Top News : ગુજરાતના નવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

Image copyright FACEBOOK/AMIT.CHAVDAMLA

કોંગ્રેસે ગુજરાત પ્રદેશ પ્રમુખના પદે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના નામ પર મહોર મારી છે.

ભરતસિંહ સોલંકીએ ગયા અઠવાડિયે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતું.

આંકલાવના ધારાસભ્ય ભરતસિંહ સોલંકી સાથે પારિવારિક સંબંધ પણ ધરાવે છે.


કર્ણાટકની ચૂંટણીની તારીખો જાહેર

રેલીમાં આવેલા લોકો Image copyright Getty Images

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીઓની તારીખની ચૂંટણીપંચ દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખો મુજબ આગામી મે મહિનાની 12મી તારીખે મતદાન યોજાશે.

અને 15 મે 2018ના રોજ મતગતરી કરવામાં આવશે. કર્ણાટકમાં સિંગલ ફેઝમાં તમામ બેઠકો માટે મતદાન થશે.

મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે પત્રકારોને આ માહિતી આપતાં કહ્યું હતું કે કુલ 224 બેઠકો માટે સિંગલ ફેઝમાં જ મતદાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.

કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ મે 2018માં જ પુરો થાય છે.

હાલમાં અહીં કોગ્રેંસની સરકાર છે. 224 બેઠકોવાળી વિધાનસભામાં કોંગ્રેસ પાસે 123 ધારાસભ્યો છે.

મુખ્ય વિપક્ષો જેવા કે ભાજપ પાસે 44 ધારાસભ્યો અને જેડીએસ પાસે 40 ધારાસભ્યો છે.


'ભગવાન રામે કહ્યું હતું કે તલવાર લઈને રેલી કરો?': મમતા

મમતા બેનરજી Image copyright Getty Images

ઇન્ડિયન એક્પ્રેસના અહેવાલ મુજબ મમતા બેનરજીએ બંગાળ પોલીસને કહ્યું છે કે રામ નવમી નિમેત્તે યોજાયેલી રેલીમાં હથિયાર લઈને નીકળેલા લોકો પર કડક કાર્યવાહી કરવામાં આવે.

બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ અને રાજ્યના મહિલા મોરચાનાં પ્રમુખ લોકેટ ચેટરજી સામે ગેરકાયદે હથિયાર લઈને નીકળવા મામલે ફરિયાદ નોંધાઈ છે.

રામ નવમીના દિવસે નીકળેલી રેલીમાં આ બંને પર સાથે હથિયાર લઈ જવાનો આરોપ છે.

આ મામલે મમતા બેનરજીએ ભારપૂર્વક કહ્યું કે રામ નવમીના દિવસે ગુંડાગીરી કરવી એ બંગાળની સંસ્કૃતિ નથી.

મમતા બેનરજીએ અધિકારીઓ સાથેની મીટિંગમાં કહ્યું હતું કે શું ભગવાન રામે કહ્યું હતું કે તલવાર કે પિસ્તોલ લઈને રેલીઓ કાઢો, ઘણા લોકો રામને લાંછન લગાડી રહ્યા છે.

રામ નવમીના દિવસે બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં બંગાળના પુરુલિયામાં એક વ્યક્તિનું મૃત્યું થયું હતું તો એક પાંચ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

જોકે, પોતાનો પક્ષ રાખતા દિલીપ ઘોષે કહ્યું કે અમારી રેલીઓમાં માણસોને જોઈને ટીએમસી ગભરાઈ ગઈ છે.


ઓસ્ટ્રેલિયા બોલ ટેમ્પરિંગ: હવે કોચનું પડશે રાજીનામું?

લેહમેન Image copyright Getty Images

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ દ્વારા દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં થયેલા બોલ ટેમ્પરિગમાં હવે કોચનો ભોગ લેવાઈ શકે છે.

સ્મિથ અને વૉર્નર પર આજીવન ક્રિકેટ રમવાના ખતરા બાદ હવે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કોચ ડેરેન લેહમેનને રાજીનામું આપવું પડે તેવી સ્થિતિ છે.

એવા અહેવાલ મળી રહ્યા છે કે લેહમેન તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેશે.

જોકે, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કૅપ્ટન સ્ટિવ સ્મિથે કહ્યું હતું કે બોલ ટેમ્પરિંગ મામલે કોચને જાણ ન હતી.

આ મામલાની ગંભીરતા જોતા હવે તેઓ રાજીનામું આપે તેવા અણસાર છે.

આ મામલે ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને પણ કડક કાર્યવાહી કરવાની જાહેરમાં ચેતવણી આપી હતી.


રાહુલે કહ્યું 'ડીલિટ નમો એપ' અને કોંગ્રેસની એપ જ ગાયબ થઈ

Image copyright Getty Images

'દિવ્ય ભાસ્કર'ના એક રિપોર્ટમાં જણાવાયું છે કે સોમવાર સવારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'નમો એપ' ડીલિટ કરવા આહ્વાન કર્યું હતું.

પણ, ખૂબીની વાત એ રહી કે કોંગ્રેસે બે વાગ્યાની આસપાસ પોતાની જ એપ પ્લે સ્ટોર પરથી હટાવી દીધી હતી.

નરેન્દ્ર મોદી એપનો ડેટા થર્ડ પાર્ટી સાથે શેર થઈ રહ્યો હોવાના આરોપો વચ્ચે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ થયું હતું.

નોંધનીય છે કે ફ્રેન્ચ સિક્યોરિટી રિસર્ચરે દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એપ્લિકેશન 'નમો એપ' દ્વારા વ્યક્તિની સંમતિ વિના જ તેની ખાનગી માહિતી થર્ડ પાર્ટીને આપી દેવાય છે.


ધારાસભ્યોની ગ્રાન્ટ વધારાઈ

Image copyright Getty Images

'ગુજરાત સમાચાર'ના અહેવાલમાં જણાવાયું છે કે ગુજરાતના ધારાસભ્યોની ગ્રાન્ટ એક કરોડથી વધારીને દોઢ કરોડ કરવામાં આવી છે.

ગુજરાત સરકારના 2018-2019 નાણાકીય વર્ષ બજેટ વખતે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ મળીને મત વિસ્તારો માટે વાપરવા માટે મળતી ગ્રાન્ટ વધારવા માગણી કરી હતી.

આ માગને પગલે નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે 50 લાખનો વધારો કર્યો છે.

કોંગ્રેસની માગ હતી કે એક કરોડની ગ્રાન્ટમાંથી વિકાસના કામો યોગ્ય રીતે થઈ શકતા નથી. તેથી ગ્રાન્ટ વધારી 2થી 3 કરોડ કરવામાં આવે.

આ મામલે ભાજપના ધારાસભ્યો પણ કોંગ્રેસની તરફેણમાં જોવા મળ્યા હતા. રસપ્રદ વાત તો એ છે કે કેટલાક ધારાસભ્યોએ ગ્રાન્ટ પાંચ કરોડ કરવા માટે પણ બૂમો પાડી હતી.


સિંહોના મોત મામલે સરકારને નોટિસ

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના એક રિપોર્ટ અનુસાર ગીરમાં છેલ્લા બે વર્ષ દરમિયાન થયેલા 184 સિંહનાં મોત અંગે ગુજરાત હાઈ કોર્ટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે.

બન્ને સરકારો પાસેથી આ અંગે જવાબ માગતા હાઇકોર્ટે મામલાને 'હળવાશથી ના લઈ શકાય' એવી ટકોર પણ કરી છે.

2016 અને 2017 દરમિયાન ગીરમાં 184 સિંહોનાં મોત નિપજ્યા હતાં. જેમાથી 32નાં મોત 'અકુદરતી' કારણોસર થયાં હતાં.

ગુજરાત સરકારે આ મામલે વિધાનસભામાં માહિતી આપી હતી. જેને પગલે હાઈ કોર્ટે સંજ્ઞાન લેતા સંબંધીત નોટિસ ફટકારી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો