SC/ST એક્ટ પર દલિતોના ગુસ્સાનું કારણ શું છે?

  • વિભુરાજ
  • બીબીસી સંવાદદાતા
સાંકેતિક તસ્વીર

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નારાજ દલિતો આજે સડકો પર ઉતરી આવ્યા છે. દેશભરમાં અલગ-અલગ સ્થળોએથી વિરોધ પ્રદર્શન તથા હિંસાના સમાચાર મળી રહ્યા છે.

આ 'ભારત બંધ' વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે જ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી દીધી હતી.

એસસી-એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટના દુરુપયોગ બાબતે સુપ્રીમ કોર્ટે 20 માર્ચે ચિંતા વ્યક્ત કરી હતી અને આ કાયદા હેઠળ આરોપીની તરત ધરપકડ કરવાને બદલે તપાસની વાત કરી હતી.

એસસી-એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટની રચના અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને અત્યાચાર તથા ભેદભાવથી બચાવવા માટે કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશને કારણે આ કાયદાનો ડર ઓછો થશે અને તેના પરિણામે દલિતો પરના અત્યાચાર તથા ભેદભાવના કિસ્સાઓમાં વધારો થશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દલિત સમાજની નારાજગીને ધ્યાનમાં લેતાં મોદી સરકાર સુપ્રીમ કોર્ટમાં ઉપરોક્ત દલીલનો સહારો લઈ શકે છે એવું માનવામાં આવે છે.

તમને આ પણ વાંચવું ગમશે

શું હતો મામલો?

આ પરિસ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે સુપ્રીમ કોર્ટે એવો તે ક્યો આદેશ આપ્યો છે અને એવું કેમ કહ્યું કે એસસી-એસટી એક્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે?

આ કેસની કથાની શરૂઆત મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડની ગવર્નમેન્ટ કોલેજ ઑફ ફાર્મસીથી થાય છે.

કોલેજના સ્ટોરકીપર ભાસ્કર કરભારી ગાયકવાડના વાર્ષિક ગુપ્ત રિપોર્ટમાં તેમના વિરુદ્ધ નકારાત્મક ટિપ્પણી કરવામાં આવી હતી.

એસસી-એસટી સમુદાયના ભાસ્કર વિરુદ્ધની આ ટિપ્પણી તેમના ઉપરી અધિકારી ડો. સતીશ ભિસે અને ડૉ. કિશોર બુરાડે કરી હતી, જેઓ એસસી-એસટી વર્ગના નથી.

ડૉ. ભિસે અને ડૉ. બુરાડેના રિપોર્ટ અનુસાર ભાસ્કર તેમનું કામ યોગ્ય રીતે કરતા ન હતા અને તેમનું ચારિત્ર્ય પણ ઠીક ન હતું.

ભાસ્કર ગાયકવાડે આ કારણે 2006ની ચોથી જાન્યુઆરીએ ડૉ. ભિસે અને ડૉ. બુરાડે વિરુદ્ધ કરાડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવ્યો હતો.

ભાસ્કર ગાયકવાડે 2016ની 28 માર્ચે બીજો એક એફઆઈઆર નોંધાવ્યો હતો, જેમાં ડૉ. ભિસે અને ડૉ. બુરાડે ઉપરાંત ભાસ્કરની 'ફરિયાદ સંબંધે કાર્યવાહી નહીં કરતા' બીજા અધિકારીઓના નામ પણ ઉમેરવામાં આવ્યાં હતાં.

અધિકારીઓની દલીલ

એસસી-એસટી એક્ટ હેઠળ જેમની સામે આરોપ મૂકવામાં આવ્યા હતા એ અધિકારીઓની દલીલ એ હતી કે તેમણે તેમની સત્તાવાર ક્ષમતા અનુસાર વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આ વહીવટી નિર્ણયો લીધા હતા.

કોઈ કર્મચારીના વાર્ષિક ગુપ્ત રિપોર્ટમાં તેના વિરુદ્ધની નકારાત્મક ટિપ્પણીઓને ગુનો ન કહી શકાય. અધિકારીઓનો આદેશ ખોટો હોય તો પણ ગુનો ન ગણી શકાય.

એસસી-એસટી એક્ટ હેઠળ નોંધવામાં આવેલા મામલાઓ રદ્દ નહીં કરવામાં આવે તો અનુસૂચિત જાતિ અને જનજાતિના કર્મચારીઓના વાર્ષિક ગુપ્ત રિપોર્ટમાં યોગ્ય રીતે નકારાત્મક ટિપ્પણી નોંધવાનું મુશ્કેલ બનશે.

આ કારણે વહીવટીતંત્રની મુશ્કેલી વધશે અને સરકારી કામ કરવાનું કાયદેસર રીતે પણ મુશ્કેલ બનશે.

દલિતો નારાજ શા માટે?

'ભારત બંધ'ની અપીલ કરનારા અનુસૂચિત જાતિ-જનજાતિ સંગઠનોના અખિલ ભારતીય મહાસંઘના રાષ્ટ્રીય વડા મહાસચિવ કે. પી. ચૌધરી સાથે બીબીસીના સંવાદદાતા નવીન નેગીએ આ વિશે વાત કરી હતી.

કે. પી. ચૌધરીએ કહ્યું હતું, "આ કાયદાથી દલિત સમાજનો બચાવ થતો હતો.

"દલિત સમાજના લોકો પર અત્યાચાર કરતા લોકોમાં એસસી-એસટી એક્ટને લીધે મુશ્કેલીમાં સપડાવાનો ડર હતો, પણ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી એ ડર ખતમ થઈ ગયો છે.

"દલિત સમાજની પ્રત્યેક વ્યક્તિ દુઃખી અને ભયભીત છે તથા સંપૂર્ણપણે અસલામતી અનુભવે છે.

"ઉનામાં મારપીટ, અલાહાબાદમાં હત્યા, સહારનપુરમાં દલિતોને ઘરને આગચંપી અને ભીમા કોરેગાંવમાં દલિતો વિરુદ્ધની હિંસા જેવી ઘટનાઓ તાજેતરમાં બની હતી.

"દેશના વિકાસ માટે સમર્પિત દલિત સમાજમાં એ ઘટનાઓને કારણે અસલામતીની ભાવના પેદા થઈ છે.

"ભારત બંધની માગણી કરનારા દલિત સમાજના લોકો શાંતિ અને તેમની તથા તેમના અધિકારોની સલામતી ઈચ્છે છે. આ બંધારણીય વ્યવસ્થા જીવંત રાખવાની માગણી કરે છે."

હવે શું થઈ શકે?

જસ્ટિસ એ. કે. ગોયલ અને જસ્ટિસ યુ. યુ. લલિતની ખંડપીઠના ચુકાદા વિશે પુનર્વિચાર માટે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સોમવારે રિવ્યૂ પિટિશન દાખલ કરી હતી.

એ સંબંધે શું નિર્ણય લેવો તે સુપ્રીમ કોર્ટ નક્કી કરશે.

એસજીટી યુનિવર્સિટી, ગુડગાંવમાં કાયદાના પ્રોફેસર સુરેશ મિનોચાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ કે તેનાથી મોટી ખંડપીઠ આ રિવ્યૂ પિટિશનની સુનાવણી હાથ ધરી શકે છે.

પ્રોફેસર મિનોચાએ કહ્યું હતું, "કાયદામાં કોઈ ફેરફાર થઈ જ ન શકે એવું નથી હોતું. સમય સાથે જરૂર અનુસાર કાયદામાં ફેરફાર કરવામાં આવતા રહ્યા છે.

"આ કિસ્સામાં પણ સુપ્રીમ કોર્ટને તેના આગલા ચુકાદામાં કોઈ ફેરફાર કે સુધારાની જરૂર જણાશે તો એવું કરવાનો વિકલ્પ ખુલ્લો છે."

પ્રોફેસર મિનોચાના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં મળે તો તેની પાસે કાયદો બનાવવાનો વિકલ્પ પણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો