TOP NEWS : રશિયામાં યોજાનારો ફૂટબોલ વર્લ્ડ કપ સંકટમાં?

વર્લ્ડ કપની તૈયારીની તસવીર

રશિયાના વિદેશ વિભાગનાં પ્રવક્તાએ કહ્યું છે કે પશ્ચિમના દેશો 2018માં તેમના દેશમાં યોજાઈ રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં વિધ્ન નાખવાની કોશિશ કરી રહ્યા છે.

તેમણે આરોપ કર્યો કે યૂકે અને યૂએસ દ્વારા રશિયામાં જૂન મહિનામાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપને રોકવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

રશિયન ટીવીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મારિયા ઝાખરોવાએ કહ્યું કે તેમને મુખ્ય ઉદ્દેશ વર્લ્ડ કપને રશિયા બહાર લઈ જવાનો છે.

જોકે, અત્યાર સુધી એવી કોઈ માહિતી મળી નથી કે ઇંગ્લેન્ડની ફૂટબોલ ટીમ આ વર્લ્ડ કપમાં રશિયામાં રમવા માટે નહીં જાય.

ઇંગ્લેન્ડમાં એક પૂર્વ જાસૂસને ઝેર આપવાના મામલામાં યૂકે સહિત અન્ય દેશોએ રશિયાના અનેક ડિપ્લોમેટ્સને તેમના દેશમાંથી કાઢી મૂક્યા હતા.

જે બાદ રશિયાએ પણ પ્રતિક્રિયાના ભાગે અનેક રાજદૂતોને જે તે દેશમાં પરત મોકલી દીધા હતા.

કશ્મીર: ત્રણ જવાનો અને અગિયાર ઉગ્રવાદીઓનાં મૃત્યુ

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કશ્મીરમાં ભારતીય સુરક્ષા દળો અને ઉગ્રવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં 10નાં મૃત્યુ થયાં છે.

જેમાં ત્રણ સુરક્ષા જવાનોનાં મૃત્યું થયાં છે તો અગિયાર ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં છે.

દક્ષિણ કશ્મીરના શોપિયાંમાં સુરક્ષા દળોએ બે જુદાં જુદાં સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યાં હતાં.

એક દ્રગાડ ગામમાં અને બીજું કચડોરા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં સામ સામે થયેલા ગોળીબારમાં ત્રણ સુરક્ષા દળોના જવાનોનાં મૃત્યુ થયાં હતાં.

અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કચડોરામાં હજી પણ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

ઇસરોનો સેટેલાઇટ સાથેનો સંપર્ક તૂટ્યો

ઇસરોએ 29 માર્ચે છોડેલા GSAT-6A સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હાલમાં સંપર્ક ફરી સાધવાના પ્રયાસ હાથ ધરાઈ રહ્યા છે.

સ્પેસક્રાફ્ટના લૉન્ચ બાદ ત્રણ દિવસથી ચૂપ રહેલા ઇસરોએ આજે આ નિવેદન આપ્યું છે.

31 માર્ચના GSAT-6A જ્યારે બીજી ભ્રમણકક્ષામાં હતું ત્યાં સુધી સંપર્ક હતો.

પરંતુ ત્રીજી અને છેલ્લી ભ્રમણકક્ષામાં આજે પહેલી એપ્રિલે પહોંચે એ પહેલા સંપર્ક તૂટી ગયો હતો.

ઇસરોએ આ કમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-6Aનું 29મી માર્ચે શ્રીહરિકોટાથી GSLV-F08 લૉન્ચપેડ દ્વારા સફળતાપૂર્વક લૉન્ચિંગ કર્યું હતું.

2140 કિલોગ્રામના આ સેટેલાઇટથી દુર્ગમ વિસ્તારમાં પણ મોબાઇલ કમ્યુનિકેશનમાં મદદ મળવાની યોજના છે.

ગુજરાતના ગવર્નરની ઉત્તરપ્રદેશના ઘરમાં ચોરી

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર નોઇડા સેક્ટર-50માં શનિવારે બપોરે ગુજરાતના રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીના ઘરે ધોળા દિવસે ચોરી થઈ હતી.

રાજ્યપાલ ઓ પી કોહલીના પુત્રી પરિવાર સાથે આ ઘરમાં રહે છે. પરંતુ ત્રણ દિવસ પહેલા તેઓ પરિવાર સાથે અંબાલા ગયાં હતાં.

કેરટેકરે સવારે ઘરની સાફસફાઈ કર્યા બાદ ઘરને તાળું માર્યું હતું. જે બાદ ઘરમાંથી રૂપિયા અને દાગીનાની ચોરી કરવામાં આવી છે.

પોલીસે આસપાસના ઘરમાંથી સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. અજાણ્યા શખ્સો સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

તમને આ પણ વાંચવું ગમશે

અમૂલ ડેરીના MDનું રાજીનામું

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર અમૂલ ડેરી તરીકે જાણીતા ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ની શનિવારે યોજાયેલી બોર્ડ બેઠકમાં મેનેજિંગ ડિરેક્ટર ડૉ. કે.રથ્નમ દ્વારા અપાયેલા રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

આ સાથે જ રથ્નમે 450 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપોને રદિયો આપ્યો હતો.

ડો.કે.રથ્નમ1995માં અમૂલ ડેરીના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે જોડાયા હતા અને 2014માં અમૂલ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

છેલ્લા છ મહિનાથી ડો.રથ્નમની કાર્યપ્રણાલી અને વહીવટમાં ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપ કેટલાંક ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવતાં વિવાદ સર્જાયો હતો.

ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે 'ઘણા સમયથી એમડીના કેટલાંક પ્રશ્નો હતા. તેમને પરિવાર સાથે અમેરિકા રહેવા જવું હોવાથી રાજીનામું આપેલું છે.'

ઇન્દોરમાં કાર ટક્કરથી હોટલ ધરાશાયી

મધ્યપ્રદેશના ઇન્દોરમાં શનિવારે રાત્રે એક ચાર માળની હોટલ ધરાશાયી થઈ હતી.

જેમાં 08 લોકોના મોત નિપજ્યા થયા હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ અને પ્રશાસનના ટોચના અધિકારીઓ સહિત એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી.

સાક્ષીઓના કહેવા અનુસાર એક કાર હોટલ બિલ્ડિંગ સાથે તકરાતા આ ઇમારત પડી ગઈ હતી.

જિલ્લા કલેક્ટર નિશાંત વરવડેએ ઘટનાની પુષ્ટિ કરી છે. મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે ટ્વિટર પર ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો