એસસી-એસટી એક્ટ સંબંધી આદેશ પર સ્ટે આપવાનો સુપ્રીમ કોર્ટનો ઈનકાર

સુપ્રીમ કોર્ટની ઈમારતનો ફોટોગ્રાફ

સુપ્રીમ કોર્ટે શેડ્યૂલ્ડ કાસ્ટ્સ એન્ડ શેડ્યૂલ્ડ ટ્રાઈબ્ઝ (પ્રિવેન્શન ઑફ એટ્રોસિટિઝ) એક્ટની ચોક્કસ જોગવાઈઓને હળવી બનાવવા વિશેના પોતાના 20 માર્ચના આદેશના અમલ સામે સ્ટે આપવાનો ઇન્કાર કર્યો છે.

જોકે, ગયા મહિને આપેલા પોતાના ચુકાદા વિશે સુપ્રીમ કોર્ટ દસ દિવસ બાદ આગામી સુનાવણી વખતે પુનર્વિચારણા કરશે.

આ સંબંધે બે દિવસમાં લેખિત રજૂઆત ફાઇલ કરવાનો આદેશ સર્વોચ્ચ અદાલતે પક્ષકારોને આપ્યો છે.

નિર્દોષને સજા નહીં

કેન્દ્ર સરકારે દાખલ કરેલી રિવ્યૂ પિટિશન વિશે એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલની દલીલો સાંભળ્યા બાદ અદાલતે જણાવ્યું હતું કે અમે કાયદાની વિરુદ્ધમાં નથી પણ નિર્દોષ લોકોને સજા થવી ન જોઈએ.

એસસી-એસટી એક્ટ હેઠળ આપોઆપ ગુનો નોંધવા અને આરોપીઓની ધરપકડ પર પ્રતિબંધ મૂકતા સર્વોચ્ચ અદાલતના આદેશ બાબતે પુનર્વિચારણાની વિનંતી કરતી અરજી કેન્દ્ર સરકારે સોમવારે દાખલ કરી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદ દાખલ થતાંની સાથે જ આરોપીની ધરપકડ કરવાની જોગવાઈ એસસી-એસટી એક્ટમાં નથી.

અમારો ચુકાદો એસસી-એસટી એક્ટની જોગવાઈઓ કે નિયમોને હળવા બનાવતો નથી.

પ્રક્રિયા અનુસાર અમલ કરો

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે "અમે એસસી-એસટી એક્ટની જોગવાઈને હળવી બનાવી નથી.

"અમે ધરપકડ સંબંધે નિર્દોષ લોકોના હિતનું રક્ષણ કર્યું છે. આ કાયદાની જોગવાઈઓનો ઉપયોગ નિર્દોષ લોકોને ભયભીત કરવા માટે કરી ન શકાય."

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એમ પણ જણાવ્યું, "એસસી-એસટી એક્ટ એક સ્વતંત્ર કાયદો છે.

"અમે માત્ર એટલું જ જણાવ્યું છે કે તેનો અમલ ક્રિમિનલ પ્રોસિજર કોડમાં દર્શાવેલા પ્રક્રિયાત્મક કાયદા અનુસાર થવો જોઈએ."

સુપ્રીમ કોર્ટે 20 માર્ચે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે સત્તાવાર મંજૂરી વિના સરકારી કર્મચારી સામે કામ ચલાવી શકાય નહીં.

ખાનગી નાગરિકની ધરપકડ પણ કાયદા અનુસાર તપાસ થાય પછી જ થવી જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો