#BBCShe: વિશાખાપટ્ટનમમાં 'પુષ્પાવતી મહોત્સ્વમ'માં પહેલા પીરિયડની પૂજા થાય છે

  • દિવ્યા આર્યા
  • બીબીસી સંવાદદાતા
ધાર્મિક વિધિ

મને યાદ નથી આવતું કે જ્યારે હું પહેલી વાર માસિક ધર્મમાં પ્રવેશી હતી ત્યારે એ વિશે કોઈ જાહેરાત કરવામાં આવી હોય.

મને એ દિવસોમાં ન્હાવાની મનાઈ કરવામાં આવી હોય કે એક ખૂણામાં બેસવાનું કહેવામાં આવ્યું હોય.

હું મારી જાતને નસીબદાર માનું છું કે મારા માતાપિતાએ પીરિયડ માટે મને કોઈ ધાર્મિક વિધિમાંથી પસાર કરી નથી.

તેના બદલે તેમણે મને આ શરીરની કુદરતી પ્રક્રિયા અને પરિવર્તનને સમજવામાં મદદ કરી.

સાથે જ મને આ દિવસો દરમિયાન સ્વચ્છતા વિશે પણ જાગૃત કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

'પુષ્પાવતી મહોત્સ્વમ'

પરંતુ મારી ઘણી બધી બહેનપણીઓ જ્યારે પહેલી વાર માસિક ધર્મમાં પ્રવેશી હતી, ત્યારે તેમના માટે એક વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મને તેમના આવા આયોજનમાં આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું.

મારી મિત્ર 'પુષ્પાવતી મહોત્સ્વમ' નામની વિધિ માટે દસ દિવસ સુધી સ્કૂલે આવી નહતી.

આ વિધિમાં જ્યારે છોકરી પહેલી વાર રજસ્વલા ત્યારે તેને ઘરના એક ખૂણામાં બેસાડી દેવામાં આવે છે.

તેના વાસણ અલગ રાખવામાં આવે છે. તેની સાથે કોઈ બેસે નહીં અને તેને દસ દિવસ સુધી એકલા રહેવું પડે છે.

સ્નાન પણ નહીં

આ દરમિયાન પાંચથી અગિયાર દિવસ સુધી તેને સ્નાન પણ કરવાનું હોતું નથી.

11 દિવસ પછી તેને સ્નાન કરાવી એક સમારંભ યોજી પૂજામાં બેસાડવામાં આવે છે.

આ સમારંભમાં પરિવાર, મિત્રો અને પડોશીઓને આમંત્રણ આપીને બોલાવવામાં આવે છે.

આંધ્ર વિશ્વવિદ્યાલયમાં યોજાયેલી BBC She પૉપઅપમાં, વિશાખાપટ્ટમની યુવતીઓએ માસિકચક્ર પર યોજાતી ધાર્મિક વિધિ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.

માનસિક અસર

તેમણે મન ખોલીને આ વિષય પર વાત કરી. આ ધાર્મિક વિધિ તેમના મન અને મગજ પર કેટલી અસર કરે છે તે વિષે તેમણે વાત કરી.

છેલ્લા ત્રણ વર્ષથી આંધ્રની આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી બિહારની વિદ્યાર્થીનીએ કહ્યું કે તે એ નથી સમજી શકતી કે છોકરીઓના પ્રથમ પીરિયડને ભવ્યતાથી શા માટે ઉજવવામાં આવે છે?

અને દર મહિનાની આ ચક્રને લાંછન તરીકે જોવામાં આવે છે.

"આ ધાર્મિક વિધિ પાછળનું કારણ શું છે તો મને જવાબ મળ્યો કે ધામધૂમથી આ પૂજા એટલાં માટે કરવામાં આવે છે કે છોકરીના લગ્ન સારી જગ્યાએ થઈ શકે.

સ્વચ્છતા

જ્યારે અમે વિવિધ સામાજિક-આર્થિક બેકગ્રાઉન્ડની મહિલાઓને આ વિષે પૂછ્યું તો ન્હાવાની મનાઇ અને સ્વચ્છતાને ના પાળવા માટે દરેક મહિલામાં રોષ જોવા મળ્યો.

તેમને એ વાતનો ગુસ્સો હતો કે ધાર્મિક વિધિના કારણે તેમના પર શારિરિક અને માનસિક રીતે ખરાબ અસર થાય છે.

22 વર્ષના સ્વપ્ના પહેલી વાર માસિક ધર્મમાં પ્રવેશ્યાં, તેના છ મહિનાની અંદર જ તેમના લગ્ન કરી દેવામાં આવ્યાં.

બે બાળકોની માતા સ્વપ્નાએ તેમની દસમી બોર્ડની પરીક્ષા આપી છે.

સામાજિક દબાણ

"મારી સાથે શું થઈ રહ્યું છે તે સમજી શકતા પહેલાં મારા લગ્ન થઈ ગયાં હતાં. 16 વર્ષની વયે હું પહેલીવાર ગર્ભવતી હતી, પરંતુ હવે હું મારા સપનાને આગળ વધારવા કટિબદ્ધ છું. "

સામાજિક કાર્યકરોનું કહેવું છે કે યુવાન છોકરીઓના માસિક ચક્રની શરૂઆત 12 થી 13 વર્ષની વયે સામાન્ય રીતે થાય છે.

તેઓ માને છે કે એવા સમયે તેમના સ્વાસ્થ્ય અને વિકાસનું નજીકથી નિરીક્ષણ કરવાની જરૂર હોય છે. ન કે તેમના પર વગર કામનું સામાજિક દબાણ લાદવામાં આવે.

મહિલાઓ માટે કામ કરતા સ્વર્ણ કુમારીએ જણાવ્યું, ''છોકરીઓને રાતોરાત તરુણાવસ્થાથી યુવતી બનવા માટે બિનજરૂરી દબાણ કરવામાં આવે છે. "

જાગરૂકતા

"તેમના શરીરમાં થઈ રહેલા પરિવર્તન અને સ્વચ્છતા વિશે શીખવવાની જગ્યાએ તેમને ઉજવણી કરી પ્રદર્શિત કરવામાં આવે છે.''

સ્વર્ણ કુમારીએ કહ્યું કે જાહેરમાં માસિક ચક્રની ઉજવણી એક પ્રકારની અનપેક્ષિત સ્પર્ધા છે.

વિશાખાપટ્ટનમના શહેરી ઝૂંપડપટ્ટીમાં સ્કૂલમાં માસિક તંદુરસ્તી અંગે જાગરૂકતા લાવવા માટે તેમની સંસ્થા કામ કરે છે.

ખર્ચ

12 વર્ષનાં ગાયત્રી પીરિયડ્સ પર થવામાં છે. તેમને ડર છે કે તેમના માતાપિતા પૂજા ન કરવા માટે તેમની સાથે સહમત થશે કે કેમ?

આમ છતાં એવા ઘણા માતાપિતા હોય છે જેમને આવા આયોજન સમાજના દબાણ હેઠળ કરવા પડે છે.

સોળ વર્ષની મધુના પિતા કહે છે કે તેઓ તેમની દીકરીની આવી પૂજા નહોતા કરવા માગતા, પરંતુ તેમની માતા અને પરિવારના દબાણના કારણે તેમને એવું કરવું પડ્યું હતું.

હું આવી વિધિ પાછળ થતાં ખર્ચ વિષે જાણવા આતુર હતી. નામ ન આપવાની શરતે હૈદરાબાદમાં રહેલા એક ફોટોગ્રાફરનું કહેવું છે કે તેઓ આવા ભવ્ય સમારંભમાં ફોટોગ્રાફી કરી છે.

"મારા જેવા મોંઘા ફોટોગ્રાફરને એક પ્રોજેક્ટ માટે લોકો લગભગ બે થી ત્રણ લાખ રૂપિયા ચૂકવતા અચકાતા નથી. "

માન-મોભો

"હું લગ્નમાં જેટલા પૈસા ચાર્જ કરું છું એટલી જ રકમ આવા સમારંભમાં પણ કરું છું. "

19 વર્ષની ગૌરી ત્રણ ભાઈ-બહેન છે. તેઓ મધ્યમ વર્ગના પરિવારમાં ઉછર્યા છે. તેઓ કહે છે કે તેમના પિતાએ તેમની પૂજા માટે લોન લીધી હતી.

"મારા પિતાના માન અને મોભાનો પ્રશ્ન હતો એટલે છ વર્ષ પહેલાં મારા સમારોહના આયેજન માટે તેમણે દેવું કર્યું હતું. અમે હજી પણ એ લોનની ચૂકવણી કરી રહ્યાં છીએ. "

ડૉ. સીતા રત્નમ કહે છે કે, "સમયની જરૂરિયાત એ છે કે યુવાન છોકરીઓને આ વિશે શિક્ષણ આપવું. બિનજરૂરી ખર્ચ બંધ થવો જોઈએ, જેથી કન્યા માતાપિતા માટે બોજ ના બને."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો