Top News: પાક.માં જ્યાં ગોળી વાગી હતી તે ગામ જ પહોંચ્યા મલાલા

ઇમેજ સ્રોત, AFP
નોબલ પ્રાઇઝ વિનર મલાલા યુસુફઝઈ આજે પાકિસ્તાનમાં આવેલાં તેના ગામમાં પહોંચ્યાં હતાં.
અહીં જ તાલિબાન દ્વારા તેમને ગોળી મારવામાં આવી હતી.
હાલ મલાલા યૂકેમાં રહે છે, મહિલાઓના શિક્ષણ માટે પ્રયત્ન કરવાને કારણે તેમને 2012માં માથામાં ગોળી મારવામાં આવી હતી.
તેમના પરિવારનું વતન સ્વાત એક સમયે ઉગ્રવાદીઓનો મજબૂત ગઢ મનાતો હતો. તેમને અહીં સ્કૂલ બસમાં જ ગોળી મારવામાં આવી હતી.
સરકારે કર્યા GDCRમાં સુધારા, મકાનો સસ્તાં થશે
ઇમેજ સ્રોત, Getty Images
દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત સમાચાર અનુસાર ગુજરાત સરકારે GDCRમાં ઊભી થયેલી વિસંગતતાઓ દૂર કરવા માટે તેમાં નોંધપાત્ર સુધારા કર્યા છે.
જેને કારણે મકાનો પાંચ ટકા જેટલાં સસ્તાં થશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે ફાયદો થશે.
પ્રકાશિત સમાચાર અનુસાર કોમન GDCRની વિસંગતતાઓ મુદ્દે ગાહેડ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે ત્રણ કલાક લાંબી મિટિંગ થઈ હતી.
જેમાં બિલ્ડર્સે મુખ્યમંત્રી વિવિધ સુધારાઓ માટેની રજૂઆતો કરી હતી.
આ સુધારા અનુસાર જમીનના છ ટકામાં વૃક્ષો રાખવા માટેની અલાયદી જમીન નહીં રાખવી પડે તેથી બાંધકામનો વિસ્તાર વધશે.
આ વિવિધ સુધારાઓથી જૂન 2017થી અટકી પડેલી બાંધકામની સ્કીમો હવે કાર્યરત થશે.
ઇશરત જહાં એન્કાઉન્ટર: એન. કે. અમીને કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી
ઇમેજ સ્રોત, Getty Images
એન. કે. અમીન
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચાર અનુસાર ગુજરાતના ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારા, નિવૃત્ત પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એન. કે. અમીને ઇશરત જહાં એન્કાઉન્ટરના કેસમાંથી મુક્તિ મેળવવા કોર્ટમાં ડિસ્ચાર્જ અરજી કરી છે.
અમીન આ કેસના ચાવીરૂપ આરોપીઓમાંથી એક છે, જેમણે કથિત રીતે મુંબઈની 19 વર્ષની કોલેજિયન યુવતી ઇશરત જહાં, તેના મિત્ર જાવેદ શેખ અને બે પાકિસ્તાની નાગરિકો પર ગોળીબાર કર્યો હતો.
શુક્રવારે સીબીઆઈએ અમીનની અરજીનો પ્રત્યુત્તર આપવા માટે કોર્ટ પાસે સમયની માગણી કરી છે.
અમીન હાલ વકીલાત કરી રહ્યા છે. તેમણે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, તેમણે વિવિધ કારણો ટાંકીને આ ડિસ્ચાર્જ અરજી કરી છે.
તમને આ વાંચવું પણ ગમશે:
તેમણે દાવો પણ કર્યો હતો કે ગોળીબાર કરનારા પોલીસ અધિકારીઓમાં તે શામેલ નહોતા.
અખબારે આ સમાચારમાં સીબીઆઈની ચાર્જશીટને ટાંકીને લખ્યું છે કે 'સીબીઆઈની ચાર્જશીટમાં આરોપ છે કે જ્યારે અટકમાં લેવાયેલાં ચાર વ્યક્તિઓ (ઇશરત, જાવેદ શેખ અને બે પાકિસ્તાની નાગરિકો)... એન. કે. અમીન, તરૂણ બારોટ, જે જી પરમાર, મોહનભાઈ લાલાભાઈ કલાસવા અનજુ ઝીમન ચૌધરીએ કારમાં બેઠેલા અટકાયતીઓ પર અને રોડ ડિવાઈડર પર તેમના સરકારી હથિયારોથી ગોળીબાર કર્યો, જેને પરિણામે ચારેય અટકાયતીઓના મૃત્યુ થયા.'
ચાર્જશીટમાં આરોપ છે કે અમીને તેમની 9મીમી પિસ્ટલથી પાંચ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
ચંદા કોચર વીડિયોકોનની લોનનાં 'ખૂબ મોટાં લાભાર્થી'?
ઇમેજ સ્રોત, Getty Images
ધ ઇકોનોમિક ટાઇમ્સની વેબસાઇટ પર પ્રકાશિત સમાચાર અનુસાર, ICICI બૅન્ક દ્વારા વીડિયોકોનને આપવામાં આવેલી કરોડો રૂપિયાની લોનના વિવાદને જાહેર કરનારા અરવિંદ ગુપ્તાએ કહ્યું છે કે, આ કેસના પુરાવાથી સ્પષ્ટ જણાય છે કે, બૅન્કનાં સીઈઓ ચંદા કોચર એ લોનનાં લાભાર્થી છે.
આ વેબસાઈટે સમાચાર સંસ્થા એએનઆઈને ટાંકીને જણાવ્યું છે કે, ગુપ્તાએ એએનઆઈને કહ્યું હતું કે પુરાવા દર્શાવે છે કે ચંદા કોચર અને તેમનો પરિવાર આ લોનનાં મોટાં લાભાર્થી હોવાની મજબૂત કડીઓ છે. સરકારે આ કેસમાં તપાસ અને ઓડિટ કરવાના આદેશ આપવા જોઇએ કે એક ડૂબી રહેલી કંપનીને લોન કેમ આપવામાં આવી હતી.
ગુપ્તાએ મૂકેલા આરોપ અનુસાર ચંદા કોચરના પતિ દીપક કોચર એ વીડિયોકોનને આપવામાં આવેલી લોનનાં અપ્રત્યક્ષ લાભાર્થી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો