નવા નાણાકીય વર્ષમાં કેવી રીતે બચાવશો ટૅક્સ? આ રહી ટિપ્સ!

  • ભાવેશ શાહ
  • બીબીસી ગુજરાતી માટે
સાંકેતિક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

નાણાકીય વર્ષ 2018-19નો પ્રારંભ થઈ ગયો છે અને તેની સાથે ઇન્કમટૅક્સ(આવક વેરા)ની દરખાસ્તો પણ અમલમાં આવી છે.

આ દરખાસ્તોની સીધી અસર કોઈપણ વ્યક્તિગત કરદાતાની આવક, તેને ભરવાપાત્ર કર અને ભવિષ્યની બચત ઉપર પડવાની છે.

1 ફેબ્રુઆરીએ રજૂ થયેલાં બજેટમાં વ્યક્તિગત કરદાતાઓ માટે કેટલીક જાહેરાતો રાહત આપનારી છે તો કેટલીક જાહેરાતોના કારણે તેમના કરનું ભારણ વધી શકે છે.

તમને આ પણ વાંચવું ગમશે

ઇન્કમટૅક્સ સંબંધિત બજેટની જોગવાઈઓ ઉપર નજર કરીએ તો વ્યક્તિગત અને પગારદાર વર્ગ માટે બહુ મોટી રાહતો નથી પણ આંશિક ફાયદો જરૂર છે.

બીજી તરફ, વરિષ્ઠ નાગરિકો માટે ચોક્કસપણે વધારે રાહતો છે.

અહીં કરદાતા માટે આવી મહત્ત્વની જાહેરાતોની સરળ સમજ આપી છે જેથી તે પોતાનું ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરી શકે.

કેવી રીતે બચશે ટૅક્સ?

ઇમેજ સ્રોત, Getty Images

અત્યાર સુધી ટ્રાન્સપોર્ટ એલાઉન્સ માટે રૂ. 19,200 અને મેડિકલના ખર્ચ પેટે રૂ.15,000 નો ખર્ચ વ્યક્તિગત કરદાતાને દર વર્ષે બાદ મળતો હતો.

આ વર્ષથી તેના સ્થાને રૂ. 40,000નું સ્ટાન્ડર્ડ ડિડકશન મળશે. તેનો સીધો લાભ લગભગ અઢી કરોડ જેટલા પગારદારોને થશે.

અત્યાર સુધી મેડિકલ અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ પેન્શન મેળવતા લોકોને મળતો નહીં તેના બદલે હવે તેમને પણ આ લાભ મળશે.

કરદાતાની કુલ આવકમાંથી સીધા આ રૂ. 40,000નું સ્ટાન્ડર્ડ ડિડકશન બાદ કરવામાં આવશે એટલે પગારદાર વ્યક્તિ જે કરપાત્ર વેરાના વર્ગમાં આવતો હશે એ રીતે તેને ફાયદો થશે.

વરિષ્ઠ નાગરિકોને ઘણા ફાયદા

ઇમેજ સ્રોત, Getty Images

બજેટમાં વરિષ્ઠ નાગરિકો માટે ઘણા ફાયદા છે.

કરની દૃષ્ટિએ સીધો ફાયદો નથી પણ નિશ્ચિત 8 ટકાનું વ્યાજ ચૂકવતી પ્રધાન મંત્રી વય વંદના યોજનામાં અત્યાર સુધી રોકાણ મર્યાદા રૂ. 7.5 લાખની હતી તે બમણી કરી રૂ. 15 લાખ કરવામાં આવી છે.

વ્યાજની બાંધી આવક ઉપર નભતા વરિષ્ઠ નાગરિકો માટે આ એક રાહતના સમાચાર છે.

આ ઉપરાંત સિનિયર સિટિઝનની વ્યાજની આવકમાં અત્યાર સુધી રૂ. 10,000થી વધારાનું વ્યાજ થાય તો તેના ઉપર TDS કાપવામાં આવતું હતું.

આ વર્ષથી હવે વાર્ષિક રૂ. 50,000 સુધીની આવી વ્યાજની આવક ઉપર TDS કાપવામાં આવશે.

વરિષ્ઠ નાગરિકોને બૅન્ક અને પોસ્ટઑફિસમાં મુકેલી બચત અને થાપણ ઉપર મળતા વ્યાજની આવકમાં રૂ. 50,000 સુધી કોઈ ટૅક્સ હવે લાગશે નહીં. પહેલાં આ મર્યાદા માત્ર રૂ.10,000ની હતી.

ચોક્કસ પ્રકારના રોગની સારવાર માટે વરિષ્ઠ નાગરિકોને મળતી રાહત વધારીને રૂ. 1,00,000 સુધી કરવામાં આવી છે. અત્યારે આ મર્યાદા રૂ. 60,000ની હતી.

અહી વધશે ટૅક્સનું ભારણ

ઇમેજ સ્રોત, Getty Images

સેસમાં વધારો: જોકે, કરવેરાની રકમ ઉપર જે સેસ ચૂકવવાની હતી તેમાં બજેટમાં નાણામંત્રી અરુણ જેટલીએ વધારો કર્યો છે.

અત્યાર સુધી ત્રણ ટકા સેસ હતી તે હવેથી ચાર ટકા થશે એટલે કે ચૂકવવાપત્ર આવકવેરામાં તેણે એક ટકો વધારે ચૂકવવાનો રહેશે.

લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ: શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા માટે આ એક માઠા સમાચાર છે. અત્યાર સુધી એક વર્ષથી વધારાની મુદ્દતના રોકાણ ઉપર કોઈ ટૅક્સ ચૂકવવાનો રહેતો નહીં.

બજેટ અનુસાર હવે લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ભરવાનો થશે. કોઈ વ્યક્તિ પોતાના શેર કે મ્યુચ્યુઅલ ફંડના રોકાણ વેચશે અને તેના ઉપરનો નફો રૂ. 1,00,000થી વધારે હોય તો 10 ટકા ટૅક્સ ભરવાનો થશે.

જોકે, રાહતની વાત એ છે કે નફો ગણવા માટેની તારીખ 31 જાન્યુઆરી 2018 ગણવાની છે.

ઇમેજ સ્રોત, Getty Images

એટલે કે તા. 31 જાન્યુઆરીએ શેરનો ભાવ (અને મ્યુચ્યુઅલ ફંડમાં NAV) સામે જયારે વેચાણ કરો ત્યારનો ભાવ બાદ કરી ગેઇન્સ કે નફો ગણવામાં આવશે.

જોકે, શેરબજારમાં લાંબાગાળાનું રોકાણ કરનાર માટે આ એક માઠા સમાચાર છે.

મ્યુચ્યુઅલ ફંડના ડિવિડન્ડ ઉપર ટૅક્સ: અત્યારસુધી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ ઉપર ડિવિડન્ડ મળતું તો તેના ઉપર ફંડ કે રોકાણકારે કોઈ ટૅક્સ ભરવો પડતો નહીં.

આવી જોગવાઈ માત્ર કંપનીઓના શેરના ડિવિડન્ડ ઉપર જ હતી. નવા બજેટ બાદ હવેથી ઇક્વીટીમાં રોકાણ કરતી હોય તેવી સ્કીમના ડિવિડન્ડ વિતરણ ઉપર ફંડ હાઉસે 10 ટકા ટૅક્સ ભરવાનો રહેશે.

આ જોગવાઈથી નિશ્ચિત આવક મેળવતા રોકાણકારો ઉપર અસર પડશે, તેમની આવક ઘટશે. સામે તેમને ડિવિડન્ડ પુનઃ રોકી ગ્રોથ સ્કીમમાં રોકાણ કરવાનો વિકલ્પ મળશે.

આરોગ્ય વીમા અંગેની રાહતો

ઇમેજ સ્રોત, Getty Images

કોઈ વ્યક્તિ લાંબી મુદ્દતની હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી ખરીદે તો તેને ભરેલા પ્રીમિયમ ઉપર હવેથી તે અલગ અલગ વર્ષે લાભ લઈ શકશે.

આવી વીમા પોલિસીમાં તેણે પ્રિમીયમ એક સાથે ભરેલું હોવું જોઈએ.

કોઈ કરદાતા પોતાના વાલી માટે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીનું પ્રિમીયમ ભરતો હોય તો તેને અત્યારે રૂ. 55,000 સુધીની રકમ કરપાત્ર આવકમાં બાદ મળતી હતી હવે આ મર્યાદા વધારી રૂ. 75,000 કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો