#BBCShe ભારતના આ રાજ્યમાં યુવકોના અપહરણ કરીને કરાવાય છે લગ્ન?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
#BBCShe: યુવકોનું અપહરણ કરી જબરજસ્તી લગ્ન

માની લો કે તમે એક લગ્ન લાયક યુવતી છો, જેમનાં લગ્ન કરવા માતાપિતા એટલા બધા હેરાન-પરેશાન થઈ રહ્યાં છે.

હવે તેઓ એક યુવકનું અપહરણ કરી તેમની સાથે તમને પરાણે પરણાવી દે છે.

આ પ્રકારનાં લગ્નમાં ના તો તમારી મરજીને ધ્યાને લેવામાં આવે છે કે ના તો સામેવાળા યુવકને તેમની પસંદ પૂછવામાં આવે છે.

જ્યારે પટણામાં BBCSheના કાર્યક્રમમાં કૉલેજની છોકરીઓએ મને આ પ્રકારનાં લગ્ન વિશે વાત કરી તો મને પહેલાં તો વિશ્વાસ ના આવ્યો.

કોઈ છોકરી આ પ્રકારનાં લગ્ન કેવી રીતે કરી શકે?

તમને આ પણ વાંચવું ગમશે

લગ્ન પછી જો યુવક આ લગ્નનો સ્વીકાર ના કરે તો? લગ્ન બાદ સાસરાપક્ષે એ છોકરી કેવી રીતે રહેશે?


લગ્ન માટે અપહરણ

બિહાર પોલીસના જણાવ્યા મુજબ વર્ષ 2017માં લગભગ 3500 લગ્ન માટે અપહરણની ઘટનાઓ બની હતી. એમાં પણ મોટાભાગનાં લગ્ન ઉત્તર બિહારમાં થયાં છે.

એટલે હું પટણાથી સહરસા તરફ આગળ વધી. ત્યાંના સિમરી ગામમાં મારી મુલાકાત મહારાનીદેવી અને તેમના પતિ પરવીનકુમાર સાથે થઈ.

મહારાની દેવી પંદર વર્ષની હતી જ્યારે તેમના પરિવારના લોકોએ પરવિનનું અપહરણ કરી બન્નેનાં જબરદસ્તી લગ્ન કરાવી દીધાં.

મહારાની કહે છે, "લગ્ન થવાનાં છે એ વિશે મને ખબર જ નહોતી. મારી મરજી કોઈએ પૂછી જ નહોતી."

મેં પૂછ્યું કેમ?

"કારણ કે માતાપિતા જે નક્કી કરે તે કરવાનું હોય છે. લગ્નનાં નિર્ણયમાં દીકરીનો કોઈ અધિકાર નથી હોતો."

અને એમના નિર્ણયનું પરિણામ એ આવ્યું કે મહારાનીદેવીનાં લગ્ન તો થઈ ગયાં પણ પરવીન તેમને ત્રણ વર્ષ સુધી ઘરે ન લઈ ગયા.


બંદૂકના નાળચેકરાવાય છે લગ્ન

પરવીન કહે છે, "મનમાં ગભરામણ થતી હતી. બહુ જ ગુસ્સો આવ્યો હતો. એવું લાગતું હતું કે મારી સાથે આ શું થઈ ગયું. એટલે મેં એને ત્યાં જ છોડી દીધી અને હું મારા ઘરમાં એકલો જ રહેતો હતો."

સિમરી ગામથી બે-ચાર કિલોમીટર દૂર ટોલા-ઢાબ ગામમાં સત્તર વર્ષના રોશન કુમાર પણ ગુસ્સામાં છે.

આ વર્ષે જાન્યુઆરીમાં એમના પડોશી એમને ફોસલાવીને બીજા ગામમાં લઈ ગયા હતા.

રોશનના કહેવા પ્રમાણે તેમને એક રૂમમાં બંધ પુરી દેવામાં આવ્યા. તેમને માર મારવામાં આવ્યો અને બંદૂકના નાળચે ધમકી આપી લગ્ન કરી દેવાયાં.

જબરદસ્તીથી તેમનાથી મોટી ઉંમરની મહિલા સાથે એમનાં લગ્ન કરી દેવાયાં.

જ્યારે રોશન મહિલાના પરિવારથી છૂટ્યા તો પોલીસ સ્ટેશનમાં જઈને બાળવિવાહની ફરિયાદ નોંધાવી.

એ કહે છે, "પછી મામલો શાંત કરવા પંચાયત બેઠી. પણ મેં કહ્યું કે ગળામાં ફંદો તો લાગી જ ગયો છે હવે મારી પણ નાખો, પણ હું આ લગ્નને નહીં માનું."


તો પછી એ મહિલાનું શું?

"તે છોકરીને હું નહોતો ઓળખતો. મારે એની સાથે કોઈ સંબંધ નહોતો રાખવો. મને તેનાથી કોઈ મતલબ નથી. મારે ભણી-ગણીને આગળ વધવું છે."

જે સંબંધ આટલી કડવાશ સાથે શરૂ થતો હોય એનું ભવિષ્ય શું હોઈ શકે?

આ પ્રકારના પરાણે કરાવેલાં લગ્નની હકીકત જાણતા હોવા છતાં છોકરીઓના પરિવારજનો પોતાની દીકરીઓને આવાં લગ્નમાં કેમ ધકેલતા હોય છે?

પટણા વિશ્વવિદ્યાલયમાં મહિલાઓ માટે અલગથી કેન્દ્ર શરૂ કરનારાં પ્રોફેસર ભારતી કુમારના જણાવ્યા મુજબ, આ સામંતી સમાજની દેન છે.

તેઓ કહે છે, "ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં રાજ્યોમાં સામાજિક દબાણ એટલું છે કે છોકરીઓના પરિવારજનો એવી જ કોશિશમાં રહે છે કે કેવી રીતે વેળાસર તેમની જાતિમાં દીકરીનાં લગ્ન કરી દઈએ."

આ પ્રકારનાં લગ્ન મોટાભાગે ગ્રામિણ ક્ષેત્રોમાં થાય છે. અહીં છોકરીઓનું જીવન લગ્ન, બાળકો અને પરિવારની આસપાસ જ ફરતું રહે છે.


દહેજને કારણે અપહરણ

રોશનની કાકાની બહેન પ્રિયંકા હજી પંદર વર્ષની છે પણ વાતો મોટી મોટી કરે છે.

ભાઈ સાથે જબરદસ્તી થવાને કારણે નારાજ પ્રિયંકા કહે છે, "હું પણ એક છોકરી છું. વિચારું છું કે એ છોકરીએ તો નહીં કહ્યું હોય કે અપહરણ કરીને મારાં લગ્ન કરાવો. એ તેમના માતાપિતાની ભૂલ છે."

"વગર મળ્યે - એકબીજાને જોયા-જાણ્યા વગર લગ્ન કરાવી દે છે. છોકરો પણ ખુશ નથી હોતો, છોકરીનું જીવન પણ બરબાદ થઈ જાય છે."

બિહારમાં દહેજ પ્રથા પર નીતીશ કુમારની સરકારે કડક કાયદો બનાવ્યો છે. દારૂની જેમ એના પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

પરંતુ પ્રિયંકાનાં ગામ પર આ પ્રતિબંધની અસર નથી દેખાતી.

તે કહે છે કે જે છોકરીના માતાપિતા દહેજ આપવામાં અસમર્થ હોય છે તેઓ આ પ્રકારનાં લગ્ન કરાવતા હોય છે.

તે કહે છે, "જેમની પાસે દહેજ આપવાની સગવડ હોય છે તેમનાં લગ્ન તો થઈ જ જતાં હોય છે. દહેજ આપવાની સગવડ ના હોવાથી આ પ્રકારનાં લગ્ન થતાં હોય છે."

ચોંકાવનારી વાત એ છે કે આ પ્રકારનાં લગ્નમાં જ્યારે પતિ તેની પત્નીને અપનાવવા માટે તૈયાર ન થાય તો છેવટે એને દહેજ આપીને મનાવવામાં આવે છે.

જાણે કે દહેજ અને લગ્ન ચક્રવ્યૂહ છે જેમાંથી નીકળવું મુશ્કેલ છે.


એડજસ્ટમેન્ટ

પરવીન કુમારે ત્રણ વર્ષ પછી એમની પત્નીને અપનાવી લીધી. એમના કહેવા પ્રમાણે આ ઘર-પરિવાર અને આબરૂની વાત હતી એટલે તેમણે પત્નીનો સ્વીકાર કરી લીધો.

"લોકો મારા વિશે શું વિચારે છે? પછી જો હું આ લગ્નને સ્વીકારત નહીં તો બીજો સારો પરિવાર તેમની છોકરી સાથે મારા લગ્ન ના કરત"

એટલે પરવીને 'એડજસ્ટ' કરીને નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો.

મહારાની પાસે તો નિર્ણય લેવાની છૂટ હતી જ નહીં.

એમની સખીઓએ કહ્યું, "જે થયું તે થયું, ઘણા બધા લોકો સાથે આવું થતું હોય છે. વધારે ના વિચારવું, જીવન જેમ આવે તેમ જીવી લેવું."

પરવીન અને મહારાનીને હવે જોડીયાં બાળકો છે. મહારાનીનું કહેવું છે કે સાસરાપક્ષમાં તેમને સારી રીતે રાખવામાં આવે છે.

અંતે તે કહે છે, "હવે મને એવું નથી લાગતું કે અમારાં પરાણે લગ્ન થયાં હતાં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ