#BBCShe જાતિ-ધર્મની પ્રથાઓ તોડવા માટે જીદ કરતો પ્રેમ!

  • દિવ્યા આર્ય
  • બીબીસી સંવાદદાતા, નાગપુરથી

મારી આંખોની સામે મરાઠી ફિલ્મ 'સૈરાટ'નો છેલ્લો સીન તરવરવા લાગ્યો. જ્યારે ઊંચી જ્ઞાતિની મહિલાનો પરિવાર તેને તેમજ નીચલી જ્ઞાતિ ધરાવતા તેના પતિને મારી નાંખે છે.

હત્યા થતી બતાવવામાં તો આવતી નથી પણ જ્યારે તે દંપતીનું નાનું બાળક રડે છે તો હિંસાની બર્બરતા મનમાં એક તકલીફને જન્મ આપે છે.

જ્યારે નાગપુરમાં BBCSheના કાર્યક્રમમાં એક યુવતી બોલી, તો તેનો ઇશારો તકલીફ અને ડરના એ જ માહોલ તરફ હતો.

તેમણે કહ્યું, "અલગ જાતિ કે ધર્મના લોકો જ્યારે લગ્ન કરે છે તો મીડિયા તેમની વિરુદ્ધ ઉઠેલા અવાજ અને હિંસાના જ સમાચાર બતાવે છે.

જેનાથી અમારા પર દબાણ વધવા લાગે છે કે આ પ્રકારનાં લગ્ન વિશે અમે ન વિચારીએ. જો તેવું વિચારશું, તો કોણ જાણે શું થશે."

"એવું કેમ થતું નથી કે મીડિયા એ સંબંધોની વાત કરે જે સફળ થયા હોય, જ્યાં પરિવારોએ સાથ આપ્યો હોય કે પછી જ્યાં યુવક અને યુવતીઓ પોતાની વાત સમજાવી શક્યા હોય?"

"મીડિયા યુવક-યુવતીઓની લડાઈ સહેલી બનાવી શકે છે"

ઉદાહરણ તરીકે એ યુવતીએ તેમનાં શિક્ષિકા સાથે મુલાકાત કરાવી. તેઓ દક્ષિણ ભારતથી છે અને તેમના પતિ મહારાષ્ટ્રથી. બન્નેની જ્ઞાતિ અલગ છે.

શિક્ષિકાનો પરિવાર લગ્નની વિરુદ્ધ હતો પરંતુ તેમના પતિના પરિવારમાંથી કોઈને કોઈ પ્રકારનો વાંધો ન હતો.

શિક્ષિકા જણાવે છે કે તેનું કારણ હતું કે તેમનાં પતિના એક ભાઈએ કેટલાંક વર્ષો પહેલા આંતરજાતિય લગ્ન કર્યાં હતાં.

ત્યારે પણ પરિવાર માન્યો ન હતો. ભાઈ અને ભાભીએ કોર્ટ મેરેજ કરી શહેર છોડી ભાગવું પડ્યું હતું.

પછી પરિવારે તેમનું સરનામું શોધી કાઢ્યું અને સતત તેમના પર એકબીજાને છૂટાછેડા આપવા દબાણ કરતા રહ્યા.

તમને આ પણ વાંચવું ગમશે

પણ તે દંપતી પોતાની વાત પર અડગ રહ્યું. એક મહિના સુધી છૂપાઈને રહ્યા બાદ તેઓ પરત ફર્યા અને પરિવારે તેમનો સ્વીકાર કર્યો.

એ જ કારણ હતું કે જ્યારે શિક્ષિકાના પતિએ બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાનો પ્રસ્તાવ રાખ્યો, તો પરિવાર માની ગયો.

શિક્ષિકા જણાવે છે કે તેમનો પોતાનો પરિવાર ખૂબ રૂઢિવાદી છે. પતિના પરિવારના સકારાત્મક વલણ છતાં તેમનાં માતાપિતા એક વર્ષ સુધી બીજો છોકરો જોઈ રહ્યાં હતાં.

"આખરે તેઓ માની ગયા કેમ કે તેમણે એક પૉઝીટીવ અનુભવ વિશે જાણ્યું, ભાઈ-ભાભીની લડાઈએ અમારા માટે રસ્તો ખોલી દીધો. મીડિયામાં આ પ્રકારના અનુભવ દર્શાવવામાં આવે તો કોણ જાણે કેટલા યુવક-યુવતીઓની લડાઈ સહેલી બની જશે."

જ્ઞાતિની દૃષ્ટિએ નાગપુરનું મહત્ત્વ

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં પણ બીજી જાતિ કે ધર્મમાં લગ્ન કરવા પર યુવક કે યુવતીની હત્યાના કેસ સામે આવતા રહે છે.

'સૈરાટ' ફિલ્મમાં એક આવા જ સંબંધ અને તેના પર પરિવાર દ્વારા હિંસાની વાત હતી.

પૂર્વી મહારાષ્ટ્રનું નાગપુર, શાંત શહેર લાગે છે. અહીંથી આ પ્રકારના હિંસાના સમાચાર મળતા નથી. જોકે, આ પ્રકારના કેસ પશ્ચિમી મહારાષ્ટ્રમાંથી વધારે સામે આવે છે.

પરંતુ ઐતિહાસિક દૃષ્ટિએ જાતિની ચર્ચા નાગપુર માટે ખૂબ મહત્ત્વની છે.

અહીં જ 1956માં બાબા સાહેબ આંબેડકરે જાતિના આધાર પર ભેદભાવનો વિરોધ કરતા હિંદુ ધર્મનો ત્યાગ કરીને બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

તેમના નેતૃત્વમાં નિચલી જ્ઞાતિના લગભગ પાંચ લાખ લોકોએ પણ ધર્માંતરણ કર્યું હતું અને તે જગ્યાને હવે 'દીક્ષાભૂમિ' નામે ઓળખવામાં આવે છે.

એ ઐતિહાસિક પહેલની અસર આજે પણ મહારાષ્ટ્રમાં જોવા મળે છે. 2011ની વસતી ગણતરી અનુસાર ભારતમાં બૌદ્ધ ધર્મનું અનુસરણ કરતા લોકોની કુલ વસતીનો 75% ભાગ મહારાષ્ટ્રમાં વસે છે.

બ્રાહ્મણ પરિવારનો ત્યાગ કરી અપનાવ્યો બૌદ્ધ ધર્મ

રૂપા કુલકર્ણી બોધિનો 1945માં નાગપુરના બ્રાહ્મણ પરિવારમાં જન્મ થયો હતો. 1956માં તો નહીં, પણ 1992માં જ્યારે તેઓ 47 વર્ષનાં હતાં, ત્યારે તેમણે હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો.

એવું તેમણે શા માટે કર્યું? તેમનો જન્મ તો ઉચ્ચ જ્ઞાતિમાં થયો હતો. નાગપુર વિશ્વવિદ્યાલયમાં તેઓ સંસ્કૃતના પ્રોફેસર હતાં અને તેમણે કોઈ પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડ્યો નહીં હોય.

તેમણે મને જણાવ્યું, "મેં મજૂરો સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું અને એ બધા લોકો એ જ્ઞાતિ સાથે સંબંધ ધરાવતા હતા જેમને નિચલી જ્ઞાતિ માનવામાં આવતી હતી. તેમની સ્થિતિ ખૂબ ખરાબ હતી."

"એ માટે મને મારી જ્ઞાતિ એક ભાર, એક કલંક જેવી લાગવા લાગી હતી. મને લાગ્યું કે તે જ્ઞાતિને છોડી દેવી જ યોગ્ય છે."

રૂપા કુલકર્ણી બોધીના જણાવ્યા અનુસાર ન્યૂઝ ચેનલ, સમાચારપત્રો અને ફિલ્મ જગત જ નહીં, ટીવી પર આવતી સીરિયલ પણ જ્ઞાતિના આધારે અલગ રહેવાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે.

જ્ઞાતિનો તફાવત દૂર કરવા ત્રણ મહત્ત્વના રસ્તા

મોટાભાગની મરાઠી સીરિયલ ઊંચી જ્ઞાતિના સમૃદ્ધ પરિવારોનું જીવન દર્શાવે છે જેમાં નિચલી જ્ઞાતિના લોકોની ભૂમિકા ઘરેલૂ કામકાજી મહિલાઓ કે મજૂરોની હોય છે.

બાબા સાહેબે અલગ અલગ જ્ઞાતિના લોકો વચ્ચેનો તફાવત દૂર કરવા માટે ત્રણ મહત્ત્વના રસ્તાનો ઉલ્લેખ કર્યો હતો- લગ્ન, ખાન-પાન અને સાંસ્કૃતિક મિલન.

નાગપુરની કૉલેજમાં મળેલી યુવતી પણ આ જ સાંસ્કૃતિક સંબંધ અંગે ખુલ્લા મનની ચર્ચા ઇચ્છે છે.

મને કહે છે કે તેના માટે તેમનાં શિક્ષક એક સકારાત્મક ઉદાહરણ છે જે બળ આપે છે. પણ તેમના માતા પિતાના વિચારોનું શું? કેમ કે મીડિયા તેમને આ પ્રકારની વાતથી રૂબરૂ કરાવતી જ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો