આધાર કાર્ડઃ આંગળાની છાપ સાથેનું ઓળખપત્ર ગરીબો માટે મુસીબતનું કારણ?

જામા સિંહ Image copyright Ronny Sen

મુનિયા દેવી કહે છે કે દર મહિને છથી સાત દિવસ તેના પાંચ સભ્યોના પરિવારે ભૂખ્યા કાઢવા પડે છે, કેમ કે તેમને સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ મળતું નથી.

ઝારખંડના એક ઉજ્જડ ગામમાં રહેતાં મુનિયા દેવી એકત્રીસ વર્ષનાં જ છે, પણ શરીર હાડપીંજર જેવું થઈ ગયું છે.

તેમનાં પતિ ભૂષણ 65 કિમી દૂર આવેલા ઇંટોના ભઠ્ઠામાં મજૂરીએ જાય છે અને રોજના 130 રૂપિયા રળે છે.

છેલ્લા ત્રણ વર્ષથી તેમને સસ્તા અનાજની દુકાનેથી અનાજ મળતું નથી. ગરીબો માટે આ સૌથી મોટો આધાર હોય છે.

તમને આ પણ વાંચવું ગમશે

દુકાનમાં પુરવઠો આવતો નથી એવું પણ નથી, પરંતુ આ પરિવારનું રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક થયું નથી એટલે તેમને સસ્તા ભાવનું અનાજ મળતું નથી.

12 આંકડાનો નંબર ધરાવતું અને ફિંગરપ્રિન્ટ સાથેનું આધાર કાર્ડ આજે વ્યક્તિની ઓળખનો અનિવાર્ય પુરાવો બની ગયું છે.


Image copyright Ronny Sen
ફોટો લાઈન આ આધાર કાર્ડ મુજબ ઝારખંડના આ બધા જ ગ્રામવાસીઓ નવા વર્ષના દિવસે જન્મ્યા હતા

100 કરોડથી વધુ લોકો પાસે આધાર નંબર આવી ગયો છે.

સરકારી સહાય ગેરવલ્લે ના જાય તેવા હેતુથી શરૂ થયેલી આધાર ઓળખની પદ્ધતિ સ્વૈચ્છિક હતી, પણ હવે તે વિશ્વની સૌથી મોટી, સૌથી મહત્ત્વાકાંક્ષી અને સૌથી વિવાદાસ્પદ ઓળખપત્ર પદ્ધતિ બની ગઈ છે.

નાણાંકીય વ્યવહારો માટે અને સમાજ કલ્યાણના કાર્યક્રમોનો લાભ લેવા તેને ફરજિયાત બનાવી દેવાઈ છે.

ત્રણ મહિના પહેલાં મુનિયા દેવી 35 કિમી દૂર આવેલા નગરમાં ગયાં હતાં અને ત્યાં જઈને ફોર્મ ભર્યું હતું કે જેથી તેમનું રેશન કાર્ડ આધાર સાથે લિન્ક થઈ જાય.

પરંતુ ત્યાંની ઓફિસના લોકોએ તે માટે લાંચ માગી હતી. મુનિયા દેવીએ 400 રૂપિયા આપી પણ દીધા, જે તેમના કુટુંબની ચાર દિવસની કમાણી જેટલા હતા.

મારી સાથેની વાતચીતમાં મુનિયા દેવીએ કહ્યું," તે લોકો એવા બહાના કાઢતા રહે છે કે નેટવર્ક ચાલતું નથી, કમ્પ્યૂટર બંધ છે.

"તેના કારણે મારે ઉછીના લઈને પરિવારનું પેટ ભરવું પડે છે.

"મુનિયા દેવીના ગામ વિષ્ણુબંધમાં 282 કુટુંબો રહે છે. તેમાંના મોટા ભાગના ખેતીવિહોણા મજૂરો છે.

"બહુ સારો દિવસ હોય તો ભોજનમાં બટેટાનું શાક અને દાળ ભાત બન્યા હોય.

"ખરાબ દિવસ હોય ત્યારે ઘરમાં અનાજનો દાણો પણ ના હોય. ભૂખ તેમના ઘરનો કાયમી મહેમાન હોય છે."

મુનિયા દેવી જેવા જ હાલ ગામના બીજા લોકોના છે. 350 લોકોમાંથી 60 લોકોના રેશન કાર્ડ પર સરકારી અનાજ મળતું બંધ થઈ ગયું છે, કેમ કે આધાર નંબર તેઓ જોડી શક્યા નથી.

દરેક પાસે પોતાની વ્યથા કથા છે કે કઈ રીતે તેમણે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે અને લાંચ આપવી પડે છે.

બે વર્ષ પહેલાં સરકારે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડને જોડવાનું ફરજિયાત બનાવ્યું હતું.

આ નિર્ણયને જાણીતા અર્થશાસ્ત્રી અને એક્ટિવિસ્ટ ડૉ. ઝ્યાં ડ્રેઝ 'જોહુકમીભર્યું અને ગરીબવિરોધી' ગણાવે છે.


'ભૂખમરાથી મોત'

Image copyright Ronny Sen
ફોટો લાઈન નજમા બીબી કહે છે કે તેમને વૃદ્ધાવસ્થા પેન્શન માટે લાયક બનવા માટે લાંચ આપવી પડી હતી

આ મામલે ગયા સપ્ટેમ્બરમાં ઉહાપોહ મચ્યો, કેમ કે ઝારખંડના સિમડેગા જિલ્લામાં 11 વર્ષની એક કિશોરીનું ભૂખમરાને કારણે મોત થઈ ગયું.

સંતોષી કુમારી નામની આ કિશોરીનો પરિવાર પણ રેશનકાર્ડ સાથે આધાર નંબર જોડી શક્યો નહોતો અને મહિનાઓથી તેને મળતું રેશન બંધ થઈ ગયું હતું.

સંતોષીએ સ્કૂલે જવાનું પણ બંધ કરી દીધું હતું. ચાર દિવસ ભૂખ્યા રહ્યા પછી તેણે મીઠું અને ચા લીધા હતા અને તેના થોડા કલાકમાં જ તેનું મોત થઈ ગયું.

એક સિનિયર અધિકારીએ મારી સાથેની વાતચીતમાં દાવો કર્યો કે 'તેનું મોત ભૂખમરાથી થયું હતું તેવું સાબિત થયું નહોતું.'

ડૉ. ઝ્યાં ડ્રેઝ કહે છે,"આ રીતે લગભગ અડધો ડઝન લોકોનાં મોત થયા હતા.

"તેમના મોત ભૂખમરાથી થયા હતા કે કેમ તે વિશે વિવાદ હોઈ શકે છે, પણ એ એક હકીકત છે કે આ લોકોના ઘરમાં તે વખતે અનાજ નહોતું.

"આધાર કાર્ડની સમસ્યાને કારણે કેટલાય દિવસથી રાશન વિનાના આ પરિવારો હતા."


Image copyright Ronny Sen
ફોટો લાઈન રાયલો દેવીને એક વર્ષથી તેમનું પેન્શન મળ્યું નથી

એટલું જ નહિ, ગત માર્ચમાં ઝારખંડ સરકારે 7,60,000 જેટલા 'નકલી' રેશનકાર્ડ રદ કર્યા હતા.

ડૉ. ડ્રેઝ કહે છે કે તેમાંના મોટા ભાગના કાર્ડ એટલે રદ કરાયા હતા કે તે આધાર સાથે જોડાયેલા નહોતા.

"તેના કારણે હજારો લોકોને અનાજનો પુરવઠો મળતો અટકી ગયો હતો. આ વિશે એક અધિકારીએ જણાવ્યું કે 'આ કાર્ડ કેમ રદ કરાયા તેની તપાસ ચાલી રહી છે."

ઝારખંડમાં લગભગ 25,000 સસ્તા અનાજની દુકાનો છે.

કાયદા પ્રમાણે (અને કોર્ટમાં થયેલા આદેશો પ્રમાણે પણ) સસ્તા અનાજની દુકાનો આધાર કાર્ડ ના હોય તો પણ અને રેશનકાર્ડ સાથે લિન્ક ના કર્યું હોય તો પણ રેશન આપવાની મનાઈ કરી શકે નહીં.

જોકે સ્થળ પર તપાસ કરીએ ત્યારે વાસ્તવિકતા જુદી જોવા મળે છે. દુકાનદારો પુરવઠો આપવાની ના પાડી દે છે.

ઝારખંડના પુરવઠા વિભાગના સૌથી સિનિયર અધિકારી અમિતાભ કૌશલ પણ કબૂલ કરે છે, "કેટલાક વિસ્તારોમાં અમે આ સંદેશ પહોંચાડી શક્યા નથી.

લોકોને એ માહિતી નથી મળી રહી કે આધાર ના હોય તો પણ અનાજનો પુરવઠો મળી શકે છે. આ ખામી દૂર કરવા અમે કોશિશ કરી રહ્યા છીએ."


ખોટો દાવો

Image copyright Ronny Sen
ફોટો લાઈન રાજકુમાર દેવીનું પેન્શન પાછલા ઑક્ટોબર મહિનામાં રોકી દેવામાં આવ્યું હતું કારણ કે તેમણે તેમનું ખાતુ આધાર સાથે જોડ્યું નથી

જોકે ટીકાકારો કહે છે કે આ દાવો તદ્દન ખોટો છે.

ડૉ. ડ્રેઝના દાવા અનુસાર તેમની પાસે એવો વીડિયો પણ છે, જેમાં એક સિનિયર અધિકારી ગામના લોકોને સ્પષ્ટ કહી રહ્યા છે કે 'આધાર નહીં હોય તો રેશન કાર્ડ મળશે નહિ.'

તેના કારણે ગરીબોને અનાજ પણ મળતું નથી.

અમિતાભ કૌશલ ભારપૂર્વક કહે છે કે અનાજ ના મળતું હોય તેવા કિસ્સા અપવાદરૂપ જ છે. 'તમે જે કિસ્સા જુઓ છે તે ભાગ્યે જ બનતા કિસ્સા છે.'

રાજ્યમાં 2.6 કરોડ લાભાર્થીમાંથી 80 ટકાના રેશન કાર્ડ આધાર સાથે લિન્ક થઈ ગયા છે એમ તેઓ કહે છે.

તેઓ એવો પણ દાવો કરે છે કે જરૂરિયાતવાળા કુટુંબોમાંથી 99 ટકાને આધાર કાર્ડ પણ આપી દેવાયા છે.

એટલે કે દરેક કુટુંબના કમ સે કમ એક વ્યક્તિને તો સરકારનું સસ્તું અનાજ મળી જ શકે.

ઝારખંડના ઘણા બધા પેન્શનર્સ પણ આવી જ મુશ્કેલીમાં મૂકાયા છે.

રાજ્યમાં લગભગ 12 લાખ વૃદ્ધો, વિધવાઓ અને વિકલાંગ લોકો છે જેમને મહિને 600થી 800 રૂપિયાનું પેન્શન મળે છે.

ગયા વર્ષે સરકારે આ પેન્શન માટે પણ આધારને ફરજિયાત કરી દીધું હતું.

તે પછી 3,00,000 'નકલી' લાભાર્થીઓને યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.


Image copyright Getty Images

સદવાડી ગામના એક ખેડૂત જમા સિંહના આધાર કાર્ડમાં જન્મતારીખની આવી ભૂલના કારણે તેમની ઉંમર 102 વર્ષની થઈ ગઈ.

102 વર્ષ હોવાના કારણે હવે તેમને સસ્તું અનાજ મળતું પણ બંધ થઈ ગયું છે. વિષ્ણુબંધ ગામથી 100 કિમી દૂર ખૂંટી નામનું ગામ છે.

તેના લગભગ 20,000 લોકોના નામ પેન્શનમાંથી રદ કરાયા છે, તેમાંથી મોટા ભાગના નામ મહિલાઓના હતા.

સામાજિક કાર્યકરો કહે છે કે બેન્ક ખાતા સાથે આધાર લિન્ક ના થવાની સમસ્યાને કારણે આ નામો નીકળી ગયા હતા.

રાજકુમારી દેવીને ગત ઑક્ટોબરથી પેન્શન મળતું બંધ થઈ ગયું છે, કેમ કે તેમણે પોતાનું ખાતું આધાર સાથે લિન્ક કર્યું નથી.

84 વર્ષના રાજકુમારીએ આખા મહિનાનું પેન્શન નજીકના શહેરની બેન્ક સુધી જવા-આવવામાં જ ખર્ચી નાખ્યું છે.

દર વખતે બેન્કમાંથી એક જ પ્રકારનો જવાબ મળે છે કે તમારા પૈસા આવ્યા નથી. તેમના ખાતામાં 73 રૂપિયા જ વધ્યા છે અને તેમને લાગે છે કે પોતાનું સન્માન પણ હવે ઘવાશે.

તેમનો દિકરો કહે છે કે 'તમે શા માટે ચિંતા કરો છો? હું તમારી દેખરેખ કરીશ.'

રાજકુમારી જવાબમાં કહે છે, 'પણ મારા પૈસા એ મારા પૈસા છે. હું શા માટે તારી દયા પર જીવું.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો