ભારત બંધ : મોદી-હાર્દિક સહિતના નેતાઓએ શું ટ્વીટ કર્યું?

દલિત કાર્યકર્તાઓની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ભારત બંધના દિવસે દેશમાં આંદોલન અને હિંસાના બનાવ નોંધાઈ રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદી અને હાર્દિક પટેલ સહિતના અન્ય નેતાઓએ આ દિવસે ટ્વિટર મારફતે આ અંગે પ્રતિક્રિયાઓ આપી હતી.

જોકે, કેટલાકે ટ્વિટર પર આ મામલે કોઈપણ પ્રતિક્રિયા નહોતી આપી.

અત્રે નોંધવું રહ્યું કે એસસી-એસટી એક્ટ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને પગલે નારાજ દલિત સમુદાયે સોમવારે ભારત બંધનું એલાન કર્યું હતું.

ભારત બંધ સમયે થયેલા આ આંદોલનમાં આઠ લોકોના મૃત્યુ થયા હતા અને કેટલાક રાજ્યોમાં વાહનોને આગચંપી પણ કરાઈ હતી.

ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ તેની માઠી અસરો વર્તાઈ હતી.

ગુજરાતમાંથી ભારત બંધના એલાનને જિગ્નશ મેવાણીએ સમર્થન જાહેર કર્યું હતું.

વળી બીજી તરફ ઘણી વાર કાર્યક્રમોમાં એક સાથે જોવા મળતા દલિત નેતા જિગ્નેશ મેવાણી અને પાટીદાર નેતા હાર્દિક પટેલે આંદોલન માટે ટ્વિટર પર પ્રતિક્રિયાઓ આપી હતી.

હાર્દિક પટેલની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images

હાર્દિક પટેલે 2જી એપ્રિલના રોજ ટ્વીટ કર્યું હતું કે ગુજરાતમાં પટેલ અનામત આંદોલન વખતે દર વખતે કલમ-144 લાગુ કરવાવાળો ભાજપ આટલી મોટી હિંસા બાદ પણ કલમ-144 કેમ લાગુ નથી કરી રહી.

તેમણે વધુમાં લખ્યું કે આવી બેવડા ધોરણોની રાજનીતિ પર શરમ આવી જોઈએ. અધિકારના નામે ગુંડાઓ હિંસા કરે, તો તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ.

પછી તે પટેલ અનામત આંદોલન હોય કે એસસી-એસટી આંદોલન હોય.

એક અન્ય ટ્વીટમાં હાર્દિક પટેલે લખ્યું, "પટેલ, ગુર્જર, જાટ અને મરાઠા આંદોલન સમયે સુપ્રીમ કોર્ટના (અનામત મામલેના ચુકાદા)ના સંદર્ભ આપીને સલાહ આપવામાં આવતી હતી.

"હું કોઈનો વિરોધી નથી પણ અમે ખેડૂત છીએ. અમે પણ નાગરિક છીએ.

"એસસી-એસટી સમુદાની માગણીથી અમને કોઈ વાંધો નથી પણ દેશમાં રાજનીતિ કરનારાઓથી નફરત છે. અમને અધિકાર જોઈએ."

આંદોલન સમયે કરેલા આ પ્રકારના ટ્વીટ હાર્દિક પટેલની પ્રતિક્રિયા દલિત આંદોલન અંગે સરકારની નીતિ પર સવાલ ઉઠવ્યા.

દરમિયાન આંદોલન બાબતેની પ્રતિક્રિયા અંગે બીબીસી સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે જણાવ્યું, "અમે દલિત આંદોલનના વિરોધમાં નથી. દરેકને અધિકાર માગવાનો હક છે."

જોકે, કેટલાક લોકો સુપ્રીમ કોર્ટના નિર્ણયને યોગ્ય પણ ગણાવી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

હાર્દિક પટેલ આંદોલન વિશે વધુમાં કહ્યું, "મારું કહેવું એમ છે કે પટેલ, ગુર્જર કે જાટ આંદોલન હોય ત્યારે તેમની પર અત્યાચાર કરવામાં આવ્યો અને કલમો લગાવી કેસ કરવામાં આવ્યા.

"પણ અહીં આંદોલન અને પોલીસ કાર્યવાહી મામલે સરકારના વલણથી હું અસંતુષ્ટ છું.

"ખરેખર લોકસભાની 150 બેઠકો પ્રભાવિત થતા દબાણમાં આવીને સરકારે આ કેસમાં રિવ્યૂ પિટિશન દાખલ કરી છે.

"દરેકને સમાન અધિકાર હોવો જોઈએ, જ્યારે પાટીદાર અનામત આંદોલન થઈ રહ્યું હતું, ત્યારે સુપ્રીમ કોર્ટના ચુકાદાની સલાહ આપવામાં આવતી હતી.

"પણ હવે જ્યારે આ કેસમાં સુપ્રીમ કોર્ટનો જ ચુકાદો છે, તેમ છતાં રિવ્યૂ પિટિશન દાખલ કરી છે.

"દલિત આંદોલનમાં આઠથી નવ લોકોના મૃત્યુ થયા છે. તો શું આટલા મૃત્યુ પછી જ રિવ્યૂ પિટિશન દાખલ કરવી જોઈએ?

"શું પાટીદાર આંદોલનમાં આવું થયું હોત પછી જ રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી હોત?"

દલિત આંદોલન મામલે તેમના સૂર જિગ્નેશ મેવાણીથી અલગ હોવા અંગે પૂછતા તેમણે કહ્યું, "હું રાજનીતિ નથી કરતો, જે હોય તે સાચું કહું છું"

જિગ્નેશ મેવાણીએ શું ટ્વીટ કર્યું?

ભારત બંધના દિવસે આંદોલન વેળા જિગ્નેશ મેવાણીએ ટ્વીટ કર્યું, "રામ વિલાસ પાસવાન - સુપ્રીમના ચુકાદાથી દલિતોને યોગ્ય નથી લાગ્યો.

"તમે ભાજપની ચાપલૂસી નહીં કરો. વાત સારી લાગવાની નથી વાત છે કે આનાથી દલિતોનું સારું નહીં થશે."

વળી 31 માર્ચના રોજ જિગ્નેશ મેવાણીએ દલિત સમુદાયના ભારત બંધના એલાનને સમર્થન જાહેર કર્યું હતું.

તેમણે 2જી એપ્રિલે સમર્થકોને અમદાવાદના સારંગપુર એકઠા થવાનું આહ્વાન કર્યું હતું અને 2જી તારીખે ભેગા થઈ તેમણે આંદોલન કર્યુ હતું.

ઓબીસી નેતા એલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા

ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરે ટ્વીટ કર્યું, "જ્યારે કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ સામે પ્લાસ્ટિક બુલેટનો ઉપયોગ કરો છો.

"આજે અમારા દલિતો બંધારણીય માગણીઓ સાથે શાંતિપૂર્ણ ભારત બંધ પાળી રહ્યા છે, તો તેમના પર અંધાધૂંધ ગોળીબાર કરવો વાજબી છે?

"શું નરેન્દ્ર મોદી ફરીથી દલિતોને ભૂલી ગયા? શું ભાજપ દલિતોને આતંકવાદી સમજે છે?"

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પીએમઓનું ટ્વીટ

દરમિયાન ભારત બંધના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદ્મ એવૉર્ડના સમારોહ વિશે ટ્વીટ કર્યું હતું.

તેમણે લખ્યું, "125 કરોડ દેશવાસીઓને પદ્મ એવૉર્ડથી સન્માનિત થનારી હસ્તીઓ પર ગર્વ છે. તેમની ઉપલબ્ધીઓથી નાગરિકોને પ્રેરણા મળશે."

જ્યારે વડાપ્રધાન કચેરીએ પણ આ જ વિષય પર ટ્વીટ કર્યું હતું.

જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાનનું પદ્મ એવૉર્ડથી સન્માન કરાયું તે અંગે ભારતીયોના ગૌરવની વાત કહેવામાં આવી.

અમિત શાહે શું કહ્યું?

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દલિત આંદોલન વિશે ટ્વિટ કર્યું:

"એસસી-એસટી એટ્રોસીટી એક્ટ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારથી જ તરજ જ કેન્દ્ર સરકારે સક્રિયતા દાખવી.

"કેન્દ્ર સરકારે દલિતોના અધિકારની રક્ષા માટે રિવ્યૂ પિટિશન દાખલ કરી."

રાહુલ ગાંધીએ ભાજપની ટીકા કરી

ઇમેજ સ્રોત, Getty Images

દરમિયાન સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ મામલે મોદી સરકારની ટીકા કરી હતી.

તેમણે પ્રતિક્રિયારૂપે ટ્વીટ કરીને કહ્યું,"દલિતોને સૈથી નીચલા સ્તરે રાખવાનું ભાજપના ડીએનએમાં જ છે.

"જે પણ લોકો આ બાબતને પડકારે છે તેને હિંસાથી દબાવી દેવામાં આવે છે.

"હજારો દલિત ભાઈબહેનો આજે રસ્તા પર ઉતરીને મોદી સરકાર પાસેથી અધિકારોની રક્ષાની માગ કરી રહ્યા છે."

ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીનું ટ્વીટ

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી ગુજરાતના લેખક-પત્રકારને પદ્મ શ્રી એવૉર્ડ મળ્યો તેની શુભેચ્છા સંબંધિત ટ્વીટ કર્યું હતું.

જ્યારે મુખ્યમંત્રીમા સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી દલિત આંદોલન મામલે ટ્વીટ કરવામાં આવ્યું હતું.

આ ટ્વીટમાં એસસી-એસટી એટ્રોસિટી એક્ટ મામલે રિવ્યૂ પિટિશનની વાત કરવામાં આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ-ભાજપની પ્રતિક્રિયા

ગુજરાત કોંગ્રેસે ભારત બંધને ગુજરાતમાં અભૂતપૂર્વ સફળતા મળી હોવા અંગે ટ્વીટ કર્યું હતું.

જ્યારે ભાજપે કોંગ્રેસના શાસનમાં દલિતો પર થયેલા કથિત અત્યાચારો સંબંધિત બનાવો અંગે ટ્વીટ કર્યું હતું.

વધુમાં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના મુખ્યય નેતા પરેશ ધાનાણીના ટ્વિટર એકાઉન્ટ પર આ અંગેનું કોઈ ટ્વીટ ન હતું.

તેમનું છેલ્લું ટ્વીટ માર્ચના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં તેમણે ગુજરાત કોંગ્રેસના નવ-નિયુક્ત પ્રમુખ અમિત ચાવડાએ અભિનંદન આપ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો