શું રાહુલ ગાંધી અહેમદ પટેલનું પદ જ હટાવી દેશે?

  • રાશિદ કિદવઈ
  • વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, @RAHULGANDHI

રાહુલ ગાંધીએ 16 ડિસેમ્બર 2017ના રોજ જ્યારે સત્તાવાર રીતે કોંગ્રેસની કમાન સંભાળી તો આ પાર્ટીમાં કેટલાક મોટા ફેરફારની આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી.

આવી આશાઓને વાસ્તવિકતાનું રૂપ આપવાને બદલે નવી ટીમને આગળ વધારવા મામલે રાહુલની ગતિ ખૂબ ધીમી જોવા મળી.

તેઓ યુવા છે પરંતુ નિર્ણય લેવામાં કોઈ પ્રકારનો જુસ્સો બતાવવાના બદલે તેઓ જૂની જાણીતી રીતનો પ્રયોગ કરતા અને જૂનું ગણિત અજમાવતા જોવા મળ્યા.

એ પ્રકારના સંકેત મળી રહ્યા છે કે રાહુલ એ તમામ લોકોનું સ્થાન જાળવીને રાખી શકે છે કે જેમને પાર્ટીની જૂની જમાતમાં જોડાયેલા માનવામાં આવે છે અને યુવાનોએ રાહ જોવી પડી શકે છે.

શું છે સંકેત?

ઇમેજ સ્રોત, FACEBOOK @ASHOK GEHLOT

અશોક ગેહલોતને સંગઠન અને પ્રશિક્ષણ મામલાના પ્રભારી મહાસચિવ બનાવવાનો તેમનો નિર્ણય ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ છે.

આ ખૂબ જ ઉચ્ચ હોદ્દો છે. વાસ્તવિકતા એ છે કે સંગઠનના પ્રભારી મહાસચિવ, કોંગ્રેસ અધ્યક્ષના રાજકીય સચિવ અને કોષાધ્યક્ષ, એમ ત્રણ મહત્ત્વનાં પદ છે જેનું પાર્ટીમાં સૌથી વધારે મહત્ત્વ છે.

તમને આ પણ વાંચવું ગમશે

રાહુલે પોતાના આ પગલાંથી પરોક્ષ રૂપે સંકેત આપ્યો છે કે જનાર્દન દ્વિવેદી માટે આગળનો રસ્તો બંધ થઈ ગયો છે.

તેઓ અત્યાર સુધી સંગઠનના પ્રભારી મહાસચિવ હતા. ગેહલોતની નિયુક્તિ રાજસ્થાનની રણભૂમિને ધ્યાનમાં રાખીને ખૂબ મહત્ત્વની લાગે છે જ્યાં મેદાન પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલટના ભરોસે હોય તેવું લાગે છે.

સંતુલન જાળવવા પ્રયાસ

રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયાની સામે પાયલટ કોંગ્રેસની આગેવાની કરશે અને જો કોંગ્રેસ સત્તાધારી ભારતીય જનતા પાર્ટીને હાર આપી શકે છે તો પાયલટ મુખ્યમંત્રી પદના દાવેદાર બનશે તે નક્કી લાગી રહ્યું છે.

જો ગેહલોતની નિયુક્તિ જૂની જમાતને પુરસ્કૃત કરવાનો સંકેત આપે છે તો ત્યાં જ રાજીવ સતાવ અને જિતેન્દ્ર સિંહને ગુજરાત તેમજ ઓડિશાના પ્રભારી બનાવવા એ સંકેત આપે છે કે યુવા નેતૃત્વની શાખ જળવાઈ રહેવાની છે.

ગુજરાતમાં વિપક્ષના નવનિયુક્ત નેતા પરેશ ધાનાણી અને પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની ઉંમર 40 વર્ષ કરતાં થોડી જ વધારે છે.

ચાવડા ગુજરાતમાં કોંગ્રેસના સૌથી યુવા પ્રદેશ અધ્યક્ષ છે અને ઓબીસી નેતા છે. યુવા નેતાઓને આગળ લાવીને પાર્ટીમાં ઊર્જા ભરનારા રાહુલે ભરત સોલંકીના જૂથને પણ સંતુષ્ટ કરવા પ્રયાસ કર્યો છે. સોલંકી અને ચાવડા સંબંધીઓ છે.

ઇમેજ સ્રોત, TWITTER@INCINDIA

એ સ્પષ્ટ થવું હજુ બાકી છે કે શું રાહુલ મોતીલાલ વોરાને પાર્ટી કોષાધ્યક્ષના પદ પર યથાવત રાખે છે કે નહીં.

80 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા વોરા સોનિયા ગાંધીના વિશ્વસ્ત લેફ્ટિનેન્ટ મનાય છે.

એ પણ સામે આવી રહ્યું છે કે રાહુલ ગાંધી વોરાને પદ પર યથાવત રાખી શકે છે અને પોતાના નજીકના સહયોગી કનિષ્ક સિંહ પાસેથી કોષાધ્યક્ષનું કામ લઈ શકે છે.

કનિષ્ક છેલ્લાં કેટલાંક વર્ષોથી વોરાના સહયોગી છે. તેને તેમને તૈયાર કરવાના રૂપમાં જોઈ શકાય છે.

અહેમદ પટેલની ભૂમિકા શું હશે?

ઇમેજ સ્રોત, Getty Images

રાહુલ ગાંધી પર એ વાતને લઈને પણ નજર છે કે તેઓ સોનિયા ગાંધીના પૂર્વ રાજકીય સચિવ અહેમદ પટેલને શું ભૂમિકા આપે છે.

પટેલને કોંગ્રેસમાં ગાંધી પરિવાર બાદ સૌથી શક્તિશાળી નેતા માનવામાં આવે છે. રાહુલ ગાંધી તેમના વ્યાપક અનુભવનો ઉપયોગ NDA બહારના પક્ષો સાથે ગઠબંધન માટે કરી શકે છે.

20 કરતાં વધારે રાજકીય પક્ષ એવા છે કે જે નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ એક મોટા ગઠબંધનનો ભાગ બનવા ઇચ્છૂક છે. બેઠકોના તાલમેલ માટે જે રીતે વાર્તાકારની જરૂર હોય છે, અહેમદ પટેલ પાસે તે અનુભવ છે.

પરંતુ શું રાહુલ ગાંધી રાજકીય સચિવનું પદ જ હટાવી દેશે?

તેના સમર્થન અને વિરોધમાં તર્ક છે. જો કે રાજૂ અને અજય માકન જેવા નેતાઓને કોંગ્રેસ અધ્યક્ષના કાર્યાલયમાં લાવી શકાય છે તો રાહુલ સહેલાઈથી આ પદ જ હટાવી શકે છે.

મુશ્કેલ પડકાર

ઇમેજ સ્રોત, PUNEET BARNALA/BBC

રાહુલ ગાંધી સામે મુશ્કેલ પડકાર છે. તેના માટે ઘણા સ્તરની રણનીતિ બનાવવા, પ્રોફેશનલિઝ્મ અને મોટા નિર્ણય લેવાની જરૂર છે.

સમસ્યા એ છે કે રાહુલ કરતાં વધારે કોંગ્રેસ માનસિક અને સંગઠનના રૂપે તૈયાર જોવા મળતી નથી.

રાહુલે હજુ કોંગ્રેસ કાર્યસમિતિનું ગઠન કરવાનું છે. તેમને 17-18 માર્ચના રોજ તેના માટે સર્વાધિકાર આપવામાં આવ્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ 1991થી અપ્રભાવી કોંગ્રેસ સંસદીય બોર્ડ (સીપીબી)ના ગઠન મામલે મૌન છે.

કોંગ્રેસનાં બંધારણના આધારે દસ સભ્યની સીપીબી કોંગ્રેસ અધ્યક્ષ બાદ પાર્ટીનો સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ છે.

વિધાનસભા અને સંસદ માટે પાર્ટી ઉમેદવારોની પસંદગી, મુખ્યમંત્રીઓ અને કોંગ્રેસ વિધાનમંડળના નેતાઓની પસંદગી માટે બંધારણમાં તેનો વારંવાર ઉલ્લેખ થાય છે.

પરિવર્તનની જરૂર

ઇમેજ સ્રોત, TWITTER@INCINDIA

જો સીપીબીનું ગઠન થાય છે તો તેમાં ડૉક્ટર મનમોહન સિંહ, અહેમદ પટેલ, અંબિકા સોની, દિગ્વિજય સિંહ, ઑસ્કર ફર્નાંડીઝ, મલ્લિકાર્જુન ખડગે, સુશીલ કુમાર શિંદે અને એકે એંટની જેવા જૂના મોટા નેતાઓને જગ્યા આપી શકાય છે.

રાહુલ માટે જરૂરી છે કે તેઓ પાર્ટીમાં દરેક સ્તર પર જવાબદારી નક્કી કરવાની વાત કરે. તેમણે કોંગ્રેસમાં 'બધુ ચાલે છે'ની સંસ્કૃતિને વિદાય આપવી પડશે.

ઉત્પ્રેરક તરીકે કામ કરવાનું તેમનું વલણ, આઇડેન્ટિટી પૉલિટિક્સ અને વફાદારીને મહત્ત્વ આપવું એ એવા મુદ્દા છે જેમને લઈને પાર્ટીની અંદર તેમણે પ્રતિરોધનો સામનો કરવો પડી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો