જનરલ યાહ્યા : આઝાદી સમયની ઉધારી 1971ના યુદ્ધ વેળા ચૂકવવી પડી

જનરલ યાહ્યા ખાનની તસવીર Image copyright Getty Images

3 ડિસેમ્બર, 1971ના રોજ જનરલ યાહ્યા ખાને પોતાના એડીસી સ્કોવડ્રન લીડર અરશદ સમી ખાનને કહ્યું કે ચાર વાગ્યે જનરલ હમીદ અહીં પ્રૅસિડેન્ટ હાઉસ (આઈવાન-એ-સદર) પર આવશે. ત્યારબાદ આપણે બધા એક જગ્યાએ જઈશું, પણ ક્યાં તે અત્યારે હું જણાવવા માગતો નથી.

બરાબર ચાર વાગ્યે જનરલ હમીદ ટોયોટા મિલિટરી જીપને જાતે ડ્રાઇવ કરીને પ્રૅસિડેન્ટ હાઉસ પહોંચ્યા.

તેમની બાજુમાં જ તેમના એડીસી બેઠા હતા. જીપ ઊભી રહી એટલે એડીસી પાછળ જતા રહ્યા.

આગળની સીટ પર હવે જનરલ યાહ્યા અને જનરલ હમીદ બેઠા હતા. પાછળ બંનેના એડીસી બેઠા. જીપ આગળ વધી કે એક મોટું ગીધ સામે આવીને બેસી ગયું.

જનરલ હમીદે ધીમે ધીમે જીપને આગળ વધારી પણ ગીધ પોતાની જગ્યાએથી હલ્યું નહીં.

Image copyright Getty Images

તેમણે હોર્ન માર્યું તો ગીધ તેની સામે ઘૂરીને જોવા લાગ્યું. જનરલ યાહ્યાએ નીચે ઊતરીને પોતાની બેટનથી તેને ભગાવવાની કોશિશ કરી, પણ ગીધ ટસનું મસ ના થયું.

આ જોઈને ત્યાં કામ કરી રહેલો માળી દોડીને આવ્યો અને પોતાના પાવડાથી ગીધને ભગાવવાની કોશિશ કરી. માંડ માંડ ગીધ રસ્તામાંથી હટ્યું અને જીપ આગળ વધી.

બહારથી ગોદામ જેવી દેખાતી એક ઇમારત પાસે આવીને જીપ ઊભી રહી.

હોર્ન વગાડ્યું એટલે એક ગાર્ડ દોડીને આવ્યો. જનરલ યાહ્યાને ઓળખીને તેમને સલામ કરી અને દરવાજો ખોલી નાખ્યો.

પૉર્ચમાં ઊભેલા પાકિસ્તાન એરફોર્સના વડા એર માર્શલ રહીમ ખાને તેમનું સ્વાગત કર્યું.

તે હકીકતમાં એરફોર્સનું વડુંમથક હતું, જેના વિશે પબ્લિકમાં ભાગ્યે જ કોઈને જાણ હતી.

મહેમાનો અંદર પહોંચ્યા ત્યારે પાકિસ્તાનના એફ-86 બૉમ્બર વિમાનો ભારતના એરપોર્ટ પર હુમલો કરવા માટે રવાના થઈ ગયા હતા.


જ્યારે હવાઈ હુમલાની સાયરન વાગી

Image copyright OTHERS
ફોટો લાઈન જનરલ માણેક શૉ

એરફોર્સના વડામથકે અડધો કલાક વીતાવ્યા પછી યાહ્યા આઈવાન-એ-સદર પરત જવા નીકળ્યા, પરંતુ તેઓ રસ્તામાં હતા ત્યાં જ હવાઈ હુમલાની સાયરન વાગી.

સ્કવોડ્રન લીડર અરશદ ખાને બીબીસીને જણાવ્યું કે 'અમે જોયું કે અમારી ઉપરથી બહુ નીચે ઊડતાં યુદ્ધવિમાનો પસાર થયાં.

'યાહ્યાએ ડ્રાઇવરને ઊભા રહેવા અને જીપની લાઇટ બંધ કરી દેવા કહ્યું.

'એટલામાં બીજી તરફથી પણ તેજ ગતિથી આવતા વિમાન દેખાયા. યાહ્યાએ ગર્વ સાથે કહ્યું કે આ આપણા ઇન્ટરસેપ્ટર્સ છે.'

જોકે, આ લડાઈ યાહ્યાની ધારણા પ્રમાણે ચાલી નહી અને દરેક મોરચેથી નિષ્ફળતાના સમાચારો આવવા લાગ્યા.


'ચીન મદદ કરશે તેવી આશા પર પણ પાણી ફરી વળ્યું'

ચીન મદદ કરશે તેવી આશા પર પણ પાણી ફરી વળ્યું હતું. મજબૂરીમાં હવે તેમણે અમેરિકાના પ્રમુખ રિચર્ડ નિક્સનને ફોન કર્યો.

અરશદ ખાન કહે છે, "નિક્સનને ફોન લગાવાયો, ત્યારે તેઓ કોઈ મિટિંગમાં હતા."

"13 ડિસેમ્બર, 1971ની રાત્રે બે વાગ્યે ટેલિફોન ઑપરેટરે મને ફોન કરીને જાણ કરી કે પ્રૅસિડેન્ટ નિક્સન હવે લાઇન પર છે."

"મેં ઇન્ટરકોમ લગાવીને યાહ્યાને જગાડ્યા, ઘેરાયેલી આંખે તેમણે ફોન ઉપાડ્યો."

"લાઇન બહુ ખરાબ હતી એટલે યાહ્યાએ મને કહ્યું કે તમે બીજી લાઇન પરથી વાતચીત સાંભળજો અને જો લાઇન કટ થઈ જાય તો નિક્સન સાથે વાતચીત ચાલુ રાખજો."

Image copyright Getty Images

નિક્સનની વાતોનો સાર એ હતો કે તેઓ પાકિસ્તાનની સુરક્ષા માટે બહુ ચિંતિત છે.

તેમણે મદદ કરવા માટે સાતમા નૌકા કાફલાને બંગાળના ઉપસાગર તરફ રવાના કરી દીધો છે.

નિક્સનનો ફોન પૂરો થયો કે તરત યાહ્યાએ મને જનરલ હમીદનો ફોન લગાવવા કહ્યું.

જનરલ હમીદે ફોન ઉપાડ્યો એટલે યાહ્યાએ લગભગ ચીસ પાડીને કહ્યું, "હેમ, વી હેવ ડન ઈટ. અમેરિકન્સ આર ઑન ધેર વે." (કામ થઈ ગયું છે, અમેરિકનો આવી રહ્યા છે.)

જોકે બીજા દિવસે તો શું, ઢાકાનું પતન થયું ત્યાર સુધી અમેરિકાનો નૌકા કાફલો બંગાળના ઉપસાગર સુધી પણ પહોંચી નહોતો શક્યો.


માણેકશા અને યાહ્યા ખાન બંને દિલ્હીમાં ફરજ બજાવતા

એક રસપ્રદ વાત એ છે કે આઝાદી પહેલાં સામ માણેકશા અને યાહ્યા ખાન બંને દિલ્હીમાં સેનાના વડામથકે જ ફરજ બજાવતા હતા.

જનરલ એસ. કે. સિંહાએ 'અ સોલ્જર રિમેમ્બર્સ' નામે પોતાની આત્મકથા લખી છે.

તેમાં લખ્યું છે કે 'માણેકશાની લાલ રંગની એક મોટરસાયકલ યાહ્યાને બહુ ગમતી હતી.’

‘1947માં યાહ્યા પાકિસ્તાન જઈ રહ્યા હતા ત્યારે માણેકશાએ 1000 રૂપિયામાં તેમને એ મોટરસાયકલ વેચવાનો સોદો કર્યો.'

યાહ્યાએ વાયદો કર્યો કે પાકિસ્તાન જઈને તેઓ પૈસા મોકલી દેશે. જોકે પાકિસ્તાન જઈને તેઓ પૈસા મોકલવાનું ભૂલી જ ગયા.

1971ની લડાઈ બાદ માણેકશાએ મજાકમાં કહ્યું હતું કે 'મેં યાહ્યા ખાનનો ચેક આવશે તે માટે 24 વર્ષ સુધી રાહ જોઈ હતી, પણ ચેક આવ્યો જ નહીં.’

‘તેમણે 1947માં ઉધાર કર્યું હતી તે આખરે તેમણે પોતાનો અડધો દેશ આપીને ચૂકવ્યું.'


યાહ્યા ખાનનો રંગીન મિજાજ

Image copyright AFP

યાહ્યા ખાન રંગીન મિજાજ ગણાતા હતા અને કેટલીય મહિલાઓ સાથે તેમની દોસ્તી હતી.

'મલકા-એ-તરન્નુમ' નૂરજહાંને તેઓ 'નૂરી' કહીને બોલાવતા હતા. સામે યાહ્યાને તેઓ 'સરકાર' કહીને બોલાવતાં હતાં.

અશરદ ખાન યાહ્યા અને નૂરજહાંનો એક કિસ્સો સંભળાવતા કહે છે, 'એકવાર યાહ્યા ખાન દોસ્તો સાથે કરાચીમાં બેઠા હતા."

"મને મોડી રાતે બોલાવીને કહ્યું બેટા નૂરજહાંનું એક નવું ગીત આવ્યું છે 'મેરી ચીચી દા...' મારા દોસ્તો કહે છે કે હજી હમણાં જ બહાર પડ્યું છે એટલે બજારમાં મળશે નહીં, પણ મેં મારા દોસ્તોને કહ્યું છે કે મારા એડીસી ગીત લઈ આવશે.'

"તેમણે કહેલું ગીત યાદ રાખવાની કોશિશ કરીને હું મારા રૂમ સુધી પહોંચ્યો, પણ ત્યાં સુધીમાં ગીત ભૂલી જ ગયો. મેં મારી પત્નીને ફોન કરીને પૂછ્યું કે નૂરજહાંની નવી રેકર્ડ આવી છે અને તેમાં 'ચ'થી શરૂ થતું કોઈ ગીત છે."

"તરત જ મારી પત્નીએ જવાબ આપ્યો, મેરી ચીચી દા..."

"રાતના 11 વાગ્યા હતા. મેં ગાડી મંગાવી અને કરાચીમાં ગોરી બજાર પહોંચ્યો. દુકાનો બંધ થઈ ગઈ હતી."


મહિલા દોસ્ત અક્લીમ અખ્તર

Image copyright Getty Images

"ગલીઓમાં ફરી ફરીને એક રેકર્ડવાળાની દુકાન શોધી. તેનો દરવાજો ખખડાવ્યો. માલિકે દરવાજો ખોલ્યો એટલે મેં કહ્યું કે નૂરજહાંની ફલાણી રેકર્ડ જોઈએ છે. તે કહે કાલે સવારે આવજો."

"મેં કહ્યું ના ભાઈ, કોઈની સાથે શરત લગાવી છે અને મારે અત્યારે જ રેકર્ડ લઈ જવી પડશે."

"તમે માગો તે રકમ આપીશ. તેમને લાગ્યું કે હું કોઈ માથાફરેલો નવાબ લાગું છું. તેમણે દુકાન ખોલીને મને રેકર્ડ આપી."

"તે વખતે રેકર્ડ પાંચ રૂપિયામાં મળતી હતી. મેં તેને 50 રૂપિયા આપ્યા. મેં રેકર્ડ યાહ્યા ખાનને આપી ત્યારે તેઓ બહુ ખુશ થઈ ગયા હતા."

જનરલ યાહ્યાની સૌથી નજીકની મહિલા દોસ્ત હતી અક્લીમ અખ્તર.

'જનરલ રાણી'ના નામે મશહૂર થયેલી અક્લીમે એક વખતે પાકિસ્તાની પત્રકાર આયશા નાસિરને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો.


પહેલી મુલાકાત

Image copyright Getty Images

તેમાં અક્લિમે કહેલું "જનરલ યાહ્યા સાથે મારી પહેલી મુલાકાત પિંડી ક્લબમાં થઈ હતી."

"હું ઘણી બધી પાર્ટીઓમાં જતી હતી, પણ ક્યારેય ડ્રિન્ક નહોતી લેતી કે ડાન્સ નહોતી કરી. હું મોટા ભાગે પુરુષોનું ટૉઇલેટ હોય તેની નજીક ખુરશી નાખીને બેસતી."

"મને ખબર હોય કે વધારે શરાબ પીવાય એટલી વધારે વાર ટૉઇલેટ બાજુ આવવું પડે."

"તે પાર્ટીમાં 'આગા જાની' (યાહ્યા) એકદમ ફોર્મમાં હતા. શરાબના નશામાં ચૂર થઈને વારેવારે ટૉઇલેટ માટે આવતા હતા."

"ત્યાં જ તેમણે મને પહેલીવાર જોઈ હતી અને મને દિલ દઈ બેઠા હતા. મેં તેમને મારા નિવાસસ્થાને આવવાનું નિમંત્રણ આપ્યું. તે પછી તેઓ મારા ઘરે સતત આવતા રહેતા હતા."

એકવાર ઇન્દર મલ્હોત્રાએ મને જણાવ્યું હતું કે "યાહ્યા સૈનિક તરીકે અયૂબથી વધારે સારા હતા, પણ તેમનામાં સોલ્જર સ્ટેટ્સમેનશિપ નહોતી."

"તેમણે પાકિસ્તાન એક હતું તેની જગ્યાએ સૂબાઓ ઊભા કરી દીધા. એક તો તેઓ બહુ શરાબ પીતા હતા અને બીજું સ્ત્રીઓની બાબતમાં કમજોર હતા."

Image copyright Getty Images

યાહ્યાઓને પાર્ટીઓમાં જવું ગમતું હતું. પ્રમુખ બન્યા પછી એક વાર પૂર્વ પાકિસ્તાન ગયા હતા.

તેમણે એક રાતે પોતાના એડીસી અરશદ ખાનને કહ્યું કે આપણે કોઈ સિક્યુરિટી ગાર્ડને લીધા વિના એક પાર્ટીમાં જવાનું છે.

અશરદ તે યાદ કરતા બીબીસીને કહે છે,"યાહ્યાએ મને કહ્યું કે એક પાર્ટીમાં આવવું છે? મેં હા પાડી તો પૂછ્યું કે તમારી પાસે કઈ કાર છે?"

"મેં કહ્યું કે મર્સિડિઝ છે સર. તેમણે કહ્યું કે બીજી કાર મગાવો અને ડ્રાઇવરને કહો કે તમારા રૂમની બાજુમાં જ પાર્ક કરે, ચાવી લઈ લો અને પછી ડ્રાઇવરને રજા આપી દો."

"યાહ્યાએ મને કહ્યું બરાબર નવને પાંચ વાગ્યે તમે પાછળના વરંડામાં જજો અને કારની અંદરની લાઇટ બંધ કરી દેજો."

"નવ વાગીને દસ મિનિટે કારનો પાછલો દરવાજો ખોલજો... નવ વાગીને પંદર મિનિટે હું કારની પાછળ આવીને બેસી જઈશ."

"તમારે મારા પર ચાદર નાખીને મને ઢાંકી દેવાનો. પણ જોજો મારા વાળ વિખેરાઈ ના જાય."

Image copyright Getty Images

"તે પછી તમારે મને પ્રેસિડેન્સી ગેટમાંથી બહાર કાઢવાનો, પણ કોઈને ખબર ના પડવી જોઈએ કે તમે કારમાં પાકિસ્તાનના પ્રમુખને લઈને જઈ રહ્યા છો."

"આ રીતે યોજનાબદ્ધ અમે આગળ વધ્યા. થોડે આગળ ગયા પછી યાહ્યાએ મને કાર રોકવા કહ્યું."

"તેઓ આગળ મારી બાજુમાં બેસી ગયા અને કહ્યું કે મારા ડ્રાઇવર છો તેવું લાગવું ના જોઈએ."

"પછી કહ્યું પહેલાં કોઈ ફૂલવાળા પાસે ચાલો. મિસિસ ખંડોકર માટે ફૂલ ખરીદવાના છે. "

"તે પછી અમે તેમના દોસ્ત ખંડોકરના ઘરે પહોંચ્યા અને યાહ્યાએ જાતે કોલબેલ દબાવી."

"દરવાજો ખંડોસર સાહેબે ખોલ્યો અને તેઓ યાહ્યાને જોઈને વિહ્વળ થઈ ગયા."

'પાર્ટીમાં હાજર દરેક મહિલા સાથે ડાન્સ કર્યો'

Image copyright Getty Images

"તેમને કલ્પનાય નહોતી કે તેઓ આવી રીતે સાયરન કે લાવલશ્કર વિના તેમના ઘરે પહોંચી જશે."

"યાહ્યાએ કહ્યું કાનૂ, તમે મને અંદર આવવાનું નહીં કહો. યાહ્યાનું શરીર ભારેખમ હતું, તેમ છતાં તેઓ સારા ડાન્સર હતા."

"તે રાત્રે તેમણે પાર્ટીમાં હાજર દરેક મહિલા સાથે ડાન્સ કર્યો હતો."

"વીકેન્ડ હતો અને પાર્ટી મોડી રાત સુધી ચાલી હતી. વચ્ચે વચ્ચે યાહ્યા મને પૂછતા હતા તમને ઊંઘ તો નથી આવતીને?"

"આખરે હું જે રીતે તેમને લાવ્યો હતો, તે રીતે ચૂપચાપ પાછો લઈ ગયો. તેમણે મને ધન્યવાદ કહ્યા અને પોતાના રૂમમાં જતા રહ્યા."

જનરલ યાહ્યાનું માનવીય પાસું પણ હતું, પણ તેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. તેમને લોકોને ભેટ આપવાનું બહુ ગમતું હતું.


'ગિફ્ટ તૈયાર રાખજો'

Image copyright Getty Images

જોકે, તે માટે જનરલ યાહ્યા સરકારી તીજોરીના બદલે પોતાના જ પૈસા ખર્ચતા હતા.

અરશદ ખાને બીબીસીને જણાવ્યું હતું કે "યાહ્યા પ્રમુખ બન્યા તે પછી તેમણે તરત જ મને સૂચના આપી હતી કે કેટલીક ગિફ્ટ તૈયાર રાખજો."

"તેઓ પોતાના સ્થાનિક અને વિદેશી મહેમાનોને ભેટ આપવા માગતા હતા."

"આ કોઈ નવી વાત નહોતી. અયૂબ ખાનના જમાનાથી અમે આખી ટ્રન્ક ભરીને ગિફ્ટ્સ તૈયાર રાખતા હતા."

"જોકે, બંને વચ્ચે ફરક એ હતો કે યાહ્યા દરેક ગિફ્ટ પોતાના પૈસામાંથી ખરીદતા હતા. એક વાર બેગમ યાહ્યાની સખી તેને મળવા ઢાકાથી આવી હતી."

"તેઓ લોનમાં બેસીને ચા પી રહ્યા હતા એટલામાં યાહ્યા ગોલ્ફ રમીને પરત આવ્યા"

"બેગમ યાહ્યાએ ફારસીમાં તેમને કહ્યું કે મારી સખીનો આજે જન્મદિન છે. યાહ્યાએ કહ્યું કે બોલો હું તમને શું ગિફ્ટ આપું?"


'રોલેક્સ ઘડિયાળ કાઢીને મહિલાને કાંડે બાંધી દીધી'

Image copyright Getty Images

બેગમ યાહ્યાએ કહ્યું, "ગિફ્ટ માટે આટલો આગ્રહ જ કરો છો તો તમે વાપરતા હો તેવી કોઈ ચીજ મને આપો."

"યાહ્યાએ કહ્યું કે અત્યારે તો મારી પાસે ગોલ્ફના ટીશર્ટ, પેન્ટ અને જૂતા છે. આવી વસ્તુઓ તો કોઈ મહિલાને ગિફ્ટમાં અપાય નહીં.'

"મારી પાસે ટુવાલ પણ છે, પણ તે મારા પરેસવાથી ભરેલો છે. હવે એક જ ચીજ મારી પાસે છે."

"તમે તમારી આખો બંધ કરો એટલે તમારો હાથ આગળ લાવો. પેલી મહિલાએ અચકાતા અચકાતા આંખો બંધ કરી અને પોતાનો હાથ આગળ કર્યો."

"યાહ્યાએ પોતે પહેરેલી સોનાની ઓએસ્ટર રોલેક્સ ઘડિયાળ કાઢીને તેમના કાંડે બાંધી દીધી."

"આંખો ખોલીને મહિલાએ કહ્યું અરે હું તમારો હાથરૂમાલ મળશે તેમ માનતી હતી."

"આ તો બહુ મોંઘી ચીજ છે. તમે પાછી લઈ લો. યાહ્યાએ હસતાં હસતાં કહ્યું એકવાર આપેલી ગિફ્ટ પાછી ના લઈ શકાય."


જ્યારે યાહ્યાના હાથમાંથી બાજી સરકવા લાગી...

Image copyright Getty Images

1971ના યુદ્ધમાં યાહ્યાના હાથમાંથી બાજી સરકવા લાગી હતી. તેમ છતાં તેઓ અટકવા માગતા નહોતા. હવે તો તેમણે માત્ર પ્રતિસાદ જ કરવાનો રહ્યો હતો.

સીત્તેરના દાયકામાં પાકિસ્તાનના વિદેશ સચિવ તરીકે કામ કરનારા સુલતાન મોહમ્મદ ખાને પોતાની આત્મકથા 'મૅમૉયર્સ એન્ડ રિફ્લેક્શન ઑફ અ પાકિસ્તાની ડિપ્લોમેટ'માં લખ્યું છે કે "જનરલ યાહ્યા એ માનવા જ તૈયાર નહોતા કે ભારત પૂર્વ પાકિસ્તાનમાં દખલ કરશે."

"તે વખતે પાકિસ્તાની સેનાના જનરલો એવા ભ્રમમાં હતા કે તેઓ લડવાના કાયર બંગાળીઓને માત્ર છરો દેખાડીને નમાવી દેશે."

"ઇતિહાસે દેખાડી આપ્યું કે તે લોકો કેટલા ખોટા હતા. આ લડાઈ પછી પાકિસ્તાન અડધું થઈ ગયું. યાહ્યા માટે તે બહુ શરમજનક સ્થિતિ હતી."

"માનસિક આઘાતમાંથી બહાર આવતા તેમને બહુ સમય લાગ્યો હતો. પ્રમુખ તરીકે વિભાજિત થઈ રહેલા દેશને સંભાળવાની આવડત તેમનામાં નહોતી."

"વિશ્વની રાજનીતિના દાવપેચ અને પોતાના અપ્રામાણિક રાજદ્વારીઓને સમજવાની તેમની ક્ષમતા પણ મર્યાદિત હતી."

ભુટ્ટોને પોતાની સત્તા સોંપતી વખતે તેમની સાથે હાથ મીલાવ્યા પછી યાહ્યાએ કહ્યું હતું કે 'ગુડ બાય સર, આઈ વિશ યૂ લક.'

જનરલ પીરઝાદાએ તેમની સાથે હાથ મીલાવીને પછી કહ્યું હતું, 'હવે તમે એક આઝાદ વ્યક્તિ છો.'

જનરલ યાહ્યાએ જોરજોરથી હસતાં પોતાની બાજુમાં ઊભેલા પોતાના પુત્ર અલીની સામે જોઈને કહ્યું હતું કે 'હા, અલી, તમે અને હું સૌ હવે આઝાદ છીએ.'

જોકે, જનરલ યાહ્યા વધારે દિવસો સુધી આઝાદ રહી શક્યા નહોતા. તેમના જીવનના તે પછીના પાંચ વર્ષ તેમણે નજરબંધીમાં ગાળ્યા હતા.

તે ગાળામાં તેમને લકવો પણ થઈ ગયો હતો. બાદમાં જનરલ ઝિયાએ ભુટ્ટોને સત્તા પરથી હટાવ્યા, ત્યારે છેક યાહ્યા ખાનનો છુટકારો થયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ