આન્ધ્ર પ્રદેશ : યુવતીઓને કારકિર્દી માટે નહીં પણ સારા દુલ્હા મળે તે માટે ભણાવવામાં આવે છે?

મહિલાઓની તસવીર

પોતાની બહેને એન્જિનીયરિંગમાં સારો રેન્ક મેળવવા છતાં તેમણે વધુ અભ્યાસ પડતો મૂકીને લગ્ન કરવા પડ્યા એ વાસ્તવિકતા વર્ણવતા યુવતીના ચહેરા પર નિરાશાનો ભાવ હતો.

"હવે તેમના બહેનને બે બાળકો છે અને તેમના લગ્ન જીવનમાં ખુશ છે."

"પણ તેમને જીવનમાં કંઈક વધુ અપેક્ષા છે, જોકે તેમને તેની તક જ ન મળી."

વિશાખાપટ્ટનમાં #BBCShe પ્રોજેક્ટ હેઠળ આન્ધ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જેમ જેમ વાતચીત કરતા ગયા તેમ તેમ આ પ્રકારની જ વાતો સાંભળવા મળવા લાગી.

યુવતીઓએ વેળાસર તેમના લગ્ન કરી દેવાય છે એ ડર અને કારકિર્દી બનાવવાની તક છીનવી લેવામાં આવતી હોવાની વાત કહી.


આન્ધ્ર પ્રદેશ ચ્ચ શિક્ષણ મામલે આગળ પડતું

વાતચીત કરી રહ્યા હતા તે રૂમ જિનેટીક્સ, ફાર્મસી, લૉ અને એમબીએ જેવા ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલી યુવતીઓથી ભરેલો હતો.

તેમાં મોટાભાગની યુવતીઓ માસ્ટર ડિગ્રી કરે છે, જ્યારે કેટલીક યુવતીઓ પીએચ.ડી કરી રહી હતી.

પણ અહીં તદ્દન વિપરીત ચિત્ર જોવા મળ્યું. આન્ધ્ર પ્રદેશ દીકરીઓમાં ઉચ્ચ શિક્ષણ મામલે ઘણું આગળ છે.

ઓલ ઇન્ડિયા સર્વે ઓફ હાયર એજ્યુકેશન એઆઈએસએચઈ 2015-16 અનુસાર ઉચ્ચ શિક્ષણ મામલે આન્ધ્ર પ્રદેશનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો (જીઈઆર) સર્વાધિક બીજા ક્રમે છે. તમિલનાડુ આ મામલે પ્રથમ ક્રમે છે.


નોકરીઓમાં મહિલાઓનું પ્રમાણ

જીઈઆર રેશિયો ઉચ્ચ શિક્ષણ માટે 'એલિજિબલ' (યોગ્યતા ધરાવતા) વિદ્યાર્થીઓ અને તેની સામે ખરેખર શિક્ષણ માટે 'એનરોલ' થઈને ભણતા વિદ્યાર્થીઓનો રેશિયો છે.

ભારતમાં તે 18-23 વર્ષના વય જૂથ માટે ગણતરીમાં લેવામાં આવે છે. દેશમાં મહિલાઓ માટે આ આંકડો 23.5 ટકા છે.

જોકે, સમગ્ર દેશમાં વિવિધ રાજ્યોમાં આ આંકડો જુદો જુદો છે. બિહારમાં તે 12.6 ટકા અને તમિલનાડુમાં તે 23.5 ટકા છે.

તમને આ વાંચવું પણ ગમશે:

ઉચ્ચ શિક્ષણમાં આન્ધ્ર પ્રદેશ મહિલાઓની બાબતે જીઈઆર મામલે દેશમાં ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન ધરાવે છે.

ઉચ્ચ શિક્ષણમાં મહિલાનું વધુ પ્રમાણનો અર્થ એવો હોવો જોઈએ કે નોકરીઓમાં પણ મહિલાઓનું પ્રમાણ યથાવત છે.

પણ આન્ધ્ર પ્રદેશ યુનિવર્સિટીનું ચિત્ર દર્શાવે છે કે ખરેખર આ અર્થ વાસ્તવિકતામાં નથી પરિણમતો.


'કારકિર્દી નહીં પણ લગ્નના હેતુસર ભણાવવામાં આવે છે'

વળી સૌથી આશ્ચર્યજનક વાત એક 22 વર્ષીય યુવતીએ કરી.

તેમણે કહ્યું, "અમારા માતાપિતા અમને ડિગ્રી મેળવવા મોકલે છે. કેમકે પછી અમારો બાયોડેટા વધુ સારો લાગે. "

"પછી આ બાયોડેટા સંબંધિત યુવકને મોકલવામાં આવે છે. આમ અમને કારકિર્દી નહીં પણ લગ્નના હેતુસર ભણાવવામાં આવે છે."

યુવતીની આ વાત સાથે તમામ સમંત થયા અને તેની વાતને તમામે તાળીઓના ગડગડાટથી વધાવી લીધી.

એવું લાગ્યું કે દરેક યુવતી પરિવાર તરફથી આ જ પ્રકારના દબાણનો સામનો કરે છે અને તેમની કહાણી પણ આવી જ છે. આથી તમામે તેની વાતને વધાવી લીધી.


આન્ધ્ર પ્રદેશનું પરફોર્મન્સ શ્રેષ્ઠ

ભારતમાં નોકરી કરવા સક્ષમ અને ઇચ્છા ધરાવતી મહિલાઓની સામે નોકરી કરતી મહિલાઓનો દર 24 ટકા છે.

વિશ્વના સરેરાશ 39 ટકા દર કરતાં તે ઘણો જ નીચો છે. વિશ્વ બૅન્કના અનુસાર 2016માં 185 દેશોમાં ભારતનો આ મામલે 172મો ક્રમ હતો.

1990માં આ દર 28 ટકા હતો જે 2016માં ઘટીને 24 ટકા થઈ ગયો. દરેક મુખ્ય રાજ્યો વચ્ચે આન્ધ્ર પ્રદેશનું પરફોર્મન્સ શ્રેષ્ઠ છે. જોકે, અહીં પણ આ દર ઘટી રહ્યો છે.

સેન્ટર ફોર ઇકોનોમિક્સ અને સોશિયલ સ્ટડીઝ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર શ્રમિક કૅટેગરીમાં પરણિત મહિલાઓનું પ્રમાણ ઘટી રહ્યું છે અને શહેરી-ગ્રામ્ય બન્ને વિસ્તારમાં આ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

આન્ધ્ર પ્રદેશ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓમાં ગ્રામ્ય અને શહેરી બન્ને વિસ્તારમાંની યુવતીઓનું પ્રમાણ હતું.


લગ્ન અને દહેજની સમસ્યા

ગ્રામ્ય વિસ્તારની યુવતીઓના અનુસાર પરિવારો કિશોરાવસ્થામાં જ લગ્ન કરાવી દે છે કેમકે તેનાથી વધુ વયની યુવતીઓ કરતાં આ વયની યુવતીઓ માટે ઓછું દહેજ આપવું પડે છે.

જ્યારે શહેરી વિસ્તારની યુવતીઓના અનુસાર સારી ડિગ્રી હોય, તો દહેજ ઓછું આપવું પડે છે.

તેમાંની એક યુવતીએ આ મામલે કહ્યું, "તમારી પાસે સારી ડિગ્રી છે, તો સારો પગાર મળે છે."

"પણ આ કેસમાં જો તમારી પાસે સારી ડિગ્રી છે, તો તમારે ઓછું દહેજ આપવું પડશે."

હું પટનાથી વિશાખાપટ્ટનમ આવી છું. કલ્ચર અને અન્ય ભૌગોલિક તથા વિકાસ સંબંધિત મામલે હું ઘણા જુદા વાતાવરણમાં આવી છું.

પણ તેમ છતાં મહિલા સંબંધિત મુદ્દા અને તેમને થતી સમસ્યાઓ યથાવત જણાઈ રહી છે. તેમની સમસ્યાઓ લગ્ન અને દહેજ સંબંધિત જ હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ