આસનસોલ ગ્રાઉન્ડ રિપોર્ટ: રમખાણે ઊભો કર્યો સવાલ 'રાનીગંજને આ શું થઈ ગયું?'
- દિલનવાઝ પાશા
- બીબીસી સંવાદદાતા, આસનસોલથી

ઇમેજ સ્રોત, PTI
"અમારું બધું જ બળીને રાખ થઈ ગયું, પરિવારમાં આવક રળનારો એક માત્ર હું જ હતો. હવે અમારું શું થશે..." આટલું કહેતા-કહેતા શબ્દો રામચંદ્ર પંડિતના ગળામાં જ અટકી ગયા અને આંખમાંથી આંસુ આવી ગયા.
તેમની વાત પૂરી કરતા સદ્દામે કહ્યું,"રામચંદ્ર પંડિત તેમના પરિવારમાં કમાનાર એક માત્ર વ્યક્તિ છે."
"આ દુકાન જ તેમની આવકનો આધાર હતી. જ્યારથી દુકાન સળગાવી દેવાઈ છે, ત્યારથી તેઓ દિવસ રડી રડીને વિતાવે છે. તેઓ અહીં-તહીં માથું પકડીને બેસી રહે છે."
ભગવાનદાસની દુકાન, જેમાં રાખ સિવાય કંઈ નથી બચ્યું
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાથી નેશનલ હાઈવે નંબર 19 (વર્ષ 2010 પૂર્વે ગ્રાન્ડ ટ્રન્ક રોડનો આ ભાગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર- ટુ હતો) પર દિલ્લી તરફે બસો કિલોમીટર આગળ જતાં ડાબી તરફે એક માર્ગ આવેલો છે.
ડાબી તરફ વળતો આ માર્ગ રાનીગંજ પહોંચે છે. અહીં ભગવા ઝંડા લહેરાય છે.
જેમજેમ માર્ગ રાનીગંજ તરફ આગળ વધે છે, તેમતેમ માર્ગને શણગારવા માટે લગાવેલા ભગવા ઝંડાની સંખ્યા વધતી જાય છે.
તણાવમાં ડૂબેલું શહેર
શાયર રોનક નઇમના પુત્ર
પ્રથમ નજરે અહીં બધું સામાન્ય લાગે છે, માત્ર મોટા પ્રમાણમાં પોલીસનો બંદોબસ્ત અપવાદ છે.
મકાનો, મહોલ્લા અને રસ્તા પરના ભગવા ઝંડા જાણે કહે છે કે શહેર ભગવાન રામની જન્મની ઉજવણીમાં મગ્ન છે. પણ ખરેખર હવે આ શહેર તણાવમાં ડૂબેલું છે.
રામનવમીની ઉજવણી અહીં રમખાણોના મેલા ડાઘ છોડી ગઈ છે. એક સરઘસ નીકળ્યા બાદ થયેલી કહાસુની આગચંપીમાં ફેરવાઈ ગઈ અને શહેર સળગી ગયું.
26 માર્ચના રોજ થયેલા હિંદુ-મુસ્લિમ રમખાણોમાં કેટલીક દુકાનો ફૂંકી મારવામાં આવી હતી. જેમાં રામચંદ્ર પંડિતની દુકાન પણ સામેલ છે.
સદ્દામની દુકાન પણ તેમાં સ્વાહા થઈ ગઈ પણ તેમને રામચંદ્ર પંડિતની દુકાનની ચિંતા વધુ છે.
હું જ્યારે રાનીગંજના હટિયા બજારમાં સળગી ચૂકેલી દુકાનોની તસવીરો લઈ રહ્યો હતો, ત્યારે સદ્દામ જ મને રામચંદ્ર પંડિતની દુકાન પર લઈ ગયા.
કોણ કરશે મદદ?
રામચંદ્ર પંડિતની દુકાનની બાજુમાં જ ભગવાન દાસની દુકાન છે. કેટલાક દિવસો પહેલાં તેમની દુકાન હટિયા બજારની શાન હતી.
તેમણે દુકાનમાં સમારકામ કરાવીને લાખ્ખો રૂપિયાનો માલ-સામાન ભરાવ્યો હતો.
હવે અહીં બળી ગયેલા ફર્નિચર, તૂટેલા પ્લાસ્ટર અને રાખ થઈ ગયેલી આશા સિવાય કંઈ જ નથી.
ભગવાનદાસ કહે છે,"અમારા હાથ-પગ તૂટી ગયા. હવે ફરીથી બધું ઊભું કરતા છ-સાત વર્ષ લાગી જશે.
"કોણ અમારી મદદ કરશે? શું સરકાર નાણાં આપશે? મજા લેનારા લોકો મજા લઈને જતાં રહ્યા.
"દુકાનવાળા ફસાઈ ગયા અમે તો રમખાણો નહોતા કર્યા. પણ અમારી દુકાનોને આગ લગાવી દેવાઈ."
ભગવાનદાસ જ્યારે તેમની વ્યથા કહી રહ્યા હતા, ત્યારે તેમની પાસે જ ઊભેલા નદીમ ખાનની આંખોમાં આંસુ આવી રહ્યા હતા.
કેમકે તેમની સો વર્ષ જૂની દુકાન પણ રમખાણોનો શિકાર બની. આ દુકાન તેમને વારસામાં મળી હતી.
નદીમ કહે છે, "આખી દુકાન સળગી ગઈ છે. કશું જ નથી બચ્યું, બધું જ રાખ થઈ ગયું.
"બે દિવસથી રાખ ઉઠાવી રહ્યા છે, આથી હાથ પણ કાળા થઈ ગયા છે."
સૌથી વધુ નુકશાન
રાનીગંજના શાયર રોનક નઇમના પુત્રોની દુકાનો પણ રમખાણોનો શિકાર બની.
તેમના પુત્રો કહે છે,"મારી દુકાન રોનક વૉચ અને મારા ભાઈની દુકાન રોનક કલેક્શનમાં લૂંટ ચલાવવામાં આવી.
"અમે ક્યારેય કોઈ હિંદુ ભાઈને નુકશાન નથી પહોંચાડ્યું, હિંદુઓનું પણ બરાબર આવું જ નુકશાન થયું છે."
હટિયા બજારની મોટાભાગની દુકાનો રાખ થઈ ગઈ છે. સૌથી વધુ નુકશાન નાના વેપારીઓનું થયું છે.
આ વેપારીઓ રસ્તા પર જ દુકાન લગાવતા હોવાથી તેમને વધુ નુકશાન થયું છે.
રસ્તા પર દુકાન લગાવતા એક યુવકે કહ્યું,"સો-બસો રૂપિયા રોજ કમાતા હતા. ચાર-ચાર, પાંચ-પાંચ બાળકોનું પેટ આનાથી જ ભરતા હતા.
"જો આ બધું ખતમ કરી દેવાશે તો માણસ કેવી રીતે જીવશે? ક્યાં જશે?"
આ યુવાન પોતાની વાત પૂરી કરે તે પહેલાં એક અન્ય દુકાનદાર વિનોદ કુમારે કહ્યું,"આ બેસી રહેશે, તેની થાળીમાં ભાત નહીં રહેશે, તો શું અમારી થાળીમાં ભાત રહેશે?
"તેની દુકાન સળગી ગઈ આથી શું અમે પણ અમારી દુકાન બંધ કરી દઈએ."
બન્નેની ભૂલ છે
સદ્દામ હુસૈન વિનોદ કુમારને ભેટી પડે છે.
વિનોદ કહે છે,"અમે લોકો ભાઈ-ભાઈ છીએ. અલગ નથી. અમે અન્યની ઉશ્કેરણીમાં નહીં આવીએ. કેટલાક યુવકોએ ભાન ભૂલીને આવું કર્યું છે.
"પણ એક દિવસ તેમને જરૂરથી સમજ આવશે. ગમે તે કરો પણ પાણીથી પાણી ક્યારેય અલગ ન કરી શકો."
બજારથી થોડે દૂર મઝાર રોડ પર રાનીગંજના મોટા કારોબારી વિનોદ સર્રાફની જથ્થાબંધની દુકાન છે.
એ દિવસે તોફાની તત્વોએ તેમની પણ દુકાન લૂંટી લીધી હતી.
વિનોદ કહે છે,"હું અગાશી પરથી બધું જોઈ રહ્યો હતો. તેમના હાથમાં લોખંડની પાઇપ હતી.
"સતત પોલીસને ફોન કરી રહ્યો હતો, પોલીસ સ્ટેશન પણ ગયો હતો, પણ કોઈ જ મદદ ન મળી.
"બાજુમાં મારા કાકાના પુત્રની દુકાનને પણ સળગાવી દેવાઈ. તેણે ફાયર બ્રિગેડને ફોન કર્યો, તો જવાબ મળ્યો કે અમારી પાસે કોઈ ગાડી નથી."
વિનોદે વધુમાં ઉમેર્યું,"જે થયું તેમાં બન્નેની ભૂલ છે.
"કેમ સરઘસ મસ્જિદની સામેથી કાઢવામાં આવ્યું? પહેલાથી ખબર હતી કે તણાવ સર્જાશે તેમ છતાં આવું કરવાની શું જરૂર હતી?"
એકાએક પથ્થરમારો થયો
આ રમખાણોમાં વિનોદને ચારથી પાંચ લાખ રૂપિયાનું નુકશાન થયું છે. પણ તેમને શહેરના નાના વેપારીઓની વધુ ચિંતા છે, કેમકે રમખાણોમાં તેમનું બધું જ સ્વાહા થઈ ગયું છે.
તેઓ કહે છે, "અમે તો નુકશાન વેઠી પણ લઈશું, પરંતુ નાના વેપારીઓનું શું થશે?
"આર્થિક નુકશાનની ભરપાઈ થઈ શકશે, પણ ભાઈ-ભાઈ વચ્ચે જે અંતર થઈ ગયું તે કેવી રીતે દૂર થશે?"
સ્થાનિક કૉર્પોરેટર આરિઝ જલીસ કહે છે, "જ્યાં ઘટના ઘટી ત્યાં અમે સવારથી જ હાજર હતા. સરઘસનો એક ભાગ પસાર થઈ ગયો હતો.
"પણ બીજા ભાગમાં કેટલાક સૂત્રોચ્ચાર થઈ રહ્યા હતા. વળી ગીત પણ વગાડવામાં આવી રહ્યા હતા જેનો સ્થાનિકોએ વિરોધ કર્યો.
"આ સૂત્રોચ્ચાર અને ગીત અન્ય ધર્મને નિશાન બનાવતા હતા. એટલામાં જ એકાએક પથ્થરમારો શરૂ થઈ ગયો. આ ઘટનાએ આખાય શહેરને અસર કરી."
સાંપ્રદાયિક તણાવ
ઇમેજ સ્રોત, Getty Images
પ્રતીકાત્મક તસવીર
જલીસ કહે છે,"ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોએ સ્થિતિને શાંત પાડવાની કોશિશ કરી. પણ પોલીસ દળ દોઢ કલાક સુધી ત્યાં ન આવ્યું.
"આ મામલો શહેરમાં અફવાની જેમ ફેલાઈ ગયો આથી અન્ય સ્થળોએ પણ હિંસા થવા લાગી.
"જો પોલીસ સમયસર પહોંચી ગઈ હોત, તો સ્થિતિ કંઈક સારી હોત. કેમકે આવી સ્થિતિ કાબૂમાં કરવા માટે પોલીસ દળ જ સક્ષમ હતું,"
સ્થાનિક પત્રકાર વિમલ દેવ ગુપ્તા ત્રણ દાયકાથી રાનીગંજ અને આસાપાસના વિસ્તારોનું રિપોર્ટીંગ કરે છે.
આવું પ્રથમ વખત બન્યું છે કે તેમણે તેમની રિપોર્ટમાં સાંપ્રદાયિક તણાવ અથવા રમખાણો જેવા શબ્દ વાપરવા પડી રહ્યા છે.
વિમલ દેવ કહે છે, "રાનીગંજમાં પહેલી વખત આવો માહોલ જોવા મળી રહ્યો છે.
"જ્યારથી હું પત્રકારત્વ કરું છું, આજ સુધી આ વિસ્તારમાં આ પ્રકારના રમખાણ નથી થયા.
"પ્રથમ વખત સ્પષ્ટરૂપે સાંપ્રદાયિક રમખાણો, સાંપ્રદાયિક હિંસા જેવા શબ્દો લખવામાં આવી રહ્યા છે."
પશ્ચિમ બંગાળની ધરતી પર
ગુજરાતનું આ ગામ પહેલવાની માટે જાણીતું
વિમલ દેવ જણાવે છે, "અત્યાર સુધી સાંપ્રદાયિક શબ્દ રિપોર્ટીંગમાં નથી લખ્યા. પ્રથમ વખત પશ્ચિમ બંગાળની ધરતી પર આવું થઈ રહ્યું છે.
"આ દુખદ છે. માત્ર રાજ્ય કે વિસ્તાર નહીં પણ દેશ માટે પણ દુખદ છે."
રાનીગંજ બંગાળના મોટા ઔદ્યોગિક ક્ષેત્ર આસનસોલ પાસે વસેલું સવા લાખની વસ્તી ધરાવતું એક નગર છે.
અહીં મોટાભાગની વસ્તી મિશ્રિત છે. વળી પરપ્રાંતિયોની સંખ્યાનું પ્રમાણ પણ વધુ છે.
વિમલ દેવ કહે છે,"ભારતની પ્રથમ કોલસા ખાણ અહીં જ શરૂ થઈ હતી. અહીં વિવિધ પ્રદેશથી આવેલા લોકો રહે છે આથી તેને મિની ઇન્ડિયા પણ કહેવાય છે.
"ગંગા-જમના તહઝીબ (સંસ્કૃતિ) તેની વિશેષ ઓળખ છે. અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે અહીં રમખાણો થઈ શકે છે."
સ્થાનિક લોકો, વેપારીઓ, સમાજસેવી અને સ્થાનિક નેતા રમખાણો માટે આ કારણોને જવાબગાર ગણાવે છે.
વહીવટીતંત્રની જવાબદારી
ઇમેજ સ્રોત, Getty Images
પ્રતીકાત્મક તસવીર
તેઓ જણાવે છે કે રામનવની પર સરઘસમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર અને સ્થિતિને પારખવામાં પોલીસની નિષ્ફળતા આ માટે જવાબદાર છે.
રાનીગંજ ચેમ્બર ઑફ કોમર્સના રાજેન્દ્ર પ્રસાદ ખેતાન કહે છે,"રમખાણો ન થાય તેની જવાબદારી વહીવટીતંત્રની હોય છે.
"રામનવમીના સરઘસના કારણે આ રમખાણો થયા. છેલ્લા ચાર-પાંચ વર્ષોથી રામનવમી પર આટલી મોટી ધાર્મિક યાત્રા નીકળતી હતી.
"તમામને ખબર હતી કે દસથી પંદર હજાર લોકો હશે. તેમને કાબૂમાં રાખવાની અને અનિચ્છનિય ઘટના ટાળવાની જવાબદારી વહીવટીતંત્રની છે."
ખેતાન કહે છે,"સરકારનું ખુફિયાતંત્ર સ્થિતિ પર નજર રાખવાનું કામ કરે છે. આના આધાર પર જ સ્થાનિક તંત્ર વ્યવસ્થા કરે છે.
"જરૂર પડતા દળ તૈનાત કરવામાં આવે છે. આથી જો વ્યવસ્થા જ ન હોય, તો સ્થિતિ કેવી રીતે કાબૂમાં આવી શકે?"
લોકોના દિલ તૂટી ગયા છે...
ઇમેજ સ્રોત, Getty Images
પ્રતીકાત્મક તસવીર
રાજેન્દ્ર પ્રસાદ ખેતાનના જણાવ્યા અનુસાર,"26 માર્ચે રમખાણો થયા. હજુ સુધી બજાર સામાન્ય નથી થયું. અમે સંપૂર્ણ સમીક્ષા નથી કરી શક્યા.
"સૌથી વધુ નુકશાન એ થયું છે કે લોકોના દિલ તૂટી ગયા. અમારા શહેરની ગંગા-જમના તહઝીબને નુકશાન થયું છે."
શનિવારે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીએ હિંસાથી પ્રભાવિત થયેલા આસનસોલ અને રાનીગંજની મુલાકાત લીધી હતી.
સ્થાનિક પોલીસ અધિકારી સળગી ગયેલી ટાયરની એક દુકાન બતાવતા રાજ્યપાલને જણાવી રહ્યા હતા કે ટોળું ઉશ્કેરાઈ ગયું હતું.
ડીજે અને સૂત્રોચ્ચારને પગલે તણાવ વધી જવાથી લોકો આમને-સામને આવી ગયા.
મંદિર પર લહેરાતો ભગવો ઝંડો
આઇપીએસ અધિકારી શાયક દાસ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીને સ્થિતિની જાણકારી આપી રહ્યા હતા, ત્યારે રાનીગંજના વયોવૃદ્ધ પત્રકારે રાજ્યપાલના હાથમાં તેમનું કાર્ડ આપી દીધું.
રાજ્યપાલે જ્યારે પૂછ્યું કે શું થયું?, તો તેમણે જવાબ આપ્યો,"જે ન થવું જોઈતું હતું તે થયું.
"અમે ક્યારેય આવું નથી જોયું. પરસ્પર સંબંધોમાં તિરાડ પડી ગઈ છે. ભાઈ-ભાઈની જેમ રહેતા સમુદાયમાં તિરાડ પડી ગઈ છે."
આ પત્રકાર રાજ્યાપાલને હટિયા બજાર લઈ જવા માગતા હતા પણ સ્થાનિક પોલીસે કહ્યું કે, આગળ ગાડી નથી જઈ શકતી.
આથી રાજ્યપાલ હટિયા બજારની સ્થિતિ જોઈ નહીં શક્યા.
પણ બજાર પાસે આવેલા મંદિર પર લહેરાતો ભગવો ઝંડો અને નજીકમાં મસ્જિદની મીનાર હટિયા બજારને જોઈ રહ્યા હતા.
એવી જ રીતે જે રીતે રાનીગંજના લોકો એકબીજાનો ચહેરો જોઈ રહ્યા હતા. જાણે કે પૂછી રહ્યા હોય કે, આ રાનીગંજને શું થઈ ગયું?
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો