Top News: જર્મનીએ કૈટોલોનિયાના પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડ કરી

પુંજિમોટ Image copyright EPA

જર્મનીએ કૈટોલોનિયાના પૂર્વ રાષ્ટ્રપતિ કાર્લસ પુજિમોંટની ધરપકડ કરી છે.

આ ધરપકડ યુરોપિયન યુનિયન દ્વારા પુજિમોંટ સામે બહાર પાડવામાં આવેલા ધરપકડ વોરંટના આધારે કરવામાં આવી છે.

સ્પેનમાં પુંજિમોંટ પર રાજદ્રોહ અને બળવો કરવાના આરોપ છે. તેમના વકીલે જણાવ્યું કે ડેનમાર્કથી બેલ્જિયમ જતી વખતે તેમની ધરપકડ કરવામાં આવી.

પુંજિમોંટ ગુરુવારે ફિનલૅન્ડના પ્રવાસે હતા. ત્યાં તેમની ધરપકડ થાય તે પહેલાં જ તેઓ ફિનલૅન્ડ છોડી ગયા હતા.

ગયા વર્ષે ઑક્ટોબરમાં કૈટેલોનિયાની સંસદે સ્પેનથી એકતરફી આઝાદીની જાહેરાત કરી દીધી હતી.

જે બાદથી પુંજિમોંટ સ્પેનથી બેલ્જિયમ જતા રહ્યા હતા અને ત્યાં જ રહેતા હતા.

સ્પેનમાં રાજદ્રોહ અને બળવાના આરોપ મામલે 30 સાલની જેલની સજાની જોગવાઈ છે.


આધાર મામલે આ શું બોલી ગયા કેન્દ્રીય મંત્રી

Image copyright Twitter/Alphons KJ

એનડીટીવીના અહેવાલ મુજબ કેન્દ્રીય પ્રધાન કે. જે. અલ્ફોન્સે આધાર અને પ્રાઇવસીના મામલે નિવેદન આપતાં કહ્યું કે જ્યારે સરકાર માહિતી માગે ત્યારે જ લોકોને મુશ્કેલી થાય છે.

તેમણે કહ્યું, "મેં યુ.એસ.ના વીઝાનું 10 પાનાંનું ફોર્મ ભર્યું હતું. આપણે ગોરા લોકો સામે આપણાં ફિંગર પ્રિન્ટ આપવા અને નગ્ન થવામાં પણ વાંધો હોતો નથી."

"પરંતુ જો તમારી સરકાર જ તમારું નામ અને સરનામું માંગે છે ત્યારે લોકોને મુશ્કેલી થાય છે. અહીં પ્રાઇવસીનો મામલો આડો આવી જાય છે."

આધાર કાર્ડ સામે સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ થઈ છે. તેમાં પ્રાઇવસીનો મામલો મુદ્દો સૌથી મહત્ત્વનો હતો.

સુપ્રીમ કોર્ટે આ મામલે ચુકાદો ન આવે ત્યાં સુધી મોબાઇલ અને અન્ય સેવાઓ સાથે આધારને લિંક કરવું ફરજીયાત ન હોવાનો નિર્દેશ કર્યો છે.


ટી-20માં સૌથી ઝડપી અડધી સદી કરનારી ભારતીય ખેલાડી

Image copyright Getty Images

ભારતની મહિલા ક્રિકેટ ટીમની ઓપનિંગ બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ રવિવારે મહિલા ટી-20 ક્રિક્રેટમાં ઇતિહાસ રચ્યો હતો.

તે સૌથી ઝડપી અડધી સદી કરનારી પહેલી ભારતીય મહિલા બની ગઈ છે.

ભારતમાં રમાઈ રહેલી ત્રિકોણિય શ્રેણીના ત્રીજા મેચમાં સ્મૃતિએ ઇંગ્લેન્ડ સામે રમતા 25 બોલમાં જ અડધી સદી પુરી કરી દીધી હતી.

આ રેકૉર્ડ બનાવનારી તે વિશ્વની ત્રીજી અને ભારતની પહેલી મહિલા ક્રિકેટર બની ગઈ છે.

મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં સ્મૃતિએ 40 બોલમાં 76 રન બનાવ્યા હતા જેમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા.

થોડા દિવસો પહેલાં જ સ્મૃતિએ ઓસ્ટ્રેલિયા સામે 30 બોલમાં જ અડધી સદી ફટકારી હતી.


જયપુર વૅક્સ મ્યુઝીઅમમાં હવે રૉબોટ સ્વાગત કરશે

Image copyright Getty Images

રાજસ્થાનના નાહરગઢ કિલ્લામાં આવેલા જયપુર વૅક્સ મ્યુઝીઅમમાં હવે મુલાકાતીઓનું સ્વાગત રૉબોટ કરે તેવી વ્યવસ્થા થઈ છે.

આ મ્યુઝીઅમના સ્થાપક અને નિયામક અનૂપ શ્રીવાસ્તવે કહ્યું કે, આ રૉબોટ્સ થોડા સમયમાં જ મુલાકાતીઓનું સ્વાગત અને તેમને એક "તાલીમબદ્ધ ગાઇડ"ની જેમ મ્યુઝિઅમ વિશે માહિતી આપવાનું શરૂ કરી દેશે.

તેમણે કહ્યું, "હું આ મ્યુઝીઅમમાં શરૂઆતથી જ કંઇક નવી લાક્ષણિકતાઓ રજૂ કરવા ઇચ્છતો હતો. તે મુલાકાતીઓને આશ્ચર્યમાં મૂકવા અને તેમને મ્યુઝીઅમ સાથે જોડી રાખવામાં મદદરૂપ થાય છે. આપણે ટેક્નોલૉજીના જમાનામાં રહીએ છીએ, જ્યાં દરેક વ્યક્તિ હંમેશા કંઇક નવું અને અલગ માગે છે."

તમને આ વાંચવું પણ ગમશે:

તેમણે વધુમાં જણાવ્યું, "અમે છેલ્લા એક વર્ષથી 'રૉબોટિક ગાઇડ'ના વિચાર પર કામ કરી રહ્યા હતા. આ પાંચ ફૂટ દસ ઇંચ ઊંચો રૉબોટ મુલાકાતીઓ સાથે અંગ્રેજીમાં સંવાદ કરશે. પરંતુ અમે હિંદી ભાષાનો સમાવેશ કરવા માટે પણ સોફ્ટવેરને અપડેટ કરીશું."

આ રૉબોટ વિશે વાત કરતા કહ્યું કે તે 28 અંશના ખૂણા સુધી તેનું માથું ફેરવી શકે છે અને મુલાકાતીઓને પ્રદર્શનમાં મૂકાયેલી વસ્તુઓને તેનો હાથ ઊંચો કરીને બતાવી શકે છે.


અમરનાથ યાત્રા માટે બુલેટપ્રુફ જૅકેટ ફરજિયાત નહીં

Image copyright Getty Images

'સંદેશ'ના અહેવાલ અનુસાર અમરનાથ યાત્રાએ જતા ગુજરાતના શ્રદ્ધાળુઓને બુલેટપ્રુફ જૅકેટ આપવા મુદ્દે વિવાદ થતા આ નિર્ણયને રદ કરવામાં આવ્યો છે.

વિવાદ થતા વાહન વ્યવહાર કમિશનરની આખી માર્ગદર્શિકા રદ કરવાનો નિર્ણય કર્યો છે.

અત્રે નોંધવું રહ્યું કે, ગત વર્ષે ગુજરાતી શ્રદ્ધાળુઓ પર આતંકી હુમલાની ઘટના બની હતી.

આથી ગત સપ્તાહે આરટીઓ કમિશનરે 13 પાનાની એક માર્ગદર્શિકા જાહેર કરી હતી.

જેમાં બસના ડ્રાઇવર અને કંડક્ટરને બુલેટપ્રુફ જૅકેટ આપવા જોઈએ અથવા રાખવા જોઈએ એવી સૂચના સામેલ હતી.

આ વાક્યને પગલે એવો વિવાદ થયો હતો કે જમ્મુ-કાશ્મીરમાં જ્યાં નાગરિકોની સલામતીની જવાબદારી ભારત સરકારને આધીન છે, ત્યાં આર્મીની સુરક્ષા વ્યવસ્થા પર ગુજરાત સરકારને વિશ્વાસ નથી.

કૉંગ્રેસે ટીકા કરી હતી કે ભાજપ સરકાર હિંદુઓને જૅકેટ પહેરવાની સલાહ આપીને પોતાની અક્ષમતા દર્શાવી રહી છે.

આમ સમગ્ર વિવાદને કારણે નિર્ણય પડતો મૂકવામાં આવ્યો છે.

ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, વાહન વ્યવહાર વિભાગનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય કર્યો છે.


વૃદ્ધિમાન સહાએ ફટકાર્યા 20 બોલમાં 102 રન

Image copyright Getty Images

'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર જેસી મુખર્જી ટ્રોફીમાં રિદ્ધિમાન સહાએ માત્ર 20 બોલમાં 120 રન ફટકારી દીધા હતા.

વિકેટકીપર બૅટ્સમૅન રિદ્ધિમાન સહાઅ મોહન બગાન ટીમ તરફથી આટલા રન ફટકાર્યા.

ઇનિંગનાં સહાએ 14 સિક્સર અને 4 ચોગ્ગા ફટકાર્યા. સહાને આઈપીએલ-2018નમાં સન રાઇઝર્સ હૈદરબાદ તરફથી પાંચ કરોડ રૂપિયામાં ટીમમાં રાખવામાં આવ્યા છે.

એક રીતે સહાએ બિનસત્તાવાર વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે. મોહન બાગાન ટીમે માત્ર 7 ઓવરમાં 151 રન ફટકારીને મેચ પણ જીતી લીધી હતી.

અહેવાલ અનુસાર સહાએ ઇનિંગ વિશે કહ્યું, "મને પહેલા બોલથી જ લાગવા લાગ્યું હતું કે હું આવી ઇનિંગ રમી શકીશ. "

"વિક્રમ વિશે નથી ખ્યાલ પણ આઈપીએલમાં આવું જ પરફોર્મન્સ આપવાની કોશિશ કરીશ."


ચંદ્ર પર વસવાટની તપાસ માટે ઈસરોની તૈયારી

Image copyright Getty Images

વેબસાઇટ 'લાઇવમિંટ'ના અહેવાલ અનુસાર ઈસરોનું ચંદ્રયાન-ટુ ઑક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં લૉન્ચ કરવામાં આવશે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા આ મિશન 23 એપ્રિલે લૉન્ચ થવાનું હતું. પણ હવે તેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મિશન લૉન્ચની તારીખ બદલવા વિશે ઈસરોના વડા ડૉ .કે. સીવાને કહ્યું,"મિશનમાં પ્રથમ વખત ઑર્બિટર, રોવર અને લેન્ડરનો પ્રયોગ કરવામાં આવ્યો છે."

"આથી મિશન સાથે સંબંધિત કેટલીક જટિલતાઓને પગલે કેટલાટ નવા પ્રયોગ અને પરીક્ષણ પૂરા ન થાય ત્યાં સુધી મિશન લૉન્ચ ન કરવા નિષ્ણાતોની પેનલે ભલામણ કરી છે."

"આ પેનલમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને વૈજ્ઞાનિક પણ સામેલ છે. આ બાબતને કારણે તારીખ બદલવામાં આવી છે."

વળી અત્રે નોંધવું રહ્યું કે, સંસદમાં અવકાશવિજ્ઞાનના રાજ્યકક્ષાના મંત્રી જિતેન્દ્રસિંહે આ મિશનની માહિતી આપતા જણાવ્યું હતું કે ઈસરો ચંદ્ર ઉપર વસાહત માટે સક્ષમ માળખાં અંગે પ્રયોગ કરી રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, હાલમા ઇગ્લુ આકારનાં મકાનો બનાવવા અને તેની ડિઝાઇન વિકસાવવા ઉપર કામ ચાલી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો