ભારત બંધ હિંસક, ગુજરાતમાં તોડફોડ, આઠ લોકોના મૃત્યુ

હિંસાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

 • એસસી/એસટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના વિરોધમાં ભારત બંધનું એલાન, અનેક સ્થળોએ પ્રદર્શન
 • મધ્યપ્રદેશમાં કુલ છ લોકોના મૃત્યુ
 • રાજસ્થાનના અલવરમાં પોલીસ અને દેખાવકારીઓ વચ્ચે અથડામણ, એકનું મૃત્યુ
 • ઉત્તર પ્રદેશના મુજ્જફરનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ
 • ભિંડમાં બજરંગ દળ તથા ભીમ સેનાના કાર્યકરો વચ્ચે અથડામણ
 • ઉત્તર પ્રદેશના મુજ્જફરનગર, હાપુડ તથા આઝમગઢ સહિત અનેક વિસ્તારોમાં હિંસા. દુકાનો અને વાહનોમાં આગચંપી

સુપ્રીમ કોર્ટ દ્વારા અપાયેલા એક ચૂકાદા સામે આજે અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોએ નારાજગી દર્શાવવા માટે ભારત બંધનું એલાન આપ્યું છે.

વિવિધ દલિત સંગઠનો આ મામલે વિરોધ કરી રહ્યાં છે. ગુજરાત સહિત દેશભરના અનેક શહેરોમાં હાલ વિરોધ થઈ રહ્યો છે.

મધ્યપ્રદેશના મુરૈનામાં એક, ભીંડમાં એક, ડબરામાં એક તથા ગ્વાલિયરમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના આ ચૂકાદા સામે પુન:વિચાર માટેની અરજી કરી છે.

થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે એસસી/એસટી એક્ટના દુરુપયોગ પર ચિંતા વ્યક્ત કરી હતી અને આ મામલે તાત્કાલિક ધરપકડના બદલે પ્રારંભિક તપાસ કરવાની વાત કહી હતી.

ગુજરાત

 • વડોદરામાં પ્રદર્શનકારીઓએ રેલવે ટ્રેક જામ કરતા કેટલીક ટ્રેનો પ્રભાવિત, પોલીસ પ્રદર્શનકારીઓને હટાવવા કામે લાગી.
 • સાબરકાંઠામાં દલિતોએ વિરોધ પ્રદર્શન કરતાં ટાયરો સળગાવ્યાં.
 • અમદાવાદના સારંગપુરમાં ભીડને વિખેરવા માટે પોલીસે ટિયર ગેસના સેલ છોડ્યા હતા.
 • સુરેન્દ્રનગરમાં ભાવનગર-સુરેન્દ્રનગર ટ્રેનને અટકાવવામાં આવી હતી.
 • રાજ્ય પરિવહન નિગમના જનસંપર્ક અધિકારી હાર્દિક સાગરે જણાવ્યું હતું કે સમગ્ર રાજયમાં કેટલાક ધોરી માર્ગને બાદ કરતાં પરિવહન સામાન્ય છે. 100 જેટલા રૂટ્સ પર આંદોલનની અસર પડી હતી.
 • ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું દલિત અને આદિવાસીઓની લાગણીનો પડઘો કેન્દ્ર સરકાર જરૂર પાડશે અને સર્વોચ્ચ અદલતમાં રિવ્યૂ પિટિશન પણ દાખલ કરશે.
 • કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા નિશિત વ્યાસે જણાવ્યું કે પક્ષ હંમેશા દલિત અને આદિવાસીઓના વિકાસમાં માને છે, પક્ષ દલિતો અને આદિવાસીઓની સાથે જ રહેશે.

યા શહેરમાં કેવી અસર?

વીડિયો કૅપ્શન,

ગુજરાતમાં ભારત બંધના સર્મથનમાં અનેક શહેરોમાં વિરોધ

 • અમદાવાદમાં દલિત સંગઠનોના કાર્યકરોએ રસ્તા પર આવી ચાંદખેડામાં ચક્કાજામ કર્યો હતો. અહીં વિરોધ કરી રહેલા લોકોએ ટાયરો પણ સળગાવ્યાં હતા. અમદાવાદમાં દાણીલીમડા વિસ્તારામાં પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
 • અમદાવાદના સારંગપુરમાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દલિતોએ એકઠાં થઈ વિરોધ કર્યો હતો.
 • અમદાવાદના અમરાઈવાડી તેમજ સી ટી એમ અને જશોદાનગરના પુનિતનગર પાસેના ચાર રસ્તા પર દલિતોએ ચકકાજામ કરીને દુકાનો બંધ કરાવવા નો પ્રયાસ કર્યો હતો.
 • બાવળામાં વિરોધ કરી રહેલા દલિતોએ બાળવા-બગોદરા હાઇવે બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.
 • સાબરકાંઠામાં દલિત સેનાના કાર્યકરો સિવિલ સર્કલ પાસે ધરણાં પર બેઠા હતા. ઉપરાંત પ્રાંતિજના બસ સ્ટેશન પાસે પાસે પણ દલિતો એકઠા થયા હતા.
 • હિંમતનગરમાં વકીલોએ આ ચૂકાદાના વિરોધમાં હડતાળને સમર્થન કરતા આજની કામગીરીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

 • રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ચોક પાસે સૈંકડો લોકો એકઠાં થયા હતા અને કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો હતો. શહેરમાં બંધને જોતાં કેટલીક દુકાનો અને મોલ બંધ કરાવવો પડ્યો હતો.
 • રાજકોટમાં પોલીસે ચક્કાજામ અટકાવવા માટે કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા સાથે કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે. બાદમાં તેમને છોડી મૂકાયા હતા.
 • જામનગરમાં દલિતોએ જુદાજુદા સ્થળોએ રસ્તા રોકી વિરોધ કર્યો હતો તો કેટલાક સ્થળોએ નારેબાજી કરી હતી.
 • સુરતમાં દલિતોએ દુકાનો બંધ કરાવવાનો પ્રયત્ન કર્યો હતો. અહીં મોટી સંખ્યામાં લોકો ભાગળ વિસ્તારમાં એકઠાં થયા હતા.

મધ્યપ્રદેશ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

 • મધ્યપ્રદેશમાં વિરોધમાં થયેલાં ઘર્ષણમાં ચાર લોકોનાં મોત થયાં છે. ગ્વાલિયરમાં બેનાં મૃત્યુ, ભીંડમાં એકનું મૃત્યુ અને મુરૈનામાં એકનું મૃત્યુ થયું છે.
 • મધ્ય પ્રદેશના મુરૈનામાં સ્થિતિને જોતા હાલ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકોને શાંતિની અપીલ કરી છે.
 • મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભારત બંધમાં થઈ રહેલા વિરોધને જોતા આપાતકાલીન બેઠક બોલાવી છે. જેમાં ડીજીપી સહિત અનેક અધિકારીઓ સામેલ છે. ચંબલ વિસ્તારમાં કાબૂ બહાર જઈ રહેલી પરિસ્થિતિને જોતા આ બેઠક બોલાવી હોવાની માહિતી છે.
 • મુરૈનામાં જ બંધ દરમિયાન એક વિદ્યાર્થીને ગોળી વાગતા તેનું મૃત્યુ થયું હતું.
 • ગ્વાલિયરમાં કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. ડબરાના એએસપી રાજેશ ત્રિપાઠીને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. અહીં હિંસામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ઇમેજ સ્રોત, JASBIR SHETRA / BBC

 • પંજાબમાં અનેક સ્થળોએ ચક્કાજામ, અનેક વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરાયું, સ્કૂલ-કોલેજમાં પરીક્ષાઓ સ્થગિત કરાઈ.
 • કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું, "લોકોનો વિરોધ સમજી શકાય છે. પરંતુ વિપક્ષ આના પર રાજનીતિ કેમ કરી રહ્યો છે?
 • ગાઝિયાબાદમાં પોલીસની બાઇકમાં આગ લગાવાઈ, પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી. વારાણસીમાં પણ લાઠીચાર્જના સમાચાર.
 • લખનઉના હરતગંજમાં મોટી સંખ્યામાં દલિતો આંબેડકરની પ્રતિમા નીચે એકઠા થયા હતા.
 • મેરઠ, ઝાંસી, આગરા, મુજ્જફરનગરમાં રેલવે વ્યવહારને અસર પહોંચી હતી.
 • લખનૌથી સમિતરાજ મિશ્રા જણાવે છે કે 448 લોકોની અટકાયત કરવામાં આવી છે. જરૂર પડ્યે તેમની ઉપર નેશલ સિક્યુરટી એક્ટ લગાડવામાં આવશે.
 • મેરઠમાં એક પોલીસ ચોકી તથા કોર્ટ પરિસરમાં આગચંપી કરવામાં આવી હતી
 • ઝારખંડના સાહિબગંઝ રેલવે સ્ટેશન પાસે પ્રદર્શનકારીઓએ જામ કરતા અનેક ટ્રેનો પ્રભાવિત

ગુજરાતમાં ભારત બંધની કેવી છે અસર?

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

ગુજરાતમાં વિવિધ શહેરોમાં દલિત સંગઠનો સુપ્રીમ કોર્ટના આ ચૂકાદોનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યાં છે.

ગઈકાલે દલિત સંગઠનો દ્વારા અપાયેલા આ બંધને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સમર્થન આપ્યું હતું.

જે બાદ આજ સવારથી જ દલિતોએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.

આજે સવારે જિગ્નેશ મેવાણીએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે થોડા મુઠ્ઠીભર ખોટા કેસના અનુસંધાને આવેલા આ ચુકાદા સામે વિરોધ છે.

તેમણે કહ્યું, "અનેક દલિતોની જમીન પચાવી પડાઈ છે, મૂછો રાખવાના કારણે, ઘોડા પર બેસવાના મામલે દલિતોની હત્યાઓ થઈ રહી છે."

શું છે મામલો?

ઇમેજ સ્રોત, Hathisinh Chauhan

સુપ્રીમ કોર્ટે એસસી/એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

કોર્ટે કહ્યું હતું કે આ એક્ટ અંતર્ગત તાત્કાલિક ધરપકડના બદલે શરૂઆતમાં તપાસ કરવી જોઈએ.

પોતાના આદેશમાં જસ્ટીસ એકે ગોયલ અને યૂયૂ લિલતની ખંડપીઠે કહ્યું હતું કે સાત દિવસોની અંદર શરૂઆતની તપાસ પૂર્ણ થઈ જવી જોઈએ.

સુપ્રીમ કોર્ટના આ ફેસલાના વિરોધમાં દલિતો ભારતભરમાં વિરોધ કરી રહ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો