જ્યારે શેરવાની પહેરી દુલ્હન ઘોડીએ ચડી...

ઘોડા પર સવાર દુલ્હન Image copyright NEHA/ BBC

જે દુકાન પર વરરાજાઓ માટે શેરવાની મળતી હોય, તે દુકાન પર એક છોકરી પહોંચીને પોતાના માપની શેરવાની માગે તો?

કદાચ તમે થોડાં આશ્ચર્યચકિત થઈ જશો....

કદાચ થોડા પરેશાન પણ થઈ જશો..

રાજસ્થાનના સીકરમાં આવેલા બજારમાં કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી.

નેહાનાં લગ્ન 25 માર્ચના રોજ નક્કી થયા હતા. ફેબ્રુઆરીમાં નવા વર-વધૂ માટે ખરીદી કરવા માટે નેહાનો પરિવાર ઝુંઝનૂથી 60 કિલોમીટર દૂર સીકર ગયો.


કેવી કરી ખરીદી?

Image copyright NEHA/ BBC

સીકરમાં નેહા માટે ચણિયા ચોળીની ખરીદી તો કરવામાં આવી જ પરંતુ પરિવારજનો સાથે જ્યારે તેઓ શેરવાની ખરીદવા માટે ગયા તો દુકાનદારને લાગ્યું કે ખરીદી વરરાજા માટે ચાલી રહી છે.

દુકાનદારે જ્યારે વરરાજાના માપ અંગે પૂછ્યું તો નેહાએ ઊભા થઈ શેરવાનીનું માપ લેવા કહ્યું.

તમને આ પણ વાંચવું ગમશે

એક ક્ષણ માટે તો દુકાનમાં હાજર તમામ ગ્રાહક અને દુકાનદાર એકબીજાનું મોઢું જોતા રહી ગયા.

ત્યાં જ નેહાના પિતાએ કહ્યું, "આ મારી દીકરી નહીં, દીકરો છે. અમારી દીકરી માટે અમે બિંદૌરી લઇને નીકળીશું અને તેમાં નેહા શેરવાની પહેરશે."


ખૂબ મેળવી પ્રશંસા

Image copyright NEHA/BBC

પછી શું થવાનું હતું. ત્યાં હાજર બધાં જ લોકોનાં તો જાણે સૂર જ બદલાઈ ગયા. લોકોએ તેમના પરિવારના ખૂબ વખાણ કર્યા.

રાજસ્થાનમાં થતાં લગ્નમાં 'બિંદૌરી' નામની એક રસમ હોય છે, તેમાં વરરાજા ઘોડી પર સવાર થઈને ઘરમાંથી નીકળીને સંબંધીઓના ઘરે જાય છે.

પોતાના પરિવારના આ નિર્ણય પર વાત કરતા નેહાએ બીબીસીને જણાવ્યું, "આ મારો નિર્ણય ન હતો.

"મારા પિતાએ આ અંગે પહેલેથી જ નિર્ણય લઈ લીધો હતો. જ્યારે તેમણે આ વાત મારી સાથે શેર કરી તો મને પણ તેમનો વિચાર પસંદ પડ્યો અને મેં પણ તેના માટે 'હા' કહી દીધી."

પોતાના ગામમાં નેહા પહેલાં IIT ગ્રેજ્યુએટ છે. તેમણે શરૂઆતથી જ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવ્યું છે.

12મું ધોરણ પાસ કર્યા બાદ નેહાને તેમનાં માતા પિતાએ એન્જિનિયરિંગની તૈયારી કરવા માટે કોટા મોકલી દીધાં હતાં.


એન્જિનિયરિંગમાં પણ છોકરાઓને પડકાર

Image copyright NEHA/BBC

તૈયારી દરમિયાન પહેલી વખતમાં જ તેમની પસંદગી IIT BHUમાં થઈ ગઈ હતી.

નેહાએ એન્જિનિયરિંગમાં પણ કેમિકલ એન્જિનિયરિંગને પસંદગી આપી હતી. નેહાના કહેવા પ્રમાણે, યુવતીઓ એન્જિનિયરિંગની આ બ્રાન્ચને ખાસ પસંદ કરતી નથી.

નેહા ત્યાં પણ યુવકોને પડકાર આપવા માગતાં હતાં. ત્યારબાદ મથુરા રિફાઇનરીમાં તેમને નોકરી મળી ગઈ.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
#BBCShe: યુવકોનું અપહરણ કરી જબરજસ્તી લગ્ન

નેહાની બાળપણની વાતોને યાદ કરતા પિતા સુરેશ ચૌધરી કહે છે:

"નાનપણમાં પણ નેહા હંમેશાં જીન્સ અને ટી-શર્ટ પહેરવાની જીદ કરતાં હતાં. અમે હંમેશાં તેમનો ઉછેર દીકરાની જેમ કર્યો છે. સાથે જ છોકરીઓ જેવા સંસ્કાર આપ્યા છે."

નેહાએ લગ્નમાં થતી રસમ 'બિંદૌરી' માટે શેરવાની પહેરી, માથા પર સાફો બાંધ્યો અને ઘોડી પર સવાર થઈને સંબંધીઓના ઘરે નાચતા નાચતા પહોંચ્યાં હતાં.

Image copyright NEHA/BBC

નેહા ઝુંઝનૂના નવલગઢના રહેવાસી છે. આ એક એવું ગામ છે કે જ્યાં મહિલાઓ આજે પણ માથે પલ્લું ઢાંકે છે. પછી ભલે તે નાચી રહ્યાં હોય.

આ પ્રકારની જૂની વિચારસરણી ધરાવતા ગામનાં રહેવાસી હોવા છતાં શું પાડોશીઓએ નેહાનાં પરિવારના આ નિર્ણયનો વિરોધ ન કર્યો?

આ સવાલના જવાબમાં સુરેશ કહે છે, "આમ તો વરરાજાની બિંદૌરી કાઢવામાં આવે છે. પણ અમે નેહાની બિંદૌરી કાઢી.

"આ બાબત વર્ષોથી ચાલી આવતી પરંપરાને તોડવા સમાન હતી. તેમાં પણ છોકરીએ શેરવાની પહેરી અને ઘોડી પર ચઢી- તે બન્ને નવી વાતો હતી.

"આ વાત માટે ન માત્ર આખા પરિવારે પણ આખા ગામે પણ આમારી પ્રશંસા કરી અને તેઓ અમારી સાથે નાચતા ગાતા બિંદૌરીમાં સામેલ પણ થયા હતા."


સાસરી પક્ષની શું હતી પ્રતિક્રિયા?

Image copyright NEHA/BBC

નેહાના આ પગલાં પર સાસરી પક્ષે શું પ્રતિક્રિયા આપી? શું નેહાના લવ મેરેજ થયા છે?

જ્યારે આ સવાલ તેમને પૂછવામાં આવ્યો, તો તેના જવાબમાં નેહાએ પણ સવાલ કર્યો, "છોકરીઓ લવ મેરેજમાં જ ખુશ હોય છે? અરેન્જ મેરેજમાં નહીં?"

બીજી ક્ષણે તેઓ થોડાં શાંત પડીને જવાબ આપે છે, "મારા અરેન્જ છે અને મારા સાસરિયાંમાં બધાં લોકો ખૂબ સપોર્ટિવ છે. મેં આ પરંપરા તોડી તેનાથી તેમને કોઈ વાંધો ન હતો."

નેહા કહે છે કે સારા ભવિષ્ય માટે તોડેલી પરંપરાથી બધાંનુ ભલું થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો