ગુડ ફ્રાઇડેના દિવસે અહીં પ્રેયરની સાથે ખ્રિસ્તીઓ સાંભળે છે નારાયણ ઉપનિષદ

  • સંકેત સબનીસ અને રાહુલ રણસુભે
  • બીબીસી મરાઠી

ગુડ ફ્રાઇડે અને ઇસ્ટરના પર્વ પર ચર્ચમાં પ્રેયરનું ખૂબ મહત્ત્વ હોય છે.

પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ખ્રિસ્તીઓના પવિત્ર પર્વ પર હિંદુ ધર્મના સંસ્કૃત ઉપનિષદ ખ્રિસ્તીઓએ સાંભળવા મળ્યા હોય, અને એ પણ ચર્ચમાં..?

આવું થયું મહારાષ્ટ્રના ઘણા ચર્ચમાં. મુંબઈ સ્થિત ઘણા ચર્ચમાં નારાયણ ઉપનિષદ સંભળાવવામાં આવ્યા હતા અને આવું છેલ્લા ઘણાં વર્ષોથી ગુડ ફ્રાઇડેના અવસર પર કરવામાં આવે છે.

ચર્ચમાં નારાયણ ઉપનિષદના પાઠ પ્રેયરની સાથે સંભળાવવામાં આવ્યા હતા.

તમને આ પણ વાંચવું ગમશે

ચર્ચમાં આ અનોખો પ્રયાસ સ્વાધ્યાય પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે. આ એક હિંદુ આધ્યાત્મિક સંગઠન છે.

આ સંગઠનના સભ્યો ચર્ચમાં જઈને નારાયણ ઉપનિષદના પાઠ સંભળાવે છે. નારાયણ ઉપનિષદ વૈશ્વિક શાંતિ પર કેન્દ્રિત છે. આ પ્રયાસને ધાર્મિક એકતાના પ્રયાસરૂપે જોવામાં આવી રહ્યો છે.

1991માં અભિયાનની શરૂઆત થઈ હતી

અમોદ દાતાર સ્વાધ્યાય પરિવારના સભ્ય છે.

અમોદ પોતાના આ પ્રયાસ અંગે વાત કરતા કહે છે, "આ અભિયાનની શરૂઆત વર્ષ 1991માં પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ કરી હતી.

"ગુડફ્રાઇડેનો અવસર ખ્રિસ્તીઓ માટે દુઃખનો અવસર છે. ઉપનિષદની મદદથી ખ્રિસ્તીઓના દુઃખમાં અમે તેમનો સાથ આપીએ છીએ.

"બીજી વાત એ કે પ્રાર્થનાને મતભેદ દૂર કરવાનું માધ્યમ માનવી જોઈએ."

તેઓ ઉમેરે છે, "નારાયણ ઉપનિષદ વૈશ્વિક શાંતિ પર કેન્દ્રિત છે.

"તૈતિર્ય અરન્યકા નારાયણ ઉપનિષદનું 10મું પ્રકરણ છે અને તે સંસ્કૃતમાં લખાયેલું છે.

"ખ્રિસ્તીઓએ આ વાતનો ક્યારેય વાંધો ઉઠાવ્યો નથી. અમને ખ્રિસ્તીઓ પાસેથી પુરો સહકાર મળ્યો છે."

વીડિયો કૅપ્શન,

અહીં હિંદુઓના માન ખાતર મુસ્લિમો બીફ નથી ખાતા!

દાતાર નારાયણ ઉપનિષદનો પહેલો મંત્ર છે:

सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवम् ।

विश्वं नारायणं देवम् अक्षरं परमं पदम्।।

विश्वतः परमान्नित्यं विश्वं नारायणं हरिम् ।

विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति।।"

તેનો મતલબ છે, "નારાયણના હજારો માથા છે, તેમની અસંખ્ય આંખો છે, જે દુનિયાના સારા કર્મો પર નજર રાખે છે.

"તેમની અંદર વિશ્વ સમાયેલું છે, તેઓ સૌથી મોટા છે. તેમની પૂજા થવી જોઈએ. નારાયણ પાપનો નાશ કરે છે.

"તેઓ સર્વશક્તિમાન છે. તે છતાં તેઓ દુનિયા સાથે જોડાયેલા છે. એટલે તેમની પૂજા થવી જોઈએ."

મહારાષ્ટ્રના જુદાજુદા ચર્ચમાં કાર્યક્રમ

કેથલિક પાદરી ફાધર ફ્રાન્સિસ ડિબ્રિટોએ પણ આ પ્રયાસનું સ્વાગત કર્યું છે.

બીબીસી સાથે વાત કરતા તેઓ કહે છે, "ભારત બહુસંસ્કૃતિ, બહુભાષી, બહુધર્મી દેશ છે.

બધા અલગઅલગ રીતે ઇશ્વરની પૂજા કરે છે અને પ્રાર્થના કરે છે. આ વિવિધતાની સુંદરતા છે. પણ આ વિવિધતા બે ધર્મો વચ્ચે દુશ્મનીનું કારણ ન બનવી જોઈએ."

તેઓ ઉમેરે છે, "એકબીજાને મળીને, ખુશી વહેંચવી મહત્ત્વપૂર્ણ છે. તેનાથી સંબંધો મજબૂત બને છે અને મનમેળનું વાતાવરણ ઊભું થાય છે.

"એ જ કારણ છે કે અમે સ્વાધ્યાય પરિવારના પ્રયાસનું સ્વાગત કરીએ છીએ. તેઓ ગુડ ફ્રાઇડેના દિવસે અમારી પાસે આવે છે. અમે પણ દિવાળીના દિવસે તેમની પાસે જઈએ છીએ."

આ વર્ષે 30 માર્ચના રોજ મહારાષ્ટ્રના અનેક ચર્ચમાં કાર્યક્રમનું આયોજન થયું હતું.

2010થી ચર્ચમાં સંભળાવાય છે ઉપનિષદ

મહારાષ્ટ્રના રાજગઢ જિલ્લા સ્થિત 'અવર લેડી ઑફ ફાતિમા' ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓ એકત્ર થયા હતા. સ્વાધ્યાય પરિવારના સભ્યોએ પણ તેમનો સાથ આપ્યો હતો.

પ્રેયર બાદ સ્વાધ્યાય પરિવારના સભ્યોએ નારાયણ ઉપનિષદ સંભળાવ્યા હતા. આ અવસર પર ફાધર કેલિસ્ટસ ફર્નાન્ડીસ પણ હાજર રહ્યા હતા.

તેઓ કહે છે, "સ્વાધ્યાય પરિવારના સભ્યો વર્ષ 2010થી નારાયણ ઉપનિષદ વાંચીને સંભળાવે છે.

"અમે તેમનું ખુલ્લા મને સ્વાગત કરીએ છીએ. ખ્રિસ્તીઓ આ પ્રકારના ઉપનિષદનો ક્યારેય વિરોધ કરતા નથી. તેઓ ખૂબ સકારાત્મક છે.

"ભારતીય સંસ્કૃતિ મુજબ અમે આ પ્રકારની પ્રાર્થનાનું સ્વાગત કરીએ છીએ."

અમોદ દાતાર પાસેથી મળેલી માહિતી અનુસાર, વર્ષ 2016માં 98 ચર્ચ, અને વર્ષ 2017માં 114 ચર્ચમાં આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થયું હતું.

મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પૂણે, નાસિક અને ઔરંગાબાદ સિવાય ગુજરાતના અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં પણ આ પ્રકારના કાર્યક્રમનું આયોજન થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો