કશ્મીર: સેનાએ કેમ હાથ ધર્યું તાજેતરનું સૌથી મોટું ઓપરેશન?

કશ્મીરમાં એક એપ્રિલના રોજ એક નાગરિકને હોસ્પિટલ લઈ જતા લોકો
ઇમેજ કૅપ્શન,

કશ્મીરમાં એક એપ્રિલના રોજ એક નાગરિકને હોસ્પિટલ લઈ જતા લોકો

"અમે લોકો ઘરોમાં બંધ છીએ. બહાર સુરક્ષા દળો ડેરો નાખીને ઊભાં છે. કેટલા લોકો ઘાયલ છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે."

આ શબ્દ છે ભારત પ્રશાસિત શોપિયાં જિલ્લાનાં એક ગામ કચડોરામાં રહેતા ફૈઝ મુસ્તફાના(નામ બદલ્યું છે).

તેમણે સ્થાનિક પત્રકાર માઝિદ જહાંગીર સાથે પોતાનું દુ:ખ શેર કર્યું હતું.

આ ગામની વસ્તી લગભગ 3000 હજાર છે અને મુસ્તફાનો દાવો છે કે તે અત્યારે જ્યાં છે, તેનાથી થોડા અંતરે જ એન્કાઉન્ટર ચાલી રહ્યું છે અને ગોળીબારનો અવાજ સંભાળાઈ રહ્યો છે.

કશ્મીરના દક્ષિણ ભાગમાં રવિવારે થયેલાં ત્રણ એન્કાઉન્ટરમાં અત્યારસુધીમાં કુલ 20 લોકોના મૃત્યુ થયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે.

જમ્મૂ-કશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે આ એન્કાઉન્ટરમાં અત્યારસુધી 13 ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં છે.

તેમણે કહ્યું કે આ સિવાય સુરક્ષા દળોના ત્રણ જવાનો અને બે નાગરિકોનાં પણ મૃત્યુ થયાં છે.

ઉગ્રવાદીઓ છુપાયાની માહિતી

ઇમેજ કૅપ્શન,

સેનાને ઉગ્રવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી

એસપી વૈદે જણાવ્યું, "સેનાને આ મામલે શનિવારની રાત્રે જાણકારી મળી હતી કે શ્રીનગરથી 50 કિલોમીટર દૂર શોપિયાં જિલ્લાના દ્રાગડા ગામમાં કેટલાક ઉગ્રવાદીઓ છુપાયા છે."

તેમણે કહ્યું, "દ્રાગડા ગામમાં બંને તરફથી ભારે ગોળીબારમાં 7 ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં છે. તેની સાથે એક બીજા ઓપરેશનમાં અનંતનાગ જિલ્લાના દાયલગામમાં એક ઉગ્રવાદીનું મૃત્યુ થયું છે. અહીં એક ઉગ્રવાદીએ સરન્ડર પણ કર્યું છે."

સફરજનોના બગીચા ધરાવતું દક્ષિણ કશ્મીર ઘાટીનો સૌથી ખૂબસૂરત વિસ્તાર છે પરંતુ એક લાંબા સમયથી આ વિસ્તાર અનેક એન્કાઉન્ટરનો સાક્ષી બન્યો છે.

એસપી વૈદના જણાવ્યા પ્રમાણે વર્ષ 2017માં થયેલાં એન્કાઉન્ટરમાં 200 ઉગ્રવાદીઓનાં મૃત્યુ થયાં છે. જેમાં અબુ દુજાના, બશીર લશ્કીર અને લલહારી જેવા મોટા ઉગ્રાવાદી કમાન્ડરો પણ સામેલ છે.

ઉગ્રવાદીઓને સ્થાનિકોની સહાનુભૂતિ?

ઇમેજ કૅપ્શન,

આ ઓપરેશન પહેલાં ઉગ્રવાદીઓનાં સમર્થનમાં લોકોએ પ્રદર્શન કર્યાં હતાં

દક્ષિણ કશ્મીરમાં સતત થઈ રહેલાં ઓપરેશનો સિવાય સ્થાનિક સ્તરે ઉગ્રવાદીઓ તરફી સમર્થનનો ભાવ દેખાઈ રહ્યો છે.

શોપિયાં જિલ્લામાં આજ થયેલાં ઓપરેશનો દરમિયાન મોટી સંખ્યામાં સામાન્ય લોકો પ્રદર્શન કરતાં જોવા મળ્યા હતા.

ડીજીપી એસપી વૈદે કહ્યું કે સેનાએ પહેલાં ભીડને હટાવવા માટે ટિયર ગેસ અને પેલેટ ગન્સનો ઉપયોગ કર્યો, ત્યારબાદ ગોળીઓ ચલાવી જેમાં છ લોકો ઘાયલ થયાં

શોપિયાં જિલ્લાના રહેવાસી મુસ્તફા જણાવે છે, "તેમના ઘર સુધી લોકોનાં પ્રદર્શનનો અવાજ આવતો હતો, પરંતુ લોકોમાં ભયનો માહોલ છે, એન્કાઉન્ટરની જગ્યાથી ઘણો દુર સુરક્ષા દળોએ ઘેરો નાખ્યો છે."

કશ્મીરમાં હવે આગળ શું થશે?

ઇમેજ કૅપ્શન,

એન્કાઉન્ટર બાદ કશ્મીર યુનિવર્સિટીની પરીક્ષા સ્થગિત

દક્ષિણ કશ્મીરમાં સેનાના આ ઓપરેશન બાદ કશ્મીર યૂનિવર્સિટીએ 2 એપ્રિલે લેવાનારી તેની તમામ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે.

હુર્રિયત કૉન્ફરન્સ (ગિલાની જૂથ)ના પ્રવક્તા દુલઝાર અહમદે બીબીસીને જણાવ્યું કે હુર્રિયત કોન્ફરન્સે આ ઘટનાક્રમની વિરુદ્ધ બે દિવસના બંધનું એલાન કર્યું છે.

આ સાથે જ દક્ષિણ કશ્મીરમાં ઇન્ટરનેટને બંધ કરી દેવાયું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો