વિરોધપક્ષો એકઠા થઈને નરેન્દ્ર મોદીનો ગઢ ભેદી શકશે?

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી Image copyright DESHAKALYAN CHOWDHURY
ફોટો લાઈન પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધી

નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વ હેઠળના ભારતીય જનતા પક્ષ(બીજેપી)નો સામનો 2019ની લોકસભા ચૂંટણીમાં કરવા માટે કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો એકઠા થવા લાગ્યા છે.

સોનિયા ગાંધીએ તમામ પ્રાદેશિક પક્ષોના નેતાઓને તાજેતરમાં ડિનર પાર્ટી માટે બોલાવ્યા હતા.

એ ડિનર પાર્ટીમાં શરદ પવાર, રામગોપાલ યાદવ, સતીશચંદ્ર મિશ્રા, જીતનરામ માંઝી અને બાબુલાલ મરાંડી જેવા તમામ નેતાઓ સામેલ થયા હતા.

સોનિયા ગાંધી પછી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ પણ તેમના સ્તરે તમામ વિરોધ પક્ષ સાથે ચર્ચાનો દૌર શરૂ કર્યો છે.

મમતા બેનરજીએ ઘણા પ્રાદેશિક પક્ષોના નેતાઓ સાથે મંગળવારે મુલાકાત યોજી હતી. તેઓ સોનિયા ગાંધીને પણ ટૂંક સમયમાં મળવાનાં છે.

જોકે, ભારતીય રાજકારણમાં આ પ્રકારનાં મહાગઠબંધનોના અનેક ઉદાહરણો છે. આજે દેશના રાજકારણમાં બીજેપીનું જે કદ છે એવું કદ અગાઉના સમયમાં કોંગ્રેસનું હતું.

એ સમયે કોંગ્રેસનો વિરોધ કરવા માટે તમામ વિરોધ પક્ષોએ જનતા પક્ષની રચના કરી હતી, પણ એ ગઠબંધન સફળ થઈ શક્યું ન હતું.

એ સમયથી માંડીને આજના દિવસ સુધી વિરોધ પક્ષોને એક છત્ર હેઠળ એકઠા કરવાના મોટાભાગના પ્રયાસો આખરે નિષ્ફળ સાબિત થતા રહ્યા છે.


69 ટકા મતનું ગણિત

Image copyright FACEBOOK/INCINDIA
ફોટો લાઈન કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી તેમના પક્ષના અન્ય નેતાઓ સાથે

વરિષ્ઠ પત્રકાર કમર વહીદ નકવીએ કહ્યું હતું, "બીજેપી પાસે હાલ 31 ટકા મત છે એ ગણિતને આધારે આ ગઠબંધન રચવાની વાત થઈ રહી છે.

"લોકસભાની ચૂંટણીમાં બીજેપીને 31 ટકા મત મળ્યા હતા, જ્યારે બાકીના 69 ટકા મત બીન-બીજેપી પક્ષોના છે.

"આ પરિસ્થિતિમાં 69 ટકા મત મેળવનારા પક્ષોને એકત્ર કરવામાં આવે તો બીજેપીને આસાનીથી હરાવી શકાય."

"આ માટે ગોરખપુર અને ફૂલપુર પેટાચૂંટણીનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે, પણ કોઈ પેટાચૂંટણીની તુલના લોકસભાની ચૂંટણી સાથે કરી ન શકાય, કારણ કે બન્નેમાં અલગઅલગ મુદ્દા હોય છે.

"આ ગઠબંધનની ગણતરી અનુસાર ચૂંટણીનું પરિણામ આવ્યું હોત તો ઉત્તર પ્રદેશમાં બીજેપી વિધાનસભાની ચૂંટણી હારી ગઈ હોત.

"હકીકતમાં થયું એવું કે સમાજવાદી પાર્ટી (એસપી) અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી) બન્નેને મળેલા મતોની ટકાવારી ઘટી હતી.

"એ પછી બન્ને પક્ષોએ આત્મચિંતન કર્યું હતું કે ગઠબંધન ન કર્યું હોત તો તેમને વધારે બેઠકો મળી હોત."

કમર વહીદ નકવી એમ પણ કહે છે, "આ અગાઉ આખા દેશમાં કોંગ્રેસનું રાજ હતું. એ વખતે કોંગ્રેસ હટાઓના નારા હેઠળ સમાજવાદીઓ, જનસંઘ અને સ્વતંત્ર પાર્ટી સહિતના વિરોધ પક્ષોએ ગઠબંધન બનાવ્યું હતું."

"પછી 1970માં જનતા પાર્ટીની સરકાર બની હતી, પણ તેમની જીતનું કારણ ગઠબંધનને મત આપવાને બદલે કોંગ્રેસ વિરુદ્ધ મત આપવાનું લોકોનું વલણ હતું.

"સહુ સહમત થાય એવા મુદ્દાઓથી ગઠબંધનની શરૂઆત થતી હોય છે. તેઓ મોટા મુદ્દાઓ તરફ પછી આગળ વધતા હોય છે.

"તેમાં એવું થાય છે કે કેન્દ્રીય મુદ્દાઓ આવે ત્યાં સુધીમાં ગઠબંધનમાં તિરાડો દેખાવા લાગે છે અને એ તિરાડ બેઠકની વહેંચણીના સ્વરૂપમાં પડતી હોય છે."


2019માં વિરોધ પક્ષ શું કરશે?

Image copyright FACEBOOK/INCINDIA
ફોટો લાઈન તાજેતરમાં યોજેલા ડીનર વખતે પ્રાદેશિક પક્ષોના નેતાઓ સાથે રાહુલ અને સોનિયા ગાંધી

દેશના તમામ વિરોધ પક્ષો અત્યારે 'ફાસીવાદ' સંબંધે કોમવાદ સામે લડવાની વાતો કરી રહ્યા છે. આ મુદ્દે તમામ પક્ષોમાં પરસ્પર સહમતી જોવા મળી રહી છે.

સવાલ એ છે કે આ સહમતી સાથે વિરોધ પક્ષ પૂરી તાકાત સાથે બીજેપીનો સામનો કરી શકશે?

કમર વહીદ નકવી કહે છે, "બીજેપી સામે જે વિપક્ષી મોરચો બનાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે તેણે ત્રણ ખામીનો સામનો કરવો પડશે.

"પહેલી ખામી છે, જેને તમામ વિરોધ પક્ષો પોતાના નેતા તરીકે સ્વીકારવા તૈયાર હોય તેવા નેતાનો અભાવ. એ નેતા દેશના લોકો પણ સ્વીકારે એ જરૂરી છે."

"બીજી ખામી એ છે કે વિરોધ પક્ષ પાસે કોઈ નિશ્ચિત કાર્યક્રમ નથી.

"નોટબંધીથી માંડીને જીએસટી સુધીના મુદ્દે સરકારની આબરૂના ધજાગરા ઉડાવવામાં આવ્યા છતાં વિરોધ પક્ષ દેશ સામે કોઈ કાર્યક્રમ રજૂ કરી શક્યો નથી.

"ત્રીજી ખામી એ છે કે એકેય વિરોધ પક્ષ પાસે પ્રતિબદ્ધ કાર્યકરો નથી. ગત વર્ષોમાં તમામ વિરોધ પક્ષોનું એ પાસું નબળું પડ્યું છે, પણ બીજેપી પાસે મજબૂત કેડર બેઝ છે."


રાહુલ ગાંધી બનશે તિરાડનું કારણ?

Image copyright FACEBOOK/INCINDIA
ફોટો લાઈન તાજેતરમાં યોજેલા ડીનર પ્રસંગે પ્રાદેશિક પક્ષોના નેતાઓ સાથે સોનિયા ગાંધી

વિરોધ પક્ષના સંભવીત ગઠબંધનના નેતા કોણ હશે એ પણ સવાલ છે.

રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ છે. તેથી કોંગ્રેસ તરફથી ઔપચારિક રીતે ભલે રાહુલ ગાંધીનું નામ આગળ ધરવામાં આવે, પણ ગઠબંધનના નેતા સોનિયા ગાંધી બનશે એવી ચર્ચા ચાલી રહી છે.

સોનિયા ગાંધીએ વિરોધ પક્ષોના નેતાઓ સાથે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું, પણ વિરોધ પક્ષોને એક છત્ર હેઠળ લાવવાં રાહુલ ગાંધી સક્રિય ભૂમિકા ભજવતા હોય તેવું લાગતું નથી.

રાહુલ ગાંધીને પોતાના સર્વમાન્ય નેતા ગણવામાં વિરોધ પક્ષ ખચકાઈ રહ્યો છે?

વરિષ્ઠ રાજકીય પત્રકાર સ્મિતા ગુપ્તા કહે છે, "રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બની ચૂક્યા છે, પણ પ્રાદેશિક પક્ષોમાં રાહુલ ગાંધી બાબતે બહુ ઉત્સાહ નથી.

"તમામ પક્ષો અત્યારે એ મુદ્દે વિવશ છે કે તેઓ સાથે મળીને ચૂંટણી નહીં લડે તો બધા ખતમ થઈ જશે. તેની અસર શું થશે એ તો આવનારો સમય જ કહેશે.

"કોંગ્રેસમાં એક રીતે કામની વહેંચણી થઈ ચૂકી છે. એ મુજબ ગઠબંધન સંબંધી ચર્ચા સોનિયા ગાંધી જ કરશે.

"રાહુલ ગાંધીએ કોંગ્રેસના તાજેતરના અધિવેશનમાંના તેમના ભાષણમાં પણ ગઠબંધનની વાત કરી ન હતી."

મહાગઠબંધનમાં રાહુલ ગાંધીના નેતૃત્વ સંબંધી સવાલ જેમનો તેમ છે અને તેના જવાબને કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદર્શન સાથે પણ સંબંધ છે.

સ્મિતા ગુપ્તા કહે છે, "રાજકીય વર્તુળોમાં લોકોને રાહુલ ગાંધી પસંદ ન હોય એવું નથી. તેઓ માને છે કે રાહુલ ગાંધી કાબેલ નેતા નથી.

"આગામી દિવસોમાં રાહુલ ગાંધી તેમના નેતૃત્વનો પ્રભાવ દેખાડી શકશે તો તેમનું કદ આપોઆપ વધી જશે.

"તેથી રાહુલ ગાંધી માટે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી બહુ મહત્વની છે."


ત્રીજા મોરચાથી બીજેપીને ફાયદો?

Image copyright DIPTENDU DUTTA
ફોટો લાઈન મમતા બેનરજી

બીજેપી સામે મહાગઠબંધન રચવાની તૈયારી વચ્ચે વિરોધ પક્ષોમાં તિરાડ પણ બહાર આવી રહી છે. એ તિરાડમાંથી ત્રીજો મોરચો સર્જાઈ શકે છે.

તેમાં કેટલાક પ્રાદેશિક પક્ષો કોંગ્રેસ સાથે વિચિત્ર કારણોસર જોડાઈ શકે છે.

સ્મિતા ગુપ્તા કહે છે, "પ્રાદેશિક પક્ષો સમક્ષ એક સમસ્યા છે. તૃણમૂલ અને નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ને બાદ કરીને કે. ચંદ્રશેખર રાવનું ઉદાહરણ લઈએ.

"કે. ચંદ્રશેખર રાવના શાસન હેઠળના તેલંગાણામાં કોંગ્રેસ મુખ્ય વિરોધપક્ષ છે. તેથી તેમને મુશ્કેલી તો થશે.

"એકેય રાજ્યમાં કોંગ્રેસનું કોઈ સાથે ગઠબંધન નહીં હોય તો તેનો મોટો ફાયદો બીજેપીને થશે.

"દાખલા તરીકે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી અલગ-અલગ ચૂંટણી લડશે તો તેનાથી બીજેપીને લાભ થશે, પણ ઉત્તર પ્રદેશના કિસ્સામાં એવું નથી."

2019ની ચૂંટણી જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ વિરોધ પક્ષમાં ગઠબંધનની ગરમાગરમીમાં વધારો થશે, પણ બીજેપીને જોરદાર ટક્કર આપવા માટે એ મહાગઠબંધને આકરી પરીક્ષા આપવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ