Top News : એસસી-એસટી એક્ટ કેસ મુદ્દે ઓપન કોર્ટમાં સુનાવણી માટે સુપ્રીમ તૈયાર

સુપ્રીમ કોર્ટની તસવીર

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર એસસી-એસટી એક્ટમાં ધરપકડ પૂર્વે તપાસ અનિવાર્ય કરવાના નિર્ણય મામલે આજે સુપ્રીમ કોર્ટમાં બે વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે.

જાહેરમાં સુનાવણી કરવા માટે એટર્ની જનરલની અપીલનો કોર્ટે સ્વીકાર કરી લીધો છે.

સુપ્રીમમાં એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કહ્યું કે આજે જ સુનાવણી કરવામાં આવે.

આ વાત પર ન્યાયમૂર્તિ આદર્શ ગોપાલે કહ્યું કે તેઓ 'ઓપન' કોર્ટમાં સુનાવણી માટે તૈયાર છે, તેમાં કોઈ પરેશાની નથી પણ સુનાવણી એ જ પીઠ કરશે જેમણે નિર્ણય સંભળાવ્યો હતો.

ન્યાયમૂર્તિ ગોયલે કહ્યું કે પીઠના ગઠન માટે મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ રજૂઆત કરવામાં આવે.

કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલે આજે જ બે વાગ્યે સુનાવણી કરવાની માગણી કરી હતી.

એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટમાં કહ્યું કે દેશમાં કાયદો અને વ્યવસ્થા ખરાબ થઈ રહી છે. આથી તેની સુનાવણી આજે જ થવી જોઈએ.

કોર્ટે આ વાત સ્વીકારી લીધી જોકે, 'અમિક્સ ક્યૂરીટ અમરેન્દ્ર શરણે તેનો વિરોધ કર્યો હતો.

સુનાવણી બાદ મુખ્ય ન્યાયમૂર્તિએ કહ્યું કે અગાઉની પીઠ જ તેની સુનાવણી કરશે. આથી નિર્ણય પણ આ જ પીઠ સંભળાવશે.

અમેરિકાએ ચીન દ્વારા નાખવામાં આવેલા કરની ટીકા કરી

ચીને ડુક્કરનું માંસ અને વાઇન સહિતની અમેરિકીની 128 પ્રોડક્ટ્સ પર આયાત ડ્યૂટી લાદી છે. આથી અમેરિકા દ્વારા ચીનની ટીકા કરવામાં આવી છે.

ખરેખર 8મી માર્ચે અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ડ્યૂટી લાદી હતી. જે માટે વ્હાઇટ હાઉસે રાષ્ટ્રીય સુરક્ષાના પરિબળને જવાબદાર ગણાવ્યું હતું.

જેને પગલે ચીન દ્વારા એ સમયે અમેરિકાની ટીકા કરવામાં આવી હતી.

આથી વળતા જવાબરૂપે ચીને અમેરિકાથી આયાત કરાતા સામાન પર 25 ટકા જેટલી ડ્યૂટી લાગુ કરી છે.

આ નિર્ણયની વ્હાઇટ હાઉસ દ્વારા ટીકા કરવામાં આવી છે.

વળી બીજી તરફ ચીને રાષ્ટ્રીય હિતો અને અમેરિકા દ્વારા લાગુ નવા 'ટેરિફ'ના કારણે થયેલા નુકશાનને સરભર કરવા માટે આ પગલા લીધા હોવાનું જણાવ્યું.

આમ બન્ને દેશો વચ્ચેના ટ્રેડ વોરને પગલે અમેરિકી અને એશિયન શેર બજારોમાં તેની અસર વર્તાઈ છે.

ફેક ન્યૂઝ ફેલાવનારા પત્રકારને બ્લેક લિસ્ટ કરવામાં આવશે

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર હવે સરકારે 'ફેક ન્યૂઝ' આપનાર અથવા તેનો પ્રચાર કરનાર પત્રકારને 'બ્લેકલિસ્ટ' કરવા માટે તૈયારી કરી છે.

સૂચના અને પ્રસારણ મંત્રાલયે પત્રકારોના 'એક્રેડિટેશન' માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે.

સુધારા અંતર્ગત જો કોઈ પત્રકાર ખોટા ન્યૂઝ બનાવતો કે તેનો પ્રચાર કરતો પકડાશે તો તેમનું 'એક્રેડિટેશન' સસ્પેન્ડ કરાશે અથવા હંમેશાં માટે રદ કરવામાં આવશે.

આ અંગે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલિઝ અનુસાર અખબાર અને ઇલેક્ટ્રોનિક મીડિયાનું નિયમન કરતી બે સંસ્થાઓ 'પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા' અને 'ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન' નક્કી કરશે કે ન્યૂઝ સાચા છે કે ખોટા(ફેક) છે.

'મૌસૂલના મૃતકોના પરિવારને વળતર આપવું બિસ્કિટ વહેંચવાનું કામ નથી'

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ઇરાકના મૌસૂલમાં ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ દ્વારા મારી નાખવામાં આવેલા ભારતીય નાગરિકોના અવશેષ લઈને રાજ્યકક્ષાના વિદેશમંત્રી વી.કે.સિંહ ભારત આવી પહોંચ્યા હતા.

પણ તેમણે પંજાબમાં અમૃતસર ઍરપૉર્ટ પર તેમણે આપેલાં નિવેદનને પગલે વિવાદ સર્જાયો છે.

ઍરપૉર્ટ પર મૃતકોના પરિજનો તરફથી વળતરની માગ અંગે વી. કે. સિંહને સવાલ પૂછાતા તેમણે જવાબમાં કહ્યું, "આ કંઈ બિસ્કિટ વહેંચવાનું કામ નથી."

તેમના આ નિવેદન બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકારની ટીકા કરી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આ બિસ્કિટ વહેંચવાનું કામ નથી. આ લોકોના જીવનનો સવાલ છે."

"તમને સમજ પડી કે નહીં? હું હમણા જાહેરાત કઈ રીતે કરું? મારા ખિસ્સામાં કોઈ ખજાનો થોડો છે?"

આથી કોંગ્રેસના રણદીપ સૂરજેવાલે નિવેદનની ટીકા કરતા કહ્યું કે વી .કે. સિંહ વળતરને બિસ્કિટ સાથે સરખાવીને મૃતકોના પરિજનોના ઘા પર નમક લગાવવાનું કામ કરી રહ્યા છે.

નેલ્સન મંડેલાના પત્નીનું નિધન

દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આઇકોનિક નેતા નેલ્સન મંડેલાના પત્ની વિન્ની મંડેલાનું 81 વર્ષની વયે નિધન થયું છે. લાંબી માંદગી બાદ તેમનું નિધન થયું છે.

નેલ્સન મંડેલા જેલમાં હતા તે દરમિયાન તેમણે મોરચો સંભાળ્યો હતો.

તેમના નિધન અંગે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સીરીલ રામાફોસાએ કહ્યું,"વિન્ની મંડેલા ખૂબ જ મોટો વારસો છોડી ગયા છે."

"દક્ષિણ આફ્રિકામાં એક મોટું વૃક્ષ ધરાશાયી થયું છે. તેમણે દક્ષિણ આફ્રિકાના લોકોનાં કલ્યાણ માટે ઘણો જ સંઘર્ષ કર્યો હતો. જેલ પણ ગયાં હતાં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો