફળ રહી હતી. ભાજપે આ ગઠબંધનને મેળ વિનાનું ગણાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ