Top News: સચિને રાજ્યસભાનો 90 લાખનો પગાર દાનમાં આપી દીધો

સચિન તેંદૂલકરની તસવીર

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ક્રિકેટ આઇકોન સચિન તેંડૂલકરે તેમના રાજ્યસભાના કાર્યકાળ દરમિયાનનો તમામ પગાર અને ભથ્થાં વડાપ્રધાન રાહત ભંડોળમાં દાન કરી દીધાં છે.

તાજેતરમાં જ સચિન તેંડૂલકરનો રાજ્યસભાનો કાર્યકાળ સમાપ્ત થયો છે.

છેલ્લા છ વર્ષના સમયગાળામાં તેમણે 90 લાખ જેટલો પગાર અને ભથ્થાં મળ્યા જેને તેમણે રાહત ભંડોળમાં આપી દીધાં.

વડાપ્રધાન કચેરી (પીએમઓ)એ સચિનની આ વાતને વધાવીને જણાવ્યું, "વડા પ્રધાન સચિન તેંડૂલકરના આ અભિગમને માન આપે છે અને શુભેચ્છા પાઠવે છે."

"જરૂરિયાતમંદોને મદદ કરવામાં આ ભંડોળ ખૂબ જ મદદરૂપ થશે."

ભારત બંધ : ગુજરાતમાં દલિતોને એકઠા થવા મેવાણીની હાકલ

'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર 'એટ્રૉસિટિ એક્ટ' હેઠળ કેસ દાખલ કરતા પૂર્વે ડીએસપી લેવલના અધિકારી દ્વારા ફરજિયાતપણે તપાસના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે અસંમતિ દર્શાવવા દલિત સંગઠનોએ આજે ભારત બંધનું એલાન કર્યું છે.

દલિત નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા 2જી એપ્રિલના રોજના ભારત બંધના આ એલાનને ગુજરાતના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સમર્થન જાહેર કર્યું છે.

શનિવારે જિગ્નેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે સોમવારના રોજ સમર્થકોને સારંગપુર ખાતે બાબા આંબેડકરના સ્ટેચ્યૂ પાસે એકત્ર થવા માટે આહવાન કર્યુ હતું.

દરમિયાન અહેવાલ અનુસાર અન્ય દલિત નેતાઓ અને કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર લોકોને એકઠા કરવા માટેના સંદેશાઓની આપ-લે કરી રહ્યા છે.

ભારત બંધને પગલે રાજ્ય પોલીસે સ્થિતિની સમીક્ષા કરી છે. રાજ્ય પોલીસ વડાને ટાંકીને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ લખ્યું કે રાજ્યમાં તમામ સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે.

સોમવારે સુરક્ષા દળોને એલર્ટ પર રખાયા છે. વળી શાંતિ જળવાઈ રહે તે માટે સમુદાયના આગોવાનોનો સંપર્ક પણ કરવામાં આવ્યો છે.

દરમિયાન ભારત બંધને પગલે પંજાબ સરકારે રાજ્યમાં ઇન્ટરનેટ સેવા અને બસ સેવા બંધ કરી દીધી છે.

તદુપરાંત સુરક્ષાના કારણસર શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રાખવા સૂચના આપી છે.

જેને પગલે પંજાબમાં સીબીએસઈની ધોરણ 12 અને ધોરણ 10ની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.

મોસૂલથી 38 ભારતીયોના મૃતદેહ આજે ભારત આવશે

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ભૂતકાળમાં ઇરાકના મૌસૂલમાં લાપતા થયેલા ભારતીયો જેમને કેન્દ્ર સરકારે તાજેતરમાં મૃત જાહેર કર્યા હતા તેમના મૃતદેહ આજે સ્વદેશ પરત લાવવામાં આવશે.

39 લાપતા ભારતીયોમાંથી 38ના મૃતદેહ સોમવારે અમૃતસર આવી પહોંચશે એવી શક્યતા છે.

આ ભારતીયો જૂન-2014માં મૌસૂલમાંથી ગાયબ થયા હતા. રવિવારે બગદાદમાં ભારતીય વાયુસેનાના વિમાનમાં તેમના કૉફિન મૂકવામાં આવ્યાં હતાં.

પંજાબ બાદ તેઓ પટના અને કોલકતા પણ જશે કેમ કે કેટલાક મૃતદેહ અહીં લઈ જવાના છે.

આ તમામ જવાબદારી રાજ્યકક્ષાના વિદેશ પ્રધાન જનરલ વિ કે સિંહની સોંપાઈ છે. તેઓ જ આ મૃતદેહ લેવા માટે ઇરાક ગયા છે.

જોકે, તેમાં એક ગંભીર બાબત એ સામે આવી છે કે અહેવાલ અનુસાર મૃતકોના પરિવારજનોને કોફિન નહીં ખોલવાનું કહેવામાં આવ્યું છે.

વળી કેટલાક પરિવારજનો અન્ય સગાં આવે પછી અંતિમવિધિ કરવા માગે છે પણ પ્રશાસને તેમને ટૂંક સમયમાં જ અંતિમવિધિ કરી દેવા સૂચના આપી છે.

આમ એક જ દિવસમાં તમામની અંતિમક્રિયા કરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો