'સિંઘમ સુલતાન' : જૂનાગઢના નવાબે કઈ રીતે સિંહોને બચાવ્યા?

  • જય મકવાણા
  • બીબીસી ગુજરાતી

ગીરમાં સિંહોની સંખ્યા વધી રહી છે. ગુજરાતના વનવિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર છેલ્લાં પાંચ વર્ષમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં 151નો વધારો નોંધાયો છે અને સિંહોની કુલ સંખ્યા 674 થઈ ગઈ છે.

પાંચ વર્ષ પહેલાં થયેલી ગણતરી અનુસાર ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા 523 હતી.

વડા પ્રધાન મોદીએ પણ દેશવાસીઓ સાથે આ ખુશખબર શૅર કરી છે.

જોકે, બે વર્ષ પહેલાં જ ગીરઅભ્યારણમાં CDV વાઇરસના લીધે સિંહોનાં મૃત્યુ થયાં હતાં અને આ બાબતે સુપ્રીમ કોર્ટે પણ રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો હતો.

એ દરમિયાન જ આવેલા 'કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડિયા'ના વાર્ષિક અહેવાલમાં ગુજરાતમાં સિંહો માટે નવો જંગલ વિસ્તાર બનાવવામાં રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાની વાત પણ કરાઈ હતી.

નોંધનીય છે કે ગુજરાતમાં સિંહોનો મુખ્ય વસવાટ જૂનાગઠની આસપાસ ગીરઅભ્યારણમાં જ છે.

જૂનાગઢ અને સિંહ એકબીજા સાથે વણાઈ ચૂક્યા છે અને જૂનાગઢના નવાબને જ એ શ્રેય આપવો ઘટે કે ગીરમાં સિંહોની વસતી સલામત રહી શકી.

'ગીર ફોરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધી એશિયાટિક લાયન' નામના પુસ્તકમાં સુદિપ્તા મિત્રા લખે છે:

"ગીરનું જંગલ એશિયાઈ સિંહોનું અંતિમ આશ્રયસ્થાન બની રહ્યું છે અને તેને સુરક્ષિત રાખવાનો શ્રેય તે વખતના જૂનાગઢના નવાબ સાહેબ સર મહોમ્મદ મહાબતખાનજી ત્રીજાને જાય છે.

"તેઓ ના હોત તો કદાચ આજે ગીરના જંગલનું અસ્તિત્વ જ ના હોત."

ભારતમાં સિંહોનો શિકાર

મુસ્લિમ શાસકોનું ભારતમાં આગમન સિંહો માટે આફત લાવ્યું હોવાનું ઇતિહાસકારનું માનવું છે.

મુઘલો અને એમના પુરોગામી મુસ્લિમ સુલતાનો સિંહોના શિકારના શોખીન હતા. પણ, તેમનો આ શોખ સિંહો માટે કાળ સાબિત થયો.

એક સમયે હાલના પાકિસ્તાનથી લઈને વર્તમાન બિહાર સુધી ફેલાયેલા સિંહોનું નિકંદન નીકળી ગયું અને સિંહો માત્ર ગીરના જંગલ પૂરતા જ સીમિત રહી ગયા.

સિંહોને સૌથી વધુ નુકસાન બ્રિટિશ સમય દરમિયાન થયું. અંગ્રેજો શિકાર માટે બંદૂકનો ઉપયોગ કરતા, જે સુલતાનોના પારંપરિક શિકાર કરતાં સિંહો માટે વધુ વિનાશક નીવડી.

સુદિપ્તા મિત્રા લખે છે, "અંગ્રેજોના શાસન દરમિયાન બ્રિટિશ અધિકારીઓ અને સ્થાનિક રાજવીઓ માટે સિંહનો શિકાર એ 'શક્તિનું ખરૂ પ્રતિક' માનવામાં આવતું.

"એટલે જ એ સમયે સિંહોના સંરક્ષણની વાત જ સ્વીકાર્ય નહોતી."

જૂનાગઢનું રાજ્ય અને સિંહ

ઇમેજ કૅપ્શન,

રાધનપુરના નવાબ જલાલુદ્દિન ખાનજી સાથે જૂનાગઢના નવાબ મહાબતખાનજી(જમણે)

બાબી વંશના નવાબોનું નિઝાબ એટલે જૂનાગઢ સ્ટેટ. ગીરનું જંગલ જૂનાગઢના રાજની હદમાં આવતું અને અહીં જ એશિયાઈ સિંહોની 'અંતિમ વસાહત' હતી.

'ગીર ફૉરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધી એશિયાટિક લાયન'માં કરાયેલી નોંધ અનુસાર 1871માં જૂનાગઢના નવાબ મહાબતખાન બીજાએ એ વખતના બૉમ્બેના ગવર્નર સર સૅયમૉર ફિત્ઝગેરાલ્ડને ગીરના જંગલમાં શિકાર માટે આમંત્રણ આપ્યું હતું.

જોકે, સિંહના સંરક્ષણ ખરી શરૂઆત મહાબતખાનના પુત્ર રસુલ ખાને કરી.

નવાબ રસુલ ખાન બહુ મોટા શિકારી હતા. જોકે, એમણે ક્યારેય સિંહનો શિકાર નહોતો કર્યો.

એમના પુત્ર મહાબતખાન ત્રીજા પણ પિતાની માફક અઠંગ શિકારી હતા. જોકે, તેમણે પણ સિંહના શિકારથી પોતાની જાતને દૂર જ રાખી હતી.

સિંહ માટે પ્રથમ ચિંતા

ઇમેજ કૅપ્શન,

જૂનાગઢ સ્ટેટની લાઇબ્રેરી પર અંકિત સિંહની આકૃતિ

1870 સુધી એ સમયગાળો હતો કે જ્યારે સિંહના શિકાર માટે ઈનામો જાહેર કરવામાં આવતા. આ સમય દરમિયાન સિંહના શિકાર માટે નવાબની મંજૂરી પણ મળતી હતી.

જોકે, આ સમગ્ર ઘટનાક્રમમાં 'ટર્નિંગ પૉઇન્ટ' 1890માં આવ્યો, જ્યારે ડ્યુક ઑફ ક્લૅરન્સે ગીરની મુલાકાત લીધી. એ વખતે પ્રથમ વખત નવાબને ખ્યાલ આવ્યો કે સિંહના અસ્તિત્વ પર જોખમ તોળાઈ રહ્યું છે.

1900ની સાલમાં ગીરમાં શિકાર માટે આવેલા લૉર્ડ કર્ઝનને જ્યારે સિંહના અસ્તિત્વ પર તોળાઈ રહેલા ખતરા અંગે જાણ થઈ ત્યારે દાખલો બેસાવડા તેઓ જાતે જ સિંહના શિકારથી દૂર રહ્યા.

'બર્મા ગેમ પ્રિઝર્વેશન ઍસોસિયેશન'માં સિંહોને બચાવવા માટે કર્ઝને લખ્યું હતું, 'જો સિંહોને બચાવવામાં આપણે નિષ્ફળ રહ્યા તો ઇતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે.'

બ્રિટિશ ઇન્ડિયા દ્વારા લુપ્ત થવા આવેલા સિંહો અંગે કરાયેલી એ પ્રથમ ચિંતા હતી.

કારણ કે 'કાઠિયાવાડ ગૅઝેટિયર' અનુસાર 1884માં ગીરમાં 10થી 12 સિંહો જ બચ્યા હતા.

સિંહનું સંરક્ષણ અને જૂનાગઢના નવાબ

ઇમેજ કૅપ્શન,

જૂનાગઢ સ્ટેટનું રાજચિહ્ન

સિંહના અસ્તિત્વ પર તોળાઈ રહેલા જોખમનો ખ્યાલ આવતા જૂનાગઢ સ્ટેટે સિંહોને બચાવવા પગલાં લેવાનું શરૂ કરી દીધું.

એ વખતના એજન્સી નોટિફિકેશનમાં નવાબ મહાબતખાનજી બીજાએ પ્રજા અને યુરોપીયનોને સિંહનો શિકાર ના કરવાની ભલામણ કરી.

1920માં જૂનાગઢની ગાદી સંભાળનારા મહાબતખાન ત્રીજાએ સિંહને જૂનાગઢની અસ્મિતા સાથે જોડ્યા.

તેમણે સિંહને 'રાજ્યાશ્રય' આપ્યો અને સિંહનો શિકાર બંધ કરાવ્યો.

એમના શાસન દરમિયાન 13 વર્ષમાં માત્ર એક વખત જ સિંહનો શિકાર થયો.

નવાબ સામે સમસ્યા

જોકે, સિંહોના સંરક્ષણ સામે સૌથી મોટી સમસ્યા જૂનાગઢ રાજ્યના સિમાડાની હતી.

જૂનાગઢના રજવાડાએ તો સિંહના શિકાર પર પ્રતિબંધ લગાવી દીધો પણ બીજા રાજવીઓનું શું?

જૂનાગઢને અડીને આવેલા બીજા રજવાડાઓમાં બેરોકટોક સિંહનો શિકાર થતો હતો.

જૂનાગઢના સિમાડાની પેલે પાર રાજવીઓ માચડા બાંધતા અને સિંહોનો શિકાર કરતા.

જેના પર નવાબનો કોઈ જ અંકુશ નહોતો. એટલે જૂનાગઢના નવાબે બ્રિટિશ સરકાર સામે ધા નાખી, જેમાં તેમને બ્રિટિશ સરકારનું પીઠબળ મળ્યું.

આમ એક સમયે જે ગીરમાં માત્ર 10થી 12 સિંહો જ બચ્યા હતા, ત્યાં ધીમેધીમે સિંહોની વસતી વધવા લાગી.

1950 આવતા સુધીમાં સિંહોની સંખ્યા 200નો આંકડો પાર કરી ગઈ.

આઝાદી બાદની સ્થિતિ

ભારતને સ્વતંત્રતા મળતાં જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાણ જાહેર કર્યું અને તેઓ પાકિસ્તાન જતા રહ્યા.

'ગીર ફોરેસ્ટ ઍન્ડ સાગા ઑફ ધી એશિયાટિક લાયન'માં જણાવાયું છે કે મહાબતખાન પાકિસ્તાન જતા રહેતા ગીરના સિંહો નોંધારા થઈ ગયા.

સિંહોનો શિકાર ફરીથી શરૂ થયો. 1952માં 'ઇન્ડિયન બૉર્ડ ઑફ વાઇલ્ડ લાઇફ'ની રચના થઈ અને વન્યસંપદા બચાવવા માટેના કાયદાઓ અમલમાં આવ્યા.

જોકે, એનાથી શિકારીઓને ખાસ ફેર ના પડ્યો. 1983 સુધી શિકારના પરવાના મળતા રહ્યા અને અન્ય વન્યપ્રાણીઓ સાથે સિંહોનો પણ શિકાર થતો રહ્યો.

આખરે સરકારે છેક 1983માં ગીરના તમામ પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ ફરમાવી દીધો.

એશિયાઈ સિંહોનો ઇતિહાસ

9 જૂલાઈ 1969ના દિવસે ભારત સરકારે સિંહોને રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કર્યા હતા.

જોકે, 18 નવેમ્બર 1972ના રોજ આ સ્થાન વાઘને આપી દેવાયું.

આ રીતે અમુક વર્ષો સુધી ભારતના રાષ્ટ્રીય પ્રાણીનું બિરુદ હાંસલ કરનારા એશિયાઈ સિંહો ક્યારેક મધ્યપૂર્વ એશિયાથી લઈને પૂર્વ ભારત સુધી ફેલાયેલા હતા.

એ વખતે પૃથ્વી પર સિંહોની ત્રણ પ્રજાતિ અસ્તિત્વ ધરાવતી હતી.

એમાંની બે પ્રજાતિ આફ્રિકાના સહરાના રણ વિસ્તારના ઉત્તર અને દક્ષિણમાં તેની હાજરી નોંધાવતી હતી.

જ્યારે ત્રીજી પ્રજાતીનો વસવાટ મધ્યપૂર્વ એશિયાથી લઈને ભારત સુધી ફેલાયો હતો.

ત્રણ પ્રજાતિમાં સહરાના દક્ષિણ વિસ્તારમાં રહેતા સિંહો સૌથી ભાગ્યશાળી નિવડ્યા.

જ્યારે સહરાના ઉત્તરે વસતી પ્રજાતીને કિસ્મતનો સૌથી ઓછો સાથ મળ્યો અને તેઓ નામશેષ થઈ ગયા.

આમાંથી મધ્યપૂર્વ એશિયાથી લઈને ભારત સુધી ફેલાયેલા સિંહો એ જ ગીરના 'એશિયાટિક લાયન્સ'.

વર્તમાન સ્થિતિ

ગીરમાં વર્ષ 2011 દરમિયાન સિંહોની સંખ્યા 308 હતી. જે 2015 સુધીમાં 523 પર પહોંચી હતી. જોકે, વર્ષ 2020માં આ સંખ્યા 29 ટકા વધી છે 674 થઈ ગઈ છે.

વર્ષ 2020ની ગણતરી અનુસાર સિંહોનો રહેણાકવિસ્તાર 2015ના 22 હજાર સ્કૅવર કિલોમિટરથી વધીને 30 હજાર સ્ક્વૅર કિલોમિટર થઈ ગયો છે.

અહીં એ વાત પણ નોંધવી રહી કે આ પહેલાં ચીફ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ, જૂનાગઢ રેન્જે નવેમ્બર 2005માં રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે સિંહોની સંખ્યા વધી રહેલી હોવાથી પ્રોટેક્ટેડ એરીયા બનાવવાની જરૂર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો