ગુજરાતી બાળસાહિત્યનો સુવર્ણકાળ કેમ સમાપ્ત થઈ ગયો?

  • યશવન્ત મહેતા
  • લેખક અને પત્રકાર

કોઈ એક યા બીજા પાત્ર સાથે તાદાત્મ્ય કેળવવું એ માનવમાત્રની પ્રકૃતિ છે.

એ પાત્ર કોઈ દેવ, દેવદૂત અને પેગંબર હોય, દેવતાતુલ્ય સંત હોય, આદર્શ ચારિત્ર્ય ધરાવનાર કથાપાત્ર હોય અથવા આદર્શ વ્યવહારના નમૂના પેશ કરનાર પ્રાણીપાત્ર પણ હોય.

રામ, કૃષ્ણ, ઇશુ વગેરેથી માંડીને આવા હજારો પાત્ર ગણાવી શકાય. દીર્ધકાળ પર્યન્ત એમને પાત્ર બનાવતી નવી નવી કથાઓ સર્જાતી આવી છે અને ઘણી વાર કથાપાત્ર સ્વયં વિભૂતિ બની જાય છે.

'કથાપાત્ર' વિશેની આટલી પ્રાથમિક વાત પછી આપણે આજના વિષય પર આવીએ: ગુજરાતી બાળ સાહિત્યના પાત્રો.

તમને આ પણ વાંચવું ગમશે

ગુજરાતી બાળ સાહિત્યનો પ્રારંભ ઓગણીસમી સદીના ત્રીજા દાયકાથી ગણી શકાય જ્યારે લગભગ સમગ્ર ગુજરાત પર અંગ્રેજ સત્તાનું આધિપત્ય પ્રસર્યું અને આધુનિક શિક્ષણની શરૂઆત થઈ.

શાળાઓ શરૂ થઈ એટલે પાઠ્ય પુસ્તકોની જરૂર પડી. ખાસ કરીને ભાષાનાં પાઠ્ય પુસ્તકો માટે ગીતો વાર્તાઓ, નિબંધોની જરૂરિયાત ઉભી થઈ.

શરૂઆતમાં તો ઘણું અંગ્રેજી પાઠ્ય પુસ્તકોમાંથી અનુવાદરૂપે બહાર આવ્યું, પરંતુ બહુ જલદીથી તળપદ સાહિત્યનું પ્રમાણ વધવા લાગ્યું.

આવે વખતે લોકપ્રચલિત સાહિત્ય હાથવગું બને તે સ્વાભાવિક છે.

આથી સદીઓથી કહેવાતી આવતી બાદશાહ અને લવાની (અકબર અને બિરબલની), રાજા વિક્રમની, મૂરખ અડવાની વાતો પાઠ્ય પુસ્તકોમાં આવી.

આ પછી બહુ જલદીથી પશ્ચિમને જ અનુસરીને ઇતર વાંચનના પુસ્તકોની પ્રથા શરૂ થઈ.

બાળકો પાઠ્ય પુસ્તકો ઉપરાંત પણ વાંચન કરે એવા ઇરાદાથી તત્કાલીન શાસનોએ ઇત્તર સાહિત્યને પ્રોત્સાહન આપવા માંડ્યું.

આના પ્રતાપે શરૂઆતમાં તો આગળ જણાવ્યાં એવાં જૂના-જાણીતાં પાત્રોનાં પુસ્તકો પ્રગટ થવા લાગ્યા.

ઓગણીસમી સદીને અંતે અમેરિકામાં સર્જાયેલા વન-વીર ટારઝનની વાતો પણ ગુજરાતીમાં આવવા લાગી.

ટારઝન કથાઓના જ લેખક એડગર રોઇસ-બરીઝે મંગળ ગ્રહના સાહસવીરની કથાઓની શ્રેણી આપી તો એ જ અરસામાં કૉનન - ડોયલે ડિટેક્ટીવ શેરલૉક હોમ્સની કથોની શ્રેણી રચી.

દરમિયાનમાં, ગુજરાતી ભાષામાં સુરતથી 'ગાંડીવ' નામનું બાળ માસિક શરૂ થયું.

એમાં ચાળીશીના દાયકાની શરૂઆતમાં બે લેખકોએ ગુજરાતી બાળ સાહિત્યનાં નવાં આગવાં પાત્રોનું સર્જન કર્યું.

એક હતા હરિપ્રસાદ વ્યાસ, જેમણે બકોર પટેલ નામના બકરાને કેન્દ્રસ્થ પાત્ર બનાવીને સમૂજી સમાજ કથાઓ રચવા માંડી.

બકરા ઉપરાંત ગાય, વાનર, હાથી, ઊંટ વગેરે પ્રાણીઓને ખાસ નામ આપીને પાત્રો સર્જ્યા.

ગુજરાતી બાળવાચકોને હરિપ્રસાદ વ્યાસની આ વાર્તાઓ એટલી ગમી કે બકોર પટેલ વગેરે પાત્રોની વાર્તાઓના છત્રીસ (36) જેટલાં પુસ્તકો પ્રગટ થયાં.

આગળ જતાં હરિપ્રસાદે હાથીશંકર ધમધમિયા અને બિલ્લુ ભાઈ બાંકે જેવા પાત્રોની પણ થોડીક વાર્તાઓ આપી.

આજ 'ગાંડીવ'થી જેમની શરૂઆત થઈ એવાં બે પાત્રો મિયાં ફુસકી અને તભા ભટ્ટ છે, જેમની વાર્તા લખનાર જીવરામ જોષી હતા.

મૂળે ઉત્તર પ્રદેશમાં જરા ભોળા દેખાતા પરંતુ અઘરા કોયડા ઉકેલી આપનાર મિયાં લાલ બુઝક્કડનું પાત્ર લોકપ્રચલિત છે.

બુઝક્ક્ડ એટલે ઉકેલ શોધી આપનાર. જીવરામ જોષીએ જરાક અકડુ, બડાઈખોર, પરંતુ એકંદરે સાલસ અને કોયડા ઉકેલવામાં માહેર મિયાં ફુસકીની કથાઓ શરૂ કરેલી.

પછી એમના કાયમી મિત્ર તરીકે તભા ભટ્ટ આવી ગયા. બન્ને સતત લડતા-ઝઘડતા રહે છતાં એમની અતૂટ મૈત્રીની આ કથાઓ સાવ સ્વયંભૂ રીતે એકતાની કથાઓ બની ગઈ.

1952માં બાળકોનું આગવું સાપ્તાહિક 'ઝગમગ' શરૂ થયું અને એનો ફેલાવો ચાળીસ-પચાસ હજારે પહોંચી ગયો.

મિયાં ફુસકી અને તભા ભટ્ટની વાર્તાઓ અહીં પાંચ વર્ષ એટલે લગભગ 250 અઠવાડિયા સુધી છપાતી રહી. પરિણામે આ પાત્રો ખૂબ જાણીતાં બન્યાં.

દરમિયાનમાં જીવરામ જોષીએ છેલ અને છબો, અડુકિયો અને દડુકિયો જેવાં પાત્રો પણ સર્જ્યા, જે પોતાના સમયમાં બાળકોને ખૂબ ગમ્યાં.

'ઝગમગ'ની સફળતા જોઇને ગુજરાતીમાં પાંચ જેટલા બાળ સાપ્તાહિક પ્રગટ થવા લાગ્યા. સાહિત્યની ખૂબ જરૂર પડવા લાગી.

અનેક નવી નવી કલમો બાળ સાહિત્યને મળી અને મળ્યા પાત્રો.

જીવરામ જોષીના ભાઈ દિનુભાઈ જોષીએ રાણી ચતુરાની વાતો આપી, નવનીત સેવકે રામ, રાજુ અને સુબાગુના પરાક્રમના પાત્ર આપ્યાં.

એમના સમકાલીન હરીશ નાયકનાં પરાક્રમ પાત્રો રાજીવ-સંજીવ છે.

આ બન્નેના સમકાલીન યશવન્ત મહેતાએ (આ લેખના લેખક) સાહસકથાઓ માટે કુમાર, કેતુ અને માયાનું સર્જન કર્યું.

પુષ્કળ સાહસકથાઓ લખ્યા પછી બાળસુલભ રહસ્યકથાઓ માટે એમણે ઇન્સ્પેક્ટર કુમાર અને જમાદાર હુસેનખાંને ઊભા કર્યા, જે કેટલાક દાયકા સુધી ઘેર ઘેર જાણીતા અને માનીતા થયા.

હરીશ નાયકનાં નાનેરા પાત્રો ટિંગુ અને પિંગુ છે. એમણે ગ્રીક કથાનાયક હરક્યુલિસની વાર્તાઓ પણ આપી.

યશવન્ત મહેતાનાં બીજાં બે પાત્રો પંડિત સસ્સારામ અને હીરો હીરાલાલ છે. સસ્સારામ વનનાં ખૂંખાર જીવો વચ્ચે માત્ર પોતાની ચતુરાઈના બળે કેવા પરાક્રમો કરે છે એની વાર્તા બોળકોને ખૂબ ગમી હતી.

આમાં સસલાની વાતો છે તો વિખ્યાત બાળસાહિત્યકાર રમણલાલ સોનીનો ગલબો શિયાળ પણ બધાંને ખૂબ ગમી ગયો છે.

બાળકો માટે ખૂબ લખનાર એક લેખક ધનંજય રમણલાલ શાહ હતા.

એમણે અંગ્રેજી કૉમિક લૉરેલ અને હાર્ડીની કથાઓને આધારે સોટી અને પોઠીના પાત્રોનું સર્જન કર્યું હતું.

બિપિનકુમાર જોષીએ ટારઝનની મશ્કરીરૂપ પાત્ર લટારઝન બનાવેલું.

વેણીભાઇ પુરોહિતે કેટલાંક વ્યંગાત્મક બાળકાવ્યો જોઇતારામ જડીબુટ્ટી નામના કિશોરને પાત્ર બનાવીને રચેલાં.

યશવન્ત મહેતાનાં આવાં હાસ્યરસના બાળ-કથાકાવ્યોનો 'હીરો' પરસુખભંજન પપ્પુ છે. કોઈ એક પાત્રને કેન્દ્રમાં રાખીને બાળ-કથાકાવ્યો રચવાનો પ્રયાસ માત્ર આ બે સાહિત્યકારોના નામે બોલે છે.

અફસોસ! વીસમી સદીના એંશીના દાયકા પછી પ્રવાહ પલટાઇ ગયો. ન તો બાળક સાહિત્યના નવા પાત્રો સર્જાયા કે ન તો જૂના પાત્રોની પણ નવી વાર્તા લખાઈ.

આનું મોટામાં મોટું કારણ એ છે કે એંશીના દાયકાની અધવચથી બાળકો માટેના સાપ્તાહિકો બંધ પડી ગયાં.

માસિકો પણ બંધ પડવા લાગ્યા. બાળસાહિત્ય માટે લગીર અવકાશ દૈનિકો દ્વારા અઠવાડિયે એકવાર અપાતા આઠ-બાર પાનાં પૂરતો જ રહ્યો.

એમાં પણ ઘણું ઘણું આપી દેવાની લાહ્યમાં અતિશય ટૂંકી વાર્તાઓની માગ રહે છે.

ગત ચારેય દાયકા પર્યન્ત કોઈ નવા કથાપાત્રનું સર્જન અમારા ધ્યાનમાં નથી આવ્યું.

એનું મુખ્ય કારણ એ જ છે કે પાત્રોની જમાવટ થઈ શકે એટલી જગ્યા (સામયિકોમાં) નથી.

અનેક લેખકોને 'ન્યાય' આપવાનો હોવાથી પાત્રની જમાવટ થાય એટલું સાતત્ય પણ જળવાય એમ નથી.

વળી, એક સાચી વાત એ પણ છે કે ગુજરાતી બાળ સાહિત્યનાં વાચકો પણ ઓછાં થતાં જાય છે.

અંગ્રેજી માધ્યમ એક મુખ્ય કારણ છે. શાસનની બેદરકારી બીજું કારણ છે.

આ સ્થિતિમાં ગુજરાતી બાળસાહિત્યનાં પાત્રોનો ઉલ્લેખ કરવાનો થાય ત્યારે સાત-આઠ દાયકા અગાઉ સર્જાયેલા પાત્રો જ યાદ કરવા પડે છે.

અહીં બ્રિટનના હેરી પૉટર જેવા નવા પાત્રોને અવકાશ નથી. સાહિત્યની મુખ્ય સંસ્થાઓ ઉપેક્ષા કરે છે.

ગુજરાતી બાળસાહિત્યની આ પીડાદાયી વાસ્તવિકતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો