અમેરિકા: બંદૂક વિરોધી રેલીઓમાં ભારે ભીડ ઊમટી

વોશિંગ્ટનમાં ‘માર્ચ ફોર અવર લાઇવ્સ’ રેલીની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન વોશિંગ્ટનમાં 'માર્ચ ફોર અવર લાઇવ્સ' રેલીમાં પાંચ લાખ જેટલાં લોકો હોવાની શક્યતા છે

સમગ્ર અમેરિકામાં બંદૂકો પર સખત નિયંત્રણની માગણીને લઈને વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે.

'માર્ચ ફોર અવર લાઇવ્સ'ના નેજા હેઠળ થઈ રહેલા આ પ્રદર્શનોની રૂપરેખા ગત મહિને ફ્લોરિડાની એક હાઈસ્કૂલમાં બનેલી ગોળીબારની ઘટના બાદ ઘડવામાં આવી હતી.

એ ઘટનામાં 17 લોકો મૃત્યુ પામ્યા હતા.

સૌથી મોટી રેલી વોશિંગ્ટનમાં થઈ રહી છે, જેમાં લગભગ પાંચ લાખ લોકો સામેલ થાય તેવી શક્યતા છે.

આ ઉપરાંત સમગ્ર અમેરિકામાં 800થી વધુ વિરોધ પ્રદર્શનોનું આયોજન થયું છે.


બંદૂકોના ખરીદ-વેચાણ પર કડક કાયદાની માંગ

Image copyright Getty Images

અમેરિકામાં બંદૂકો પર નિયંત્રણની માંગણીના સમર્થનમાં લંડન, એડિનબરા, જીનીવા, સિડની અને ટોક્યોમાં પણ પ્રદર્શનો થયાં છે.

આયોજકોએ કહ્યું છે કે વોશિંગ્ટનમાં થઈ રહેલા મુખ્ય પ્રદર્શનમાં એટલી ભીડ એકઠી થાય તેવી શક્યતા છે કે ત્યાં તમને 'માત્ર ઊભા રહેવાની જ જગ્યા' મળે.

તમને આ વાંચવું પણ ગમશે:

પ્રદર્શનકારીઓ ઇચ્છે છે કે આ પ્રદર્શનોથી બંદૂકો માટે અમેરિકાના રાજનેતાઓ પર નિશ્ચયાત્મક નિર્ણય લેવાનું દબાણ કરી શકાય.

આયોજકો અસૉલ્ટ હથિયારોના વેચાણ પર પ્રતિબંધની માગણી પણ કરી રહ્યા છે.


વાઇટ હાઉસે કરી પ્રદર્શનકારીઓની પ્રસંશા

Image copyright Getty Images

જોકે, આ વિશે અલગ-અલગ મત છે.

અમેરિકાનાં બંધારણના બીજા સુધારા હેઠળ હથિયારની ખરીદીને સંરક્ષણ મળેલું છે.

વળી, હથિયારોનાં સમર્થનમાં કામ કરનારી સંસ્થા નેશનલ રાઇફલ એસોસિએશન (એનઆરએ) શક્તિશાળી લોકોને પ્રભાવિત કરવા માટે સક્ષમ હોવાનું મનાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સપ્તાહના અંતે ફ્લોરિડા સ્થિત પોતાના માર-અ-લાગો રિસોર્ટ પર છે.

શનિવારે સાંજે વાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'પ્રથમ સુધારા હેઠળ મળેલા અધિકારોનો ઉપયોગ કરનારા ઘણા સાહસિક નવયુવાન અમેરિકનો'ની પ્રસંશા કરી હતી.


પાર્કલેન્ડની ઘટના

Image copyright Getty Images

વાઇટ હાઉસના નિવેદનમાં બંદૂકોથી થનારી હિંસાને રોકવા માટેના સરકારી પ્રયાસો પણ જણાવવામાં આવ્યા હતા.

સામાન્ય હથિયારોને અસૉલ્ટ હથિયારોમાં બદલી નાખનારા બમ્પ સ્ટૉકને રોકવાનો નિર્ણય અને સ્ટૉપ સ્કૂલ વાયલન્સ કાયદો, જેમાં સ્કૂલોમાં સુરક્ષા વધારવામાં આવશે અને વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓને બહેતર ટ્રેનિંગ આપવા જેવા પ્રયાસોનો સમાવેશ થાય છે.

ગુનાઇત ભૂતકાળ ધરાવતા લોકોના વિવરણને પણ સુધારવાનું આયોજન છે, જેથી બંદૂક ખરીદનારાઓની યોગ્ય રીતે તપાસ કરી શકાય.

વોશિંગ્ટનની રેલીમાં એરિયાના ગ્રાંડ, મિલી સાયરસ, જેનિફર હડ્સન અને લિનમેન્યુઅલ મિરાંડા જેવી હસ્તિઓએ અહીં પરફોર્મ કર્યું.

વિદ્યાર્થી નેતા અને પાર્કલેન્ડની ઘટનામાં બચી ગયેલાં એમા ગોંઝાલેઝે ભાષણ આપ્યું.

બાળકો અને નવયુવાનોની મોટી સંખ્યા ધરાવતી ભીડમાં લોકોના હાથમાં 'બાળકોને બચાવો, બંદૂકોને નહીં' અને 'હવે પછી મારો નંબર છે' જેવા બેનર્સ જોવા મળ્યાં હતાં.

વોશિંગ્ટનમાં હાજર બીબીસી સંવાદદાતા જૉન સોપેલ અનુસાર, પ્રદર્શનકારીઓએ સ્કૂલ ગોળીબારમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોની તસવીરો લગાવી રાખી છે.


બંદૂકની સમસ્યાથી ગ્રસ્ત અમેરિકા

Image copyright Getty Images

અમેરિકામાં બંદૂક વિશેના કાયદામાં રહેલા છીંડાને કારણે અહીંથી બંદૂકો લેવી અને તેને સાથે લઈને ફરવાનું સહેલું છે.

અમેરિકામાં સામાન્ય લોકો દ્વારા નિર્દોષ લોકો પર ગોળીબારની ઘટનાઓ વર્ષોથી થઈ રહી છે.

પરંતુ, તાજેતરના વર્ષોમાં શક્તિશાળી હથિયારોની ઉપલબ્ધિને કારણે સૌથી જઘન્ય ઘટનાઓ જોવા મળી છે.

ગત વર્ષે લાસ વેગાસમાં અમેરિકાના ઇતિહાસના સૌથી ભીષણ ગોળીબારની ઘટના બની હતી, જેમાં 58 લોકોનો જીવ ગયો હતો.

ત્યારબાદ ફરી એકવાર અને એ વખતે કંઇક આક્રમક રીતે ચર્ચા શરૂ થઈ કે અમેરિકાના બંદૂકના કાયદા શું એટલા નબળા છે કે તે માનવતા પર સંકટ બની ગયા છે.

વર્ષ 2017ના એક સર્વેક્ષણને ધ્યાનમાં લઇએ તો લગભગ 40 ટકા અમેરિકનોએ માન્યું હતું કે તેમની પાસે અથવા તેમના ઘરમાં કોઈની પાસે બંદૂક છે.

અમેરિકામાં વર્ષ 2016માં બંદૂકોથી થયેલી હત્યાઓ અને સામૂહિક હત્યાઓમાં 11 હજાર લોકો મૃત્યુ પામ્યાં હતા.

દુનિયામાં બંદૂકથી થયેલા નરસંહારોમાં 64 ટકા માત્ર અમેરિકામાં થયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ