ઍપ ડાઉનલોડ વખતે ‘ઓકે’ બટન દબાવવાથી તમે શું ગૂમાવો છો?

સાંકેતિક તસ્વીર Image copyright Getty Images

જી. કે. પિલ્લઈ ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના પ્રમુખ છે. એક દિવસે તેમની ઓફિસમાં આવેલી એક વ્યક્તિ તેમને કંઈક એવું દેખાડ્યું હતું, જે જોઈને તેઓ ડરી ગયા હતા.

જી. કે. પિલ્લઈ કહે છે, "મધમાખીના આકારની કોઈ ચીજ એ વ્યક્તિએ જમીન પર ફેંકી હતી. પછી એ પોતાના મોબાઇલ પર ઓરડાના ફોટોગ્રાફ્સ દેખાડવા લાગ્યો હતો."

"મધમાખી જેવી વસ્તુ વાસ્તવમાં મિની ડ્રોન હતું. એ દૃશ્ય ડરામણું હતું. ધારો કે આવું ડ્રોન કોઈ તમારા બેડરૂમમાં રાખી દે તો તમારી પ્રાઇવસી કેટલી સલામત રહેશે?"


પ્રાવસીનો મુદ્દો

Image copyright Getty Images

પ્રાઇવસી સંબંધે જોરદાર ચર્ચા ચાલી રહી છે ત્યારે સવાલ એ છે કે આપણે પ્રાઇવસી વિશે શું જાણીએ છીએ?

આપણે કોઈ ઍપ ડાઉનલોડ કરીએ છીએ ત્યારે દરેક તબક્કે 'ઓકે' બટન દબાવતા જઈએ છીએ.

એ ઍપનો માલિક આપણી સહમતીથી આપણા મોબાઇલ પરના આપણા દોસ્તો, પરિવારજનોના કોન્ટેક નંબર્સ, આપણા એસએમએસ, આપણા મોબાઇલમાંના ફોટોગ્રાફ્સ ચૂપચાપ જોઈ કે વાંચી શકે છે અને પોતાના આર્થિક ફાયદા માટે તેનો ઉપયોગ કરી શકે છે એ આપણે જાણીએ છીએ?

આપણા ડેટાનો શું ઉપયોગ કરવામાં આવ્યો કે એ કઈ કંપનીને આપવામાં આવ્યો એ આપણને જણાવવાની તકલીફ ઍપ કંપની લે છે ખરી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઍપ સંબંધે સર્જાયેલા વિવાદ બાદ પ્રાઇવસી પોલિસીમાં ફેરફાર કરીને એક શબ્દ 'પ્રોસેસ'નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ શબ્દનો અર્થ શું છે, આ પ્રોસેસિંગથી શું મેળવવામાં આવશે એ બાબતે આપણે માત્ર અનુમાન કરી શકીએ છીએ.

તમને આ વાંચવું પણ ગમશે:

ઇલિયટ ઑલ્ડરસન (અસલી નામ બૈપ્ટિસ્ટ રૉબર્ટ)ના નામે ટ્વીટ કરનારા ફ્રાન્સના સિક્યોરિટી રિસર્ચરનું આ નવી પ્રાઇવસી પૉલિસી પર કહેવું છે, "સ્પષ્ટ છે કે આ ડેટાના ઉપયોગ પ્રોફાઇલ બનાવવા માટે કરી શકાય છે."

"માની લો નમો એપ તમારું આઈપી તેમના સર્વર પર મોકલે છે. તેનાથી એપ્લીકેશન તમારું લોકેશન જાણી શકે છે અને એ પણ જાણી શકે છે કે તમે ક્યાં ક્યાં જઈ ચૂક્યા છો."

ભાજપનું કહેવું છે કે કેટલીક માહિતીઓને પ્રોસેસ કરવા માટે 'થર્ડ પાર્ટી'ને મોકલી શકાય છે કે જેથી લોકોને પર્સનલાઇઝ્ડ એક્સપીરિયન્સ આપી શકાય.

તેના પર ઑલ્ડરસન કહે છે, "એપ્લીકેશનનો યૂઝર એક્સપીરિયન્સ વધારે સારો કરવા માટે ખાનગી માહિતી એકત્ર કરવાની જરૂર પડતી નથી. નમો એપ રાજકીય ઉપયોગ માટે છે. ખાનગી ડેટાના આધારે પ્રાસંગિક વિષય બતાવવા એક ચાલબાજી છે."

ઑલ્ડરસનના અનુસાર નમો એપમાં ઉમેરવામાં આવેલા ડેટાને કોઈ બહારની વ્યક્તિ ઇચ્છે તો વચ્ચેથી વાંચી શકે છે.

તેમણે કોંગ્રેસની મેમ્બરશીપ એપમાં પણ સુરક્ષાને લઇને ખામી ગણાવી હતી.

કેમ્બ્રિજ ઍનાલિટિકા, આધાર, ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને કોંગ્રેસના ઍપના ડાઉનલોડ બાબતે જોરદાર વિવાદ ચાલી રહ્યો છે.

તેની વચ્ચે આપણે એવું સમજવાનું કે આપણું મનોવૈજ્ઞાનિક, સામાજિક પ્રોફાઇલ ચૂપચાપ બનાવવામાં આવી રહ્યું છે, જેથી આપણને આપણી મનપસંદ ચીજો વેચી શકાય કે આપણી પસંદ-નાપસંદ પર પ્રભાવ પાડી શકાય?


કંઈ મફત નથી મળતું

Image copyright Getty Images

આપણને મોબાઇલ ફોન બહુ ગમે છે. આપણને મફતમાં મળતી ચીજો પણ ગમે છે.

મફત ઍપ ડાઉનલોડ કરવા કોઈ આપણને 500 કે 1000 રૂપિયાની ફ્રી કૂપન આપે છે તેમાં આપણો જ ફાયદો હોય છે?

ડેટા પ્રોટેક્શન અને પ્રાઇવસી વિશે કામ કરતા વકીલ વકુલ શર્મા કહે છે, "દુનિયામાં કશું જ મફત નથી મળતું.

"ફ્રી ડાઉનલોડના બદલામાં તમે તમારી તથા તમારા પરિવારની પ્રાઇવસીની ચૂકવણી કરતા હો છો."

ઍપ ડાઉનલોડ કરતી વખતે કે એપમાં વ્યક્તિગત માહિતી ફીડ કરીને 'ઓકે' બટન દબાવતાં પહેલાં અનેક પાનાંમાં ફેલાયેલા શરતો વાંચવાનું આપણે જરૂરી ગણતા નથી.

આપણે 'ઓકે' બટન દબાવતા રહીએ છીએ.

તમે વિમાનમાં પ્રવાસ કરવા ટિકિટ લીધી હોય અને એ પછી તમારા મોબાઇલ કે સોશિયલ મીડિયા પેજ પર એ ટિકિટ સાથે સંકળાયેલી ચીજો દેખાવા લાગી હોય એવું ક્યારેય નથી બન્યું?

કોઈ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં પરીક્ષણની રસીદ લીધા બાદ આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે એ સેન્ટર આપણી મેડિકલ માહિતી પોતાની પાસે ક્યાં સુધી રાખશે અને તેને ક્યારે ડિલીટ કરવામાં આવશે?

ડાયગ્નોસ્ટિક સેન્ટર એવું કારણ આપે છે કે એ ગુપ્ત માહિતીનો ઉપયોગ આગામી પરીક્ષણમાં રેફરન્સ માટે કરવામાં આવશે.

ડાયગ્નોસ્ટિક સેન્ટર એ ગુપ્ત માહિતી કોઈ ફાર્મસી, દવા ઉત્પાદક કંપની કે હોસ્પિટલને નહીં વેચે એની શું ગેરન્ટી છે?

એ ડેટાને આધારે નવી દવાનું વેચાણ કે કોઈ પ્રોડક્ટનો સમય જાણવામાં નહીં આવ્યો હોય તેની શું ખાતરી છે?


આપણા ડેટાનું શું થાય?

Image copyright Getty Images

આપણા ડેટા સાથે શું થાય છે એ આપણે જાણતાં નથી.

આ તમામ ડેટા માઇનિંગ એલ્ગરિધમ આધારિત હોય છે. તેનો હેતુ સંબંધિત મોબાઇલનો ઉપયોગ કરતી વ્યક્તિનું ક્લોન તૈયાર કરવાનો હોય છે, જેથી તેની પસંદ-નાપસંદના આધારે પ્રોડક્ટ બનાવી શકાય.

વકુલ શર્માના જણાવ્યા મુજબ, એલ્ગરિધમમાં સતત થતા સુધારાને કારણે આપણાં મનોવૈજ્ઞાનિક, વ્યવહારુ પ્રોફાઇલ્સ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

તેનું કારણ એ છે કે આપણે ફેસબૂક કે ટ્વિટરમાં એકલાં મગ્ન હોઈએ ત્યારે કોઈ નિયંત્રણ હોતું નથી.

એ સમયે આપણી 'અસલી જાત' હોય છે અને આપણી પસંદ-નાપસંદને આધારે આપણા વ્યવહારની છાપ છોડતા હોઈએ છીએ.

વકુલ શર્મા કહે છે, "એલ્ગરિધમમાં એટલી ઝડપથી સુધારો થઈ રહ્યો છે કે તમારું સામાજિક પ્રોફાઇલ પણ તૈયાર થઈ રહ્યું છે."

"તમારા વોટ્સએપ ગ્રૂપમાં કોણ-કોણ છે તે ઍપ્સ જોઈ શકે છે. સમય પસાર થવાની સાથે એલ્ગરિધમમાં પણ વધુ ચોક્સાઈ આવતી જશે."

આ બધાં કારણોસર માનવ ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે આપણે કોઈ વ્યક્તિની અંદરના માણસને આટલો નજીકથી સમજી શકીએ છીએ.

વકીલ પવન દુગ્ગલ કહે છે, "તમે કોઈ ઍપને તમારો ડેટા આપવા સહમત થાઓ છો ત્યારે જ તીર કમાનમાંથી છૂટી ચૂક્યું હોય છે."


ડેટા વેચીને કમાણી

Image copyright SAJJAD HUSSAIN/AFP/GETTY IMAGES

યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઑફ ઇન્ડિયા(યુઆઈડીએઆઈ)ના ભૂતપૂર્વ વડા નંદન નીલેકણીએ તાજેતરમાં જ જણાવ્યું હતું કે ભારતીયો તેમના ડેટા વેચીને પૈસા કમાઈ શકે છે અને તેમની જિંદગી બહેતર બનાવી શકે છે.

તેનો અર્થ એવો થયો કે તમારો જે ડેટા વેચીને ઇન્ટરનેટ કંપનીઓ કરોડો, અબજો રૂપિયાની કમાણી કરી રહી છે. તેમાંથી કેટલોક હિસ્સો તમને કેમ નથી મળતો?

પવન દુગ્ગલના જણાવ્યા મુજબ, ભારતીયો પોતાનો ડેટા વેચવા તૈયાર નથી, કારણ કે આપણે પ્રાઇવસી બાબતે જાગૃત નથી.

પવન દુગ્ગલ કહે છે, "ભારતમાં ડેટા સંરક્ષણ સંબંધી કોઈ કાયદો નથી ત્યારે તમે તમારો ડેટા વેચીને પૈસા કમાવા ઇચ્છો છો?

"ભારતીયો એવું કરશે ગિની પિગ જેવા થઈ જશે. તેમના પર જાતજાતના પ્રયોગ થશે."

લોકોને એ ખબર પણ નહીં પડે કે તેમનો ડેટા કોને વેચવામાં આવે છે? ડેટાનો શું ઉપયોગ થશે? કોઈ વિવાદ સર્જાશે તો તેને ઉકેલવા કેટલાં વર્ષ કોર્ટનાં ચક્કર કાપવાં પડશે?


પરદેશમાં આવેલાં સર્વરની ચિંતા

Image copyright Getty Images

એક અન્ય ચિંતા ઇન્ટરનેટ, ઍપ કંપનીઓના ભારત બહાર સિંગાપુર, અમેરિકા અને યુરોપમાં આવેલાં સર્વર્સ તથા તેના સત્તાવાર અને બિનસત્તાવાર ઉપયોગની છે.

સાયબર વકીલ વિરાગ ગુપ્તા કહે છે, "દુનિયાની નવ મોટી કંપનીઓએ ભારતનો ડેટા પ્રિઝ્મ પ્રોગ્રામ હેઠળ અમેરિકન એજન્સી એનએસએ સાથે શેર કર્યો છે.

"એ કંપનીઓ સામે ભારતની અગાઉની યુપીએ સરકાર કે હાલની નરેન્દ્ર મોદી સરકારે કોઈ પગલાં લીધાં નથી.

"ભારત સરકાર તો ડિજિટલ ઇન્ડિયાના નામે તેમને આમંત્રણ આપતી રહી છે.

વિરાગ ગુપ્તા કહે છે, "ડિજિટલ ઈન્ડિયા હેઠળ આપણે એ કંપનીઓનાં સર્વર ભારતમાં શા માટે નથી લાવતાં?

"ભારતીયોના ડેટાનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવી રહ્યો છે તેની આપણને સંપૂર્ણ જાણ હોવી જોઈએ.

"આ ડેટાથી જે કંપનીઓ પૈસા કમાતી હોય તેમની પાસેથી ટેક્સ વસૂલવો જોઈએ. ડેટા ટ્રાન્ઝેક્શન પર ટેક્સ શા માટે ન હોવો જોઈએ?

"આપણા તમામ સરકારી વિભાગો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. અલગ-અલગ ઍપ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એ ડેટા વિદેશમાં જઈ રહ્યો છે. શું આપણે ડેટા કોલોની છીએ?

"દેશમાં ત્રણ કરોડ સરકારી અધિકારીઓ છે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) પાસે સરકારી મેઈલનું જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તે માંડ 15-20 લાખ લોકો પૂરતું છે."


સ્માર્ટ એલ્ગરિધમ

Image copyright Getty Images

ફ્રેન્ચ સંશોધક બૈપ્ટિસ્ટ રૉબર્ટ કહે છે, "જ્યારે તમે એક રાજકીય પાર્ટી છો અને લાખો લોકોનો ડેટા એકત્ર કરી રહ્યા છો તો આ એક સારો રાજકીય વિચાર હશે કે સર્વર તમારા દેશનું જ હોય."

ડેટા માઇનિંગને લીધે એલ્ગરિધમ એટલાં સ્માર્ટ થઈ જશે કે તે આપણી રાજકીય પસંદ-નાપસંદને પણ પ્રભાવિત કરતાં થઈ જશે એવો ડર છે.

વકુલ શર્મા કહે છે, "આવું હમણાં તો નહીં, પણ આગામી દસ વર્ષમાં થઈ જશે."

તેથી ગ્રાહકોએ અત્યારે જાગૃત થવાની જરૂર છે. દરેક ક્લિક વખતે તેમણે એ વિચારવું પડશે કે તેઓ કોના માટે સંમતિ આપી રહ્યા છે.

સરકાર સાથે વર્ષો કામ કરી ચૂકેલા સાયબર સિક્યુરિટી નિષ્ણાત પુખરાજ સિંહ સલાહ આપે છે કે ઈન્ટરનેટ પર લોકોએ ગૂમનામ રહેવું જોઈએ કારણ કે "આગામી દસ-બાર વર્ષ પછી આપણા વિશેની માહિતીમાંથી શું અર્થ તારવવામાં આવશે એ કોઈ જાણતું નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ