અમિત શાહ પર ભારે પડ્યા દલિતોના સવાલ

  • ઇમરાન કુરૈશી
  • બેંગ્લોરથી, બીબીસી ગુજરાતી માટે

કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડે દ્વારા બંધારણ મામલે આપવામાં આવેલા નિવેદન પર કર્ણાટકમાં ભાજપે દલિતોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે.

અનંત હેગડેએ ગત વર્ષે ડિસેમ્બરમાં કર્ણાટકમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે પાર્ટી સત્તામાં છે અને તે બંધારણ બદલવા માટે સત્તામાં આવી છે.

મામલો કંઈક એવો છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મૈસુરમાં 12 મેના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર કરવા પહોંચ્યા હતા.

પ્રચાર અભિયાન દરમિયાન તેઓ દલિત નેતાઓ સાથે મુલાકાત કરવા પહોંચ્યા હતા જ્યાં અનંત હેગડેની ટિપ્પણીના વિરોધમાં લોકો સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.

'તો હેગડે મંત્રાલયમાં કેમ છે?'

અમિત શાહને આ અંગે સવાલ કરવામાં આવ્યો. ત્યાં સભામાં હાજર તમામ 300 લોકોની સામે તેમણે કહ્યું કે હેગડેના નિવેદન સાથે ભાજપનો કોઈ સંબંધ નથી.

પરંતુ અમિત શાહની આ સ્પષ્ટતા બાદ દલિત સંગઠન સમિતિના એક નેતાએ અમિત શાહને પૂછ્યું કે જો એવું છે તો તેમને મંત્રીમંડળમાંથી બહાર કેમ ન કાઢવામાં આવ્યા?

તમને આ પણ વાંચવું ગમશે

દલિત નેતા ચોરાનલ્લી શિવન્નાએ પણ સભામાં કહ્યું, "તમે અમને ચર્ચા માટે બોલાવ્યા હતા. તમે કહો છો કે ભાજપ હેગડેના એ નિવેદનનુ સમર્થન કરતો નથી. તો પછી તેઓ કેન્દ્રીય કેબિનેટમાં કેમ છે? જો આ ભાજપનો ગુપ્ત એજન્ડા નથી તો તેમને મંત્રીમંડળમાંથી બહાર કેમ કાઢવામાં ન આવ્યા?"

દલિત સંસ્થાઓના પ્રતિનિધિ ડૉક્ટર જવારપ્પા અને મૈસુર વિશ્વવિદ્યાલયના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડેવલપમેન્ટ સ્ટડીઝના સેવાનિવૃત્તિ પ્રોફેસર ટીએમ મહેશે શિવન્ના અને શાહના નિવેદનોની પુષ્ટિ કરી છે.

સૂત્રોચ્ચાર પણ થયા

ત્યારબાદ શિવન્નાએ બીબીસીને જણાવ્યું, "મેં તેમને સીધો સવાલ કર્યો કે તમે તેમના નિવેદનનું સમર્થન કરતા નથી તો તેઓ મંત્રીમંડળમાં કેમ છે. અમારા ઘણા સવાલોનો તેમની પાસે કોઈ જવાબ ન હતો."

આ મુદ્દો ત્યારે ઊઠ્યો જ્યારે પૂર્વ સાંસદ અને ભાજપના સભ્ય શ્રીનિવાસ પ્રસાદે એ વાત તરફ ઇશારો કર્યો કે હેગડેનું નિવેદન દલિતોને દબાવવા જેવું છે.

અમિત શાહના અસંતોષજનક જવાબો બાદ ઑડિટોરિયમમાં દલિત નેતા શિવન્ના અને અન્ય લોકો નારાજ થઈ ગયા અને ત્યાં સૂત્રોચ્ચાર શરૂ થઈ ગયા.

ત્યારબાદ શિવન્ના અને કેટલાક અન્ય લોકોને ઑડિટોરિયમમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

મહિલા અનામતનો મામલો પણ ઠ્યો

અમિત શાહે સભામાં કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે પૂર્વ કોંગ્રેસ સરકારની સરખામણીએ દલિતો માટે વધારે કામ કર્યું છે.

પરંતુ તેમના આ દાવાની કોઈ અસર જોવા ન મળી. સભામાં હાજર ઘણાં લોકોએ વિભિન્ન મુદ્દાઓ પર અમિત શાહને ઘેર્યા હતા.

ડૉક્ટર જવારપ્પા કહે છે, "M.Philના એક વિદ્યાર્થીએ તેમને મહિલા અનામત બિલ વિશે સવાલ કર્યો. તેના જવાબમાં અમિત શાહે કહ્યું કે તેઓ એક એવા બિલ માટે સહમતિ સાધવા પ્રયાસ કરી રહ્યા છે કે જે મહિલાના પક્ષમાં હોય."

પ્રોફેસર મહેશ કહે છે, "અમારામાંથી ઘણા લોકોને તો સવાલ પૂછવાની તક જ આપવામાં ન આવી. હું પૂછવા માગતો હતો કે શું સ્ટાર્ટ અપ ઇન્ડિયા અંતર્ગત યોગ્યતાના માપદંડોને બદલી શકાય છે? હાલ તે 25 કરોડ રૂપિયા છે. કેટલા દલિત આ રકમની વ્યવસ્થા કરી શકે છે? પરંતુ મને આ સવાલ પૂછવાની તક આપવામાં ન આવી."

અમિત શાહે સભામાં કહ્યું, "કોંગ્રેસે વારંવાર ડૉક્ટર બીઆર આંબેડકરનું અપમાન કર્યું છે. તેમને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે કોંગ્રેસ સત્તામાં ન હતી."

અમિત શાહ મૈસુર રાજપરિવારના પ્રમુખ શ્રીકાંત દત્તા નરસિમ્હારાજા વડિયારના પત્ની પ્રમોદા દેવીને સમજાવવામાં પણ નિષ્ફળ રહ્યા.

એવું કહેવામાં આવે છે કે સુત્તૂર મઠના સ્વામીજી સાથે તેમની બેઠકમાં સિદ્ધારમૈયા સરકારના લિંગાયત સમુદાયને અલ્પસંખ્યક ધર્મનો દરજ્જો આપવાના સંબંધમાં ભાજપના પક્ષ પર કોઈ સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો