ભગતસિંહના સાથી રાજગુરુ ખરેખર RSSના સ્વયંસેવક હતા?

  • તુષાર કુલકર્ણી
  • બીબીસી મરાઠી

શિવરાજ હરી રાજગુરુ, એક ક્રાંતિકારી જેમણે 23 માર્ચ 1931ના રોજ પોતાના જીવનનું બલિદાન આપી દીધું હતું, તે રાજગુરુ શું RSSના સ્વયંસેવક હતા?

આ સવાલ આરએસએસના પૂર્વ પ્રચારક તેમજ પત્રકાર નરેન્દ્ર સેહગલના દાવા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બન્યો છે.

ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવને સોન્ડર્સની હત્યાના આરોપસર 1931માં ફાંસીની આપવામાં આવી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

આ ત્રણેયએ મળીને 1928માં લાલા લાજપત રાયની હત્યાનો બદલો લેવા માટે સોન્ડર્સની હત્યા કરી નાખી હતી.

'ભારતવર્ષ કી સર્વાંગ સ્વતંત્રતા' પુસ્તકના લેખક નરેન્દ્ર સહેગલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "સંઘની સ્વતંત્રતા સંગ્રામમાં શું ભૂમિકા હતી? આ સવાલ સાથે જોડાયેલી લોકોની ગેરસમજ દૂર કરવા માટે આ પુસ્તક લખવામાં આવ્યું છે."

સહેગલ કહે છે, "સોન્ડર્સની હત્યા બાદ રાજગુરુ નાગપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સંઘના સંશોધક ડૉ.કેશવ બાલીરામ હેડગેવાર સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજગુરુ માટે એક સુરક્ષિત સ્થળની વ્યવસ્થા કરી હતી અને પૂણે ન જવાની સલાહ આપી હતી."

સહેગલ જણાવે છે, "ડૉ. હેડગેવારના સહકર્મી નારાયણ હરી પાલકરે 1960માં હેડગેવારના કેરેક્ટરનું ચિત્રણ કર્યું હતું. તેના આધારે જ મેં પુસ્તકમાં તેમના અંગે વાત કરી છે."

જોકે, આ સમગ્ર મામલે રાજગુરુના વંશજ સત્યશીલ રાજગુરુ કંઈક અલગ વાત રજૂ કરી રહ્યા છે.

'રાજગુરુ ડૉ. હેડગેવારને મળ્યા હતા પણ તેઓ સ્વયંસેવી ન હતા'

સત્યશીલ રાજગુરુએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "લાહોરથી પરત ફર્યા બાદ રાજગુરુ નાગપુર પહોંચ્યા હતા અને તેમણે હેડગેવાર સાથે મુલાકાત કરી હતી."

"ડૉ. હેડગેવારે રાજગુરુને સુરક્ષિત સ્થળે છૂપાવ્યા હતા તે વાત સાચી છે. પરંતુ તેના આધારે એ વાત કહી શકતા નથી કે રાજગુરુ સંઘના સ્વયંસેવી હતા."

સત્યશીલ રાજગુરુ આગળ વાત કરતા જણાવે છે, "તે સમયે લોકો પર ક્રાંતિકારીઓ તેમજ સમાજસેવીઓનો ખૂબ પ્રભાવ હતો."

"ડૉ. હેડગેવારનો પણ મહારાષ્ટ્રના લોકો પર પ્રભાવ હતો. તે જ કારણ હતું કે તેઓ દેશના જુદા જુદા વિસ્તારમાં રહેતા ક્રાંતિકારીઓને મળતા હતા. રાજગુરુ પણ તે જ લોકોમાંથી એક હતા."

ઇતિહાસકાર ચમનલાલે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સંઘની કોઈ ભૂમિકા રહી નથી. તેઓ લડાઈમાં ભાગ લેતા નથી."

ચમન લાલે 'ભગતસિંહ અને તેમના સહકારી' પુસ્તકના સંપાદનનું કામ કર્યું છે. તેમણે ભગતસિંહ સાથે જોડાયેલા કેટલાક દસ્તાવેજો પણ એકત્ર કર્યા છે.

ઓળખ હોવાનો વિચારધારા સાથે જોડાવાનો સંબંધ નહીં

ચમન લાલ કહે છે, " આ પહેલા સંઘે ઉધમસિંહને પોતાની સાથે જોડવા પ્રયાસ કર્યો હતો. રાજગુરુ મહારાષ્ટ્રીયન હતા અને આરએસએસના સંસ્થાપક પણ મહારાષ્ટ્રીયન હતા. એ જ કારણોસર આ સંબંધ જોડાયો હશે."

"પણ તેનો કોઈ પુરાવો નથી. માત્ર ઓળખ હોવાનો મતલબ એ નથી કે તમે તે વિચારધારા સાથે જોડાયેલા છો."

ચમન લાલ ઉમેરે છે, "રાજગુરુજીના સહકારી શિવ વર્માએ 'સંસ્મૃતિયાં' નામનું પુસ્તક લખ્યું હતું. એ પુસ્તકમાં તેમણે રાજગુરુ આ સમાજવાદી વિચારધારાના છે તેવું લખ્યું છે."

"ભગતસિંહ અને તેમના બધા સહકારી 'હિંદુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન'ના સભ્યો હતા. એ માટે તેમની હિંદુત્વવાદી વિચારધારા તરફ ઝૂકવાની આશંકા ઓછી છે."

જો રાજગુરુ સ્વયંસેવક હતા તો તેમણે પોતે આ વાત ક્યારેય કેમ કોઈને જણાવી ન હતી?

આવો સવાલ પૂછવા પર સહેગલે જણાવ્યું, "સ્વતંત્રતા સંગ્રામ સમયે સંઘે પોતાના સ્વયંસેવકોને જણાવ્યું હતું કે તમારે જે કોઈ સંગઠન સાથે જોડાવવું હોય, તે સંગઠન સાથે તમે જોડાઈ શકો છો."

"ત્યારબાદ કેટલાક સ્વયંસેવક ગાંધીજી સાથે ગયા તો કેટલાક સ્વયંસેવક ક્રાંતિકારી બની ગયા. કટોકટી સમયે સંઘના લોકોએ જય પ્રકાશ નારાયણના નેતૃત્વમાં આંદોલન કર્યું."

"બીજા લોકોના નેતૃત્વ માત્રનો સ્વીકાર કરવો, તેનો મતલબ સંઘનો સ્વયંસેવક હોવું એવો બિલકુલ થતો નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો