પેલેસ્ટાઇનિયનોનું ગાઝા સરહદે પ્રદર્શન, 16 મોત

વિરોધ પ્રદર્શનની તસવીર Image copyright Getty Images

પેલેસ્ટાઇનના અધિકારીઓનું કહેવું છે કે ગાઝા-ઇઝરાયલની સરહદે વિરોધ પ્રદર્શન દરમિયાન ઇઝરાયલી સેનાના ગોળીબારમાં ઓછામાં ઓછા 16 લોકો મૃત્યુ પામ્યા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.

પ્રદર્શનકારીઓ હજારોની સંખ્યામાં છ સપ્તાહના વિરોધ પ્રદર્શનની શરૂઆતના ભાગરૂપે સરહદ તરફ રેલી સ્વરૂપે જઈ રહ્યા હતા. આ વિરોધ પ્રદર્શનને 'ગ્રેટ માર્ચ ઑફ રિટર્ન'નું નામ આપવામાં આવ્યું છે.

પેલેસ્ટાઇનિયન લોકોનું આ વિરોધ પ્રદર્શન દક્ષિણ ગાઝાના શહેર ખાન યૂનિસ ઉપરાંત પેલેસ્ટાઇન-ઇઝરાયલ સરહદે આવેલા કુલ પાંચ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે.

ઇઝરાયલી સેનાનું કહેવું છે કે સરહદો પાસે આવેલા ઘણા સ્થળોએ "હુલ્લડ"ની સ્થિતિ હતી. જેને પહોંચી વળવા માટે "હુલ્લડ કરવા ઉશ્કેરણી કરતા લોકોને નિશાન બનાવીને" ગોળીબાર કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ ઇઝરાયલે કહ્યું કે, તેમણે હમાસ જૂથના વિસ્તારોને નિશાન બનાવ્યા છે.

તમને આ વાંચવું પણ ગમશે:

પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે 'પેલેસ્ટાઇનિયન લોકોને સંરક્ષણ આપવાની માંગણી કરી છે.'

તેમણે જણાવ્યું, "હું આજે મૃત્યુ પામેલા લોકો માટે ઇઝરાયલ પ્રશાસન સંપૂર્ણપણે જવાબદાર ઠેરવું છું."

Image copyright Reuters
Image copyright EPA
ફોટો લાઈન ઇઝાયલની સરહદ નજીક પેલેસ્ટાઇનિયનોએ ઊભા કરેલા તંબૂઓ

છ સપ્તાહ સુધી ચાલનારા આ પ્રદર્શનો માટે ઇઝરાયલની સરહદ નજીક પેલેસ્ટાઇનિયન લોકોએ તંબુ ઊભા કરી દીધા છે.

ઇઝરાયલના સુરક્ષાદળનું કહેવું છે કે પેલેસ્ટાઇન સાથે જોડાયેલી તેની સરહદ પાસે 17 હજાર પેલેસ્ટાઇનિયનો એકઠાં થયા છે.

સુરક્ષાદળે પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર જણાવ્યું કે હુલ્લડખોર ભીડને વિખેરી નાખવા માટે "લોકોની ઉશ્કેરણી કરનારાઓને નિશાન બનાવવામાં આવ્યા".

તેમાં એવા લોકો શામેલ છે, જે ટાયર બાળી રહ્યા છે અને સરહદી વાડ તરફ પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો કરી રહ્યા છે.

પેલેસ્ટાઇનનું કહેવું છે કે ઉત્તર ગાઝામાં જબાલિયા નજીક અને દક્ષિણમાં રફાહ નજીક ઇઝાયલી સેનાના હુમલામાં સંખ્યાબંધ પેલેસ્ટાઇનિયનો ઘાયલ થયાં છે.

Image copyright Getty Images
ફોટો લાઈન ગોળીબારમાં મૃત્યુ પામેલા પેલેસ્ટાઇનના ખેડૂત ઓમર સમૂરના સંબંધીઓ

આ પૂર્વે પેલેસ્ટાઇનિયન આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ ઇઝરાયલે 27 વર્ષના ઓમર સમૂરને મારી નાખ્યા હતા.

બીબીસી ગાઝાના સંવાદદાતા રૂશદી અબાલૂફે સમાચાર આપ્યા હતા કે ટેંક પરથી કરવામાં આવેલા ગોળીબારમાં ઘાયલ થયેલાં બે લોકો ખેતરમાં ધાણા તોડી રહ્યા હતા.

'ગ્રેટ માર્ચ ઑફ રિટર્ન' શુક્રવાર 30 માર્ચથી શરૂ થઈ રહી છે. પેલેસ્ટાઇન આ દિવસને 'લૅન્ડ ડે' તરીકે ઊજવે છે.

વર્ષ 1976માં આ દિવસે જ જમીનની માલિકીના વિવાદમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન ઇઝરયલી સુરક્ષાદળોએ છ પેલેસ્ટાઇનિયનોને મારી નાખ્યા હતા.

Image copyright Reuters

ગાઝા સરહદની સાથે સાથે 'નો-ગો' ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર ઇઝરાયલી સેના સતત એના પર નજર રાખે છે. ઇઝરાયમાં ચેતવણી આપવામાં આવી છે કે કોઈ એ ક્ષેત્રમાં પગ પણ ન મૂકે.

ગાઝા પટ્ટી પર કામ કરનારા પેલેસ્ટાઇનિયન ઉગ્રપંથી જૂથ હમાસનો આરોપ છે કે ઇઝરાયલ એક પેલેસ્ટાઇનિટન ખેડૂતને મારીને પેલેસ્ટાઇનના લોકોને ડરાવવા ઇચ્છે છે અને કહેવા માગે છે કે એ લોકો આ પ્રદર્શનોમાં ભાગ ન લે.

Image copyright Getty Images

ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું છે, "આ વિરોધ પ્રદર્શનો દ્વારા એ જાણીજોઈને ઇઝરાયલ સાથેનો ઝઘડો વધારવા માગે છે" અને "જો કોઈ પ્રકારનું ઘર્ષણ થયું તો તેને માટે હમાસ અને પ્રદર્શનમાં ભાગ લેનારા પેલેસ્ટાઇનિયન સંગઠનો જવાબદાર રહેશે."

પ્રદર્શનો માટે પેલેસ્ટાઇનિયનોએ ઇઝરાયલની સરહદ નજીક પાંચ મુખ્ય કેમ્પ લગાવ્યા છે.

આ કેમ્પ ઇઝરાયલની સરહદ નજીકના બેટ હનૂનથી લઈ ઈજિપ્ત સરહદ નજીકના રફાહ સુધી ફેલાયેલા છે.

આ પ્રદર્શનો 15 મે ના દિવસે પૂરા થશે. આ દિવસને પેલેસ્ટાઇનિયનો નકબા એટલે કે કયામતનો દિવસ કહે છે.

વર્ષ 1948માં આ દિવસે જ વિવાદીત ક્ષેત્ર ઇઝરાયલની સ્થાપના થઈ હતી અને હજારોની સંખ્યામાં પેલેસ્ટાઇનિયનોને પોતાના ઘર છોડીને બેઘર થવું પડ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો